એલ્કેમીસ્ટ-પોલો કોએલો

એલ્કેમીસ્ટ-પોલો કોએલો

૨૩ એપ્રિલ ‘વર્લ્ડ બુક ડે’. આ દિવસે એક એવા પુસ્તક વિશે જાણીએ જેનું દુનિયાની ૬૬ ભાષામાં રૂપાંતર થયું છે. ૧૦ કરોડ થી વધુ નકલ વેચાઈ છે અને ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’માં સળંગ ૩૦૩ અઠવાડિયા સુધી બેસ્ટ સેલર બુક રહી છે. કોઈ જીવિત લેખકની બુકનું જો સૌથી વધુ ભાષાઓમાં રૂપાંતર થયું હોય તો તે શ્રેય આ પુસ્તકને અને તેના લેખકને જાય છે, જેના માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ પુસ્તક સ્થાન ધરાવે છે. પુસ્તક નું નામ છે ‘એલ્કેમીસ્ટ’ અને લેખક છે પોલો કોએલો. એલ્કેમીસ્ટ એટલે કીમિયાગર-સામાન્ય ધાતુને સોનામાં પરિવર્તન કરવાની કળા જાણનાર વ્યક્તિ.

આ વાર્તા એક સામાન્ય છોકરાની અસામાન્ય સફરની છે. દૂરના પર્વતીય પ્રદેશના નાના ગામમાં રહેતા એક યુવાનની વાત. યુવાન જે એક ઘરેડનું જીવન જીવે છે તેનાથી કૈંક વિશેષ ઈચ્છે છે અને તેમ કરવાની હિંમત કરે છે. આ વાત એવા લોકોની છે જે પોતાના અંત:કરણ ના અવાજ ને અનુસરવાની તૈયારી બતાવે છે. યુવાનને એક સ્વપ્ન આવે છે કે તેના માટે ખજાનો પિરામિડોમાં તેની રાહ જોઈ રહ્યો છે. આ વાત કુદરત તેને વારંવાર સમજાવે છે. યુવાન કુદરતના સંકેતોને સમજે છે અને પોતાના વતનથી ખુબ જ દુર આવેલા પિરામિડો સુધી જવા તૈયાર થાય છે. એક સ્વપ્ન કે સંકેતના આધારે આમ અજાણી લાંબી મુસાફરી કરવાનો નિર્ણય લેવો જેટલો અઘરો હતો તેનાથી ઘણી વધુ અઘરી મુસાફરી રહી.

યુવાન પોતાના લીલોતરીવાળા પર્વતો છોડી રણમાં પ્રવેશે છે. તેની તમામ મૂડી લૂંટાઈ જાય છે. તેને આગળ વધવા માટે રૂપિયાની જરૂર છે અને તેમાટે તે એક કાચની દુકાને કામ કરે છે. ત્યાં કાચના વાસણ સાફ કરવા એ એક સાંકેતિક વાત છે. આ દરમ્યાન તેના મનની નકારાત્મકતા પણ સાફ થઇ જાય છે. થોડા જ સમયમાં તે ફરી પોતાના સ્વપ્ન તરફ એટલે કે પિરામિડો તરફ આગળ વધવા લાગે છે. રણમાં હુમલાઓ થાય છે, તોફાન આવે છે, પડાવ આવે છે. આ દરેક ઘટના યુવાનને કૈક શીખવે છે. યુવાન રણમાં એક યુવતીના પ્રેમમાં પડે છે અને ત્યાં જ રોકાઈ જવાનું વિચારે છે. તેને પોતાના સ્વપ્ન અને ખજાનાના અસ્તિત્વ વિષે શંકા થાય છે. અહીં રહી જઈને એણે કશું ગુમાવવાનું નથી અને પ્રેમ તો મળે જ છે. આ સમયે તેને તેના ગુરુ એટલે કે એલ્કેમીસ્ટ–કીમિયાગર મળે છે. તે તેને સમજાવે છે કે કુદરત તને સંકેત આપે છે અને તું સંકેત ને અનુસરે છે એટલે ખુશ છે. જો તું સંકેતોને અનુસરવાનું બંધ કરી દઈશ તો કુદરત તને સંકેત આપવાનું બંધ કરી દેશે અને વર્ષો પછી તને અફસોસ થશે કે ‘કાશ ! હું પીરામીડ સુધી ગયો હોત તો મને મારો ખજાનો મળ્યો હોત’. સાચ્ચો પ્રેમ ક્યારેય તમારા અને તમારા સપના ની વચ્ચે નથી આવતો. પ્રેમ તો પ્રેરણા નું કામ કરે છે.

