પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

મારી આજની દિનચર્યા સાંભળવા માટે હું તમને વિનંતી કરું છું.

 .

મારા જીવનની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જે તમારામાંથી મારું મન વિચલિત કરે એ બધાને તમે કાઢી નાખો.

 .

મારા મનમાં કોઈ પણ વિચાર કે માન્યતા કે પ્રયોજન-એ તમારા તરફ પ્રોત્સાહિત ન કરતાં હોય કે જ્યાં તમારી મહત્તા ન હોય એ બધાંને કાઢી નાખો.

 .

મારા હૃદયનાં દરેક અનુભવ, સ્મૃતિ કે ઈચ્છા-જેમાં તમારો હેતુ ન સરતો હોય એ-તમે લઈ લો. મને હંમેશાં એ સ્મરણમાં રહે કે જે તમારી યોજનામાં મારે માટે પ્રેમ છે એ જ મારી મુક્તિ છે. બાકી બધું જ મારી કલ્પના અને ભયનું જ કારણ છે.

 .

મારા વહાલા પ્રભુ, હું સમજું છું કે મારે તમને કેવી રીતે પ્રાર્થંના કરવી એ પણ મને આવડતું નથી. તમારા આશીર્વાદ એ માટે યાચું છું.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

હું ઈશ્વરના પવિત્ર સાંનિધ્યમાં તરબોળ છું. મારા અંતરત્માના ઊંડાણથી ઊઠતી પ્રાર્થનાઓ શ્રદ્ધાની પાંખો વડે ઊડી વિશ્વની અંદર તરે છે. કેવા મહા આનંદની વાત છે કે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે એ સંભળાય છે. અને જ્યારે મારી પ્રાર્થનાઓ સંભળાય છે ત્યારે તેના (મને) ઉકેલ મળે જ છે.

 .

હું એકદમ ચિંતામાં, દુ:ખમાં હોઈશ ત્યારે એ યાદ રહેશે કે આવેલા તોફાનની વચ્ચે અપાર શાંતિ છે. આ અનુભવની શાંતિ એ જ ઈશ્વર તારી સંનિધિ છે. મારે ત્યાં જ રહેવું છે.

 .

હું જાણું છું કે ઈશ્વર બધું જ સાંભળે છે, બધું જ જાણે છે, તો હે કૃપાળુ પરમાત્મા, મારા વિચારો તમારા તરફ ગતિમાન થાય એ જ પ્રાર્થના. એને માટે હું તમારી ખૂબ ખૂબ આભારી.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

હે મંગલમય શક્તિ તને મારા મનમાં વસવા માટે હું પ્રાર્થના કરું છું.

 .

હે કલ્યાણમય શક્તિ મારા મનને બદલી નાખો.

 .

ઈશ્વર, તમે જે મારા જીવનમાં પૂર્ણ યોજના કરી છે તેમાં મારો દરેક વિચાર એકરૂપ બને.

 .

હે મંગલમય શક્તિ, તમે મારા અંતરાત્મામાં વાસ કરો અને મારા અંતરમાં પરિવર્તન લાવો.

 .

ઈશ્વરના પ્રેમનું જ્યાં પ્રતિબિંબ ન પડતું હોય એવી દરેક લાગણી, યાદશક્તિ અને અનુભવને નિષ્ફળ બનાવો.

 .

હે મંગલમય શક્તિ, તમે મારા જીવનમાં આવો. તમને હું હૃદયપૂર્વક આવકારું છું.

 .

મારા જીવનની દરેક પરિસ્થિતિ, સંજોગ અને વ્યવસ્થાને તમે બદલી નાખો.

 .

મારા જીવનને ઈશ્વર તમે તમારી કૃપા, કરુણા અને ભવ્યતાનું પ્રતિબિંબ બનાવો.

 .

મારો પ્રત્યેક અંશ જે તમારા ગુણ સાથે ન જોડાતો હોય તેને બદલી નાખો.

 .

