પ્રેમ – ઓશો

.

બુદ્ધિ પાપોથી ભરી હોય,

તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે.

જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો,

તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે.

તેનું સુખ તમારું સુખ,

તેનું દુ:ખ તમારું દુ:ખ

તેના જીવન અને તમારી વચ્ચેની

સીમા તૂટી ગઈ.

તમે એક-બીજામાં વહો છો.

જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને

પરમાત્મા વચ્ચે ઘટે છે,

તો તેનું નામ પ્રાર્થના,

આરાધના, પૂજા, ભક્તિ

એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.

 .

.

જો પ્રેમની સંપદા તમારી પાસે હોય,

તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી,

પ્રેમ પોતે જ પર્યાપ્ત છે.

પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.

જો તમે પ્રેમ કરી શકો,

તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,

તમે ઉત્સવ મનાવી શકશો.

આ અસ્તિત્વ પ્રત્યે

તમે અનુગ્રહિત થઈ જશો.

જો તમે પ્રેમ કરવા સમર્થ છો,

તો પ્રેમ જ આશિષ બની જાય છે.

.

( ઓશો )

ઝંખના – પલ્લવી શાહ

.

ક્યાંથી બંધાઈ જાય છે આ બંધનો ? આજે કાંઈ નથી, ગઈકાલે કાંઈ ન હતું અને અચાનક પળ એવી આવી અને આપણે આ લાગણીના બંધનમાં બંધાઈ ગયાં. પછી એ લાગણીની માયા એવી લાગી જાય છે કે જે ગઈકાલે કાંઈ ન હતું એ આજે, આ પળે સર્વસ્વ થઈ જાય છે. આપણે પણ આવા કોઈ બંધનમાં બંધાઈ ગયાં અને મેં મારું સર્વસ્વ તને સોંપ્યું. મારો ભુતકાળ એક વાર્તા બની ગયો અને વર્તમાન એક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. ખબર નહિ કેમ આનંદ આનંદ ચારે તરફ વ્યાપી ગયો. અંગે અંગમાં વ્યાપી ગયો અને પવનના દરેકે દરેક કણ ઉપર મેં આપણાં નામ લખી નાખ્યાં. હવે આ પવન દરેકના કાનમાં જઈ આપણા નામની ફૂંક મારી આવે છે. દરેકે દરેક જણને ક્ષિતિજ ઉપર આપણા નામની રંગોળીઓ પૂરે છે. તને ગમે છે ને ?

.

.

જ્યારે જ્યારે હું તને મારા શબ્દો વડે શણગારવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારી પાસે શબ્દભંડોળ ખૂટી જાય છે.

.

જ્યારે જ્યારે હું તને મારા વિચારો દ્વારા શણગારવાનો પ્રયત્ન કરું છું ત્યારે હું વિચારો કરતાં કરતાં સૂઈ જાઉં છું.

 .

જ્યારે જ્યારે હું તારી સમક્ષ મારાં ગીતો ગાઉં છું ત્યારે ત્યારે હું અપલક તને નિરખ્યા કરું છું અને મારું ગાન ભૂલી તારામાં તન્મય થઈ જાઉં છું.

 .

હું વિચારું છૂં, કોણ છે તું ? જે મને મારું બધું ભુલાવી દે છે, હું જાગું છું, હું ઉઠું છું, ચાલુ છું બસ જ્યાં જાઉં ત્યાં તને જ ઝંખુ છું. શા માટે ? શા માટે ? શા માટે ?

.

.

મને વાંસળી વગાડતાં આવડતી નથી, નહિંતર મારી વાંસળીના સૂર ફેલાવી, હવામાં રેલાવી તને સંદેશો પહોંચાડત કે હું તારી રાહ જોઉં છું. મેં કાગળ તો લખ્યો છે, પણ મારી પાસે એવો કોઈ ટપાલી નથી કે જે મારો પત્ર તારા સુધી પહોંચાડે. કે નથી તારું સરનામું મારી પાસે. નહિતર હું જાતે આવીને મળી જાઉં. મારા અંતરની લાગણીઓ હવે મારા કાબૂમાં નથી અને તારી પાછળ ઘેલું થયેલું મારું હૃદય મારાથી કેમેય કરીને સચવાતું નથી. દરરોજ રાત્રીના જ્યારે બધાં જ સૂઈ જાય ત્યારે હું શણગારો સજીને તારા આવવાની રાહ જોઈને જાગરણ કરું છું અને પરોઢિયે મારી નિરાશ આંખો તડપતા હૃદય અને અતૃપ્ત ઝંખનાને લઈને હું પોઢી જાઉં છું. મારી આ અતૃપ્ત ઝંખનાને તું ક્યારે પૂર્ણ કરીશ ?

.

.

