

“ઓશો ! ક્યારેય જન્મ્યો નથી, ક્યારેય મર્યો નથી. એ તો ફક્ત પૃથ્વી નામના ગ્રહ પરથી પસાર થઇ ગયો છે.”
.
સમાધિ પર આવું જબરદસ્ત ક્વોટ આપી જનાર ઓશો જો આજે તેમના જન્મદિને સદેહે હયાત હોત તો 94 વર્ષના ‘હોટ’ પ્રતિભા હોત. પણ આપણેય ક્યાં એમને સંખ્યાત્મક ભાવે ગણવાના છીએ?! બસ ! એમની અસંખ્ય ભાવનાત્મક બાબતોને સમજીએ તોયે ઘણું.
.
ઓશોએ જન્મ અને મૃત્યુને એક ગણિત તરીકે નહીં, પણ એક કલા તરીકે જોયું. તેમની નજરમાં, આપણો જન્મ માત્ર એક ઘટના નથી, પણ બ્રહ્માંડ તરફથી મળેલો એક પ્રેમ પત્ર (Love Letter) છે.
.
તો આજે મારી ઓશો-પેટીમાંથી સાચવી રાખેલાં તેમનાં ૭ ક્રાંતિકારી વિચારોને મમળાવીએ, જે આપણને સમજાવે છે કે, ‘જન્મ’ ખરેખર શું છે?
.
૧. 🌱 “તમે નવા નથી, તમે તો અનંત છો!”
.
“તમે અનંતકાળથી છો. તમારો જન્મ એ માત્ર કપડાં બદલવા જેવું છે. એક શરીરને છોડ્યું, અને આ જન્મમાં બીજું ઘર મળ્યું. જેમ નદી વહે છે, તેમ તમારી ચેતનાનો પ્રવાહ સતત વહે છે. જન્મ એ શરૂઆત નથી, પણ આ લાંબી યાત્રામાં એક બદલાયેલો મુકામ છે.”
.
આ સમજણ આપણને મૃત્યુના ડરથી મુક્ત કરે છે. જો તમે અનંત છો, તો મૃત્યુ તમારો અંત કેવી રીતે લાવી શકે?
.
૨. 🕊️ “ભૂલી જવું એ કુદરતનું વરદાન છે.”
બાળક ભૂતકાળની સ્મૃતિઓ ભૂલીને જન્મે છે. આ ભૂલી જવું તમને કેવું લાગે છે? ઓશો કહે છે: આ આશીર્વાદ છે!
.
જો તમને યાદ હોય કે તમે અગાઉના જન્મોમાં શું ભૂલો કરી, શું દુઃખો વેઠ્યાં, તો તમે ક્યારેય હસી શકશો નહીં. કુદરત તમને એક ખાલી સ્લેટ આપે છે. આ ખાલીપણું તમને નિર્દોષતા (Innocence) આપે છે. આ નિર્દોષતા જ તમને વર્તમાન ક્ષણમાં જીવવાની તાકાત આપે છે. બાળક જેવું નિર્દોષ મન જ ધ્યાનની પહેલી શરત છે.
.
૩. ⏳ “જન્મ થવો એટલે મૃત્યુની શરૂઆત થવી!”
.
સામાન્ય રીતે આપણે જન્મની ઉજવણી કરીએ છીએ, પણ ઓશો કહે છે: “તમે જન્મ્યા છો, એટલે કે હવે તમે મૃત્યુ તરફ ચાલવાનું શરૂ કરી દીધું છે. તમારું જીવન એ મૃત્યુની યાત્રા છે.”
.
જ્યારે તમે આ સત્ય સ્વીકારો છો, ત્યારે જ તમે ખરી રીતે જીવવાનું શરૂ કરો છો. તમને સમજાય છે કે, એક પણ ક્ષણ બગાડવા જેવી નથી. દરેક શ્વાસ કિંમતી છે. મૃત્યુની આ જાણકારી આપણને જીવન પ્રત્યે જાગૃત અને સાવધાન બનાવે છે.
.
૪. 🎭 “શરીર તમારું વાહન, તમે એના માલિક! તમે ડ્રાઇવર છો, કાર નહીં. તમે ઘરમાં રહેલો રહેવાસી છો, ઘર નહીં.”
.
જ્યારે તમે તમારી જાતને શરીર કે મન માની લો છો, ત્યારે તમે દુઃખી થાઓ છો. જ્યારે તમે પોતાને ચેતના (Awareness) માનો છો, ત્યારે શરીરની બીમારીઓ કે મૃત્યુ તમને અસર કરતા નથી. આ જન્મનો ઉદ્દેશ આ ‘વાહન’નો ઉપયોગ કરીને અંદરની યાત્રા કરવી છે, પોતાની જાતને ઓળખવી છે.
.
૫. 🎁 “જન્મ એક વચન છે: બુદ્ધ બની શકાય છે.”
.
દરેક બાળક સંપૂર્ણતા (Enlightenment) ની સંભાવના લઈને જન્મે છે. તમારો જન્મ એ એક વચન છે, એક મોટો અવસર છે.
.
તમે કયા ધર્મમાં જન્મ્યા, કયા સમાજમાં જન્મ્યા, એ ગૌણ છે. મુખ્ય વાત એ છે કે, તમે આ જીવનમાં જાગૃત થવાનો પ્રયત્ન કર્યો કે નહીં?
.
૬. 🥳 “જન્મ એક ઉત્સવ છે, ગંભીરતા નહીં!”- અને ઓશો માટે, આધ્યાત્મિકતા ક્યારેય ગંભીર હોઈ ન શકે.
.
“તમે જો જીવંત છો, તો તમે ગંભીર ન હોઈ શકો. ગંભીરતા એ મૃત્યુની નિશાની છે. તમારો જન્મ થયો છે, એ જ સૌથી મોટો ઉત્સવ છે. નાચો, ગાઓ, ખુશ રહો, પ્રેમ કરો. જાગૃતિ સાથે જીવો અને જીવનના દરેક રંગનો આનંદ માણો. જીવનને ઉત્સવ બનાવો!”
.
૭. 💡 “બીજો જન્મ: જ્યારે તમે જાગૃત થાઓ છો.”
.
જ્યારે તમે સમાજ અને લોકોએ આપેલા જૂના લેબલો અને વિચારોને તોડીને, પોતાની મૌલિકતામાં જાગૃત થાઓ છો, ત્યારે તમારો ખરો જન્મ થાય છે. આ આંતરિક ક્રાંતિ જ જીવનનો સાચો હેતુ છે.
.
જીવનને ગંભીરતાથી નહીં, પણ ઉત્સવની જેમ જીવો. સંપૂર્ણ પ્રેમ અને સંપૂર્ણ જાગૃતિ સાથે જીવો, અને મૃત્યુ માત્ર એક સુંદર દરવાજો બની જશે. 🙌🏻
.
( મુર્તઝા પટેલ )









