કૈં ખબર પડતી નથી – જિતેન્દ્ર પ્રજાપતિ

.

આયખું અંધારને ઘેરી વળ્યું છે કે પછી અંધાર મારા આયખાને કૈં ખબર પડતી નથી,

ચોતરફથી ક્યારનો ભીંસી રહ્યો છે શૂન્યનો આકાર મારા આયખાને કૈં ખબર પડતી નથી.

 .

શ્વાસનો જો હોય પ્રશ્ન તો હવાની કો’ કચેરી જઈ અને બે-ચાર શ્વાસોનો ઘટાડો હું કરત,

પણ હવે કૈં ક્યારનો સૌ સ્વપ્નનો લાગી રહ્યો છે ભાર મારા આયખાને કૈં ખબર પડતી નથી.

 .

શુષ્કતાને ત્યાગવા માટે કરી છે એક સુક્કા પાંદડાએ લ્યો હવે અરજી અમારા નામ પર;

શું કરું ? મંજૂર રાખું ? કે પછી સૌ રદ કરું આધાર ? મારા આયખાને કૈં ખબર પડતી નથી.

.

રાતના સૂનકારને તોડી રહેલી સ્વપ્નતાં એ આવનારી કાલનો સંકેત નહિ તો શું હશે,

આંખ ફરકે, ક્યારનું ધબકી રહ્યું છે હૈયું વારંવાર મારા આયખાને કૈં ખબર પડતી નથી.

.

સત્યમાં સાબિત થવા દોડી રહી છે એક અફવા ક્યારની આ શહેરના રસ્તા ઉપર ચારે તરફ,

શું થશે ? સાબિત થશે ? કે આખરે બનશે બધે ચકચાર ? મારા આયખાને કૈં ખબર પડતી નથી.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

જ્યોત થરથરતી હતી – આબિદ ભટ્ટ

.

હા, હવાથી જ્યોત થરથરતી હતી,

પ્રાર્થનામાં આંખ ઝરમરતી હતી !

 .

વૃક્ષ થોડું કૂંપળોને એમ કે’,

કે હયાતી પાંદડે ખરતી હતી !

 .

વાદળી હારી બિચારી દોડમાં,

આંખ બારેમાસ નીતરતી હતી !

 .

ચીંધવાને આંગળી ગઈકાલ તો,

કો’ મહાહસ્તી ય અવતરતી હતી.

.

તીર આવ્યું એ તરફ મિત્રો હતા,

લાગણી તેથી જ ચરચરતી હતી.

 .

છોકરીની વાત અફવા નીકળી,

જિંદગી તો મોત પર મરતી હતી !

 .

નીચલા તરસ્યા રહે એ ઠીક ના,

માટલી એ ખ્યાલથી ઝરતી હતી.

 .

( આબિદ ભટ્ટ )

કિનારા જોઈએ – આહમદ મકરાણી

.

હાથ, હૈયું ને હલેસાં જોઈએ;

સાવ પાસે ના કિનારા જોઈએ.

 .

ઈશને પણ એકલું ગમતું નથી,

મિત્રના કાયમ જમેલા જોઈએ.

.

કૈં નહીં તો એટલું તો કર, ખુદા,

ચોતરફ ચહેરા હસેલા જોઈએ.

 .

એકલું આ ભીંતને ગમતું નથી,

ભીંત પર ફોટા મઢેલા જોઈએ.

 .

મુશ્કિલો જો આવશે, સત્કારશું;

દેહમન કાયમ કસેલાં જોઈએ.

 .

કોણ, ક્યારે થૈ અતિથિ આવશે ?

બારણાં હરદમ ખૂલેલાં જોઈએ.

.

( આહમદ મકરાણી )

નદી છલકાય – હરીશ પંડ્યા

.

કરે છે કામ ખોટા ને પછી પસ્તાય પાછળથી,

થયેલી ભૂલ નાની પણ પછી સમજાય પાછળથી.

 .

ગણ્યાં અંગત અમે જેને સ્વજનથી પણ વધારે તો,

મદદ માગી જરા કે લાગણી પરખાય પાછળથી.

 .

સતત ગૂંથ્યા કરે છે જાળ અંગત સ્વાર્થના કાજે,

નથી એ જાણતાં એમાં જ ખુદ અટવાય પાછળથી.

 .

તમે જો બીજ વાવો તો પછી હંમેશ જળ સિંચો,

થવા વટવૃક્ષ જોજો કૂંપળો ફણગાય પાછળથી.

 .

ઉદાસી સાગરે વ્યાપી ગુમાવી જળ પ્રખર તાપે,

મિલન જેનું થવાનું એ નદી છલકાય પાછળથી.