હું તો તારા રંગે રંગાયેલી છું બીજો કોઈ રંગ મને ગમતો નથી. દર્પણમાં જોઉં છું તો મને મારી બદલે તારું પ્રતિબિંબ દેખાય છે અને આંખો બંધ કરું તો પણ તું જ મારી ઉપર, નીચે અઅજુબાજુ બસ ચારે બાજુ ફક્ત તું જ છે. તું એક એવો તેજપૂંજ છે કે જે મારા અંગેઅંગમાં પ્રવેશી ગયો છે. તને મેળવવા મારા અણુંએ અણું ઝંખે છે. મારું હૃદય, તન મન ફક્ત તને જ ઝંખે છે. શું તું પણ મને ઝંખે છે ?

.

( પલ્લવી શાહ )

ઉત્સવ – વિંદા કરંદીકર

.

આજનો દિવસ મને ઉજવવા દો !

આજે આર કે. લક્ષ્મણે લખી

આધુનિક ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્રોહી કવિતા

અર્ધી રેખામાં, અર્ધી શબ્દોમાં :

‘નગરપાલિકા સ્વચ્છતા માટે

કચરાના ઢગલા અહીંથી ખસેડશે

તો અમે ભૂખે મરીશું’

આજનો દિવસ મને ઉજવવા દો !

કચરામાંથી અન્ન ઉઠાવીને

જીવંત રહેવાનો હક

આપણા બંધારણમાં સમાવિષ્ટ છે ખરો ?

તેમ ન હોય તો

સાર્વજનિક વસ્તુની ચોરી કરવા બદલ

આપણી સરકાર આ લોકો પર દાવો માંડી શકશે કે નહિ ?

આ પ્રશ્નનો જાણકારો ઉકેલ આણે તે પહેલાં

આજનો દિવસ મને ઉજવવા દો !

 .

( વિંદા કરંદીકર )

પથ્થર – હર્ષદ ત્રિવેદી

.

પથ્થર એ મારી કામના ક્યારેય હતી નહિ

પથ્થર એ મારી કામના છે.

કેમ કે તમે આધિપત્યના જોરે બધું જ બંધ કરી દીધું છે.

આપણાં લોહીમાં એકલો અંગારવાયું જ આવનજાવન કરે છે

અંદરની હવા, બહાર નહીં જાય તો ય જગતને નુકસાન નથી.

મને ચિંતા છે બહારની હવા અંદર નથી આવતી તેની.

મને જોઈએ ખુલ્લું આકાશ.

મને જોઈએ ધોમધખતો તાપ.

સૂસવાટે વાતો પવન જોઈએ મને.

મારી તૈયારી કાચઘરમાં દફન થવાની નથી.

આ કાચઘરને અંદરથી તોડે એવો પથ્થર

શોધું છું.

પથ્થર એ મારી કામના છે.

પથ્થર એ મારી કામના ક્યારેય ન હજો.

 .

( હર્ષદ ત્રિવેદી )

ભાગવત – વિજયાલક્ષ્મી

.

ગોધુલિ સમયે તમે સ્નાન કરીને ગૃહસ્થીના

કંકાસ અને શોરબકોરથી દૂર ભાગવતનો

સ્વકંઠે પાઠ કરવા બેસી જાઓ છો.

મને તમારો અવાજ સંભળાય છે-

‘સાંભળે છે ? ક્યાં ચાલી ગઈ ?

અહીં આવીને બેસ અને સાંભળ.’

પણ હું તો ચૂલા પાસે ખોડાયેલી

તમારું જમવાનું બનાવી રહી છું.

સેંકડો વણઉટક્યાં વાસણો, થાળી વાટકા-મારી પ્રતીક્ષામાં છે

અને સેંકડો

નાનાંમોટાં કામ

જે મારે કાલે કરવાં પડશે

મારા મેશ ખરડાયેલા હાથોથી

હું પણ ફેરવું છું

એક વિરાટ ભાગવતનાં પાનાં

છેલ્લા શ્વાસ સુધી

પૂરું ન થનારું એક ભાગવત છે

જેને હું સ્વેચ્છાથી વાંચતી જ જાઉં છું.

અને જે

તમે ક્યારેય આવીને નથી સાંભળતા.

 .

( વિજયાલક્ષ્મી, અનુ. કિશોર શાહ )

હું તને પ્રેમ કરું છું – મારીશીકો

.

હું મારા ટેબલ પાસે બેસું છું.

હું તને લખું પણ શું ?

પ્રેમથી ઘવાયેલ હું

ઝંખુ છું તને સદેહે જોવા

માત્ર આટલું જ લખી શકું :

“હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું”.

પ્રેમ મારા હૃદયને આરપાર વીંધે છે

અને મારા દૈવતને છિન્નભિન્ન કરે છે

ઝુરાપાનો ઝાટકો મને ગૂંગળાવે છે

અને તે ક્યારેય અટકશે નહીં.

 .

