તારા શહેરમાં – મધુસૂદન પટેલ

રહી ગયા સડકો ઉપર ગુલમ્હોર તારા શહેરમાં,

ને કરે ઘરને સુશોભિત થોર તારા શહેરમાં.

મેં દીધેલા સાદને બિનવારસી માની લીધો,

કેટલો નિષ્ઠુર છે આ શોર તારા શહેરમાં.

ગામડેથી બાતમી હમણાં મને એવી મળી,

એક દિલના હોય છે બે ચોર તારા શહેરમાં.

વાયરા વરસાદના આવે અને લાગે મને,

વાયરાને પણ ફૂટે છે ન્હોર તારા શહેરમાં.

બસ ‘મધુ’ની લાગણી એ કારણે જીવતી રહી,

એક દિ જોયો અચાનક મોર તારા શહેરમાં.

( મધુસૂદન પટેલ )

સવારે બાજરીના ડૂંડે – પ્રીતમ લખલાણી

સવારે બાજરીના ડૂંડે મસ્તીથી રમતાં

બે ચાર પંખીઓ…

મને જોતાં જ ફરર કરતાં આભમાં ઉડી ગયા

દી’ આખો હું

ખેતરને શેઢે લમણે હાથ મૂકીને વિચારતો રહ્યો

કે

હવે ક્યારે સાંજ પડે

અને હું મને ઘરે જઈને અરીસામાં જોઉં

કે કઈ ક્ષણે હું

માણસમાંથી ચાડિયો થઈ ગયો!!

( પ્રીતમ લખલાણી )

પહેલા હતું એ – કિરાત વકીલ

પહેલા હતું એ આજનું વાતાવરણ નથી

રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે

તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી

પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર

કહેતા હતા મને કે કોઈ આવરણ નથી

હું છું તમારી પાસ ઉપેક્ષાની રીત આ

આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી

અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ

દુનિયામાં માત્ર એકલાં રેતીના રણ નથી

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા

શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી

( કિરાત વકીલ )

લેવું હોય તે લઈ લ્યો – મૌલિક મહેતા

લેવું હોય તે લઈ લ્યો ને આપવું હોય તો આપો

કાં તો મને ઉથાપો ને કાં તો મને સ્થાપો

અરધીપરધી વાતમાં મારા મનને શાતા નથી

ગૂંગળાયેલા ગળે અમે ગીતને ગાતા નથી

કાં તો મારો બાગ ઉછેરો કાં તો વનને કાપો

લેવું હોય તે લઈ લ્યો ને આપવું હોય તો આપો

ઘસરકાનો થાક છે મને કટકા કરી નાંખો

શબરીનાં આ બોર નથી કે હોઠ અડાડી ચાખો

ડૂબવા આપો દરિયો અથવા તરવાને તરાપો

કાં તો મને ઉથાપો કાં તો મને સ્થાપો

( મૌલિક મહેતા )

મને મંજૂર નથી.. – પન્ના નાયક

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી

કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે

અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે

જે બોલે તે બોલવાનું

ને નાગ જેમ ડોલવાનું

મને આવું અઢેલવાનું મંજૂર નથી

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય

પોતાનું આભ હોય ને પોતાનું ગીત હોય

મનની માલિક હું, મારે તે બીક શું

હું તો મૌલિક છું

હા માં હા કરીને, ઠીક ઠીક રહીને

મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી

માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું

માપસર ઓઢવાનું, માપસર પોઢવાનું, માપસર હળવાનું

માપસર ભળવાનું, માપસર ઓગળવાનું

મને આવું પીગળવાનું મંજૂર નથી

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

( પન્ના નાયક )