શ્રી તુલસીદાસ રચિત સુંદરકાંડ સમજવાથી અને ચિંતન કરવાથી હનુમાનજી કેમ આટલા નિર્ભય છે એ સમજાય છે.
.
આ નિર્ભયતાનું રહસ્ય સમજવા માટે એ પ્રસંગની વાત કરીએ જ્યારે હનુમાનજીને અશોકવાટિકામાં રાક્ષસોના અને રાવણપુત્ર અક્ષયકુમારના વધ બાદ બાંધીને રજૂ કરવામાં આવે છે.
.
જ્યારે હનુમાનજી દશમુખની સભામાં જાય છે ત્યારે એ સભા કેટલી વૈભવશાળી છે એનું વર્ણન આવે છે. સભા વૈભવશાળી તો છે જ પણ સાથે સાથે ભય ઉપજાવે એવી પણ છે કારણ કે રાવણે બંદી બનાવેલા દેવો અને દિગપાલો ભયભીત થઈને, હાથ જોડીને, વિનંતિ કરતા રાવણની ભ્રકુટી જોઈ રહ્યા હોય છે. જ્યાં દેવો અને દિગપાલો જ આમ બીતા બીતા ઉભા હોય તો અપરાધી તરીકે રજૂ કરાતા વ્યક્તિને આ જોઈને કેવી બીક લાગે?
‘
दसमुख सभा दीखि कपि जाई।
कहि न जाइ कछु अति प्रभुताई।।
कर जोरें सुर दिसिप बिनीता।
भृकुटि बिलोकत सकल सभीता।।
देखि प्रताप न कपि मन संका।
जिमि अहिगन महुँ गरुड़ असंका।।
.
પણ શત્રુનું આવુ વૈભવશાળી, ભયજનક દ્રશ્ય જોઈને પણ હનુમાનજીના મનમાં લેશમાત્ર ભય નથી. જેમ સાપોની વચ્ચે ગરુડ નિર્ભય થઈને ઉભો હોય છે એમ હનુમાનજી સભા સામે પૂરી નિર્ભયતાથી ઉભા રહે છે. આગળ રાવણ સાથેના સંવાદમાં હનુમાનજી આ નિર્ભયતાનું રહસ્ય જણાવે છે.
.
હનુમાનજીને આમ નિર્ભય જોઈને રાવણને બળતરા થાય છે. રાવણ હનુમાનજીને ત્રણ પ્રશ્નો પૂછે છે.
.
1. આ તે શું કૃત્ય કર્યું? કોના બળે અશોકવાટિકા ઉજ્જડ કરી? ( કોના દમ પર આટલું કૂદે છે એ અર્થમાં
)

2. તે તારા કાનથી મારી ધાક વિશે સાંભળ્યું નથી, તે આમ નિર્ભય થઈને મારી સામે ઉભો છે?
3. તે રાક્ષસોને કયા અપરાધના કારણે મારી નાખ્યા, શુ તને તારા પ્રાણની ચિંતા નથી?
‘
कह लंकेस कवन तैं कीसा।
केहिं के बल घालेहि बन खीसा।।
की धौं श्रवन सुनेहि नहिं मोही।
देखउँ अति असंक सठ तोही।।
मारे निसिचर केहिं अपराधा।
कहु सठ तोहि न प्रान कइ बाधा।।
‘
હનુમાનજી એક પછી એક ત્રણેય પ્રશ્નોના ઉત્તર આપે છે. પહેલા પ્રશ્નના ઉત્તરમાં જ હનુમાનજીની નિર્ભયતાનું રહસ્ય છુપાયેલું છે.
હનુમાનજી જવાબ આપવાનું શરૂ કરે છે.
.
1.સંભાળ રાવણ, જેણે આ બ્રહ્માંડ બનાવ્યું છે, જેના બળે માયા વિચરણ કરે છે, જેના બળે બ્રહ્મા,વિષ્ણુ, મહેશ સર્જન,પાલન અને સંહાર કરે છે, જેના બળે સહસ્ત્રમુખ (શેષનાગ) પર્વતો-વનો સહિત બ્રહ્માંડ પોતાના શિષ પર ધારણ કરે છે, જે દેવતાઓના રક્ષણ માટે વિવિધ દેહ ધારણ કરીને તારા જેવા મૂર્ખાઓને પાઠ ભણાવે છે, ઈવન તે પણ ચરાચર જેના બળના લેશમાત્ર અંશથી જ જીત્યુ છે, જેણે મહાદેવનું કોદંડ ધનુષ્ય તોડતાની સાથે જ બધા ય રાજાઓનું અભિમાન તોડી નાખ્યું, જેણે ખર,દુષણ,ત્રીસરા અને બાલી જેવા અતુલ્ય બળવાનોનો વધ કર્યો, એના બળે રાવણ, એના બળે તારી અશોકવાટિકા ઉજ્જડ કરી નાખી. ને હું એનો જ દૂત છું જેની સ્ત્રીને તું અપહરણ કરીને લઈ આવ્યો છે.
