આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- પેલે પારનો પ્રવાસ

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 .

પેલે પારનો પ્રવાસ (એક અમેરિકન સ્વામીની આત્મકથા) – રાધાનાથ સ્વામી

.

.

.

લેખકનો પરિચય :

 

રાધાનાથ સ્વામીનો જન્મ ૧૯૫૦માં શિકાગોમાં થયો હતો. તરુણાવસ્થામાં એ આધ્યાત્મિક ખોજ માટે વિશ્વભ્રમણે નીકળી પડ્યા અને છેવટે એ ભક્તિયોગને પામ્યા. હાલમાં એ ભક્તિના જ્ઞાનની વહેંચણી કરવા નિયમિતરૂપે એશિયા, યુરોપ અને અમેરિકાનો પ્રવાસ ખેડે છે. જો કે એ મુંબઈમાં એમના સમુદાય વચ્ચે પણ ઘણો સમય વિતાવે છે. રાધાનાથસ્વામીને ઓળખતા લોકો એમની બીજાઓને ભગવાનની સમીપ લઈ જવાની પ્રતિબદ્ધતાની સાક્ષી આપે છે. એમની હળવાશ, સાદગી અને વિનોદવૃત્તિની પણ આ લોકો એટલી જ સાક્ષી આપે છે. મુલાકાતીઓ અને મિત્રો એમના નિરભિમાની-નમ્ર સ્વભાવમાંથી પ્રેરણા મેળવે છે. આ લોકો રાધાનાથસ્વામી જે સત્કાર્યોના પ્રેરક બળ બન્યા છે એનું શ્રેય લેવાની સ્વભાવદત્ત નામરજીથી પણ પ્રભાવિત થાય છે. રાધાનાથસ્વામીએ કેટલાય સમુદાયોનું સર્જન કર્યું છે, જરૂરિયાતમંદ બાળકો માટે મોટા પાયે મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી છે, સેવાભાવી ઈસ્પિતાલો, પર્યાવરણને અનુકૂળ ખેતી, શાળાઓ, આશ્રમો અને સંકટ સમયની રાહત કામગીરીઓના પણ એ પ્રેરકબળ રહ્યા છે.

.

પુસ્તક વિશે :

શ્રેષ્ઠ પુરુષની આત્મકથા આપણને દીવાદાંડીની માફક માર્ગદર્શન આપે છે. ‘પેલે પારનો પ્રવાસ’ એ રિચાર્ડ નામના અમેરિકન યુવાનની આધ્યાત્મિક માર્ગના પ્રવાસની કથા છે. એ કથા સંકટો અને સંઘર્ષોથી ભરપૂર છે. એ તપશ્ચર્યાની કથા છે. કસોટી સોનાની જ થાય, કથીરની નહીં. કૃષ્ણભાવના કે કૃષ્ણચેતનાના સંસ્પર્શથી રિચાર્ડ રાધાનાથસ્વામી કેવી રીતે બની શક્યા એની એ પ્રેરક અને પ્રોત્સાહક આત્મકથા છે. કથા વાંચતા આપણે જોઈએ છીએ કે સ્વામીજીએ હંમેશા વિનમ્રતા, ધૈર્ય, સર્વ પ્રત્યે સમભાવ, પ્રેમ અને આદરનાં જ દર્શન કરાવ્યાં છે. સ્વામીજીએ આ કથામાં પોતાના અહમ કે અભિમાનને ક્યાંય પેસવા દીધું નથી. જુદા જુદા પંથ કે સંપ્રદાયના સંતો, યોગીઓ, મહાત્માઓ અને ધર્મગુરુઓ પ્રત્યે એમણે જે પૂજ્યભાવ-કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કર્યો છે એમાં જ સ્વામીજીની ઉદારતા છે. એ સંતો-મહંતોના સ્વામીજીના ધ્યેયની પ્રાપ્તિ માટેના આશીર્વાદ છેવટે યોગ્ય સમયે ફળીભૂત થયા પણ ખરા. આ આત્મકથાના વાચક કે સાધકને નૂતન જીવનદ્રષ્ટિ પ્રાપ્ત થશે, અજ્ઞાન દૂર થશે અને સેવા તથા ભક્તિનો સાચો આનંદ પ્રાપ્ત થશે.

 .

-પ્રવીણ શર્મા, શિક્ષણવિદ

.

આ પુસ્તકમાંથી મને ગમતા અંશો :

.

મને અચંબો થતો કે આ અદ્દભુત વ્યક્તિ કોણ છે, જેને ઈશ્વર કહેવામાં આવે છે ? શું એ એક પ્રચંડ વાદળ કે પડછાયો છે ! કે પછી અદ્રશ્ય તત્વ છે ? અથવા તો એક એવા મિત્ર, જે મારી દરેક પ્રાર્થના સાંભળે છે, જે એટલા તો વાસ્તવિક છે કે મારા વિચારો દ્વારા હું એમને સ્પર્શી શકું છું.

 .

બાઈબલમાંના એક ખાસ વાક્યને મેં મારા હૃદયમાં સંઘરી લીધું. ભગવાન ઈસુએ એમના અનુયાયીઓને આપેલ ઉપદેશનું એ વાક્ય હતું :’મનુષ્યોમાંથી બહાર આવ અને ભિન્ન બન.’ મેં આની ઉપર લાંબો સમય કાળજીપૂર્વક વિચાર કર્યો. શાને માટે મારે મારું જીવન મારા સાથીઓની સામાજિક શૈલીમાં બંધબેસતું કરવાના પ્રયાસોમાં વ્યર્થ કરવું ? શા માટે હું મારું જીવન મારી પોતાની રીતે જીવવાનો પ્રયાસ ન કરું ? કોઈ દિવસ ભવિષ્યમાં ભગવાનની ઈચ્છા મુજબ જીવવાની આશા હું કેમ ન રાખું ?

