(૧)
પંખીઓ ઊડે છે
આકાશમાં ચિતરાયેલા અદ્રશ્ય રસ્તા પર
મંજિલ સુધી પહોંચવા.
.
(૨)
અજાણ્યાને ભેગા કરે છે
સ્વજનોને છૂટા પાડે છે
-અને રસ્તો રસ્તાને મળે છે.
.
(૩)
થાકીને, હારીને, પરવશ બનીને
ચાલું છું.
બધા માટે છે એક જ રસ્તો
આશાનો.
.
(૪)
આંખો મીંચીને પણ
ચાલી શકાય છે
અદ્રશ્ય રસ્તા પર.
.
(૫)
ક્યા જવાનું છે ?
ખબર નથી
રસ્તાને પૂછો.
રસ્તો કહે,
હું તો તમને પૂછવાનો હતો.
.
(૬)
જર્જરિત રસ્તા પણ
ચાલનારની રાહ જુએ છે.
.
(૭)
દરેકે શોધવાનો છે રસ્તો
પોતાને માટે
હજુ શોધવાના છે રસ્તા
હજારો માટે
તેઓ હવે નથી
તેમણે શોધેલો રસ્તો છે
ચાલવા માટે.
.
(૮)
જે હૃદયમાંથી પસાર થાય છે
તે રસ્તાને
વીંટો વાળીને
ખિસ્સામાં મૂકી શકાતો નથી.
.
(૯)
ખરેલાં પાંદડા સમ પડ્યાં છે
પગલાં તેના પર
રાખના ઢગલા પડ્યાં છે તેના પર
તેથી જ રસ્તો પરેશાન છે.
.
(૧૦)
આડા, ઊભા, નાના-મોટા
ભરચક, એકાકી રસ્તાઓ
મેં પસંદ કર્યા છે મારે માટે
બધાય રસ્તા ઓગળી જાય છે
અંતે રહે છે કેડી
ચાલવા માટે.
.
(૧૧)
હું ચાલતો હતો
ત્યારે એ પણ ચાલતો હતો,
હું અટક્યો વાટે,
એ પણ
હંમેશને માટે.
.
( દીવાન ઠાકોર )