 .

( હરીશ પંડ્યા )

રઝળપાટ માટે – એસ. એસ. રાહી

.

અરણ્યોમાં તરસ્યું હરણ ના મળ્યું

અને કોતરોમાં ઝરણ ના મળ્યું.

 .

પ્રણયગ્રંથ ઉથલાવી નાખ્યો છતાં,

હૃદયસ્પર્શી કો’ અવતરણ ના મળ્યું.

 .

પુરાણા હરીફોએ ચાહ્યો મને,

નવા દોસ્તોનું શરણ ના મળ્યું.

.

હું મેળામાં અમથો ગયો તે છતાં,

મને કેમ એકેય જણ ના મળ્યું.

.

મને ‘રાહી’ હોવાનો અફસોસ છે,

રઝળપાટ માટેય રણ ના મળ્યું.

 .

( એસ. એસ. રાહી )

…કોણ, કોનામાં ? – વિશાલ જોષી

.

હવે તો મન ભરીને મન કહેતું : “કોણ, કોનામાં ?”

જુદી રીતે જુદાઈને સહેતું, કોણ કોનામાં ?

 .

થયું લ્યો, આગમન એનું અને આ ઘર કહી ઊઠ્યું :

નવું લાગે બધું શાને, રહેતું કોણ, કોનામાં ?

 .

નજાકત આપણા સંબંધની ફૂલો સરીખી છે,

મહેકે છે સુગંધી શ્વાસ લેતું કોણ, કોનામાં ?

 .

રડી છે માછલી આજે અને એ જાય બે કાંઠે,

નદી ખુદ એ વિચારે કે વહેતું કોણ, કોનામાં ?

 .

લખો પથ્થર ઉપર એ નામને પ્હોંચાય દરિયાપાર,

ન જાણે ‘સ્નેહ’ બાંધે રામસેતુ કોણ, કોનામાં ?

 .

( વિશાલ જોષી )

કામમાં આવ્યો – ગૌરાંગ ઠાકર

.

ગઝલ લખવાનો જીવનમાં અનુભવ કામમાં આવ્યો,

મને હું જાણવા લાગ્યો અને ભવ કામમાં આવ્યો.

 .

મને ત્યારે જ લાગ્યું દોસ્ત રાઘવ કામમાં આવ્યો,

જગતમાં જે ઘડી માનવ ને માનવ કામમાં આવ્યો.

 .

હવા નિષ્ફળ ગઈ સાંકળ ઉઘાડી નાખવામાં… પણ,

અમારા ઘરનાં ખાલીપાને પગરવ કામમાં આવ્યો.

 .

ઊભા છે આમ તો રસ્તાને રસ્તો દઈને રસ્તામાં,

છતાં રસ્તાને એ વૃક્ષોનો પાલવ કામમાં આવ્યો.

 .

હું પડછાયાને મારા પ્રેમનો પ્રસ્તાવ આપું ત્યાં,

ખરા ટાણે મને ભીતરનો વૈભવ કામમાં આવ્યો.

 .

અમે આદમનાં વંશજ સ્વર્ગમાંથી છો ધકેલાયા,

જગત માણી લીધું તારું પરાભવ કામમાં આવ્યો.

 .

( ગૌરાંગ ઠાકર )

તારા પ્રેમપત્રો વાંચું છું – સુરેશ દલાલ

.

તારા પ્રેમપત્રો વાંચું છું

મરેલા માણસની કુંડળીને

જ્યોતિષી વાંચતો હોય, એમ !

 .

હંસની પાંખ થઈને આવેલા કાગળોનું

હવે કશુંય મહત્વ નથી

તો પછી કયા મમત્વથી પ્રેરાઈને

સ્મૃતિના કબ્રસ્તાનમાં

હું આવી પહોંચ્યો છું ?

લાગણી નથી હોતી

ત્યારે જ માણસ લાગણીનું પૃથક્કરણ કરે છે.

ફાટી ગયેલું એક એક પરબીડિયું

સ્મૃતિની રઝળતી કબર છે.

અક્ષરોના મ્યુઝિયમમાં

અટવાય છે આંખ.

 .

કવર પરનું મારું નામ

મારું સરનામું

આ બધું જ જો એકાએક બદલાઈ જાય

ભૂતકાળ જો સુખની ક્ષણની જેમ કાયમ માટે અલોપ

થઈ જાય

તો

કદાચ થાય મારો પુનર્જન્મ.

પ્રેમ વિનાની સ્મૃતિને સાચવી રાખવી

એ વેશ્યાવૃત્તિને માંડવે લઈ જવા જેવી વાત છે.

