થોભો જરા-પરાજિત ડાભી

તૂટલી આ નાવ છે, થોભો જરા.
તીવ્ર આ ઘેરાવ છે, થોભો જરા.

ફૂલનાં સ્પર્શો વડે જે છે થયા,
દૂઝતા એ ઘાવ છે, થોભો જરા.

હાથતાળી દઈ જશે અજવાશ પણ,
એક ક્ષણની છાંવ છે, થોભો જરા.

સૂર્ય ઓઢીને ફરે અંધાર એ,
ઊજળો દેખાવ છે, થોભો જરા.

જળ નથી, જળનું કપટ તો સ્પષ્ટ છે,
ચીતરેલી વાવ છે, થોભો જરા.

સત્યનું કાનસ ઘસી ઉજળી કરી,
વાત એ ઉડાવ છે, થોભો જરા.

શ્વાસની સાથે જ એ થાશે ખતમ,
જિંદગી તો દાવ છે, થોભો જરા.

( પરાજિત ડાભી )

કોયલ-પ્રીતમ લખલાણી

૧.
જો ડાળે
કોયલ
ટહુકતી ન હોત તો
ફળિયે
લહેરાતું વૃક્ષ
મારા ડ્રોઈંગરૂમમાં
ઝૂલતી ફ્રેમમાં
ઊભું હોત !

૨.
શેરીમાં
આજ
ધોધમાર ટહુકે છે
કોયલ !

૩.
એક ઢળતી સાંજે
સ્વરકિન્નરીને મેં કહ્યું,
‘તમારા કંઠના
કામણનું ઓજસ
ચારે તરફ ફેલાયેલું છે !’
બારી તરફ
આંગળી ચીંધી તે બોલી :
‘પેલી ડાળે
મન મૂકીને ટહુકતી
કોયલ
સમુંતો નહીં જ ને ?’

( પ્રીતમ લખલાણી )

હવે એક માત્ર-સાહિલ

હવે એક માત્ર વિકલ્પ છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું
અને વાત કેવી અનન્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

તમે છો અરીસાની સાવ સામે – અમે અરીસા પછીતમાં
બધાં દ્રશ્ય સરખા સુરમ્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

તમે એટલે ઉત્તર દિશા –અમે એટલે દક્ષિણ દિશા
છતાં ક્યાં મિલાપ અશક્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

નથી સ્વપ્નમાંય જોવા મળી કોઈ ધૂંધળીયે ઝલક હજી
શું કહું શુ કલ્પના ભવ્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

હો ભરમ બધાંય અકળ ભલે – અને બ્રહ્મ હોય અતળ બધાં
જે અકલ્પ્ય છે એ જ સત્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

તમે પાંચેપાંચ મહાભૂતો સદા એક સૂત્રમાં સાંકળ્યાં
અહીં ગમ્ય એ જ અગમ્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

અમે એટલે ઝુરાપો નર્યો – તમે એટલે સુગંધી હવા
અમે તારવેલું આ તથ્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

( સાહિલ )

कब तुम बात करोगे-चिनु मोदी

हम से कब तुम बात करोगे
खामोशी बरखास्त करोगे ? हम से…

बेसब्री से इंतेझार है
गुलशन गुलशन यार यार है
सन्नाटे की सोट सोय है
यार, सितारे बेशुमार है-

ऐसे में भी रसम निभा कर
तन्हाई तहेनात करोगे ? हम से…

यादों का सैलाब नहीं है
जीने का असबाब नहीं है,
तेरी गली से गुजरा लेकिन
परछांई बेताब नहीं है,
तेरा मेरा रिश्ता बुढ्ढा
कब तक तुम बरदास्त करोगे ?हम से…

एक शिकस्ता दिल को लेकर
भटक रहा है तन्हा तन्हा
ऊंची ऊंची दीवारे है
मैं नाटा और नन्हा नन्हा;
हम दोनों का खेल पुराना
फिर तुम मुज से म्हात करोगे ? हम से…

दस्तक देने की मत सोचो
द्वार ढकेलो, अंदर आओ,
आंखे कब की खूली खूली है
डाका डालो, नींद चुराओ-
दु:ख देने की चाहत अब भी ?
सांसो की खैरात करोगे ? हम से…

( चिनु मोदी )

ઘર-પ્રીતમ લખલાણી

૧.
બાળકો
મજેથી કોઈ ખૂણે
ઘર ઘર રમતાં હોય છે,
તે ક્ષણે
ઘરનું સાચું સુખ
આપણી આસપાસમાં
ઊઘડતું હોય છે !

