બેઠો છું – ચિનુ મોદી

જળની વચ્ચે હરીફરીને બેઠો છું,

કાગળ છું ને હવા તરીને બેઠો છું.

 .

સપનાંઓ સરનામાં શોધી આવી પહોંચ્યાં,

મીંચી બન્ને આંખ, ડરીને બેઠો છું.

 .

સાત અશ્વ ! રણઝણતો રથ લઈ આવી પહોંચો,

હવે ખોળિયું ખાલી કરીને બેઠો છું.

 .

ધક્કો મારી ધુમ્મસને ખેસવશું ક્યાંથી ?

હું હાથ ઉપર બસ હાથ ધરીને બેઠો છું.

 ,

ખાલીખમ ‘ઈર્શાદ’ હતું મન મારું, તે-

તારાઓની સભા ભરીને બેઠો છું.

 ,

( ચિનુ મોદી )

જવું છે – ભગવતીકુમાર શર્મા

આ પાર જવું છે કે હજી પાર જવું છે,

નક્કી જ કરી લઈએ કે મઝધાર જવું છે.

 .

છે વીજકડાકા અને ઘનઘોર ઘટાઓ,

કિન્તુ જો જવું છે તો ધૂંવાધાર જવું છે.

 .

કુર્નિશ ન બજાવી કદી સજદોય ન કીધો,

ચાદરને લઈ સાથ કો દરબાર જવું છે.

 .

આકાશના સૂરજ તને નવ ગજના નમસ્કાર,

અંધારથી આવ્યો છું ને અંધાર જવું છે.

 .

રૂંધાય છે શ્વાસો અને ભીંસાય છે છાતી,

દરવાજો ઉઘાડો ને જરા બહાર જવું છે.

 .

બીજું તો કશું મારી ન મુઠ્ઠીમાં સમાશે,

સ્વપ્નાંઓના ટુકડા લઈ બે ચાર જવું છે.

 .

વહાલાને જો મળવું છે તો લઘરા નથી રહેવું,

નખશિખ લઈ ઝળહળ થતાં શણગાર જવું છે.

 .

( ભગવતીકુમાર શર્મા )

આજ – મુકેશ જોષી

બોલ બોલ ના કર

તારા અજવાળાને બોલવા દે યાર, આમ શબ્દોને છોલ છોલ ના કર

 

વાણીને મોકલી દે તીરથની જાતરાએ

સાધવાને સાચો સંવાદ

જાતરાથી વળતામાં નક્કી લઈ આવશે

મૌન સમો મીઠો પરસાદ

શબ્દોના બીન ભલે વાગે ચોપાસ છતાં નાગ જેમ ડોલ ડોલ ના કર

બોલ બોલ ના કર

 

 

અનહદના અર્થો મેં ઓળખવા માટે

તું છોડી દે સરહદના માપ

ભીતરી ખજાનાના દર્શન કરાવવાને

આંખોને અવસર તો આપ

અંતર તો અત્તરની બાટલી છે ભાઈ, તું આખો દિ ખોલ ખોલ ના કર

બોલ બોલ ના કર

 

( મુકેશ જોષી )

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- શાંતિના આ શબ્દો… – માર્જોરી પાઈઝર

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

.

.

શાંતિના આ શબ્દો… – માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.

પૃષ્ઠ : ૬૩

કિંમત : રૂ. ૨૫/-

મા એટલે…(પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ)

Mummy in Fort Wyne (USA)
(23.08.1938 – 25.12.2012)

‘માની શું ઉંમર હતી ? માને ઉંમર નથી હોતી.

શું નામ હતું ? માને નામ નથી હોતું.

મા ક્ષર નથી હોતી, અ-ક્ષર છે.’

( ચંદ્રકાંત બક્ષી )

*

માતા કદી મરતી નથી,

અને બાળક કદી મોટો થતો નથી.

( બરકત વીરાણી ‘બેફામ’ )

*

મા એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી.

*

મા ક્રિયાપદ છે, નામ નથી.

( સુરેશ દલાલ )

*

મા એટલે મૂંગા આશીર્વાદ

મા એટલે વહાલ તણો વરસાદ.

મા એટલે વહાલ ભરેલો વીરડો

મા એટલે મંદિર કેરો દીવડો.

( દેવેન્દ્ર ભટ્ટ )

*

મરે છે ત્યારે સ્ત્રી મરે છે, માતા કદાપિ મરતી નથી.

( બરકત વીરાણી ‘બેફામ’ )

વિપર્યય – માર્જોરી પાઈઝર

પ્રારબ્ધના ફાંસલામાં કે હતાશામાં સપડાશો નહીં,

વ્યથા અને કદરૂપાપણાથી દબાઈ-કચડાઈ ન જશો,

કારણ કે બધાંની પાછળ રહી છે વિશ્વની અપરિમિતતા,

દરેક ક્રિયાની વિઅપરીતક્રિયાનું નિર્વિવાદ સૌંદર્ય ને સંપૂર્ણતા,

આરંભમાં આરંભાયેલા અંતની અપરિહાર્યતા,

અંતથી આરંભાયેલા આરંભની અપરિહાર્યતા.

અનેકની વુપુલતામાંથી જન્મી છે અંતિમ એકતા.

અંતર્ગત એકતામાંથી જન્મ્યા છે લાખો, કરોડો,અબજો, અનેકાનેક.

કોઈ એક નથી અને છતાં બધાં એક છે.

હતાશાથી ફાંસલામાં સપડાશો નહીં,

કારણ કે કદાચ હતાશામાંથી કેટલીયે નવી વસંત જન્મશે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

પુનર્જન્મ – માર્જોરી પાઈઝર

હું બહાર આવી રહી છું

શોકના દરિયામાંથી,

અનેક મૃત્યુની દિલગીરીમાંથી,

કરુણતાની અપરિહાર્યતામાંથી,

ગુમાવેલા પ્રેમમાંથી,

વિનાશના ભયાનક વિજયમાંથી.

હું જોઈ રહી છું,

જીવન, જે જીવવાનું છે,

હાસ્ય, જે હસવાનું છે,

આનંદ, જે માણવાનો છે,

પ્રેમ, જે સિદ્ધ કરવાનો છે.

છેવટે હું શીખી રહી છું

જીવનનો મહાવિજય.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

તોફાની પાણી – માર્જોરી પાઈઝર

કેવાં તોફાની પાણીમાં હું તરી રહી છું

છેલ્લા કેટલાક મહિનાઓથી !

હું જાણતી નથી કે કિનારે પહોંચીશ

કે વચ્ચે જ ડૂબી જઈશ.

હૃદય અને આત્માના કેવા ઝંઝાવાત મેં સહ્યા છે,

ફંગોળાઈ છું અહીં-ત્યાં;

કેટલીયે વાર હતાશામાં,

આ બધી વ્યથા ને આંધીને કારણે

મેં બધી જ આશા છોડી દીધી હતી

અને છતાં, ભાંગી પડેલી ને થાકેલી,

અનિશ્ચિત, હલી ઊઠેલી પણ હજીયે આખેઆખી,

હું લંગડાતી લંગડાતી, આશ્રય ને મરમ્મત માટે

બંદર તરફ જાઉં છું.

 

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )