સ્વપ્ન તારું – સિકંદર મુલતાની

સ્વપ્ન તારું હું મનોહર જોઉં છું,

ને હકીકતની ધરોહર જોઉં છું !

 .

તું કમળ પેઠે જ ઊગી જાય છે,

જ્યારે જ્યારે હું સરોવર જોઉં છું !

 .

કાં ન હુક્કો ગડગડાવું હું, પ્રિયે !

તુજમાં લ્હેરાતું ચરોતર જોઉં છું !

 .

તું બરોબરમાં નિહાળે છે ઊણપ,

હું ઊણપમાં પણ બરોબર જોઉં છું !

 .

જિંદગીમાં બેઉ હોવા જોઈએ,

સુખ અને દુ:ખ હું સહોદર જોઉં છું !

 .

શું ‘સિકંદર’..આભ, હાઉંકલો કરે ?

બારીએ તુજ, રોજ સ્ટોપર જોઉં છું !

 .

( સિકંદર મુલતાની )

મારી નજરુંના – ઉષા ઉપાધ્યાય

મારી નજરુંના નાજુક આ પંખીના સમ

એનું આખ્ખું આકાશ તારી આંખમાં

 .

અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં

પથ્થરિયા પોપટ શાં રહીએ,

થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી

ખળખળતાં ઝરણાં સાં વહીએ,

ટોળાબંધ ઊડતાં આ સાંભરણનાં સમ

એનું આખ્ખું આકાશ તારી આંખમાં

 .

સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું

મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં,

હળવે આવીને ત્યારે કહેતું આ કોણ

મને બાંધી લે અધરોનાં ફૂલમાં,

ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ

એનું આખ્ખું આકાશ તારી આંખમાં.

 .

( ઉષા ઉપાધ્યાય )

ઉદ્ધવ ગીત (૨) – વીરુ પુરોહિત

ઘણું ભોગવ્યું તમે, કૃષ્ણના સાન્નિધ્યે, સદ્દભાગ્ય !

પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સોભાગ્ય !

 .

સૂતી હોય સિંહણ તો, ઉદ્ધવ ! ઘણી મનોહર લાગે;

પણ જો ત્રાડે, વૃક્ષો સઘળાં થથરી પર્ણો ત્યાગે !

શાંત સરિતા ખળખળ વહેતી સંગીત મધુર સુણાવે;

વીફરે તો વચ્ચે આવેલા પહાડોને ય તણાવે !

 .

કરગરીએ, વીનવીએ તો શું માનો છો નિર્માલ્ય ? !

પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સૌભાગ્ય !

 .

ધીરજ અમારી ખૂટી તો મથુરાને દઈશું રોળી;

ચપટીમાં જ્યમ કોઈ તૃણ ઝકડીને નાખે ચોળી !

પાપ તમારાં શિરે, લાગશે ભાલે કાળી ટીલી;

કહો, જીવીએ ક્યાં લગ નિજનાં આંસુ ઝીલી ઝીલી ?

 .

શ્યામ વિના જે કૈં છે જગમાં, અમને શિવનિર્માલ્ય !

ઘણું ભોગવ્યું તમે, કૃષ્ણના સાન્નિધ્યે, સદ્દભાગ્ય !

પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સોભાગ્ય !

 .

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત (૧) – વીરુ પુરોહિત

અમે ગોપીઓ એકબીજાનું ભૂલી ગયાં રે નામ !

શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી !

તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ !

 .

‘નથી જવું જલ જમુના’ કરતાં, સૂરજ આવે માથે;

તરફડતાં, તરસ્યાં પક્ષીગણ ચકરાવ્યાં છે સાથે !

દંતકથાની શાપિત પૂતળી જેમ જડાયાં દ્વારે;

કૃષ્ણ નથી, તો કોણ મંત્રપૂત જલ છાંતીને તારે ?

કાલીંદીનો તટ બન્યો છે નાગણિયુંનું ધામ !

શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી !

તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ !

 .

ના ઘોળાવ્યાં વસંતના મઘમઘતાં ફૂલ નાવણમાં;

કોરાંકટ રહી ગયાં અમે તો ફાટફાટ ફાગણમાં !