૨.
વાત જો ફક્ત
બંગલો જ બાંધવાની
હોય તો
રોજ બાંધી શકીએ,
પણ એક ઘર બનાવતાં
તો
કદાચ આખું આયખું
વીતી જાય !

૩.
‘ભલે પધાર્યા’નું
તોરણ નહીં
પણ ઉંબરાનું વાતાવરણ
તમને આવકારવા
ઓતપ્રોત થઈ જતું દેખાય તો
સમજજો હોટલ નહીં પણ
તમે મનગમતા ઘરે
થયા છો મહેમાન !

૪.
કોઈ ઢળતી સાંજે
કિલકિલાટ કરતાં પંખીના
એકાદ માળે જઈ ચઢશો તો
સમજાઈ જશે કે
ભલા ઘર શું છે ?

( પ્રીતમ લખલાણી )

રસ્તો-પ્રીતમ લખલાણી

૧.
અકાળે યાદ આવી જાય
બાળપણ તો
હડી કાઢતો મૂઠી વાળી
આવી ચડે રસ્તો ગામને પાદર.

૨.
મૃગજળ પાછળ દોડતો રસ્તો
ખોવાઈ ગયો રણની રેતીમાં.

૩.
ગુલમહોરની ખોજમાં
રસ્તો દિ’ આખો રઝળ્યા કરે
શહેરની ગલીઓમાં.

૪.
બુદ્ધ ક્યારેક નગરમાં પાછા ફરશે
એ આશાએ રસ્તો પૂનમની રાતે
જોતો રાહ યુગોથી.

૫.
આમ એકાએક નગર છોડી
હું ચાલ્યો નહીં જાઉં,
ક્યાં બન્યો છે ઘરથી કબર સુધી
મારા સ્વપ્નો રસ્તો !

( પ્રીતમ લખલાણી )

ત્રણ ગઝલ – શયદા

૧.
નથી ઈકરાર સમજીને, નથી ઈનકાર સમજીને,
તમે પણ ક્યાં કરો છો વાત કે વહેવાર સમજીને.

છરી એણે જ આ મારા ગળા ઉપર ચલાવી છે;
ગળે જેને લગાડ્યા’તા ગળાનો હાર સમજીને.

હજારો સારનો એ સાર કે જીવન અસાર છે;
પછી હું શું કરું ‘શયદા’ જીવનનો સાર સમજીને.

૨.
નજરના તીર જોતાં હું જગાડીને જિગર બોલ્યો,
ઊઠો સત્કાર કરવાને નવા મહેમાન આવે છે.

ઝૂકીને જામની ઈઝ્ઝત કરું ના કેમ હું સાકી,
સુરાહી જામ પાસે આવતાં મસ્તક ઝુકાવે છે.

ઈબાદત શું કરે છે, એ બધી હું વાત જાણું છું,
અરે બંદા ખુદાના, તું ખુદાને શું બનાવે છે ?

વિચારી બોલ ‘શયદા’ યા તું એને રાખ કાબૂમાં,
અરે એ જીભ છે, જે વિશ્વમાં માથા કપાવે છે.

૩.
એ સમયની વાત છે, જ્યારે સમય બદલાય છે,
શબ્દ એના એ જ, એના અર્થ જુદા થાય છે.

મૂર્ખ અને મૂર્ખાઈથી શું કામ તું ગભરાય છે ?
જ્ઞાનીઓ પણ જ્ઞાનમાં હંમેશ ગોથાં ખાય છે.

ધર્મની વાતો કર્યાથી ધર્મ સચવાતો નથી,
ધર્મના પોશાકમાં પણ કામ કાળાં થાય છે.