 .

ઊંચે દેવળના ઘુમ્મટ તરફ નજર ફેરવી મેં મારા બન્ને હાથ જોડી પ્રાર્થના કરી : હું ખરેખર નથી  જાણતો કે તમે કોણ છો, પણ હું એ માનું છું કે તમે મારી પ્રાર્થના સાંભળો છો. તમારી હાજરી અનુભવવા હું ઝૂરી રહ્યો છું. ઘુમ્મટની અંદરની છત પર દેવદૂતોની વચ્ચે પુનર્જીવિત થયેલા ઈસુનું સુંદર ચિત્ર હતું. એ જોઈ નાનપણમાં સાંભળેલા ઈસુએ કહેલા શબ્દો મારા હૃદયમાં ઊગી નીકળ્યા : સૌપ્રથમ ભગવદ્દધામ રૂપી ખજાનો પ્રાપ્ત કર, બાકીનું બીજું બધું આપોઆપ મળી જશે, કેમ કે જ્યાં તારો આ ખજાનો છે ત્યાં જ તારું હૃદય હશે.

 .

જે રીતે વેસુવીઅસ જ્વાળામુખી ફાટ્યો હતો અને એની ધગધગતી લાવાએ એક આખી સંસ્કૃતિને રાખ કરી દીધી હતી એ રીતે મારા હૃદયમાં પણ ફક્ત અને ફક્ત આધ્યાત્મિક માર્ગ લેવાના નિર્ણયનો સ્ફોટ થયો અને બાકીની દરેક વસ્તુ એની ધખધખતા લાવામાં ભૂતકાળ બનીને રાખ થઈ ગઈ.

 .

આખી જિંદગી વાસ્તવિકતાને હું મારા ઉછેરના આધારે મૂલવતો રહ્યો હતો. આપણને-માણસોને શા માટે રાષ્ટ્રીયતા, વંશ, ધર્મ કે સામાજિક દરજ્જાને આધારે બીજા કરતાં ચઢિયાતા માનવાની આદત હશે ? આપણે આપણી સ્થિતિને ચઢિયાતી માનીએ છીએ અને બીજાની વિચિત્ર કે આપણાથી ઊતરતી કક્ષાના માનીએ છીએ. બીજા પ્રત્યે આવી એકપક્ષી ધારણા બંધાવતો અહમ, પૂર્વગ્રહ કે સાંપ્રદાયિકતામાં પરિણમીને ધિક્કાર, ભય, શોષણ અને યુદ્ધ સુદ્ધાંને જન્મ આપે છે. મેં પ્રાર્થના કરી કે મારી આ સફર મારા મનને આ બધા પૂર્વગ્રહોથી મુક્ત કરે, જેથી જીવન, દુનિયા તથા ભગવાન પ્રત્યેના ઈતર સંસ્કૃતિના અભિપ્રાય તરફ હું સહાનુભૂતિ ધરાવતો થાઉં.

 .

એક દિવસ સૂરજ આથમી રહ્યો હતો. દરિયાના મુખમાં ગરક થઈ રહેલા રાતા સૂર્યએ સાગરના તરંગો પર જાણે સોનેરી ચાદર પાથરી દીધી હતી. તરંગો પણ આ સોનેરી સ્પર્શથી રાજી થઈને જાણે નૃત્ય કરી રહી. કિનારાના ડુંગરા પર આ સોનેરી આભા પરાવર્તિત કરવા માંડ્યા. મારી ઉપરના આકાશ રૂપી ગુંબજમાં પીળો, લાલાશ પડતો કેસરિયો અને આછો જાંબુડી રંગ પથરાઈ રહ્યો હતો. એ ઘડીએ મારા હૃદયમાંથી એક મધુર આદેશ સંભળાયો : ‘ભારત જા.’

 .

જ્યારે જ્યારે હું એ દિવસ યાદ કરું છું ત્યારે મને યાદ આવે છે કે પ્રાર્થનાનો ઉત્તર આપણે કલ્પી ન શકીએ એ રીતે મળતો હોય છે. વિકસવા માટે કદાચ છેક મૂળ સુધી ખળભળી ઊઠવું જરૂરી છે. હેરાતની સડક પર એ રાત્રે હું ઘૂંટણિયે બેઠો હતો ત્યારે મારી અંદર કંઈક મરી પરવાર્યું હોય એવું લાગ્યું અને એને લીધે મારા પથ પર આગળ વધવા માટે જરૂરી એવા સાક્ષાત્કારનો જન્મ પણ થયો. આગળ ચાલવા માટે ઊંટ જેમ પગ હેઠળની સ્થિર રેતી પરથી પોતાની ખરી ઊપાડી લે છે અને સાગર સુધી પહોંચવા નદીનાં વહેણમાં ભળી જવા માટે પ્રત્યેક નાના મોજા એ પોતાની વર્તમાન સ્થિતિ છોડી દેવી પડે છે. મારો આ પ્રવાસ પણ કંઈક એવો જ હતો.

 .

