…ત્યારની વાત – લલિત ત્રિવેદી

.

( એક હુસ્નેખયાલ )

 .

પ્હેલવ્હેલું એક પંખીડું ઊડેલું ત્યારની આ વાત છે…

આભલું આખુંય રોમાંચિત થયેલું ત્યારની આ વાત છે…

 .

સૃષ્ટ પર પ્હેલી વખત એક જ થવા મળતાં’તાં ફૂલો ને પવન

પાંખડી પર કિરણનું પગલું પડેલું ત્યારની આ વાત છે…

 .

પાણીને ખળખળ મળી…કવિતા મળી મરમરની હરએક વૃક્ષને

પ્હેલવ્હેલું ગીત જંગલમાં વહેલું ત્યારની આ વાત છે…

 .

ગીત સૂણી કોઈ બોલ્યું મ્હેક છે ને કોઈ બોલ્યું ગ્હેક છે

ઋતુઓએ માટીનું ભાષાંતર કરેલું ત્યારની આ વાત છે…

 .

શું પછી ટશરો સખીની આંખમાં ફૂટી અને ટહુકા થયા !

એક જણ પલળ્યો અને ઝરણું ફૂટેલું ત્યારની આ વાત છે…

 .

ફૂલ…પંખી…પ્રેમીઓ… એકાંતમાં ઘરથી અલગ મળતાં હતાં

તે સ્થળે “ઉદ્યાન” નામે પાંગરેલું ત્યારની આ વાત છે…

 .

તે સમે વરસાદમાં આવી કસક ને મોરને રંગો ફૂટ્યા

મેં તને જોઈ ને અજવાળું થયેલું ત્યારની આ વાત છે…

 .

તું પછી આઘો જઈ કોઈ સ્થળે રહેવા ગયો તે યાદ કર

આપણું એક જ હતું તે ઘર પડેલું ત્યારની આ વાત છે…

 .

( લલિત ત્રિવેદી )

એક સપનું – હિતેન આનંદપરા

.

એક સપનું રોજ સાંજે આંખમાં આવી ચડે છે,

ને ભૂલાયેલી દિશામાં સ્મૃતિઓ ટોળે વળે છે.

 .

શિલ્પ કોતરવાની ઘટના તો અનુસંધાન કેવળ,

સૌ પ્રથમ તો શિલ્પી એને પોતાના મનમાં ઘડે છે.

 .

આપણો વારો હવે આવ્યો જ સમજો એમ ધારી,

બોલવા તૈયાર થઈએ એ ક્ષણે પડદો પડે છે.

 .

હોય વીંટી કે પછી તાવિજ કે માળા વગેરે,

જેમની શ્રદ્ધા હો જેવી, એમને એવા ફળે છે.

 .

પ્રેમલગ્નોમાં વિકટ જે પ્રશ્ન છે એ કુંડળીનો,

કોઈની એમ જ મળે છે, કોઈ એને મેળવે છે.

 .

( હિતેન આનંદપરા )

જોયો નથી – પરાજિત ડાભી/તમન્ના આઝમી

માનવીની જાતનો ઈતિહાસ મેં જોયો નથી,

જિંદગી જોઈ નથી કે શ્વાસ મેં જોયો નથી.

 .

તું મને મંદિર કે મસ્જિદને બતાવી પૂછમાં,

ત્યાં નહીં મસ્તક નમે, વિશ્વાસ મેં જોયો નથી.

 .

તું કહે છે રોજ ઊગે સૂર્ય તારા શ્હેરમાં,

કોઈ પણ ચ્હેરા ઉપર અજવાસ મેં જોયો નથી.

 .

સાવ ખોટી ઓળખાણો આપશો ના શેખજી,

સર્વવ્યાપી આ ખુદાને ખાસ મેં જોયો નથી.

 .

માનવીને શોધવાની વાત છે તો સાંભળો,

આપણામાં છે નહીં, ચોપાસ મેં જોયો નથી.

 .

( પરાજિત ડાભી/તમન્ના આઝમી )

આયખામાં… – ‘વિવશ’ પરમાર

.

આંખમાં તસવીર તારી તરવરે છે આજ પણ;

ભીતરે લાગેલ અગ્નિ ક્યાં ઠરે છે આજ પણ ?

.

ઝૂરવાનું ભાગ્યમાં મારા લખેલું છે સદા;

આંખમાં ઉજાગરા હીબકા ભરે છે આજ પણ.

 .

પામવાની ઝંખના પણ ક્યાં સુધી લઈ ગઈ મને;

શબ્દ જ્યાં એરણ પરેથી અવતરે છે આજ પણ.

 .

એ જ છે રસ્તા અને છે એ જ જાણીતી સફર;

તે છતાં કો’ માર્ગ મારો આંતરે છે આજ પણ.

 .

પાંદડું ખરતા અટૂલી ડાળખી ઝૂર્યા કરે;

કૂંપળો જેવું નસેનસ પાંગરે છે આજ પણ.

 .

ઝાંઝવા માફક નસીબ આજેય પણ છળતું મને;

આયખામાં રણ સરીખું વિસ્તરે છે આજ પણ.

 .

