ગાંઠ-તુષાર શુક્લ

ગાંઠ.
આ શબ્દનું મૂળ છે : ‘ગ્રંથિ’.
એનો અર્થ નકારાત્મક હોવાનું લાગે છે.
ગાંઠ એટલે ગઠન. ગંઠાવું. બંધન.
જે બંધાય છે તે, ગ્રંથિ.
જે બાંધે છે તે પણ ગ્રંથિ.
ગાંઠ પોતે બંધાય છે,
સાથોસાથ અન્યને પણ બાંધે છે.

ગ્રંથિ બંધાય
પછી ગતિને અવરોધે એવું ય બને.
આપણે ગ્રંથિ બાંધીએ
પછી ગ્રંથિ આપણને બાંધે એવું ય બને.
ગાંઠ પડી જાય તો વિકાસ રોકાઈ જાય,
અંતર પડી જાય, સંબંધ બગડી જાય.
ગાંઠ વાળીએતો ગતિ સિદ્ધ થઈ શકે
ધાર્યું પહોંચી શકીએ, ઈચ્છ્યું પામી શકીએ.

ગાંઠ પડવી અને ગાંઠ વાળવી
બંનેના પરિણામ, અણસમજૂને હાથે
એક જ આવે છે.

( તુષાર શુક્લ )

વર્ષગાંઠ-તુષાર શુક્લ

વર્ષગાંઠ
એ વીતેલા સમયને યાદ કરવાનો
અને
આવી રહેલા સમયનું આયોજન કરવાનો અવસર છે

જન્મ આપણા હાથમાં નથી
કર્મ આપણો પુરુષાર્થ છે.
ફળ આપણું પ્રારબ્ધ છે.
જે આપણા હાથમાં છે એ કરીએ.
જે આપણા હાથમાં નથી એને ઓળખી લઈએ.

કર્યાનો સંતોષ રહેશે.
ન મળ્યાની પીડા નહીં થાય
કોઈને મળ્યાની ઈર્ષ્યા નહીં થાય
પોતાને મળ્યાનો આનંદ રહેશે.

મનુષ્ય યત્ન, ઈશ્વરકૃપા…
મનુષ્ય યત્ન એ જ કૃપા !

( તુષાર શુક્લ )

વર્ષ બદલાયાની-તુષાર શુક્લ

વર્ષ બદલાયાની, વીત્યાની, નવું શરૂ થયાની સંજ્ઞા સૂચવે છે-ગાંઠ !
ગાંઠનો સંદર્ભ ઘણો જૂનો છે.
ભૂલકણા સ્વભાવવાળી વ્યક્તિને યાદ અપાવવા
રૂમાલમાં ગાંઠ વાળી અપાય
ગાંઠ જુવે ને વ્યક્તિ ગૂંચવાય…વિચાર કરે…
શા માટે હશે આ ગાંઠ ?

અને એ યાદ કરવા જતાં એને યાદ આવે
એણે યાદ રાખવાની હોય એ વાત.

ગાંઠ પોતે કૈં કરતી નથી
માત્ર, કૈંક ભૂલાયાની યાદ આપે છે.
કારણ કે ગાંઠ આગળ ગતિરોધ સર્જાય છે.
ગાંઠ આવે ત્યાં થોભવું પડે, થોભીએ એટલે વિરામ મળે
વિચારવાની તક મળે…

વર્ષમાં આવતી આ જન્મદિવસની ગાંઠ યાદ અપાવે છે,
આપણા જન્મના હેતુની અને વહી ગયેલા સમયની…
કેટલો સમય વીત્યો એ તો જાણ્યું…
કેટલો બાકી છે એ અજાણ્યું…
તો હેતુસિદ્ધિ માટે શું ? ક્યારે ?