ઈશ્વર, હું જાણું છું કે તમારી એ પૂર્ણ યોજના છે કે હું ખૂબ આનંદથી, શાંતિથી, સભરતાથી અને સંવાદિતાથી જીવું.

 .

હે મંગલમય શક્તિ, તમે મારા મનમાં, હૃદયમાં અને જીવનમાં આવો-તમે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પામવામાં મને સફળ કરો. તમારી સંનિધિ આપવા માટે ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને આભાર માનું છું.

 .

એમ જ થવું જોઈએ અને થશે એવી મારી શ્રદ્ધા છે.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

અહીં કશું જ જતું કરવાનું કે સુધારવાનું નથી. ઈશ્વરને પ્રાર્થના કરું છું તમારે પ્રગટ થવાનું છે.

 .

હે પ્રભુ, તમે મારા મનમાં વસો.

હે વાત્સલ્યમૂર્તિ ઈશ્વર તમે મારા હૃદયમાં વસો.

પૂર્ણસ્વરૂપ પરમાત્મા તમે મારા સ્વાસ્થ્યમાં વસો.

ઐશ્વર્યવાન પ્રભુ તમે મારી સંપત્તિના રૂપમાં આવો.

પ્રભુ, તમારી સંનિધિ મારામાં આનંદરૂપે આવે એવી પ્રાર્થના.

શક્તિશાળી પ્રભુ મારું અને મારા પરિવારનું રક્ષણ કરો.

 .

મારા જીવનમાં શાંતિ સ્વરૂપે અને આનંદસ્વરૂપે આવવા માટે પ્રભુ, હું તમારો ખૂબ આભાર માનું છું. તમે મારા જીવનના કેન્દ્રસ્થાને છો.

 .

હે પ્રભુ, મારો બચાવ કરવા માટે, રક્ષણ કરવા માટે, માર્ગદર્શન માટે અને મને લાગતીવળગતી કોઈ પણ પરિસ્થિતિમાં સંભાળવા માટે, દરકાર લેવા માટે અને જે સમયે, જે કરવું જોઈએ તે બધામાં શક્તિ પ્રેરવા માટે ખૂબ ખૂબ આભાર.

 .

મારા સંબંધો અને દેહને સારા રાખવા માટે, બધી જરૂરિયાતો પૂરી કરવા માટે આભાર.

 .

સૌથી વધારે તો પ્રભુ મને જેવી છું તેવી સ્વીકરવા માટે, મારે શેની જરૂર છે એ જાણી બધી પૂરી કરવા માટે-એ પણ હું માંગું એ પહેલા આપવા માટે-તમારો ખૂબ આભાર.

 .

આજે હું સમજું છું અને સ્વીકારું છું કે કશું જ નિશ્ચિત નથી. નક્કી કરવાનું કે બદલાવાનું કે સુધારવાનું નથી, કારણ કે એ તો પ્રભુ પોતે જ પ્રગટ થઈને કરશે.

 .

એ માટે ખૂબ ખૂબ આભાર.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

સાંજ પડી ગઈ – કુમાર જૈમિની શાસ્ત્રી

માણસ નામે પરબીડિયું ને જીવતર નામે કાગળ

લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ

 .

ટૂંકાટચ કાગળમાં લખવા

લાંબાચોડા અક્ષર

લખતાં-ભૂંસતાં વહી જવાનો

મોંઘો-મૂલો અવસર

 .

ધારો કે આકાશ લખું તો ચડી આવતાં વાદળ

લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ

 .

પરબીડિયા ને કાગળ વચ્ચે

આમ કશો ક્યાં નાતો ?

કાગળ તોયે પરબીડિયામાં

ફૂલ્યો નથી સમાતો

 .

સરનામામાં લખી દીધું બસ મુકામ પોસ્ટ ‘શામળ’

લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ

 .

( કુમાર જૈમિની શાસ્ત્રી )

મેં દીઠું અજવાળું! – દત્તાત્રય ભટ્ટ

એક ઝાટકે તોડી નાખ્યું અજગર સરિખું તાળું,

મેં દીઠું અજવાળું!