મને સમજાયું કે આપણી સ્વતંત્ર વિચારધારા કોઈ શાપને આશીર્વાદમાં અને આશીર્વાદને શાપમાં ફેરવી શકે છે. મુશ્કેલીઓ સહન કરતાં ઈશ્વર પ્રત્યે વળવું એ એક અમૂલ્ય વરદાન છે. સંકટને એક તકમાં ફેરવી નાખવામાં જ ખરું શાણપણ રહેલું છે.

 .

જીવનનો આશય ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે છે. જો તમે ભગવાનનો સાક્ષાત્કાર કર્યા વગર મૃત્યુ પામશો તો એ જીવન વ્યર્થ છે. તમને ભગવાને આપેલી આ મનુષ્યજન્મની કીમતી ભેટ તમે વેડફી નાખી છે.

 .

જમીન ફળદ્રુપ કરવા માટે આપણે જેમ નકામું ઘાસ, પથ્થર-કાંકરા, કાંટાળા છોડ ઈત્યાદિ ઉલેચી દૂર કરીએ તો જ એ ભોંયમાં આપણે સુંદર ફૂલનો બગીચો ખીલવી શકીએ. એ જ રીતે સદ્દગુણ સંપાદન કરવા માટે આપણે સંકુચિત સ્વાર્થવૃત્તિને ઉલેચી દેવી જોઈએ.

 .

ભગવાનના નામનો જપ કરવાથી જ ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકશે. તમારે ભગવાનના નામના જપનો સતત અભ્યાસ કરવો જ રહ્યો અને તમે એવી અવસ્થામાં પહોંચો કે જપ તમારા મનમાં ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, ચાલતાં, કામ કરતાં, જાગતાં, સૂતાં સતત ચાલ્યા જ કરે.

 .

આપણે પર્વત પર આરોહણ કરવા ઊભા હોઈએ તે ધરતીને પાછળ છોડવી પડે તેમ ભગવાનના હૃદય સુધી પહોંચવા માટે આ જગતનાં પ્રતિકૂળ બંધનો આપણે છોડવા પડે. ગંભીર આધ્યાત્મિક અભ્યાસ એ પર્વત ચઢવા સમાન મુશ્કેલ છે અને રસ્તામાં ગમે તેટલી મુસીબતોનો સામનો કરવો પડે તો પણ પરવા ન કરતાં આપણે આશા સાથે ધ્યેય તરફ ઉપર નજર રાખી પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. પર્વતની ટોચ પર પહોંચવા માટે જે પ્રયત્નશીલ રહે છે એને પર્વત સંપૂર્ણ સહકાર આપે છે તે જ રીતે આપણે આપણા પ્રયત્નોમાં પ્રામાણિક રહીશું તો ભગવાન એમના સર્વોત્તમ કૃપાળુ હૃદય સુધી પહોંચવા માટે આવશ્યક બધી જ સહાર પૂરી પાડશે.

 .

આ જગતનું સૌંદર્ય હંમેશા બદલાતું રહે છે. કાંઈ પણ સ્થિર નથી. દરેક ક્ષણે આપણી વાસ્તવિકતા બદલાતી રહે છે. કુદરતની માફક ગંગામાતા સતત વહેતી રહે છે. પણ એનું કોઈ એક સ્વરૂપ નિત્ય નથી રહેતું તે જ પ્રમાણે આ જગતમાં આપણને પ્રિય એવી દરેક વસ્તુ ધીરે ધીરે અપ્રત્યક્ષ રીતે નાશ પામે છે. આપણે કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી પકડી રાખી નહીં શકીએ. પણ આ બધાની ભીતરની સચ્ચાઈના પ્રવાહને જો સમજી શકીએતો સુખ અને દુ:ખના છીછરા આનંદ કરતાં સાચી વાસ્તવિકતાનો ઊંડો આનંદ માણી શકીએ.

 .

ગંગામાતા આપણને શિખવાડે છે કે આપણે આપણી મહત્વાકાંક્ષા રૂપી સમુદ્રને પામવા માટે ખંતપૂર્વક આપણા લક્ષ તરફ પ્રયાસ કરવો જોઈએ અને વિઘ્નો આપણા માર્ગમાં આવે તો પણ એનાથી હિંમત હારવી ન જોઈએ. આપણા જીવનના બધા અંતરાય નદીનાં વહેણમાં આવતા આ ખડકો જેવા છે. આપણે કદી પણ હિમંત ન હારતાં એની આજુબાજુમાંથી વહેતાં શીખવું જોઈએ. ભગવાનની સહાયથી હંમેશા માર્ગ નીકળી આવે છે.

 .

પાણીના પ્રવાહને નિહાળવું એ જીવનના વહેતાં વહેણને નિહાળવા જેવું છે. જો કોઈ નદીની અંદર હોય તો પાણીના પ્રવાહની એના પર ઊંડી અસર થાય છે. પરંતુ જો કોઈ નદીના કિનારે બેઠો હોય તો વિરક્ત ભાવથી તે પ્રવાહને નિહાળી શકે છે. ગંગામાતા શીખવે છે કે જો આપણા અહંકાર, મન, ઈન્દ્રિયોનાં હવાતિયાં અને આજુબાજુની દુનિયાથી વિરક્ત થઈને ધીર સ્વભાવે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ તો ઊંડું જ્ઞાન મેળવી શકીએ.

 .