( તુષાર શુક્લ )

વર્ષગાંઠ-તુષાર શુક્લ

વર્ષગાંઠ
બે શબ્દો મળીને બને છે આ એક શબ્દ
વર્ષ અને ગાંઠ, વર્ષની ગાંઠ, ગાંઠનો દિવસ.
જે, વર્ષમાં આવે એકવાર.
વર્ષ બદલાયાનું સૂચન કરતી ગાંઠ
વર્ષ વીત્યાની યાદ અપાવતી ગાંઠ

દિવસ એક જ છે, પણ એને જોવાની રીત જૂદી છે
વર્ષ વીતી જવું દુ:ખદ છે
વર્ષનું બદલાવું આશા પ્રેરક છે
નવા જ વર્ષનું શરૂ થવું ઉત્સાહ વર્ધક છે
એક જ દિવસ – ત્રણ જીવન દ્રષ્ટિ
ત્રણે અસર કરે આપણાં જીવનને.

દુ:ખ… આશા… ઉત્સાહ…
આપણે કઈ રીતે જોવા માંગીએ છીએ એ આપણા પર છે.

ડગ ધીમાં પડે, ડગમગે, થંભે કે દોડે…
એનો આધાર આપણી જીવનદ્રષ્ટિ પર !

( તુષાર શુક્લ )

એકાંત વચ્ચે-પ્રીતમ લખલાણી

શબ્દો
અંધારામાં
ભાષાની લાકડી પકડી
શોધે છે.
સૌંદર્યની વ્યાખ્યાના લથડતા પગે
અર્થના ખોવાયેલાં પગલાં
શેરીમાં
પ્રત્યેક ક્ષણે ખખડતા
પીપળાનાં પીળાં પાન બેઠા છે
જિંદગીના સાચા સંબંધને સમજવા
સામેના ખંડેરને તૂટીફૂટી બારીએ
ટકોરા મારતા પવનને
સૂનકાર આંગણામાં
ટૂટ્યું વાળીને ચૂપચાપ ખાટલા તળે
બેઠેલા કૂતરાની આંખો કણસે છે
નામ પાછળ ખોવાયેલા
માણસનો અણસાર
દેવગોખે
બુઝાતી મીણબત્તી જ્યોતને
અખંડ રાખવા
મેજ પર પડેલા
ફ્લાવરવાઝનાં ફૂલોની મયંકને
ખીચોખીચ એકાંત વચ્ચે ગોઠવવા
આવી પહોંચ્યું છે નિરાંતના સરોવરે
શઢ સંકેલીને બેઠેલું પતંગિયું.

( પ્રીતમ લખલાણી )

ચીસ-પુષ્કરરાય જોષી

તીરથી ઘાયલ
કૌંચ પંખીની
ચીસ
ઋષિમુખે
શ્લોકત્વ પામી
ગૂંજી રહી છે હજી
પરંતુ
કોઈના ક્રૂર
લોખંડી પંજાની
જકડમાં ફસાયેલા ગળામાં
અટકી પડેલી
ચીસ
હજી પણ
શબ્દસ્થ થવા
તરફડી રહી છે.

( પુષ્કરરાય જોષી )

ગમે છે બિરાદર-કિસન સોસા

તમસ બાળતી ક્ષણ ગમે છે બિરાદર,
તણખલા ઉડુગણ ગમે છે બિરાદર.

હરેક ઘાએ જીવન કૃતિ નવ્ય ઘડતા,
એ ધણ ને એ એરણ ગમે છે બિરાદર !

કંઈ પહોરે લપાયો કરે ખુલ્લો ચહેરો,
પ્રતિબદ્ધ એ દર્પણ ગમે છે બિરાદર !

તૂટી બારસાખે જે બાંધે છે તોરણ,
એ માનવ્યનો ગણ ગમે છે બિરાદર.

આ ચઢતા ઉતરતા પવનની સફરમાં,
નદી તો નદી, રણ ગમે છે બિરાદર !