છે તને તારી જવાનીની કસમ સાચું કહે,
રૂપને જોયા પછી શું શું હૃદયમાં થાય છે.

( શયદા )

एक ही राह-इमरोज़

amrita_pritam_with_imroz

सामने कई राहें दिख रही थी
मगर कोई राह ऐसी न थी
जिसके साथ मेरा अपना आप चल सके
सोचता कोई हो मंजिल जैसी राह…

वह मिली तो जैसे
एक ज्म्मीद मिली जिन्दगी की
यह मिलन चल पडा
हम अकसर मिलने लगे और मिलकर चलने लगे
चुपचाप कुछ कहते, कुछ सुनते
चलते-चलते कभी-कभी
एक-दूसरे को देख भी लेते

एक दिन चलते हुए
उसने अपने हाथों की उंगलियां
मेरे हाथों की उंगलियों में मिला कर
मेरी तरफ ईस तरह देखा
जैसे जिन्दगी एक बुझारत पूछ रही हो
कि बता तेरी उंगलियां कौन-सी है
मैंने उसकी तरफ देखा
और नजर से ही उससे कहा…
सारी उंगलियां तेरी भी सारी उंगलियां मेरी भी

एक तारीखी इमारत के
बगीचे में चलते हुए
मेरा हाथ पकड कर कुछ ऐसे देखा
जैसे पूछ रही हो इस तरह मेरे साथ
तू कहां तक चल सकता है ?
मैंने कितनी ही देर
उसका हाथ अपने हाथ में दबाए रखा
जैसे हथेलियों के रास्ते जिन्दगी से कह रहा होऊं
जहां तक तुम सोच सको-

कितने ही बरस बीत गए इसी तरह चलते हुए
एक-दूसरे का साथ देते हुए साथ लेते हुए
इस राह पर
इस मंजिल जैसी राह पर…

( इमरोज़ )

રાતરાણી-પ્રીતમ લખલાણી

૧.
ગુલાબના
આગમનમાં
રાતરાણી
સવાર લગી
ફળિયે
જાગતી બેસી રહી.

૨.
ફળિયું આખું
સ્વપ્નની રજાઈ ઓઢી
ઊંઘી જાય ત્યારે
ચોરપગલે
રાતરાણી
શેરીમાં
રઝળવા
ચાલી નીકળે.

૩.
‘દિ’ આખો
ગામમાં શું થયું ?
આ સમાચાર
ઘુવડ
પૂછે રાતરાણીને.

૪.
ઘસઘસાટ
ઊંઘતા સૂર્યની
ચાદર ખેંચતી
રન્નાદે કહે,
‘હવે ઊઠો,
ફળિયે
રાતરાણી
તમારા ઈંતેજારમાં
બગાસાં ખાય છે ?’

૫.
ઉજાગરો
અને જાગરણ
વચ્ચેનો
તફાવત
ફક્ત
રાતરાણી જ
કહી શકે !

( પ્રીતમ લખલાણી )

લોહીથી લથબથ-પરાજિત ડાભી

આંસુઓનો ભવ્ય જે ઈતિહાસ છે એને તમારે વાંચવો પડશે.
અક્ષરો રુપે લખેલો શ્વાસ છે એને તમારે વાંચવો પડશે.

સાવ સીધીને સરળ ભાષા વડે મારા હૃદયનાં તૂટવાનો એક,
કારસો મેં વર્ણવેલો ખાસ છે એને તમારે વાંચવો પડશે.

લોહીથી લથબથ થયેલા લાગણીનાં પ્રેત ભટકે પૃષ્ઠની વચ્ચે,
હાંસિયો પણ લાશનો આભાસ છે એને તમારે વાંચવો પડશે.

સૂર્ય નામે વેદને વાંચ્યા પછી પણ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કોને થઈ કહોને,
આગિયામાં સત્યનો અજવાસ છે એને તમારે વાંચવો પડશે.

આ ગઝલને વાંચવાથી કોઈનાં દિલને ખુશી પણ ના મળે એ શક્ય છે,
જીવવા માટે જરૂરી જે બધો બકવાસ છે એને તમારે વાંચવો પડશે.

( પરાજિત ડાભી )