Skip links

શું કરું ?-આબિદ ભટ્ટ

શુષ્ક સરવરને મનાવી શું કરું ?
છે નર્યા મૃગજળ સજાવી શું કરું ?

મસ્તકે બીજો હિમાલય આવશે,
એક છે તેને હટાવી શું કરું ?

જે મળી ડાળી મને એવી મળી,
ફળ નથી લાગ્યા, નમાવી શું કરું ?

ફૂલ કાગળના નગરના હાટમાં,
ફૂલદાનીને વસાવી શું કરું ?

સાવ બહેરા કાન છે આ ભીડના,
તીર શબ્દોના ચલાવી શું કરું ?

જે પડે ગબડી હવાની ફૂંકથી,
મહેલ પત્તાંનો બનાવી શું કરું ?

આભ ક્યાં રૂમાલ રાખે છે હવે !
આંખને મારી રડાવી શું કરું ?

( આબિદ ભટ્ટ )

Leave a comment