( મારીશીકો, અનુ. કલ્લોલિની હઝરત )

 .

[મૂળ રચના . જાપાનીઝ ]

કવિ છું – પ્રફુલ્લ પંડ્યા

.

હું એક એવા દેશનો કવિ છું

જેની પાસે ગાવા માટે

પોતાના દેશની એકતાનું કોઈ ગીત નથી

હું એક એવો સંગીતકાર છું

જેનો સ્વરબંદિશોમાં દેશની સરહદોની અખંડિતતા

સાચવતો કોઈ જ સૂર નથી

હું મારી આસપાસના વાદ્યોમાં ત્રાસવાદને થડકતો જોઉં છું

અને દેશપ્રેમના એકતારાનો તાર તૂટી ગયો છે,

ભયંકર ચીચિયારીઓના અવાજથી,

અવાજ દેવતા છે એમ હું માનું છું

પણ કેટલાક ધર્મો એમ માનતા નથી

હું નાનકડો ચિત્રકાર નથી અન્યથા મારી પીંછીએ

એકાદ ચિત્રમાં દેશની દીવાલોમાં એકતા ચીતરી બતાવી હોત

ગાંધીજીનું ચિત્ર કરી શક્યો હોત કે કેમ

તે નક્કી નથી પરંતુ મારા ચિત્રોમાં

ગાંધીજી અને દેશની એકતા ક્યાંક ક્યાંક જરૂરથી ઉપસી આવત

ખરેખર તો અત્યારે

ચિત્રકાર નહિ પણ સૈનિક તરીકે ગોઠવાવું જોઈએ

જ્યારે કવિ સૈનિક બનશે ત્યારે જ

દેશની એકતા, એકતા બનશે

કવિએ લીલી વરદી પહેરવાની જરૂર નથી.

કવિએ તો લીલાં બલિદાનોને ગાવાનાં છે

કવિએ તો પોતાનું ગીત શોધવાનું છે અને ખરેખર તો તેણે

ગીતમાં પોતાના દેશને ગોતવાનો છે.

 .

( પ્રફુલ્લ પંડ્યા )

પથ્થર ઠંડોગાર છે – ફુયુહિકા કિટાગાવા

.

પથ્થર ઠંડોગાર છે,

એ ખરબચડો,

ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં

એણે ગોળ થયે જ છૂટકો,

વહી જાતાં વર્ષોમાં

બીજાઓ સાથે અથડાતાં-કૂટતાં.

એવું નથી કે પથ્થર

ઉષ્માળો ન જ હોય

તમે જો એને

હૃદયને ગજવે-છાતી સરસો

રાખો તો

તે હૂંફાળો થશે જ થશે.

માત્ર એટલું જ કે,

એની ટાઢીબોળ જડતાને

ખંખેરવા મથતાં તમારે

ધરપત રાખવી પડે…

 .

( ફુયુહિકા કિટાગાવા )

અલખ તણે અણસારે – સંદિપ ભાટિયા

.

અલખ તણે અણસારે

મેં નાવ મૂકી મઝધારે

 .

હવે પવનનો સાથ મેં છોડ્યો સઢને સલામ કીધા

સૌના પાલનહારાને મેં હાથ હલેસાં દીધાં

 .

સૂર મળ્યો સૂનકારે

અલખ તણે અણસારે

 .

કોણ ખોબલે રેત ભરે જો હીરામોતી મળતાં

હાથ જોડતાં મળે મંજિલો પ્હાડ બધા ઓગળતા

 .

જ્યોત જલી અંધારે

અલખ તણે અણસારે

 .

( સંદિપ ભાટિયા )

થોડાંક વર્ષ – પ્રફુલ્લ પંડ્યા

.

થોડાંક વર્ષ ગુમાવ્યાં

“મિત્ર”નો અર્થ શોધવામાં

અને પાછળથી થોડાંક વર્ષ ગુમાવ્યાં

કવિતાને શોધવામાં

કોહવાઈ ગયેલાં સપનાંઓથી

થોડાંક વર્ષ ચલાવ્યાં કલમ નામની

પવિત્રીએ

સવા વહેંત ઊંચા આદર્શો

અને

દોઢ વહેંત ઊંડા મિત્રો વચ્ચે

બંધાતા, તૂટતા અને ફરી બંધાતા

સંબંધોનું પડીકું વાળવામાં મશગૂલ હાથ

કવિતા લખવાનું ચૂકી ગયા

-અને એક વિસ્ફોટ સર્જાયો

લોહીથી કાગળ વચ્ચે

ઊડીને ઉંધું વળી ગયું બધું જ

ઊંધા વળી ગયા વર્ષો

ઊંધા વળી ગયા અર્થ

ઊંધા વળી ગયા સ્વપ્નો

સંબંધો તોય ટટ્ટાર ન રહ્યા !

 .

( પ્રફુલ્લ પંડ્યા )