
.
સોયના આ ઘા સહી શકીશ ?
તો ચાલ, જોડાઈએ આપણે.
.
અવિરત ગતિએ ચાલતા
ટાંકા તણી ભ્રમજાળમાં
અટવાતી જતી સ્વાધીનતાને
જોઈ શકીશ શું શાંત ભાવે ?
તો ચાલ, જોડાઈએ આપણે.
.
દ્વૈતના રણથી મૂકેલી દોટ અદ્વૈત પામવા
અટકે નહીં કદીય ને ચરણ જો લડખડે
રેતી ઊડે ચોમેર તે ખાળી શકીશ શું પાંપણે ?
તો ચાલ, જોડાઈએ આપણે.
.
મધુરજની મધુમાસ
માની લે મધુવર્ષ પણ વીતી ગયું
આંખ ઊઘડ્યા પછીનું આભ સૂનું
જીરવી શકીશ કે તું ?
તો ચાલ, જોડાઈએ આપણે.
.
આયુષ્યની અંતિમ ક્ષણે
લેવા સહારો ઊંચકાતો હાથ હવા ફંફોસીને
પાષાણવત પછડાઈ જાશે સોડમાં
ત્યારે શૂન્યતા ગહ્વરથકી
જાગતો ને આવતો શિથિલ ગતિએ
મંદ એ નિ:શ્વાસ રોકી શકીશ તું ?
તો ચાલ, જોડાઈએ આપણે.
.
( ધીરુબહેન પટેલ )






