નવાઈ છે ને ! – મુકેશ જોષી

.

સહુ પોતાના ટાપુ ઉપર સાવ એકલા શ્વાસ વિતાવે નવાઈ છે ને !

દિવસ નામનો છિદ્રાવાળો ફુગ્ગો સહુએ રોજ ફુલાવે નવાઈ છે ને !

 .

કૂણો કોઈ છોડ ઊગે તો લીલું લીલું તાક્યા કરતી આંખો ક્યાં છે

દાદા જેવો આંબો કાપી ખુરશી એની લોક બનાવે નવાઈ છે ને !

 .

મંદિરની બંધાતી વેળા દાન કરે એવું કે લોકો નમન કરે

રોજ પછી મંદિરમાં જઈને તકતીનાં દર્શન કરી આવે નવાઈ છે ને !

 .

બે ઘડી એ જાય બગીચે, સળવળ હાથે ઘાસનાં તરણાં તોડી નાખે

ઘેરે આવી તુલસીક્યારે પાણી રેડી હાથ નમાવે નવાઈ છે ને !

 .

ગરીબ કોઈ શાયર સામે રૂપિયાનું પરચૂરણ વેરી ગઝલ લખાવે

જે પોતાનાં હોય નહીં એ અશ્રુ ખુદને નામ છપાવે નવાઈ છે ને !

 .

( મુકેશ જોષી )

Share this

6 replies on “નવાઈ છે ને ! – મુકેશ જોષી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.