.
सुन रावन ब्रह्मांड निकाया।
पाइ जासु बल बिरचित माया।।
जाकें बल बिरंचि हरि ईसा।
पालत सृजत हरत दससीसा।
जा बल सीस धरत सहसानन।
अंडकोस समेत गिरि कानन।।
धरइ जो बिबिध देह सुरत्राता।
तुम्ह ते सठन्ह सिखावनु दाता।
हर कोदंड कठिन जेहि भंजा।
तेहि समेत नृप दल मद गंजा।।
खर दूषन त्रिसिरा अरु बाली।
बधे सकल अतुलित बलसाली।।
दो0-जाके बल लवलेस तें जितेहु चराचर झारि।
तासु दूत मैं जा करि हरि आनेहु प्रिय नारि।।21।।
.
આહાહા!!!! શું ઉત્તર આપ્યો છે બાકી કેસરીનંદને. એક્ઝેટલી આ જવાબમાં હનુમાનજીની નિર્ભયતાનું સમગ્ર રહસ્ય છે.
.
આપણે ય જો પ્રભુ શ્રી રામના બળે બધું કરીએ તો હનુમાનજી જેવી નિર્ભયતા પ્રાપ્ત કરી શકીએ પણ એના માટે મારુતિ જેવી તન,મન,ધનથી સમર્પિત ભક્તિ કરવી પડે પછી નિર્ભયતા સહજતાથી પ્રાપ્ત થાય છે. સમર્પિત ભક્તિ જ પ્રોસેસ હોય તો નિર્ભયતા બાય પ્રોડક્ટ તરીકે મળે છે. બાય પ્રોડક્ટ એટલે કારણ કે મેઈન પ્રોડક્ટ તો તુરિય અવસ્થામાં પ્રાપ્ત થતો અવર્ણનિય આનંદ અને પ્રભુ સાથે એકાત્મતાની અનુભૂતિ છે.
.
તો મિત્રો હંમેશા સ્મરણમાં રાખજો કે આપણા જીવનમાં ય આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે જ્યાં શત્રુ રાવણની જેમ ખૂબ પહોંચેલો હોય, શક્તિશાળી લોકો એને હાથ જોડીને વિનંતી કરતા હોય ત્યારે તો હનુમાનજી જેવી રામકૃપા પ્રાપ્ત કરી હશે તો ચોક્કસ તમે ના માત્ર શત્રુની વાટીકા ઉજાડી આવા સૌ સાપ જેવા લોકોની વચ્ચે ગરુડની જેમ નિર્ભય થઈને ઉભા રહેશો પરંતુ આખો સુંદરકાંડ કરીને આવશો, શત્રુની લંકા ભડકે બાળીને આવશો. બસ મેં આ પહેલા જવાબમાં છુપાયેલું રહસ્ય ઉજાગર કરવા જ પોસ્ટ લખી હતી પણ બીજા બે પ્રશ્નોના જવાબ પણ જાણી લો.
.
2. હું તારો વૈભવ ને તારી ધાક જાણું છું. તું સહસ્ત્રબાહુ સાથે લડ્યો છે,બાલી સાથે યુદ્ધ કરીને તું યશ પામ્યો છે.
ત્રીજો જવાબ થોડો ઉડાઉ રીતે આપે છે.
.
3. મને ભૂખ લાગી’તી. ને હું તો છું જ વાનર તો સહજ સ્વભાવવશ ઝાડ તોડ્યા. સૌને પોતાનો દેહ (પ્રાણના અર્થમાં) વહાલો જ હોય પણ એ કુમાર્ગે ચડેલા રાક્ષસોએ મને માર્યો, એટલે મેં એમને મારી નાખ્યા. 

.
जानउँ मैं तुम्हारि प्रभुताई।
सहसबाहु सन परी लराई।।
समर बालि सन करि जसु पावा।
सुनि कपि बचन बिहसि बिहरावा।।
खायउँ फल प्रभु लागी भूँखा।
कपि सुभाव तें तोरेउँ रूखा।।
सब कें देह परम प्रिय स्वामी।
मारहिं मोहि कुमारग गामी।।
जिन्ह मोहि मारा ते मैं मारे।
तेहि पर बाँधेउ तनयँ तुम्हारे।।
.
