Author Archives: Heena Parekh
થઈ શકે.. – ભરત ભટ્ટ “તરલ”
મારો ખયાલ છે કે હવે યુધ્ધ થઈ શકે;
અથવા જગતનાં લોક બધાં બુધ્ધ થઈ શકે.
કહેવાનો ભાવ ત્યારે અણીશુધ્ધ થઈ શકે,
કૈં ઝંખના સિવાય તું સમૃધ્ધ થઈ શકે.
રથનાં તમામ ચક્ર મનોરથ બની જશે,
પોતાનું મન લગામની વિરુધ્ધ થઈ શકે.
પ્રત્યેક જીવ અશ્વનો અંશાવતાર છે,
પ્રત્યેક અશ્વ એક વખત વૃધ્ધ થઈ શકે.
ફાડી ત્વચાનું વસ્ત્ર અને નીકળી પડો,
ખુદનો પહેરવેશ છે અવરુધ્ધ થઈ શકે.
( ભરત ભટ્ટ “તરલ” )
Protected: मुझे ना दो
Protected: કોનાં છે
કોનાં છે – આદિલ મન્સૂરી
શહેર કોનાં છે ગામ કોનાં છે
સૂર્ય પર આઠ નામ કોનાં છે
દ્રષ્ટિની પેલે પાર હણહણતા અશ્વ આ બેલગામ કોનાં છે
અર્શ પર ઝગમગે ચરણ કોના ઊંચાઊંચા મુકામ કોનાં છે
કોના માટે છે ખાસ આ મહેફિલ ને આ દીવાને આમ કોનાં છે
કેમ સર્જાઈ છે સકલ સૃષ્ટિ કોણ કારણ ને કામ કોનાં છે
આ ત્રિભુવનમાં વાસ છે કોનો ને આ ચારેય ધામ કોનાં છે
સૂર્યમાળાનો દૌર છલકાતો કોણ સાકી ને જામ કોનાં છે
છે ઋતુચક્ર્માં ગતિ કોની ને સતત સુબહો શામ કોનાં છે
ખાલી કશ્કૌલ લૈ ફરે છે કોણ જો આ દૌરોદમામ કોનાં છે
કેમ એકાંતમાં નમે મસ્તક આ નમન આ પ્રણામ કોનાં છે
કોણ બંદાનવાઝ છે બોલો ને આ બંદા ગુલામ કોનાં છે
ઈસ્મે આઝમની રાહ જોનારા જો આ નવ્વાણું નામ કોનાં છે
અન્યને કેમ કોઈ પૂછે કે આ કવિત આ કલામ કોનાં છે
અર્થ અવકાશને ભરી દેતા
શબ્દ આદિલ તમામ કોનાં છે
( આદિલ મન્સૂરી )
[અર્શ: અલ્લાહનું ઉચ્ચાસન
કશ્કૌલ: ભિક્ષાપાત્ર
ઈસ્મે આઝમ: સૂફીઓ જેની સતત સાધના કરે છે તે અલ્લાહનું મહાનામ]