યુવાન આગળ વધવાનો નિર્ણય કરે છે. રણની મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પણ એ પોતાના અંત:કરણ ના અવાજને અનુસરે છે અને આગળ વધે છે. એલ્કેમીસ્ટ યુવાનને શીખવે છે કે ‘જો તું તારા સ્વપ્નને પુરું કરવા માટે દ્રઢ નિશ્ચયી બનીશ તો સમગ્ર સૃષ્ટી તને તારા સ્વપ્ન સુધી પહોંચવાના કામે લાગી જશે.’ અને એમ જ બને છે, કુદરતના સંકેતો આ યુવાનને દરેક મુશ્કેલીમાંથી રસ્તો કરી આપે છે અને યુવાન પોતાના ખજાના સુધી પહોંચે છે. પણ આ ખજાના સુધી પહોંચવાનો રસ્તો એણે ધાર્યો હતો તે કરતા અલગ હોય છે. આ વાત જ એને શીખવાની હોય છે.

આપણે બધા જીવનમાં કોઈક સ્વપ્ન જોઈએ છીએ. આપણું અંત:કરણ આપણને આપણા જીવનના ઉચ્ચતમ ધ્યેય માટે લડવા પ્રેરે છે. પણ મોટાભાગના લોકો પોતાના અંત:કરણ ને અનુસરવાની, અશક્ય લાગતા ધ્યેય માટે પ્રયત્ન કરવાની હિંમત નથી કરતા. વર્ષો પછી આપણે જીવન જેવું જીવાતું હોય તેમ જીવવા ટેવાઈ જઈએ છીએ અને આપણા ઉચ્ચતમ ધ્યેય સુધી ક્યારેય પહોંચતા નથી. આપણે ફક્ત હિંમત કરવાની હોય છે, જે સ્વપ્ન–ધ્યેય કુદરત આપણને બતાવે છે તે પુરું કરવાની જવાબદારી કુદરતની છે. આપણે કુદરત પર, આપણી જાત પર, આપણા સ્વપ્ન પર વિશ્વાસ રાખવાનો હોય છે.

જીવનમાં આપણા સ્વપ્ન સુધી પહોંચવામાં જો કોઈ એક પરિબળ સૌથી વધુ નડતું હોય તો તે આપણો પોતાનો ડર છે. નિષ્ફળતા નો ડર. જો આપણે આ ડરને દુર ફેંકી શકીએ તો કુદરત સતત આપણી સાથે જ હોય છે. અલ્કેમીસ્ટના ઉદાહરણથી આ વાર્તાંમાં એક સરસ વાત કહેવાઇ છે. અલ્કેમીસ્ટ એટલે ધાતુ ને સોનામાં રૂપાંતરિત કરનાર નહીં, એલ્કેમીસ્ટ એટલે પોતાની જ અંદરની શક્તિઓ ને જાણી, તેને અનુસરી પોતાના ખજાના સુધી પહોંચનાર વ્યક્તિ. દુનિયામાં દરેક વ્યક્તિ માટે એક ખજાનો-ધ્યેય નિશ્ચિત હોય છે. આપણે તે ધ્યેય જાણવાનું, સમજવાનું અને ત્યાં સુધી પહોંચવાની હિંમત કરવાની છે. કુદરત દરેક સાચી- ખોટી, સારી-ખરાબ વાતના સંકેત આપે જ છે. બસ જરૂર છે આપણે એ સંકેતો સમજવાની. કુદરતમાં રહેલી દરેક વસ્તુ આપણી સાથે સંકળાયેલી છે અને તે આપણને કૈક કહે છે. કુદરતની પોતાની એક ભાષા છે. તમે જો સાચા રસ્તા પર હોવ અને કુદરત સાથે ચાલતા હોવ તો તમે એ ભાષા સમજી શકો. એક વખત તમે આ ભાષા સમજી શકશો પછી જગતના તમામ રહસ્યો તમારા માટે સરળ બની જશે. તમે તમારા માટે નિર્માણ થયેલા ધ્યેયને પ્રાપ્ત કરી શકશો. તમારા ખજાના સુધી પહોંચી શકશો.

આ પુસ્તકમાં હિંમત, સાહસ, ધીરજ, લાલચ અને પ્રેમની કસોટી સમજાવાઈ છે. જીવનનો સરળ રસ્તો આગળ જતા તમને ખાલીપો આપશે પણ કુદરતે તમારા માટે નક્કી કરેલો રસ્તો ભલે મુશ્કેલી ભર્યો હશે પણ અંતે તમને તમામ ખુશી અને સંતોષ આપશે. આ એક યુવાનની સાહસ કથાથી વધુ જીવન જીવવાની રીતની વાત છે. આ પુસ્તકમાંથી યુવાન ક્યારે પીરામીડ સુધી પહોંચે છે તે નહી પણ ત્યાં પહોંચતા સુધીમાં તે શું અને કઈ રીતે શીખે છે તે સમજવાનું છે. આ આખી વાત ને વાર્તા ને બદલે જીવનની મુસાફરીની વાત સમજવી.

તમને સર્વને તમારો ખજાનો મળે તેવી શુભેચ્છા!

(ડો. ગોરા ત્રિવેદી)

એલ્કેમીસ્ટ-પોલો કોએલો
પ્રકાશક : આર.આર.શેઠની કું
પૃષ્ઠ :
કિંમત : રૂ. ૧૦૦/-

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.