મારા ઘરની બારી બહાર – પન્ના નાયક
.
મારા ઘરની બારી બહારનું વૃક્ષ
હવે
પાનખરનાં એંધાણ આપે છે.
એ વૃક્ષનાં
અડધાં લીલાં, અડધાં પીળાં
ને
વધુ તો રતુંબડાં પાંદડાં
તડકામાં લહેરાય છે.
પવન આવે ત્યારે
રતુંબડાં પાંદડાં
ચોક્કસ સમયે જ
ખરખર ખરે છે.
વૃક્ષ પરથી ખરવાના સમયની
એમને કેવી રીતે ખબર પડતી હશે ?
વૃક્ષથી અળગા થવું એટલે શું ?-
એની એમને ખબર હશે?
ભર ઉનાળાની જાહોજલાલી માણીને
અળગા થતી વખતે
પાંદડાંને અને વૃક્ષને શું થતું હશે ?
.
મારા શરીર પરનાં પાન પણ
હવે
લીલામાંથી થોડાં પીળાં, થોડાં રતુંબડાં થવા માંડ્યાં છે.
એ ખરેખર ખરે
એ પહેલાં
મનમાં ઢબુરી રાખેલી
કેટલીય વાત
મારે મારા સ્વજનને કહેવી છે.
ક્ષુલ્લક વસ્તુઓથી ભરેલો ભંડાર ખાલી કરવો છે.
આ સંઘરો શેને માટે ? કોને માટે ?
અને
વસાવેલાં પુસ્તકોના લેખકોના ડહાપણમાંથી
મોડે મોડે વાંચી લેવી છે
એમણે આપેલી
અંતની શરૂઆતની સમજ.
દરમિયાન,
ચૂકી નથી જવી
આ ખુશનુમા સવારે
બારી બહારની
બદલાતા રંગોની છટા.
.
( પન્ના નાયક )
હૃદયસ્પર્શી રચના…છેલ્લે છેલ્લે એમ પણ ઘણું બધું એક સાથે યાદ આવતું હોય છે કરવાને જે આજીવન આપણે અવગણતા રહ્યા હોઈએ છીએ જાણી જોઇને…
હૃદયસ્પર્શી રચના…છેલ્લે છેલ્લે એમ પણ ઘણું બધું એક સાથે યાદ આવતું હોય છે કરવાને જે આજીવન આપણે અવગણતા રહ્યા હોઈએ છીએ જાણી જોઇને…
પન્ના નાયક તેમની કૃતિ દ્વારા જીવનના માર્મિક રહસ્યો ને સમાજ તરફ ખુલ્લા કરે છે … ખૂબજ સુંદર રચના !
પન્ના નાયક તેમની કૃતિ દ્વારા જીવનના માર્મિક રહસ્યો ને સમાજ તરફ ખુલ્લા કરે છે … ખૂબજ સુંદર રચના !
હીનાબહેન,
મારું કાવ્ય તમને ગમ્યું એથી ખૂબ રાજી થઈ. તમારી સાઈટ સરસ છે. તમારો ઇ-મેઈલ મોકલશો?
પન્ના નાયક
હીનાબહેન,
મારું કાવ્ય તમને ગમ્યું એથી ખૂબ રાજી થઈ. તમારી સાઈટ સરસ છે. તમારો ઇ-મેઈલ મોકલશો?
પન્ના નાયક