….દીવા માન્યા પાંચ – લલિત ત્રિવેદી

આપ સાચવે સાચ એટલે દીવા માન્યા પાંચ

પરપોટા જ્યાં પાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

ઘરમાંથી ગ્યા મંદિરિયે ને મંદિરિયેથી ઘરમાં

ક્યાંય અડીના આંચ એટલે દીવા માન્યા પાંચ

 .

મ્હેતાજીએ મૂકી હોય તો ચશ્માંથી વંચાય

નરસૈંયાની ટાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

કોઈએ સાંધ્યા કાચ કોઈએ મન મોતી ને કાચ

આ તો સાંધી વાચ એટલે દીવા માન્યા પાંચ

 .

ખમીસમાં જો હોત ક્યાંય તો બખિયા મારત પાંચ

પડી છે અંદર ખાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

જતાં જાતરા એક દિવસ પહોંચ્યા મંદિરની માંહ્ય

માંડી અઠંગ જાપ એટલે દીવા માન્યા પાંચ

 .

પતંગિયાની પાંખેથી રજ જેમ ખરે છે અખ્ખર

લલિત તું ઈ વાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

( લલિત ત્રિવેદી )

 

તારું એક નામ – પ્રીતમ લખલાણી

સપનાઓની

સાંકડી શેરીમાં

મેં સંઘરી રાખ્યા છે

આંસુઓમાં

કુંવારી સંવેદનાના બધ્ધા રંગો !

જિંદગીનું વસ્ત્ર વેતરવા

વર્ષામાં સાથે ભીંજાવાની વાતો

ને’ વસંતમાં

ઝાંઝર લયમાં કીડીની

કાલી ઘેલી મધુરતમ વાણીને

મેં સાચવી રાખી છે

કાનોમાં

પંખીના લીલા ટહુકાની જેમ.

કોઈ કાળે

હૃદય ભીંતે જતનથી મૂકેલ

તારી તસવીરની આસપાસ

લાગેલી ધૂળને ખંખેરતા

જો મારા શ્વાસમાં

એકાએક દરિયો જાગે તો !

ઉમ્રભરના બોજાતળે

તૂટેલા તરાપામાં નિરાંતે

બેસીને મારે ફૂંકવો છે

અર્જુનનો પાંચ જન્યની શંખ

અને પછી આંખ સામે

આવીને ચાલ્યા જતા

પેલા હલેસા પર દરેક જન્મે

મારે બસ ઘૂંટ્યા કરવું છે

ફક્ત તારું એક નામ !

 .

( પ્રીતમ લખલાણી )

કવિતાનો સૂર્ય – પ્રીતમ લખલાણી

છત પર

લટકતાં ઝુમ્મર વચ્ચે

એક પતંગિયું

બંધ બારીઓ જોઈ જોઈને

વિચારોના દરિયામાં ડૂબી ગયું છે.

કેમ આજ

કારણ વિના નભથી

રિસાયા છે વાદળો !

જો અચાનક મોસમ બદલાઈ તો ?

ભીંત પર જડેલા પેલા ચિત્રોમાં

ચૂપચાલ ઊભેલાં વૃક્ષોની ડાળે

એકાદ બે પાંદડાં ફરફરી ઊઠે

અને પછી તેની કોઈ ડાળે

ટહુકા વેરતું પંખી

માળો બાંધવા આવી ચઢે તો !

ઘર, ગલી અને ફળિયા વચ્ચેના

વાદળ ઘેરાયેલા આકાશમાં

કવિતાનો

સૂર્ય ઝળહળી ઊઠે !

 .

( પ્રીતમ લખલાણી )

બસ સ્હેજ – પ્રીતમ લખલાણી

પવન હિલોળે

હળવેકથી

પરોઢે

મારી બારી ખોલી

ને ઢળતી રાતથી

રાહ જોઈને બેઠેલ

ઝાકળ ભીની મોગરાની

એક ડાળ

કોડભરી કન્યાસમી

બારીએથી પ્રવેશતી

મને વળગી પડી.