મોર-બપૈયા-ચાતક પણ ચોમાસે મૂંગાં ઊભે;

ભીની કળી ચંબેલીની ગાલે કંટક શી ચૂભે !

સ્તબ્ધ જીવ, નિશ્વાસો, ખુલ્લી પાંપણ આઠે યામ !

અમે ગોપીઓ એકબીજાનું ભૂલી ગયાં રે નામ !

શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી !

તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ !

 .

( વીરુ પુરોહિત )

બે લઘુકાવ્યો – એસ. એસ. રાહી

(૧)

ગ્રીષ્મની પૂનમ રાતે

સૂકાઈ ગયેલા

સરોવરને કાંઠે

મારા અવાવરું સ્વપ્નો વેચી,

બદલામાં ખરીદું છું

મુઠ્ઠી પતંગિયાઓ !

 .

(૨)

તારી પ્રતીક્ષામાં હજુ પણ

ઉઘાડી નથી

મેં મારી બંધ મુઠ્ઠી

જ્યારે તું આવશે

અને મુઠ્ઠી ખોલશે

ત્યારે

એમાં તું શોધી શકીશ

મારા ગત જન્મની

કથાઓ-વ્યથાઓ !

 .

( એસ. એસ. રાહી )

કોઈ ક્યારેય પણ – ભાવેશ ભટ્ટ

કોઈ ક્યારેય પણ ઉદાસ ના થાય,

થાય તો મારી આસપાસ ના થાય !

 .

એક દિ સૂર્ય ના ઊગ્યો, તો થયું,

ક્યાંક મારી ઉલટ-તપાસ ના થાય !

 .

જો વીતે આપના વિચાર વગર,

એ દિવસ મનનો ઊપવાસ ના થાય ?

 .

એ રીતે કોઈ ભીંત શણગારો,

કે બીજી ભીંત નાસીપાસ ના થાય.

 .

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં,

એમ ઈચ્છું કે એ નપાસ ના થાય !

 .

વૃક્ષને પામીને ન પામ્યા, જો,

ડાળીએ ડાળીએ પ્રવાસ ના થાય.

.

( ભાવેશ ભટ્ટ )

देह के लिबास – आशा पाण्डेय ओझा

आज फिर उग आई है

खयालों की जमीन पर वो याद

जिस शाम मिले थे

हम तुम पहली बार

और मौसम की

पहली पर तेज बारीश भी तो

हुई थी उसी रोज

चाय की इक छोटी सी थडी में

ढूँढी थी हमने जगह बारिश से बचने को

ठीक वैसे ही

कहीं न कहीं हम बचते रहे

कहने से मन की बात

और चाहते भी रहे इक दूजे को

कितनी पाकीजा होती थी ना तब मुहब्बतें

देह से परे

सिर्फ रुहें मिला करती थी

और मोहताज भी नहीं थी शब्दों की

हाँ पूर्णता कभी मोहताज नहीं होती

ना शब्दों की ना देह की

वो अनछुए अहसास आज भी जीती हूँ

बरसा-बरस बाद

तुम भी जीते होओगे ना

वो लम्हे आज भी

ठीक मेरी ही तरह

हाँ जेते तो होगे जरुर

तुम भी तो ठहरे मेरी ही पीढी के

तब की पीढियाँ नहीं बदला करती थी

रोज-रोज महब्ब्त के नाम पर देह के लिबास

 .

( आशा पाण्डेय ओझा )

લઘુકાવ્યો – પન્ના નાયક

(૧)

ઘરઆંગણે

ન ઓળંગાતા

ઠરીને બરફ થઈ ગયેલા

સ્નોના ઢગલે ઢગલા.

 .

ક્યારે સૂરજ ઊગશે ?

ક્યારે ?

 .

(૨)

ચાલ્યા કરે છે હજીય

તારી ને મારી

શોધ

કશુંક રચવા.

 .

એ રચાઈ જશે

એટલે પતંગિયું ઊડી જતાં

નમેલું ફૂલ સ્વસ્થ થાય એમ

નહીં રહે કોઈ અજંપ

નહીં રહે કોઈ ખેવના.

 .

વિચારું છું-

પછી આપણું શું થશે ?

 .

(૩)

તું અહીં નથી

ને

વરસું વરસું થતાં વાદળાંનો ભાર

મારે જીરવ્યા કરવાનો

ભીનો ભીનો….

 .