આધ્યાત્મિક માર્ગ અને આધ્યાત્મિક ગુરુ ગંગામાતાના પ્રવાહ જેવા છે અને અનુયાયીઓ નદીના પ્રવાહમાં રહેલી વસ્તુઓ જેવા છે. જે અનુયાયી પવિત્ર ઉપદેશના પ્રવાહમાં એકનિષ્ઠ રહેશે તો એ આપોઆપ આધ્યાત્મિક સત્યના મહાસાગર સુધી પહોંચી જશે, પરંતુ કિનારા પર સુખ અને આનંદ રૂપી અનેક પ્રલોભનો અનુયાયીને એના હૃદયના ધ્યેયથી દૂર લઈ જવા તત્પર હોય છે. કદાચ દરેક સાધક એકનિષ્ઠ રહી નહીં શકે, પરંતુ જે એકનિષ્ઠ રહે છે એ આધ્યાત્મિક આનંદના મહાસાગર સુધી પહોંચી શકે છે.

 .

કૃપાને લાયક ન હોવા છતાં જ્યારે કોઈ અણમોલ ભેટ મળે ત્યારે આપણે કૃતજ્ઞ થવું જોઈએ. કૃતજ્ઞતા જ હૃદયને ભગવાનના આશીર્વાદ મેળવવા લાયક બનાવે છે.

 .

બધાં જ દુ:ખોનું મૂળ કારણ આપણે ભગવાન સાથેની આપણી ઓળખ ભૂલી ગયા છીએ એ છે. એને અમયા અથવા ભ્રમ કહેવાય. ભગવાન બધે જ છે. એને તમારે શોધવાની જરૂર નથી. જો તમે ખરા હૃદયથી એમને પોકારશો તો એ તમારી સમક્ષ પ્રગટ થશે. ભગવાન બાહ્ય આવરણને જોતા નથી, પરંતુ હૃદયની અંદર જુએ છે. તમારામાં દંભ ન હોવો જોઈએ. તમે પૂર્ણ આયુષ્યભર જંગલોમાં ભટકાતા રહો, છતાં પણ ભગવાન તમને નહીં દેખાય. એ તમને દેખાશે તમારા હૃદયમાં અને જ્યારે તમે એમને તમારા હૃદયમાં બિરાજમાન જોશો ત્યારે એમનું અસ્તિત્વ સર્વવ્યાપી છે એ જણાઈ આવશે.

 .

બીજાના ઉપરછલ્લા દેખાવ પરથી એમના વિશે અભિપ્રાય બાંધવાનું અને એમના નકારાત્મક ગુણો જોવાની આપણી એ વૃત્તિ આ નદી છતી કરી રહી હતી, પરંતુ જો આપણે ઉપરછલ્લા દેખાવની નીચે જોવા પ્રયાસ કરીશું તો આપણે જોઈ શકીશું કે ચારિત્ર્યમાં રહેલા અનેક અનુભવો એકબીજા સાથે મિશ્રિત થવાથી વ્યક્તિનો એક ખાસ સ્વભાવ નિર્માણ થાય છે. આપણને જે દોષો દેખાય છે એ સામેની વ્યક્તિ કયા સંજોગોના અનેક ઊંડા પ્રવાહોમાંથી પસાર થઈ છે એના પર આધારિત છે. આ પ્રવાહો એટલે માનસિક આઘાત, યાતનાઓ, નિંદા, ઉપેક્ષા, હૃદયભંગ, અસલામતી, પીડા, મૂંઝવણ અને રોગ ઈત્યાદિ એ સંજોગોની પ્રતિક્રિયા રૂપે એક ખાસ સ્વભાવ તૈયાર થાય છે.

 .

જો આપણે કોઈને ખરાબ સમજતાં પહેલાં એના મૂળમાં રહેલાં કારણને જાણી લઈશું તો એનો દ્વેષ કરવાને બદલે આપણે એની પ્રત્યે સહાનુભૂતિ બતાવીશું. શું પ્રત્યેક જીવ મૂળભૂત રીતે સારો નથી ? સંત પુરુષ રોગને ધિક્કારશે, પણ રોગીને પ્રેમ કરશે.

 .

જ્યાં સાચો પ્રેમ છે ત્યાં હંમેશાં ક્ષમા છે. એ ક્ષમા અંત વગરની, શાશ્વત છે. દરેક વસ્તુનો સંબંધ પૂર્ણ સાથે જોવો તેમાં જ વિદ્વત્તા રહેલી છે. આપણે જ્યારે સમજી શકીશું કે દરેક વસ્તુ એ પૂર્ણ પરુષોત્તમની માલિકીની છે ત્યારે આપણે બધાં આપણી એ અમાલિકી ભાવના બોજાથી મુક્ત થઈશું.

 .

હું અને મારુંની ભાવના એ જ બધાં દુ:ખોનું મૂળ છે. ઈશ્વરથી આ અંતર જ સર્વ દુ:ખો આણે છે અને એ અંતર દૂર થતાં સર્વ દુ:ખો નષ્ટ થાય છે. ભગવાન દુ:ખો દ્વારા દુ:ખ દૂર કરે છે અને સંકટ મોકલીને સંકટ દૂર કરે છે અને એમ થઈ ગયા બાદ ભગવાન વધુ દુ:ખો અને સંકટ નથી મોકલતા. આ વાતનું આપણને સદાકાળ સ્મરણ રહેવું જોઈએ.

 .

