Skip links

ફેસબુક : પાંચ રચના – બકુલ ટેલર

.

(૧)

ત્યાં તેણે લોગ ઈન કર્યું, ફ્રેન્ડ રિકવેસ્ટનું કહેણ મોકલ્યું

અજાણ પ્હાડ-પ્રદેશથી, અજાણી નદીનું વહેણ મોકલ્યું

કોણ હશે, કેવી હશે, ગોરી કે સાંવરી હશે ?

કેવું હશે શરીર, કેવી શરીરની ગંધ હશે ?

હશે કયા લોહીની, ક્યા વંશ-કુળની હશે ?

કેવાં ચન્દ્ર-તારા, નક્ષત્રોમાં પ્રહર બદલતી હશે ?

મને આવે હેડકી, શું એને પણ આવતી હશે ?

કાયા વિનાની માયા, શું તેને પણ સતાવતી હશે ?

 .

(૨)

પ્રોફાઈલમાં નામ લખ્યું છે અન્વિતા

હોય પણ ખરી, નહીંતર અન્વિતા કે મન્વિતા

રાધા, રોઝી, જુલિયટ કે જાહાન્વી પણ હોય

આમ તો જાણે સ્ત્રી, ખબર નહીં પુરુષ પણ હોય

ઉંમર લખી બાવીસ, બાવન પણ હોય

અહીં કોરું કટ્ટ, ત્યાં સાવન પણ હોય

બંધ બાજીથી તે મને ખેલે છે

નામ આપી, આખા શરીરને ઠેલે છે

શું કહું, ફેસના બદલે ટેડીબેર મેલે છે

(ને ટેડીબેર, ન પુલ્લિંગ, ન સ્ત્રીલિંગ)

સવાલ હવે એવો, અન્વિતાનો મેસેજ ટેડીબેરને આપવો ?

શરીરની અદલ-બદલમાં કયો નિયમ સ્થાપવો, ઉથાપવો ?

 .

(૩)

ફેસબુકના ફેસને હવાનાં શરીર હોય છે

મળે નહીં, ને મળવા હરદમ અધીર હોય છે

શરૂ શરૂમાં એકમેકને એકમેકનાં સપનાં આવે

ગમે ત્યારે લોગ ઈન, લોગ આઉટ કરાવે

શરૂ શરૂમાં ઘણું ઘણું શરૂ થઈ જાય

ધારે ત્યારે દિવસ, ધારે ત્યારે રાત થઈ જાય

આમ પાછું પૂછો તો ખાસ કાંઈ નહીં

મારા તમારા સમ, રીસ-મનામણાં નહીં

મળવા બેબાકળા કે વિરહે વ્યાકુળ નહીં

વૃક્ષ-વનસ્પતિ, પાંદ-ફૂલ, શોધો તો મૂળ નહીં

જે અહીં તે અહીં, ત્યાં તે બરાબર ત્યાં

આવડી મોટી પૃથ્વી પર, ખબર નહીં ક્યાં

 .

(૪)

કહે છે ત્યાં તેની કૂખ ફરકી રહી છે

આવ્યા-મળ્યાના અણસાર નહીં,આંખ ફરકી રહી છે

હવાનાં શરીરોને શું ગર્ભ રહે છે ?

હું તો રહ્યો અહીં, તો કોણ ત્યાં રહે છે ?

ફેસબુકના સંબંધોમાં મન હોય, માન્યું

ફેસબુકના સંબંધોમાં તન હોય, જાણ્યું ?

ખેર ! આ ખટપટ, આ કિસ્સો રહેવા દો

નવજાત શિશુને અપલોડ કરવા દો

આમ તો સ્ક્રીન ઈમેજ સૂંઘાય નહીં, પણ સૂંઘીશ

મારા-તેના ચહેરાના સરવાળે, ચહેરો એક ઢૂંઢીશ

 .

(૫)

આ ફેસબુક બડું બખડજંતર છે

કહેવા આમ આતુર, આમ મૂંગુમંતર છે

ક્યારેક લાગે નામોનું આખું જંગલ છે

તલવાર-બંદૂક વિના લડાતું યુદ્ધ-દંગલ છે

ચાહો તો સુકાન વિનાનાં વહાણોનો સમંદર કહી શકો

જેના કાંઠે ઊતરે પંખીઓ, એવું એક સરવર કહી શકો

ગૂંચ હોય તો મૂક, રહેવા દે રિસ્પોન્ડ ન કર !

લોગ ઈન કર્યું હોય તો લોગ આઉટ કર !

 .

( બકુલ ટેલર )

Leave a comment

 1. આપની કવિતાઓનો ચાહક છું. સુંદર અને હૃદય સોંસરવું લખો છો. ફેસ બુક પરની રચનાઓ ગમી. અભિનંદન.

 2. આપની કવિતાઓનો ચાહક છું. સુંદર અને હૃદય સોંસરવું લખો છો. ફેસ બુક પરની રચનાઓ ગમી. અભિનંદન.

 3. આ વાત તો સાચી છે પરંતુ એ વાત પણ એટલી જ સાચી જ કે જેમ ખાધા-પીધા વગર ના ચાલે એવી જ રીતે ભાગ્યે જ કોઈ એવા સેલિબ્રેટી/કલાકારો હશે જેઓનું સોશ્યલ સાઈટ્સ પર એકાઉન્ટ ન હોય!

  જેનું ખાતું નથી એમાંથી ૯૯% તો એવા હશે કે જે ઈન્ટરનેટથી અભણ હોય.

  હા, જેઓ ખાવા-પીવાની બદલે નેટને ઓક્સિજન સમજી બેઠા હોય તેઓએ વિચારવા જેવું ખરું!

 4. આ વાત તો સાચી છે પરંતુ એ વાત પણ એટલી જ સાચી જ કે જેમ ખાધા-પીધા વગર ના ચાલે એવી જ રીતે ભાગ્યે જ કોઈ એવા સેલિબ્રેટી/કલાકારો હશે જેઓનું સોશ્યલ સાઈટ્સ પર એકાઉન્ટ ન હોય!

  જેનું ખાતું નથી એમાંથી ૯૯% તો એવા હશે કે જે ઈન્ટરનેટથી અભણ હોય.

  હા, જેઓ ખાવા-પીવાની બદલે નેટને ઓક્સિજન સમજી બેઠા હોય તેઓએ વિચારવા જેવું ખરું!

 5. are waah…bahu j sundar ane touchy post che dear….thnx for posting..face na badle teddybare muke che…waah…4th one sauthi vadhu gami…

 6. are waah…bahu j sundar ane touchy post che dear….thnx for posting..face na badle teddybare muke che…waah…4th one sauthi vadhu gami…