આવે છે-ચંદ્રેશ શાહ

મનમાં મબલખ વિચાર આવે છે,
સાંજ હો કે સવાર આવે છે.

જિંદગી છે, જવાબ પણ માગે,
અહીં સવાલો હજાર આવે છે.

જોઈ તારું વદન, વિચારું છું,
પ્રેમ કેવો ધરાર આવે છે.

મૌનનો કેફ રાખજો અકબંધ,
જ્યાં જુઓ ત્યાં બહાર આવે છે !

કામ સારાં તું કર જમા, હે દોસ્ત,
કેમ સિલકમાં ઉધાર આવે છે.

હું સનમનાં સ્મરણ વિષે શું કહું ?
પાનખરમાં બહાર આવે છે !

તું અદબથી ગઝલને ચાહી જો,
દિલમાં બેહદ કરાર આવે છે !

( ચંદ્રેશ શાહ )

લઘુકાવ્યો

૧.
તારી સાથેની પ્રત્યેક પળ
પ્રથમ હોય છે
અંતિમ પણ હોઈ શકે
મારા શ્વાસની અધીરતા
હોય છે તારા સ્પર્શમાં પણ.

( સોનલ પરીખ )

૨.
આકાશમાં વાદળ ઘેરાય
મને યાદ આવે
પ્રેમની અનેક કથાઓ
….અને હું
માથું મૂકું
આ ભીની હવાના ખભે

( સોનલ પરીખ )

૩.
અવઢવ

વરસાદમાં
દાઝેલાને
શાનો લેપ લગાવવો ?
એની અવઢવમાં
ઊભો છે સમય !!

( રાકેશ હાંસલિયા )

ભીતરની વાત-મહેન્દ્ર આર્ય

એવું કેટલુંય છે
જે હું લખી નથી શક્યો…
એવું કેટલુંય છે
જે હું બોલી નથી શક્યો…
પરંતુ
એ બધાયની
મારી ભીતરની ભાષાની
તને તો ખબર છે જ…
કારણ કે
તું અંતર્યામી છે…
અને તને તો
મેં જાણ્યે-અજાણ્યે
બધું જ કહ્યું છે ને…?

( મહેન્દ્ર આર્ય )

રાખ્યો છે-સાહિલ

ક્યાં મને પારોપાર રાખ્યો છે,
ઉમ્રભર ઠારોઠાર રાખ્યો છે.

બાતમીદાર છું-તમારો હું,
તોય કાં બારોબાર રાખ્યો છે.

કોઈ બાજુ જરા ખસી ન શકું,
એટલો ધારોધાર રાખ્યો છે.

ફૂલ સમ મ્હેંકતાં શબદમાં પણ,
ભાર શું ભારોભાર રાખ્યો છે.

ના તૂટું એમ ના શકું વાગી,
એમ તેં તારોતાર રાખ્યો છે.

તેં ખુદા છીનવી ચરણ મારા,
ચોતરફ મારોમાર રાખ્યો છે.

એકલો ક્યાં મને દીધો પડવા,
હર ઘડી હારોહાર રાખ્યો છે.

હોલું ‘સાહિલ’ ભલે વમળ વાયે,
તેં સદા આરોઆર રાખ્યો છે.

( સાહિલ )

બ્રેકફાસ્ટ-જેક્સ પ્રિવર્ટ

કપમાં એ કૉફી રેડે છે
કૉફીના કપમાં રેડે છે દૂધ
દુધાળી કોફીમાં એ નાખે છે ખાંડ
નાનકડી ચમચીથી એ હલાવે છે
એકરસ બનાવે છે
દુધાળી કૉફી પી જાય છે
અને કપને મૂકે છે.
એક પણ શબ્દ મને કહ્યા વિના
સિગારેટ સળગાવે છે
ધુમાડાનાં વર્તુળો બનાવે છે
એશ-ટ્રેમાં રાખ ખંખેરે છે.
એક પણ શબ્દ મને કહ્યા વિના
ઊભો થાય છે
માથા પર હૅટ મૂકે છે
રેઈનકોટ પહેરે છે વરસાદ વરસે છે એટલે
વરસાદમાં નીકળી પડે છે.
એક પણ શબ્દ કહ્યા વિના
મારા તરફ નજર પણ રાખ્યા વિના
અને હું માથું મારા હાથમાં ઢાળી દઉં છું
અને રડું છું.

( જેક્સ પ્રિવર્ટ )

મૂળ કૃતિ : ફ્રેંચ

તમારી બોલબાલા છે-મીરા આસીફ

મજાનું ગીત સંભળાવો તમારી બોલબાલા છે,
અધર પર સ્મિત મલકાવો તમારી બોલબાલા છે.

હવાની સેજ પણ પૂછે તમારું નામ સરનામું,
સુગંધી ઝુલ્ફ લહેરાવો તમારી બોલબાલા છે.

તમારા ઘર સુધી આવી હંમેશાં જાઉં છું પાછો,
મને કાયમ ન શરમાવો તમારી બોલબાલા છે.