આ વિશ્વ સુખ અને દુ:ખ વચ્ચે લોલકની જેમ અવિરત ઝોલાં ખાઈ રહ્યું છે. અહીં કોઈ સુરક્ષિતતા કે સ્થિરતા નથી. એ ફક્ત ઈશ્વરમાં જ મળી શકે છે. દુ:ખો આપણા વિચારોને ઈશ્વર તરફ વાળવા માટે મોકલવામાં આવ્યા છે, છેવટે તેઓ જ આપણને સધિયારો આપશે. જ્યારે પણ શક્ય હોય ત્યારે ભગવાનના નામજપનો પ્રવાહ સતત ટકાવી રાખવો. એમના નામનું સતત સ્મરણ કરવાથી ઈશ્વરનું સાન્નિધ્ય મેળવી શકાય છે. આ રીતે આપણા પરમ મિત્રના સંગાથે રહેવાથી એક દિવસ એમનું સાચું સ્વરૂપ તમારી સમક્ષ પ્રગટ કરશે.

 .

મારા ઉત્સાહી મિત્ર હવામાંથી હાથમાં રુદ્રાક્ષ ઉત્પન્ન કરતા, પરંતુ આજે મને એ ખાતરી થઈ ગઈ કે આવી શક્તિઓમાં આધ્યાત્મિકતાનો અભાવ હતો. જે લોકો કુદરતના દેખીતા નિયમોને બદલી શકતા એ કુદરતી રીતે મારા મન પર ઊંડી અસર કરતા અને અત્યાર સુધી મેં જે જોયું એ બધું ચમત્કારિક હતું એ ખરું, પરંતુ આજે મેં જોયું કે આવી સિદ્ધિઓ ભગવાનની અર્થપૂર્ણ ખોજમાં મદદરૂપ નથી થતી. હું કોઈક એવી વસ્તુની શોધમાં હતો, જે આ બધાથી પર હતી.

 .

આપણા ચારિત્ર્ય અને જગત તરફ જોવાના મૂળભૂત દ્રષ્ટિકોણના ઘડતરનો આધાર આપણે પસંદ કરેલી સંગત અને વાતાવરણ પર છે.

 .

સત્તાનો લોભ કેવી દયાજનક પરિસ્થિતિ નિર્માણ કરે છે. જે હૃદય સ્વાર્થી લોભનું બીજ સંઘરી રાખતું હોય એ હૃદયમાં પ્રેમનું પુષ્પ કદી ન ખીલી શકે. પોતાના લોભ, કામ અને ઈર્ષા પર જીત મેળવવી એ જ ખરો વિજય છે અને એ જ વિજય એક ચિરસ્મરણીય સ્મારક બની રહે છે.

 .

લોકો શરીરને પ્રેમ નથી કરતા, પરંતુ આત્માને કરે છે. શરીર એ અશાશ્વત વાહન છે. આત્મા વિનાનું શરીર એ વાહનચાલક વગરનું વાહન છે. હું આંખો દ્વારા જોઉં છું, નાક દ્વારા સૂંઘું છું, જીભ દ્વારા ચાખું છું, કાન દ્વારા સાંભળું છું, ત્વચા દ્વારા સ્પર્શું છું, મગજ દ્વારા વિચારું છું અને હૃદય દ્વારા પ્રેમ કરું છુ, પણ હું કોણ છું ? મારા શરીરને કાર્યરત રાખનાર સુખ-દુ:ખનો ભોક્તા કોણ ? અને બધાનો સાક્ષી કોણ ?

 .

ગરીબી એટલે ફક્ત શરીર પર કપડાં ન હોવાં એ નથી, પરંતુ ગરીબી એટલે માણસાઈની ગરિમા અને ચારિત્ર્યની શુદ્ધતા ન હોવી એ છે. ગરીબાઈ એટલે એકબીજા તરફ સન્માન ન હોવું એ છે. ખરું ઐશ્વર્ય એ હૃદયમાં છે, જેમાં ઈશ્વરના પ્રેમ પર પૂર્ણ વિશ્વાસ હોય. આ જગતમાં એવા લોકોની સખત જરૂર છે, જે આ ઐશ્વર્યવિહિન હૃદયના લોકોમાં આ વિશ્વાસ જાગૃત કરે.

 .

ઈશ્વર અને માનવજાતની સેવા કરવી એ એક સન્માનીય વસ્તુ છે, એ કોઈ કામ નથી. ઈશ્વરની સેવા કોઈ પણ પ્રકારની હોય, એમાં ઊંચાપણું કે નીચાપણું નથી.

 .

મારી બધી શક્તિ મને ઈશ્વરના પવિત્ર નામમાંથી મળે છે.

 .

જો તમે નમ્ર હશો તો તમને માન કે અપમાન કંઈ જ અસર નહીં કરે, કારણ કે તમે જાણો છો તમે કોણ છો, ઈશ્વર એના સાક્ષી છે. તમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હોય ત્યારે કોઈ પણ પ્રકારની નિષ્ફળતાથી નિરાશ નહીં થતા.

 .

ભગવાનને પ્રેમ કરવો એ આપણો સ્વભાવ છે. પણ એ પ્રેમ આપણે લાંબા કાળથી ભૂલી ગયા છીએ. ભગવાન માટે એ પ્રેમ પૂર્ણ રીતે બિનશરતી હોવો જોઈએ તો જ એ આત્માને શાશ્વત આનંદ આપી શકે. આપણે ભગવાનના અંશ છીએ. પણ અજ્ઞાનને લીધે આપણે પોતાને આ અશાશ્વત શરીર તરીકે ઓળખીએ છીએ.  આપણા બધાં દુ:ખોનું મૂળ આપણે ભગવાન સાથેનો આપણો સંબંધ ભૂલી ગયા છીએ એને લીધે છે અને એ ભુલાયેલો સંબંધ આપણે ફરીથી ભગવાનના નામનો જાપ કરવાથી સ્થાપી શકીએ છીએ. આ પ્રક્રિયા જે આપણા સુષુપ્ત ભગવદ્દપ્રેમને ફરીથી જાગૃત કરે છે એને ભક્તિયોગ કહેવાય છે.