એટલે મારાથી તેને પૂછાય જવાયું.

‘અરે ! રાત આખીમાં

તે’ આભના કેટલા તારા ગણી નાખ્યા ?’

અને તે,

હોઠોમાં મલકાતી બોલી,

‘જો કોઈએ,

ગઈ રાતને

બસ સ્હેજ લંબાવી દીધી હોત તો ?

મેં ક્ષિતિજમાં બધા તારાને ગણી નાખ્યા હોત !

 .

( પ્રીતમ લખલાણી )

અર્થ – પ્રીતમ લખલાણી

દોસ્તો !

આપણી બંધ મુઠ્ઠીમાં

ઈશ્વર નથી કે

આપણે કોશનો અર્થ

કોઈ પણ વ્યક્તિને

નિર્ભય મને

કોરા કાગળમાં સમજાવી શકીએ !

ખાલીપાનાં ખંડેરમાં

પીળું પાંદડું જ નહીં

લીલું પાંદડું પણ એકલું એકલું

એકલતામાં

ખખડતું હોય છે.

શબ્દની લિપિમાં

ભલે સોનેરી શ્વાસ મઢ્યો હોય

વાણીનો અર્થ

સાવ સીધો સરળ

પાણી સમો નિર્મળ લાગતો હોય

છતાં કોણ છે સાચું ?

ને’ કોણ છે ખોટું ?

આવી કારણ વગરની

પંચાતમાં કોણ કૂદી પડે ?

નહીંતર શબ્દકોશના જર્જરિત પાનામાં

જો વૃક્ષનો અર્થ શોધવા નીકળીએ

અને આપણને કદાચ તેનો અર્થ

પંખી મળે !

એમ પણ બને !

 

( પ્રીતમ લખલાણી )

રંગભેદ – પ્રીતમ લખલાણી

એક વહેલી સવારે

લાલ લીલા

પીળા અને ભૂરા પંખીઓને

આંગણાના

મેપલ વૃક્ષની ડાળે ડાળે

રમતાં, ભમતાં જોઈને

‘વાહ કેવા

સુંદર મજાના પંખીઓ છે ?’

ને ત્યાં જ

પવનમાં લહેરાતી

ગુલાબની એક ડાળે

મારો કાંઠલો જાલીને મને કહ્યું,

‘અરે’ કવિ,

તું આવી રૂપરંગની

જાળમાં ક્યાંથી અટવાયો !

‘પંખી,

રૂપરંગથી નહીં

ઓળખાય છે ટહુકાથી !’

 .

( પ્રીતમ લખલાણી )

મા એટલે…(પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ)

(23/08/1938 - 25/12/2012)

(23/08/1938 – 25/12/2012)

.

 

મા કદી મરતી નથી : માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે.

***

જેને પત્ર ન લખ્યો હોય છતાં એની આંખોમાં લખવા ધારેલા પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા.

***

મા એટલે જગતજનની.

***

( હરીન્દ્ર દવે )

 .

‘માતા’ શબ્દ નથી પણ શબ્દતીર્થ છે.

 .

( ગુણવંત શાહ )

 .

પરથમ પરણામ મારાં માતાજીને કહેજો,

માન્યું જેણે માટીને રતનજી,

ભૂખ્યા રહી જમાડ્યા અમને

જાગી ઊંઘાડ્યા એવા

કીધાં રે કાયાનાં જતનજી.

 .

( રામનારાયણ પાઠક )

.

માતા એ જ વિધાતા છે.

***

જે જતન કરે તે મા.

***

માતા એ શાશ્વતીનું બીજું નામ છે.

***

( સુરેશ દલાલ )

 .

માના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું ? તે મારી એટલી નિકટ છે એટલે તો એના વિશે કંઈ પણ બોલવું વિકટ છે અને મને એમાં અસંસ્કારિતા લાગે છે.

 .

( હેલન કેલર )

.