નીતરતા પસીને જે ન્હાયા કરે છે,
નિરામય એ નાવણ ગમે છે બિરાદર.

સહજભાવે વહેતું જે પહોંચે સમંદર,
ઝરણ વિના પિંજણ ગમે છે બિરાદર !

હળે ખેંચતો ચાસ હળધર લવે છે,
કવિતા મને પણ ગમે છે બિરાદર !

( કિસન સોસા )

અફવા-કુમાર જૈમિનિ શાસ્ત્રી

લીલી નસોમાં જન્મી બાકસ વિશેની અફવા
માણસ રૂપે જીવે છે માણસ વિશેની અફવા

ઘેરી વળે અચાનક સિકંદરોની સેના
કાયમ સુસજ્જ રાખો પોરસ વિશેની અફવા

તારી અદાઓ અંગે એ લોકવાયકા છે-
ધુમ્મસમાં ઓગળે છે ધુમ્મસ વિશેની અફવા

સોનું થવું તો છે પણ તપવું નથી બધાને
તેથી પ્રસાર પામી પારસ વિશેની અફવા

નિષ્ફળ પ્રણયનો કિસ્સો વાગોળવાની આદત
ત્યાંથી ચલણમાં આવી સારસ વિશેની અફવા

વર્ષો થયાં છતાં પણ વિશ્વાસથી ઊભી છે
માણસ-માણસની વચ્ચે અંટસ વિશેની અફવા

જીવનનો સાર અંતે નિ:સારતામાં લાધે
મુસ્તાક છે છતાં પણ ખટરસ વિશેની અફવા

( કુમાર જૈમિનિ શાસ્ત્રી )

કાગળ પર-લલિત ત્રિવેદી

લલિત, શું થયું’તું રાતોરાત કાગળ પર,
કહો, શું થૈ ગયું’તું આત્મસાત કાગળ પર ?

વળું વળોટી ગઈ છે નિરાંત કાગળ પર,
કરીને બેઠા છીએ દૂજી બાત કાગળ પર !

ન તેજ તેજ હતું કે તિમિર તિમિર ન હતું,
ને સૂરદાસની હતી મિરાત કાગળ પર !

મરુત ઉન્ચાસ હવે વીંઝણાઓ ઢોળે છે,
કર્યો છે કોણે એવો ઝંઝાવાત કાગળ પર ?

રૂની પૂણીને પેટાવી સહજ ટંકાર કર્યો,
શરીર થૈને બેઠો’તો જિનાત કાગળ પર !

પછી અભ્યાસ એનો એવો જાગી ગ્યો જોગી,
કે એણે જીવતા માંડી સમાત કાગળ પર !

હર્યા છે નખ ને વાળી દીધી ભખને વાણીમાં,
લલિતાસુરને કર્યા મહાત કાગળ પર !

( લલિત ત્રિવેદી )

પ્રીતની એ વેલી-દિવ્યા સોની “દિવ્યતા”

અન્ય પરની આશાઓ જ્યાં મનમાંથી લુપ્ત થઈ,
મારી સઘળી પીડાઓ ત્યાં એકાએક લુપ્ત થઈ.

બળબળતી બપોરે, મનગમતી વીજ થઈ;
ઈચ્છાઓ મારી કંઈક આમ જ સંતૃપ્ત થઈ !

સહુને માટે એ કિંમતી ખજાનાની સંદૂક થઈ,
આપણી જે વાતો, રહી દુનિયાથી ગુપ્ત થઈ.

વર્ષો પહેલા વાવી હતી જે મનષા, એના બીજ લઈ,
પ્રીતની એ વેલી, આજ રહી રહીને પુખ્ત થઈ.

પાર્થ સમ ઉપાધિઓ સર્વ કૃષ્ણના હાથ દઈ,
મનમાં છે નિરવ શાંતિ, આયખાથી તૃપ્ત થઈ.

( દિવ્યા સોની “દિવ્યતા” )