 .

આપણે બધા દૈવી ચેતનાથી છૂટી પડેલી આ માછલી જેવા છીએ. ઈશ્વર સાથેના નૈસર્ગિક પ્રેમથી વિમુખ થઈને સુખી થવાની કોશિશ કરવી એ પાણીની બહાર સૂકી રેતીમાં સુખી થવાનો પ્રયાસ કરતી માછલી જેવું છે. સંત પુરુષો ઈશ્વરપ્રેમના આનંદ રૂપી સાગરમાં જીવોને પાછા મોકલવા અથાગ પ્રયત્ન કરે છે, પણ માયા રૂપીજાળ (માયાજાળ) લોકોનાં મનને એ સમુદ્રથી દૂર સૂકી રેતીરૂપી દુ:ખમાં પાછા ખેંચી જાય છે.

 .

હૃદયમાં જામેલા અહંકાર રૂપી મેલને કારણે જ કદાચ આપણને અંતરમાંથી આવતો પ્રભુનો સાદ સંભળાતો નહીં હોય. જ્ઞાન રૂપી સળીથી ગુરુ આપણા હૃદયનો મેલ દૂર કરે છે. જે બહાર નીકળે છે તે દેખાવે બિહામણું લાગે, પણ ધીરજ રાખીએ તો અંતરની સફાઈ થતી રહે છે.

 .

ક્યારેક ભગવાન આપણને ધાર્મિક અનુભવનો અંશ વિનામૂલ્યે આપી દે છે, પરંતુ હૃદયની વધુ સ્વચ્છતા માટે આપણે કિંમત ચૂકવવી પડે છે. એ કિંમત છે સ્વચ્છતાની આ પ્રક્રિયા પ્રત્યેનું સંનિષ્ઠ સમર્પણ.

 .

ભગવાનના નામે થતું દ્વેષી આક્રમણ પણ આ દુનિયાની જ એક સચ્ચાઈ હતી. તત્વ સમજ્યા વિના બાહ્ય રૂપને મહત્વ આપતાં લોકો આ દ્વેષભર્યો માર્ગ સ્વીકારેછે. જ્યારે સાચા અનુયાયીનું લક્ષણ તો શ્રદ્ધા, આત્મનિયંત્રણ, પ્રેમ અને દયા છે.

 .

આપણે નિષ્કાળજીભરી ભૌતિક જરૂરિયાતોમાં સમાધાની જીવન સામે સાવચેત રહેવું અને આધ્યાત્મિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપવું. જો માછલી ઊંડે તરી રહી હોત તો બાજ એના સુધી પહોંચી શક્યો ન હોત. એ જ રીતે જો આપણે ભગવાન સાથેના સંબંધમાં ઊંડા ઊતરીએ તો ઊંડાણભરેલું અને સંતોષપ્રદ આંતરિક સત્ય આપણી આત્મચેતનાને એટલા ઉન્ન્ત સ્તરે પહોંચાડશે કે જ્યાંથી આપણે અકળ પ્રારબ્ધના પરિણામનો સ્થિર અને અનાસક્ત મનથી સામનો કરી શકીશું.

 .

સંજોગોથી પ્રભાવિત વ્યક્તિ દ્વેષી અથવા તો પ્રેમાળ બની શકે છે. આપણી ફરતેનું વાતાવરણ અને સંગ આપણી આત્મચેતના પર નિર્ણાયક પરિણામ લાવે છે. એકબીજાના દુર્ગુણો બહાર લાવવા કરતાં સારપ બહાર લાવવામાં નિમિત્ત બનવું કેટલું મહત્વપૂર્ણ છે.

 .

બળવાન શક્તિ સામે સીધાં શીંગડા ભેરવવાથી આપણે સફળ ન પણ થઈ શકીએ.

 .

હા, હું રડી રહ્યો હતો. એની માન્યતા અનુસાર કદાચ આભારવશ થઈને જ. બીજાને ખુશ કરવાનું હંમેશાં સહેલું નથી હોતું. જો કે એમ કરવાની ઈચ્છા હંમેશા મારા સ્વભાવના ઊંડાણમાં હતી. દઝાડી નાખતી એ વેદના તો આ સાધુને રાજી કરવા માટેની બહુ નજીવી કિંમત હતી.

 .

માલિક ગમે તેવાં કપડાં પહેરે, પણ પાળીતો શ્વાન તેને ઓળખી જ જાય છે. માલિક ઝભ્ભો પહેરે, સૂટ અને ટાઈ પહેરે કે નગ્ન રહે, પણ શ્વાન એને ઓળખી કાઢે છે. બીજા ધર્મનો વેશ પહેરીને આપણા પ્રિય પાલનહાર ભગવાન આપણી સામે આવે અને જો આપણે એમને ઓળખી ન શકીએ તો આપણે શ્વાન કરતાં પણ ઊતરતી કક્ષાના છીએ.

 .