(૪)

ઢળતી સાંજે

મિત્રની વૃદ્ધ માને મળવા જાઉં છું

ત્યારે

આંખ સામે તરવરતું હોય છે

નવેમ્બરની સવારના તડકામાં જોયેલું

ખરું ખરું થઈ રહેલું એક પાન…

 .

(૫)

દીવો ઓલવ !

ચાલ,

એકમેકને જીવી લઈએ

પથારી પર

નૃત્ય કરતી

ચૈત્રની ચાંદનીના સાન્નિધ્યમાં…

 .

( પન્ના નાયક )

ભીનાશ – એષા દાદાવાળા

આમ તો

મને ઘણું યાદ રહે છે,

તારી સાથે કરેલી વાતો,

આપણે પહેલી વાર મળેલાં ત્યારે તેં પહેરેલા શર્ટનો રંગ,

આપણો પહેલી વારનો ઝગડો

ઘણું બધું…

અને લગભગ બધું જ.

આપણે પહેલી વાર એક કોનમાં આઇસક્રીમ શેર કરેલો પછી વરસાદ

પડેલો,

મારા હાથમાં ગુલાબનું ફૂલ મૂકી તેં મને પૂછ્યું હતું, ‘હવે કશું કહેવાની જરૂર

ખરી ?’

અને મારી રિસ્ટવોચનો સમય અટકી ગયેલો.

મને બધું જ યાદ છે હજી પણ,

એવું ને એવું જ…

ઘણી વાર તને મળવાની ઝંખના તીવ્ર બનતી હોય ત્યારે

મારી અંદર આ બધું ઝળહળી ઊઠે,

મારી અંદર જ વરસાદ થાય તારો…

હું ભીની થઈ જાઉં આખેઆખી ત્યાં સુધી વરસે તું,

હું આંખો બંધ કરી લઉં,

અને સળવળે કશુંક અંદર…

તું સ્પર્શે અને પછી થાય એવું જ કંઈક…

હું પથારીએ પડું, એવી ને એવી જ…ભીનીને ભીની

અડધી રાત્રે તું વરસતો બંધ થઈ ગયો હોય અને

હું અચાનક જાગી જાઉં,

બધું કોરું-સૂકું કરું

એ પહેલાં તો

તું કવિતા થઈ કાગળે અવતરી ચૂક્યો હોય

અને હું તો રહી ગઈ હોઉં

એવી ને એવી જ,

ભીની !!

 .

( એષા દાદાવાળા )

વણવંચાયેલા પુસ્તક – સુરેશ દલાલ

વણવંચાયેલા પુસ્તક જેવા મારા જીવનને મૂકી દો અકબંધ

નહીં દેખાતી કોઈ ખૂણા પરની આળસુ અભરાઈના કાષ્ઠ પર.

મૂકો એ પહેલાં એના પર ચડાવી દેજો બ્રાઉનપેપર

જેથી એને ઊંચકીને જરાક સરખું પણ જોવાનું કુતૂહલ ન રહે.

.

આમ પણ જીવનમાં રસ પડે એવી ઘટનાઓ દેખાતી નથી

અને આપણી ભીતરની તરસ સાથે કોઈને લેવાદેવા પણ શું ?

ખીલતાં પહેલાં ખરી ગયેલાં ફૂલોને એકઠાં કરવાની કોઈ ઇચ્છા નથી

અને તૂટેલા વહાણનો ભંગાર ભલે ને કોઈ કિનારા પર પડ્યો રહે.

 .

જીવનમાં નથી આવ્યા એવા કોઈ વળ-વ્ળાંક, કે ઝૂમી પડું

સ્મૃતિની કંટાળાજનક ગલીમાં ફરવા માટે મન માનતું નથી.

હવે એટલું બધું મોડું થયું છે કે સ્વપ્નાં પણ આંસુ જેમ સુકાઈ ગયાં છે

અને આમ પણ ભાંગેલી ડાળને કે ચૂંથાયેલા માળાને જોવામાં રસ નથી.

 .

નથી જોઈતો કોઈનો પ્રેમ કે સહાનુભૂતિ કે કશુંય પણ.

હવે તો આંખ જોયા કરે છે કેવળ વિસ્તરતું જતું મૃગજળ વિનાનું રણ.

.

( સુરેશ દલાલ)