 .

મારા નવા જન્મમાં

બારખડી શીખતી વખતે

હું કોઈ દિવસ પૂછીશ નહીં

કે પ્રેમ એટલે શું ?

 .

મને ખબર છે

કે પ્રેમ એટલે બે માણસો મળે તે

પ્રેમ એટલે બે માણસો

એકમેકને ગળે પડે તે.

પ્રેમ એટલે થોડીક પ્રતીક્ષા, થોડાક પત્રો,

કેવળ વાતો, કેવળ શબ્દો, થોડાંક સપનાં,

પ્રેમ એટલે હોટેલનું ટેબલ-

સામસામી પડેલી બે ખાલી ખુરશી,

કોઈક ખૂણે કામુક આલિંગનો,

થોડીક થ્રિલ, પૂરો થતો શો,

ફરી પાછી ફૂટપાથ

પ્રેમ એટલે થોડાંક સપનાં, અઢળક ભ્રમણા !

 .

વૈયક્તિક પ્રેમની પ્રતીક્ષાના

બધા જ ઝરૂખા કેમ નંદવાયેલા હોય છે ?

લખાયેલા પત્રો

અંતે તો ભૂતકાળની નિર્જન ગલીઓ છે.

આ ગલીઓમાં

ક્યારેક લાઉડ-સ્પીકર્સ મુકાયાં હશે,

રંગીન પરપોટાનાં તોરણો બંધાયાં હશે.

મારે તો ગલીની બહાર નીકળવું છે.

હતો, છે અને હશેની બહર નીકળવું છે.

જ્ઞાનીઓ કહ્યા કરે છે

કે મારે બહાર નીકળવું હોય

તો ભીતરમાં જવું જોઈએ.

 .

હમણાં તો

મારી ભીતર એક આખું નગર સળગ્યા કરે છે

એની અગ્નિજ્વાળાઓ મને પળેપળે વળગ્યા કરે છે.

 .

ટાઢક અને શાતા

બુદ્ધની મીંચાયેલી આંખમાં છે

અને મારી આંખોને તો

નહીં મીંચાવાનો શાપ છે.

.

અગ્નિજ્વાળાની દીવાલોથી વીંટળાયેલો હું

જાણે કે સ્મશાનમાં બેસીને

યશોધરાના પ્રેમપત્રો વાંચું છું.

 .

મરેલા માણસની કુંડળીને

જ્યોતિષી વાંચતો હોય, એમ !

 .

( સુરેશ દલાલ )

મળ્યા છે દિવસો – દિનેશ ડોંગરે “નાદાન”

.

મળ્યા છે દિવસો અમને નિરંતર ભાગવા માટે,

અને રાતો ગણીને તારલાઓ જાગવા માટે.

.

ઉદાસી બારસાખે બાંધવા માંડી છે તોરણિયાં,

ફરીથી રાગ મારી અવદશાનો રાગવા માટે.

 .

તમે વરદાનમાં એક જ કૃપાઓ એમ વરસાવી,

હવે તો હાથ પણ ઊઠતા નથી કૈં માગવા માટે.

 .

બધાં જોખમ ઉઠાવીને અમે ડૂબકી લગાવી છે,

હવે ઊંડાણ દરિયાનું ફરીથી તાગવા માટે.

 .

જશું અંધારમાંથી નીકળી અંધારમાં “નાદાન”

અને આ માર્ગ પથરાળો ચરણને વાગવા માટે.

 .

( દિનેશ ડોંગરે “નાદાન”)

કહો તો બારણાં ખોલું ! – મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’

.

જળાશયમાં તરે ઉંબર, કહો તો બારણાં ખોલું !

નિહાળ્યું સ્વપ્નમાં સરવર, કહો તો બારણાં ખોલું !

 .

ઘણાંયે પૂજવા મંદિર ગયા છે એ ખબર જાણી,

અહીં આવી ચડ્યા ઈશ્વર, કહો તો બારણાં ખોલું !

 .

હવાનો હાથ ઝાલીને સુગંધી ફૂલ પણ આવ્યાં,

થયો છે આંગણે અવસર, કહો તો બારણાં ખોલું !

 .

અહો આશ્ચર્યથી લોકો કરે છે વાત ફળિયામાં,

થવાનું છે કશું નવતર, કહો તો બારણાં ખોલું !

 .

હૃદયથી પ્રાર્થના કરતાં, ફળી છે તત્ક્ષણે ‘મરમી’,

પુરાવાઓ મળે નક્કર, કહો તો બારણાં ખોલું !

 .

( મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’)