ભાતીગળ ઓરતાનું લીલુંછમ્મ ગીત – લાલજી કાનપરિયા

.

ખેતરને નીંદવા કેમ કરી જાઉં ? મને પજવે છે લીલ્લોછમ્મ મોલ

શેઢાના ઘાસ પર પગલાં માંડું તો મને સંભળાતા વ્હાલમના બોલ !

 .

ઓણસાલ મેંદીના બદલે રંગાવી મેં તો પાનીને લીલુડા રંગથી

ઝાકળની જેમ મારા સપનાં ઊડે ના એવી માનતઓ માની ઉમંગથી.

 .

આભ થકી વરસતા ટહુકે ટહુકે હું તો ભીંજાતી કાંઈ માથાબોળ !

ખેતરને નીંદવા કેમ કરી જાઉં ? મને પજવે છે લીલ્લોછમ્મ મોલ.

 .

બધાંયે કામ પછી પડતાં મૂકીને કાંઈ પતંગિયાની પાછળ હું દોડતી

પતંગિયાંની પાંખ જેવાં ભાતીગળ ઓરતાઓ લોહીની વચાળે હું ચોડતી !

 .

પંખીના ટહુકામાં સાંભળું શરણાઈ અને વાદળના ગર્જનમાં ઢોલ !

ખેતરને નીંદવા કેમ કરી જાઉં ? મને પજવે છે લીલ્લોછમ્મ મોલ

 .

( લાલજી કાનપરિયા )

Share this

2 replies on “ભાતીગળ ઓરતાનું લીલુંછમ્મ ગીત – લાલજી કાનપરિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.