ઈશ્વરને પહેલી વાર માતાનો વિચાર આવ્યો હશે ત્યારે ખુદ ખુદાના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું હશે અને તરત જ એણે માનું સર્જન કર્યું હશે. મા વિશે ઈશ્વરની કલ્પના આવી હશે. ચિક્કાર સમૃદ્ધ, હૃદયના ઊંડાણથી ભરી ભરી, અત્યંત દિવ્ય, આત્મશક્તિ અને સૌંદર્યથી સભર સભર.

 .

( હેન્રી બિયર )

 .

મા જેવો છાંયડો ક્યાંય હોય નહીં, માતા જેવી કોઈની ગતિ નહીં, માતા સમું બીજું કોઈ છત્ર નહીં અને મા જેવું પ્રિય કોઈ જ નહીં.

 .

( મહર્ષિ વેદ વ્યાસ )

મૂલ્ય મારે શ્વાસના – ફિલિપ ક્લાર્ક

મૂલ્ય મારે શ્વાસના કરવા હતા;

ને અજંપા ઊરમાં ભરવા હતા.

 .

નાવ કાગળની બનાવીને પછી;

સાગરો કૈં રેતના તરવા હતા.

 .

ને પ્રસાદી રૂપે મારે દેવને;

વેદનાના આંસુઓ ધરવા હતા.

.

ટાંકણું એકાંતનું કરવું અને;

યાદના આકારને ઘડવા હતા.

 .

અન્યની તો વાત પણ કરવી નથી;

જાત સાથે યુદ્ધ કૈં લડવા હતા.

 .

સમજ કેરા ધ્વજને ફરકાવવા;

અણસમજના શિખરો સરવા હતા.

 .

( ફિલિપ ક્લાર્ક )

કેમ કરીને – દેવેન્દ્ર દવે

કેમ કરીને તને પ્રેમનું ગીત મજાનું લખવું ?!

શબ્દો કેરા સાગરમાંથી મોતીને જ પરખવું…કેમ કરીને.

 .

બે-ચાર હજી જ્યાં અક્ષર માંડું કલમ બિચારી અટકે,

લખું પરાણે જેવું તેવું-ટાંક ઓચિંતી બટકે !

 .

તને ગમે એ વાત વિચારી લખવા કાજ વલખવું,

દિવસે-રાતે ભઠ્ઠીમાંના અંગારા-શું ધખવું !…કેમ કરીને.

 .

‘પ્રેમ’ નામની ચીજ પ્રથમ કથવી-લખવી અઘરી,

ગાવાં જાતાં ભુલાય સઘળું, બાઝે કંઠે ખખરી !

 .

નભમાં તરવું, જલમાં સરવું, છંદ-સ્પંદને ચખવું,

પળમાં પ્રગટે, છળમાં પલટે, કદીક વળી હરખવું…!…કેમ કરીને.

 .

( દેવેન્દ્ર દવે )

…નીકળ્યું છે-સાહિલ

સમયનું અજબ આચરણ નીકળ્યું છે

સ્મરણનાં તળેથી સ્મરણ નીકળ્યું છે

 .

ગમે ત્યારે ઘર મૃગજળોનું જો ખોલ્યું

સદા હાંફ્યા કરતું હરણ નીકળ્યું છે

 .

સૂરજ નામે એ ઓળખાયું જગતમાં

તમસ ચીરીને જે કિરણ નીકળ્યું છે

 .

બપોરી સફરમાં તમારી કૃપાથી

મને આંબવાને ઝરણ નીકળ્યું છે

 .

અચંબો થયો અંગજડતી લઈને

સમંદરના તળિયેથી રણ નીકળ્યું છે

.

જીવ્યા સામસામે છતાંયે મિલનમાં

કોઈ ને કોઈ આવરણ નીકળ્યું છે

 .

અમસ્તો નવાઈ નથી પામ્યો ‘સાહિલ’

જીવન જો નીચોવ્યું-મરણ નીકળ્યું છે

.

( સાહિલ )