( ‘વિવશ’ પરમાર )

હું ખોવાયો છું ! – સતીશ વૈષ્ણવ

.

મેં છીંકણી રંગનું પેન્ટ

અને ચોકડીવાળો બુશકોટ પહેર્યાં નથી.

મને કપાળે વાગ્યાનું નિશાન નથી.

મને ગુજરાતી વાંચતાં, લખતાં આવડે છે.

હું વાંચતી વખતે ચશ્માં પહેરું છું.

મને ડાબા હાથે કામ કરવાની આદત નથી.

મારા માનવા પ્રમાણે…

હું અસ્થિર મગજનો નથી.

મારા માતા-પિતાની તબિયત સારી છે.

મારી પત્નીએ જમવાનું છોડી દીધું નથી.

મારો પુત્ર નિશાળે નિયમિત જાય છે.

કોઈએ મને ઠપકો આપ્યો નથી.

કોઈને કહ્યા વિના હું ક્યાંય ચાલ્યો ગયો નથી.

ઘરમાં જ બેઠો છું.

છતાં

હું ખોવાયો છું !

 .

( સતીશ વૈષ્ણવ )

તો ચાલ – ધીરુબહેન પટેલ

.

સોયના આ ઘા સહી શકીશ ?

તો ચાલ, જોડાઈએ આપણે.

 .

અવિરત ગતિએ ચાલતા

ટાંકા તણી ભ્રમજાળમાં

અટવાતી જતી સ્વાધીનતાને

જોઈ શકીશ શું શાંત ભાવે ?

તો ચાલ, જોડાઈએ આપણે.

 .

દ્વૈતના રણથી મૂકેલી દોટ અદ્વૈત પામવા

અટકે નહીં કદીય ને ચરણ જો લડખડે

રેતી ઊડે ચોમેર તે ખાળી શકીશ શું પાંપણે ?

તો ચાલ, જોડાઈએ આપણે.

 .

મધુરજની મધુમાસ

માની લે મધુવર્ષ પણ વીતી ગયું

આંખ ઊઘડ્યા પછીનું આભ સૂનું

જીરવી શકીશ કે તું ?

તો ચાલ, જોડાઈએ આપણે.

 .

આયુષ્યની અંતિમ ક્ષણે

લેવા સહારો ઊંચકાતો હાથ હવા ફંફોસીને

પાષાણવત પછડાઈ જાશે સોડમાં

ત્યારે શૂન્યતા ગહ્વરથકી

જાગતો ને આવતો શિથિલ ગતિએ

મંદ એ નિ:શ્વાસ રોકી શકીશ તું ?

તો ચાલ, જોડાઈએ આપણે.

 .

( ધીરુબહેન પટેલ )

અહર્નિશ વાગવા માંડુ – વિષ્ણુ પટેલ

.

ઉછીનાં વસ્ત્ર-આભૂષણ-મહાલય ત્યાગવા માંડુ,

દશા બદલે દિશા જે, એ દિશામાં ભાગવા માંડુ.

 .

ચઢી ગ્યા કેટલા ચહેરા અસલ ચહેરા ઉપર આ તો !

કરું શું તો, હતો એવો હું માણસ લાગવા માંડું ?

 .

તમારી આ દવાઓથી દરદ તો ઓર વકરે છે !

હવે બસ બહુ થયું, છોડો; દુવા હું માગવા માંડું.

 .

ખરું, છું વાંસળી, પણ દૂર થઈ ગઈ સૂરની દુનિયા !

અલખની ફૂંક વાગે તો અહર્નિશ વાગવા માંડું.

 .

કશું સમજાય ના કે છે અવસ્થા આ કઈ મારી ?!

નયન મીંચાય જેવાં કે તરત હું જાગવા માંડું !

 .

તમે બસ, એટલું જોજો છૂટે ના દોર આ મારો;

હું ભીતર ડૂબકી મારીને તળિયાં તાગવા માંડું.

 .

( વિષ્ણુ પટેલ )

કેવળ કૃપા – નીતિન વડગામા

.

શબ્દરૂપે અવતરે કેવળ કૃપા

શ્વાસમાં છાને પગે પણ સંચરે કેવળ કૃપા.

 .

ઝાડ ને ઝરણાં બધાં વ્હેતાં રહે છે આંખમાં.

સામટું આકાશ પણ ટોળે વળે છે પાંખમાં.

 .

ભીતરે ભગવી ધજા થૈ ફરફરે કેવળ કૃપા

 શબ્દરૂપે અવતરે કેવળ કૃપા

 .

એક પંખી ડાળ પર બેસી સતત ગાતું રહે.

પોત ટહુકાનું સહજ રીતે જ બંધાતું રહે.

 .

વ્હાલનું વાદળ થઈને ઝરમરે કેવળ કૃપા.

શબ્દરૂપે અવતરે કેવળ કૃપા

 .

કોઈ આવીને બધો અંધાર ઉલેચી ગયું.

છેક ઊંડે એમ આપોઆપ અજવાળું થયું !

 .

એ જ છે આધાર સાચો આખરે કેવળ કૃપા

શબ્દરૂપે અવતરે કેવળ કૃપા

 .

( નીતિન વડગામા )