દરેક હૃદયમાં બે શ્વાન વસે છે. દુર્ગુણી શ્વાન અને સદ્દગુણી શ્વાન. બન્ને એકબીજા સાથે લડતા રહે છે. દુષ્ટ શ્વાન આપણા ચારિત્ર્યમાં રહેલાં ઈર્ષ્યા, ક્રોધ, કામ, લોભ, ઘમંડ અને અજ્ઞાનનું પ્રતીક છે તો સદ્દગુણી શ્વાન આપણા દૈવી સ્વભાવ એટલે કે ક્ષમાશીલતા, કરુણા, આત્મનિયંત્રણ, ઉદારતા, નમ્રતા અને ડહાપણનું પ્રતીક છે. આપણા સમયના સદ્દઉપયોગ, દુરુપયોગ તથા જીવનના વિકલ્પોની પસંદગીના આધારે જે શ્વાનનું પોષણ કરીએ એને જોરથી ભસવાની-બીજા શ્વાન પર વિજય મેળવવાની શક્તિ મળે છે. દુષ્ટ શ્વાનને ભૂખે મારીને સદ્દગુણી શ્વાનનું પોષણ કરવું એ સદાચાર છે.

 .

ભક્તની કૃપા રૂપી લાકડી આપણને અત્યંત ભયાનક સંકટમાંથી ઉગારી શકે છે.

 .

અસલી સાથે નકલીનું અસ્તિત્વ સદા રહેવાનું જ. ઈતિહાસ સાક્ષી છે કે ઢોંગ, દંભ, મિથ્યાચાર અને પાખંડે સદાય લોકોની શ્રદ્ધા પાંગળી બનાવી છે. એક સાધુને દર વખતે કંઈ એના બાહ્ય દેખાવથી ન પારખી શકાય.

 .

ભગવદ્દગીતા બોધ આપે છે કે કામ ન કરવા માગતા આળસુ માટે ત્યાગનો માર્ગ છે જ નહીં. એ તો ભક્તિમાર્ગ પર કાર્યરત રહેનારાઓ માટે છે.

 .

ઢોંગી સાધુ કરતાં કપટ વિનાના ઝાડુવાળા બનવું વધું સારું.

 .

વ્યક્તિએ ઘાસના તણખલાથી પણ વધુ નમ્ર થવું જોઈએ. વૃક્ષથી પણ વધુ સહનશીલ થવું જોઈએ અને અન્યોને બધુંજ માન-સન્માન આપીને પોતાનાં માન-સન્માનની જરા પણ અપેક્ષા ન રાખવી જોઈએ. આ રીતે આપણે પ્રભુના નામનો ઉચ્ચારણ સતત કરી શકીશું.

 .

તમે આ ઘાસને જોઈ રહ્યા છો ? એ નમ્રતાપૂર્વક આપણા પગની હેઠળ રહીને પણ સર્વેની સેવા કરવામાં અત્યંત આનંદ અનુભવે છે. કોઈ એને પગ તળે કચડી નાખો તો પણ એ આપણી સેવા હેતુ પાછાં ઊભાં થઈ જાય છે. આપણે એમની પાસેથી નમ્રતા શીખી શકીએ છીએ.

 .

પેલા વૃક્ષને જુએ છે ? એ ઉનાળાના તપતા સૂર્યને સહન કરે છે અને આપણને છાંયડો આપે છે. એ શિયાળાની કાતિલ ઠંડી સહન કરીને આપણને ગરમી પ્રદાન કરવા માટે લાકડું આપે છે અને મહિનાઓ પાણી વગર ઊભા રહીને આપણી તરસ બુઝાવવા માટે રસીલાં ફળ અર્પણ કરે છે. આ બધું એ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વિના કરે છે. આપણે વૃક્ષ પાસેથી સહનશીલતા શીખવી જોઈએ. આપણે સદૈવ ભગવાનના સેવકના પણ સેવકના નમ્ર સેવક થવાની ઈચ્છા રાખવી જોઈએ. કેવળ આ પ્રમાણે જ આપણે ભગવદ્દનામનું અમૃતપાન કરી શકીશું.

 .

પ્રત્યેક મનુષ્યએ એના જીવનમાં એને પોતાને જે સૌથી પવિત્ર માર્ગ જણાય એને અનુસરવો જ રહ્યો. જો મનુષ્ય જેને સત્ય માને છે એને ન અનુસરે તો એના જીવનનું કંઈ જ મહત્વ નથી. મારા પૂર્ણ હૃદયથી અને આત્માથી હું માનું છું કે જીવનનો સૌથી મહત્વનો ઉદ્દેશ એ છે કે આપણું જીવન આપણે એ એક ભગવાનની ભક્તિમાં વિતાવવું જોઈએ, જે આપણા બધા પર પ્રેમના અધિકારથી રાજ્ય કરે છે. આપણે બધા એ એક જ ઈશ્વરના સેવક છીએ. મારા માનવા પ્રમાણે મનુષ્યોની વચ્ચે ઝગડા અને દુ:ખનું મૂળ કારણ એ છે કે આપણે બધા આ પરમ સત્યને ભૂલી ગયા છીએ.

 .

સાધારણ સમાજમાં મર્યાદાભંગની ભાગ્યે જ નોંધ લેવાય છે, પણ ભક્તિની સંસ્કૃતિમાં હૃદયની કોમળતા તથા પ્રામાણીકતાને પવિત્ર માનવામાં આવે છે. આ ભક્તિની સંસ્કૃતિ ખરેખર છે શું ? એ એકદમ સૂક્ષ્મ છે, પરંતુ એ હૃદયના ખેતરને ફળદ્રુપ કે રસાળ બનાવે છે, જેથી એમાં સાચા પ્રેમનું બીજ ઊગી શકે.

 .