 .

લખેલ એક્કે અક્ષર નહિ ને આખ્ખો કાગળ વાંચું,

કો’ સમજે કે ના સમજે પણ હું સમજું તે સાચું.

મેં દીઠું અજવાળું!

 .

નિરાંતવાં બસ વ્હેતા રે’વું સાગર સરિખી મોજ,

પોતા સુધી પહોંચો ત્યાં તો પૂરી થાતી ખોજ.

ઝળહળ ઝળહળ જ્યોત ઝળહળે; સ્થિર થતું પાંખાળું,

મેં દીઠું અજવાળું!

 .

( દત્તાત્રય ભટ્ટ )

છુપાવી છે – અનંત રાઠોડ ‘અનંત’

લીલુંછમ સાવ કૂણું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

ને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

..

ઘણાયે વ્હાલથી જ્યાં વૃક્ષને વાવ્યાં હતાં, પાણીય સીંચ્યું, એ જ ઉપવનમાં પછી

બહુ ઠંડા દિલે દિવાસળી ચાંપ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 .

મને પૂછી રહ્યા છે પર્ણ, ફૂલો, ડાળખી આ સ્તબ્ધતાનો અર્થ ને હું ચૂપ છું

કુહાડીનું ઘરે મ્હેમાન થઈ આવ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 .

બધાં વૃક્ષો કનેથી બંધ આંખે નીકળ્યો છું, કોઈથી મેં આંખ મિલાવી નથી,

આ મારી આંખમાં એક ઝાડવું ઉગ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 .

( અનંત રાઠોડ ‘અનંત’ )

તમે શું કરશો ? – ખલીલ ધનતેજવી

છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો,

હું તો યાદોને નકારીશ, તમે શું કરશો ?

 .

વાંક બન્નેંનો છે, એ વાત બરાબર છે તો,

હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો ?

.

મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહિ આવું,

હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો ?

.

તમને એકલતા બહુ સાલસે, ચટકા ભરશે,

હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો ?

 .

ચેનથી ઊંઘવા દેશે ન પરસ્પર યાદો,

રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો ?

.

હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી,

આયના નીચે ઉતારીશ, તમે શું કરશો ?

.

આંખ ખૂલશે તો ખલીલ આંખને ચોળી ચોળી

રાતના સ્વપ્નાં નીતારીશ, તમે શું કરશો ?

.

( ખલીલ ધનતેજવી )

લીમ્કા બુક ઓફ રેકોર્ડ

Limca Book Records

.

૨૦૦૮માં “મોરપીંછ” બ્લોગની શરૂઆત કરી. ત્યાર બાદ બ્લોગજગતના ઘણાં મિત્રો સાથે સંપર્કમાં આવવાનું થયું. ૨૦૦૯માં હ્યુસ્ટનના વિજયભાઈ શાહ સાથે જી-મેઈલ દ્વારા ચેટ થઈ. એમણે શબ્દસ્પર્ધા અંગે જાણકારી આપી અને આ કાર્યમાં જોડવા માટે કહ્યું. કંઈક નવો પ્રયોગ હતો એટલે મેં પણ આ પ્રયાસમાં જોડાવા માટે સંમતિ આપી. કાંતિભાઈ કરશાળા એ શબ્દસ્પર્ધાની પૂર્વતૈયારીમાં સ્કુલના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવા કહ્યું. એ સમયે ઉનાળુ વેકેસનનો સમયગાળો હતો અને મારા ઘરે મારા ભાણિયાઓ રાજ અને આશ્લેષ આવ્યા હતા. આશ્લેષ ત્યારે ૬ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અમે ત્રણેએ મળીને શબ્દસ્પર્ધાની પૂર્વતૈયારીમાં ભાગ લીધો. અને તૈયાર કરેલી માહિતી બ્લોગ પર પોસ્ટ પણ કરી. આ રીતે વિજયભાઈ, કાંતિભાઈ અને અન્ય મિત્રોએ પણ પોતપોતાના બ્લોગ પર તૈયાર કરેલી માહિતી પોસ્ટ કરી.