અમારી જિંદગી લાગે અમોને પાનખર જેવી,
ગુલે ગુલઝાર થઈ આવો તમારી બોલબાલા છે.

ગઝલ કે ગીત લખવાની અતિ સુંદર છે આ મોસમ,
વિષય પણ આપ દર્શાવો તમારી બોલબાલા છે.

તમારી જીદ પાસે અમે ઝૂકી ગયા આજે,
નિવારણ કૈંક તો લાવો તમારી બોલબાલા છે.

મને તું માફ કર આસીફ ગઝલને હું ય ચાહું છું,
તને શું થાય પસ્તાવો તમારી બોલબાલા છે.

( મીરા આસીફ )

નીકળી જવું સારું-દિનેશ ડોંગરે “નાદાન”

ઉદાસીના કળણમાંથી હવે નીકળી જવું સારું,
અને આ વાતાવરણમાંથી હવે નીકળી જવું સારું.

અનાવૃત્ત થૈ જવાનો પણ અનોખો હોય છે મહિમા,
બધાયે આવરણમાંથી હવે નીકળી જવું સારું.

નજરમાં ઊંઘ ને સપનાં સલામત રાખીને મિત્રો,
નિરંતર જાગરણમાંથી હવે નીકળી જવું સારું.

ન હો આદરભરી દ્રષ્ટિ કે મનમાં લાગણી જેવું,
ચલો એના સ્મરણમાંથી હવે નીકળી જવું સારું.

સતત દોહ્યા જ કરવું ક્યાં સુધી જળને નિહાળીને ?
સમયસર રણ-હરણમાંથી હવે નીકળી જવું સારું.

ફગાવીને બધી માયા ત્યજીને બંધનો “નાદાન”,
જગતના આચરણમાંથી હવે નીકળી જવું સારું.

( દિનેશ ડોંગરે “નાદાન” )

સજનવા-ડો. પરેશ સોલંકી

અંતમાં સરભર સજનવા,
છે મેલી ચાદર સજનવા.

પીડ નરસિંહ કે મીરાની,
દુ:ખતો અવસર સજનવા.

પ્રેમરસ સાચો પદારથ,
પી લે જીવનભર સજનવા.

મોહની વણજાર માયા,
સ્વપ્નની હરફર સજનવા.

નાદ તારો શોધ મનવા,
ભીતરે ઈશ્વર સજનવા.

કયા જનમનો નેહ અધૂરો,
કાયા છે કસ્તર સજનવા.

જ્ઞાન આતમનો મનોરથ,
માયલે ઝરમર સજનવા.

( ડો. પરેશ સોલંકી )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

ઉપાય એક્કે સૂઝે નહીં, જો સમય બને છે ક્રૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !
શ્યામ ગયા છે તે દહાડાથી નથી આંજતાં કાજળ;
આમે ય બારેમાસ અહીં ઘેરાતાં રે છે વાદળ !
ડંખી ભ્રમરે કરી ચાળણી જેમ કમળ-પાંખડીઓ;
ઝમી રહી છે ગોપીની બહુ-છિદ્રાળુ આંખડીઓ !

નથી સમાતું બે પાંપણની વચ્ચે ઊમટ્યું પૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !

ક્યાં જાવાનાં પક્ષી, ઉદ્ધવ ! પહોંચી ટગલી ડાળે ?
કાં પટકાશે ભોમ અને કાં દુ:ખમાં દિવસો ગાળે !
કહેવાઓ છો જ્ઞાનનિધિ, કંઈ કરો અમારાં જોગ;
હશે કોઈ ગ્રંથે નિર્દેશ્યો ‘વિરહ વિમોચન યોગ’ !

થશે અમારો અંત સુખદ, તો સઘળું રસભરપૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !

ઉપાય એક્કે સૂઝે નહીં, જો સમય બને છે ક્રૂર !
ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર !

( વીરુ પુરોહિત )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?!
સીંચણિયાથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય !

ગગન સ્પર્શવા અમે વેલીઓ વૃક્ષ ઉપર જઈ ચડ્યાં;
હતું બટકણું વૃક્ષ એટલે કડડભૂસ થઈ પડ્યાં ?
લાભ થાય શું, ઝોળી લૈને સૂર્યકિરણ ભરવાથી ?
માટીની પૂતળી થઈને શું મળે નદી તરવાથી ?

બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
અંધારે ડગ ભરતાં પહેલાં વિચારવાનું હોય !
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?!

કહ્યું હોય જ્ઞાનીએ તો સહુ જાગી જાતને વહેલાં;
પાળ બાંધવી પડે, વિરહનું પૂર આવતાં પહેલાં !
હતા અમે અણસમજુ, પણ શું કહાન જાણતા નો’તાં ?
ઉદ્ધવજી ! એ ગયા ઉખેડી સઘળાંને મૂળસોતાં !

બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
અબળાએ તો પ્રેમ કરી, બસ કરગરવાનું હોય !

બહુ મોડે સમજાયું, ઉદ્ધવ !
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?!
સીંચણિયાથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય !

( વીરુ પુરોહિત )