આ ઉત્તર પછી તેઓ સીતાજીને મુક્ત કરવા માટે રાવણને હાથ જોડીને વિનંતી કરતા સમજાવે છે કે તું કેટલા ઊત્તમ કુળમાં જન્મ્યો એનો વિચાર કર અને જે ભક્તોના ભય હરી લે છે એને ભજ. પછી ચેતવણી પણ આપે છે કે જેના ભયથી કાળ પણ ભય પામતો હોય, જેણે દેવ-અસુર અને ચરાચર પોતાનામાં સમાવેલું હોય એની જોડે વેર ના કરાય . એમ પણ કહે છે કે પ્રભુ કરુણાનો સાગર છે, હજી પ્રભુની શરણમાં જતો રહે તો પ્રભુ તારા બધા અપરાધો માફ કરીને એમની શરણમાં લઈ લેશે. એટલે જ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ હનુમાનજીને બેસ્ટ ડિપ્લોમેટ કહે છે.
.
बिनती करउँ जोरि कर रावन।
सुनहु मान तजि मोर सिखावन।।
देखहु तुम्ह निज कुलहि बिचारी।
भ्रम तजि भजहु भगत भय हारी।।
जाकें डर अति काल डेराई।
जो सुर असुर चराचर खाई।।
तासों बयरु कबहुँ नहिं कीजै।
मोरे कहें जानकी दीजै।।
दो0-प्रनतपाल रघुनायक करुना सिंधु खरारि।
गएँ सरन प्रभु राखिहैं तव अपराध बिसारि।।22।।
.
આ પ્રસંગ પહેલા હનુમાનજી કઈ રીતે અશોકવાટિકા ઉજાડે છે, કઈ રીતે રાક્ષસોને મારે છે. એ પણ અભ્યાસ કરવા જેવું છે. પછી સમજાઈ જાય કે હનુમાનજી માત્ર ભક્તિ જ નથી કરતા, ભક્તિની સાથે સાથે તેઓ વ્યાયામ, શારીરિક સૌષ્ઠવ અને યુદ્ધકૌશલ્યમાં પણ નિપુણ છે. ના કરે નારાયણ પણ સંજોગોવશાત સુંદરકાંડ કરવો જ પડે એમ હોય તો ભક્તિની સાથે સાથે એવા ગુણો પ્રાપ્ત કરવા ય આવશ્યક છે. મંજીરા ને કરતાલ લઈને સુંદરકાંડ નથી થતો. ગદા ધારણ કરીને સુંદરકાંડ થાય છે. એના માટે ગદા ઊંચકવા સક્ષમ થવું પડે, એના પ્રયોગ કરી શકીએ એવી નિપુણતા ય પ્રાપ્ત કરવી પડે ને અગેઇન, એના માટે વ્યાયામ તો કરવો જ પડે. તો સુંદરકાંડ કરવા ઇચ્છુક ભાવિક ભક્તો કાલથી જ લંગોટ બાંધીને અથવા સ્પોર્ટર પહેરીને પહેલવાન બનવાનું શરૂ કરી દો.
.
મિત્રો, શ્રી તુલસીદાસકૃત રામચરિત સમજવા બેસો તો બહુ સરળતાથી એક એક શબ્દ સમજાઈ જાય કારણ કે એ સંસ્કૃત નહિ પણ અવધી ભષામાં લખાયું છે. જેમ ગુર્જરી સંસ્કૃતની ભગિનીભાષા છે એમ જ અવધી પણ ભગિની ભાષા જ છે. ખાલી, વિભક્તિઓ થોડી અલગ રીતે હોય છે જેમ કે ‘જનકસુતા કે “ચરનન્હિ” પરી’ અહીં ચરનન્હિનો અર્થ ચરણમાં છે, જનકપુત્રીના ચરણમાં પડી.અહિ ‘ન્હિ’ નો અર્થ છે ‘માં’. આજ રીતે ‘બ્રહ્મબાન કપિ ‘કહું’ તેહી મારા’માં ‘કહું’નો અર્થ છે ‘ને’. તેણે ‘કપિને’ બ્રહ્મબાણ માર્યું. ઓનલાઈન ઘણા સોર્સ ઉપલબ્ધ છે શ્રી તુલસીદાસકૃત રામચરિતમાનસ સમજવા માટે.
.
રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસે એક પ્રસંગને ચાર પાંચ ચોપાઈમાં સમજાવીને પછીના દોહામાં કન્કલુડ્ કરી લીધો છે.
.
તુલસીદાસજીનું રામાયણ જાણે કે ફાસ્ટ ફોરવર્ડ છે જ્યારે શ્રી વાલ્મિકીજીનું રામાયણ અતિ ઊંડાણપૂર્વકનું છે. જાણે કે સ્લો મોશનમાં રામાયણ ચાલી રહી હોય. જેમ કે તુલસીદાસ બે ચોપાઈમાં તો હનુમાનજીને લંકા તરફ કૂદકો મરાવી દે છે એ જ વાત વાલ્મિકીજીએ કદાચ દસ-પંદર શ્લોકમાં કરી છે. બંનેનો પોતપોતાનો આનંદ છે.
.
જય સિયારામ.
.
( કેતન ‘સ્પર્શ’ )
આપનો ખૂબ ખૂબ આભાર 🙏🏻