બે ગઝલ – ખલીલ ધનતેજવી Nov8 (૧) . ભીતર પરપોટા ફૂટે છે, દિલની નાજુક નસ તૂટે છે. . ફાંટ ભરીને આપ્યું તોયે, દાનતમાં મુઠ્ઠી ખૂટે છે. . વેરભાવ સૌ છોડી બેઠા, ગાંઠ હજી પણ ક્યાં છૂટે છે. . એમ ફટાફટ બોલી દો છો, જાણે કે ધાણી ફૂટે છે. . રાખ ખલીલ અત્તરનો ફાયો, માણસમાં ખુશબો ખૂટે છે. . (૨) . આ બધા ઠાઠબાટ રહેવા દે, જિન્દગીને સપાટ રહેવા દે. . કોક મહેમાન અચાનક આવે, ઓસરીમાં જ ખાટ રહેવા દે. . જા સજાવી દે ઘર નવેસરથી, માત્ર જૂનું કબાટ રહેવા દે. . ખોડીબારું જ એક પૂરતું છે, બંધ આ ગાડાવાટ રહેવા દે. . એ ખલીલ આવશે સમી સાંજે, ભરબપોરે ઉચાટ રહેવા દે. . ( ખલીલ ધનતેજવી )
Nice