આપણા હૃદયમાં સ્થિત ભગવાન પ્રત્યેના ભાવોન્માદવાળા પ્રેમને આપણે માયાના પ્રભાવ હેઠળ ભૂલી ગયા છીએ. આ ભૌતિક દુનિયામાં રહેલો પ્રેમ એ તો માત્ર એનું પ્રતિબિંબ છે. આપણે અનેક રીતે સાચા પ્રેમની શોધ કરીએ છીએ, પણ ભૂલી જઈએ છીએ કે એ તો આપણા હૃદયમાં જ સ્થિત છે.

 .

બાળક એની માતાને અસહાયતાપૂર્વક પોકારતું હોય એવી નમ્રતાથી આપણે ભગવાનનું નામ લેવું જોઈએ.

 .

નમ્ર બનવું એટલે અહંકારને મારવો નહીં, પણ ઈશ્વરના પ્રેમમાં વિકસિત સાચા અહંકારને બંધનમુક્ત કરવો.

 .

કોઈને પ્રેમ કરવાની ઊંડી ઈચ્છા એ જીવન જીવવાનું મૂળ તત્વ છે. બીજાને પ્રેમ કર્યા વિના કોઈ જીવી ન શકે. દરેક જીવમાં આ મૂળભૂત વલણ છે, પણ ખૂટતો ઘટક એ છે કે આપણા પ્રેમને કઈ દિશામાં દોરવો, જેથી એમાં સહભાગી થઈને દરેક જણ ખુશ રહી શકે. આજની સ્થિતિમાં મનુષ્યસમાજ આપણને આપણા દેશ, કુટુંબ અને જાતને પ્રેમ કરવાનું શિખવાડે છે, પણ બધા જ ખુશ થઈ શકે એના માટે આ પ્રેમને કઈ દિશામાં દોરવો એ બાબતની કોઈને જાણકારી નથી. આ ખૂટતો મુદ્દો કૃષ્ણ પ્રત્યેની આપણી મૂળભૂત પ્રીતિને જાગૃત કરવાથી જ મળી શકે. આપણે કૃષ્ણને પ્રેમ કરવાનું શીખીએ તો સાથે સાથે બધા જ જીવાત્માઓને પ્રેમ કરવાનું સરળતાથી શીખી શકીએ, જેમ કે વૃક્ષના મૂળમાં પાણી નાખવાથી વૃક્ષનાં બધાં જ અંગોને છે. એ અવસ્થામાં આપણે સ્થિત થઈશું ત્યારે જ આનંદમય જીવનને પામી શકીશું.

.

પેલે પારનો પ્રવાસ – રાધાનાથ સ્વામી

પ્રકાશક : તુલસી બુક્સ

પૃષ્ઠ : ૩૪૯

કિંમત : રૂ. ૨૦૦/-

Share this

5 replies on “આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- પેલે પારનો પ્રવાસ”

  1. સ્ટાર કેટેગરીની, ભવ્યાતિભવ્ય અને મોંઘીદાટ એવી અમદાવાદની ‘ધ ગ્રાન્ડ ભગવતી’ હોટલમાં આ પુસ્તક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 30મી નવેમ્બર 2011ના રોજ વિમોચન પામ્યું તે પછી ઝાકઝમાળભર્યા કાર્યક્રમના અંતે તેની અંગ્રેજી, ગુજરાતી કે હિન્દી ભાષામાં ઉપલબ્ધ નકલ મેળવવા પડાપડી થઈ હતી. કેમ કે બસો રૂપિયાની કિંમતનું આ દળદાર પુસ્તક લોકોને મફતમાં અપાતું હતું. પુસ્તકમાંના લખાણથી લઈને તેના ભાષાંતરના તો અનેક પ્રશ્નો છે જેની ચર્ચા કરવી એ પણ વખત બગાડવા જેવું છે. પુસ્તકના પ્રકાશન સાથે ધર્મની ભેળસેળ થાય એટલે તે પુસ્તક સાહિત્યિક કૃતિ મટીને મફતમાં મળતો પ્રસાદ બની જાય છે. આ પુસ્તક સાથે પણ એમ જ થયું.
    બિનીત મોદી (અમદાવાદ)

  2. સ્ટાર કેટેગરીની, ભવ્યાતિભવ્ય અને મોંઘીદાટ એવી અમદાવાદની ‘ધ ગ્રાન્ડ ભગવતી’ હોટલમાં આ પુસ્તક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 30મી નવેમ્બર 2011ના રોજ વિમોચન પામ્યું તે પછી ઝાકઝમાળભર્યા કાર્યક્રમના અંતે તેની અંગ્રેજી, ગુજરાતી કે હિન્દી ભાષામાં ઉપલબ્ધ નકલ મેળવવા પડાપડી થઈ હતી. કેમ કે બસો રૂપિયાની કિંમતનું આ દળદાર પુસ્તક લોકોને મફતમાં અપાતું હતું. પુસ્તકમાંના લખાણથી લઈને તેના ભાષાંતરના તો અનેક પ્રશ્નો છે જેની ચર્ચા કરવી એ પણ વખત બગાડવા જેવું છે. પુસ્તકના પ્રકાશન સાથે ધર્મની ભેળસેળ થાય એટલે તે પુસ્તક સાહિત્યિક કૃતિ મટીને મફતમાં મળતો પ્રસાદ બની જાય છે. આ પુસ્તક સાથે પણ એમ જ થયું.
    બિનીત મોદી (અમદાવાદ)

Leave a Reply to Binit Modi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.