નવેમ્બર ૨૦૧૩માં વિજયભાઈનો ઈ-મેઈલ આવ્યો કે પ્રવીણ પ્રકાશને “શબ્દ સ્પર્ધા” પુસ્તકને પ્રકાશિત કરવાની તૈયારી બતાવી છે. પુસ્તકના પ્રકરણો કક્કાવારી પ્રમાણે ગોઠવતાં કાંતિભાઈને ધ્યાનમાં આવ્યું કે હજુ અમુક અક્ષરો પર કામ બાકી છે ક્યાં તો અધૂરું છે. વિજયભાઈનો મારા પર ફોન આવ્યો કે જેટલું કામ બાકી છે એ તમે કાંતિભાઈ સાથે મળીને કરી આપો. અમે કામ ફરી શરૂ કર્યું. ત્યાં વિજયભાઈએ સમાચાર આપ્યા કે catespace.com અને amazon.com વેચાણ અર્થે આ પુસ્તક મૂકવાની કાર્યવાહી શરૂ કરી કરી દીધી છે. એમણે મોકલાવેલી લીંક ખોલીને જોયું તો પુસ્તકના કવરપેઈજ પર એમના નામની સાથે મારું અને કાંતિભાઈનું નામ પણ હતું.  વિજયભાઈએ અચાનક આ સુખદ આશ્ચર્ય આપ્યું.

૭મી ઓક્ટોબરના રોજ વિજયભાઈનો ઈ-મેઈલ આવ્યો જેમાં એમણે લીમ્કા બુક ઓફ રેકોર્ડ તરફથી મોકલવામાં આવેલો ઈ-મેઈલ ફોરવર્ડ કર્યો હતો. સાથે એટેચ કરેલી ફાઈલ વિગતે જોતાં જાણવા મળ્યું કે વિજયભાઈના નેજા હેઠળ “સહિયારું સર્જન” અંતર્ગત ૨૫ પુસ્તકો પ્રગટ થયા અને આ પુસ્તકોમાં ૩૫ જેટલા રચનાકારો એ સહિયારું સર્જન કર્યું. આ બાબતની નોંધ લીમ્કા બુક ઓફ રેકોર્ડે ધ્યાનમાં લીધી અને ૨૦૧૫ની બુક માટે રેકોર્ડ નોંધવામાં આવ્યો.

૨૦૦૯માં રમત રમતમાં શરૂ કરેલી શબ્દ સ્પર્ધાની પૂર્વતૈયારી લીમ્કા બુક ઓફ રેકોર્ડ સુધી પહોંચી છે. આખી ટીમને વિજય સુધી પહોંચાડવામાં વિજયભાઈના માર્ગદર્શને ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.

લીમ્કા બુક ઓફ રેકોર્ડની સહિયારી સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ.

આ વિશે વધુ માહિતી વિજયભાઈના બ્લોગ ગદ્યસર્જન પર ઉપલબ્ધ છે.

હિના પારેખ “મનમૌજી”

1fdsf

51xWXnk5+dL.

ચાંદરણાં વીણવાના દિવસો – સંદીપ ભાટિયા

ચાંદરણાં વીણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

 .

કૂંપળની શક્યતાઓ માટી સાથે આવે છે

વાદળાંની અંધારી પાટી સાથે આવે છે

મેઘધનુષ ભણવાના દિવસો

.

મેઘધનુષ ભણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

.

છાના ઉઝરડાને ગીતોથી રૂઝવીએ

વૃંદના વૃંદાવનને માણીએ તો ઊજવીએ

એકલા ગણગણવાના દિવસો

 .

એકલા ગણગણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

 .

બેય છેડે તૂટ્યાની વેદના છો રહી જાશે

તોડનારો છેડા ફરી બાંધશે ને કહી જાશે

આવ્યા રણઝણવાના દિવસો

.

આવ્યા રણઝણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

 .

( સંદીપ ભાટિયા )