કેમ ?-પરાજિત ડાભી

આર પણ લેતો નથી કે પાર પણ લેતો નથી,
તું હવે જગની કશી દરકાર પણ લેતો નથી.
સંભવામી…નું વચન આપ્યું અમોને તે છતાં,
આ ધરા પર કેમ તું અવતાર પણ લેતો નથી ?

રૂપ પથ્થરનું ધરી ચૂપચાપ જોયા કર હવે,
મંદિરોમાં દૂધથી તું દેહ ધોયા કર હવે.
માણસો તો માણસાઈથી હવે નાસી રહ્યા,
તું બધી શ્રદ્ધા અને વિશ્વાસ ખોયા કર હવે.
અસ્મતો લૂંટી રહ્યા જે ધર્મનાં નેજા તળે,
એમને સંહારવા હથિયાર પણ લેતો નથી.

આગ લાગી ચોતરફએ ઠારવી સહેલી નથી,
આજ દુનિયા સ્વર્ગ જેવી ધારવી સહેલી નથી.
માણસો ટોળું બનીને ભીડમાં ભટકી ગયા,
ભીડને સમજાવવી કે વારવી સહેલી નથી.
વહાણને મઝધારમાં ડૂબાડતો પણ તું નથી,
કે કિનારે લઈ જવા પતવાર પણ લેતો નથી.

પથ્થરોમાંથી નવો આકાર પણ લેતો નથી,
તેં રચેલા ધર્મનો આધાર પણ લેતો નથી.
સંભવામી..નું વચન આપ્યું અમોને તે છતાં,
આ ધરા પર કેમ તું અવતાર પણ લેતો નથી.

( પરાજિત ડાભી )

હારોહાર ચાલે-તથાગત પટેલ

સાંજ પડતાં એ જ કારોબાર ચાલે,
કોઈ આવે કોઈ બારોબાર ચાલે.

કોણ જાણે કેમની છે જીવલીલા ?
હું અહીંયા શ્વાસ સામે પાર ચાલે.

સ્વાદ પાછો કેમ આજે બેઅસર છે ?
એ સમયની ધાક વારંવાર ચાલે.

જિંદગીને એવડું તે દુ:ખ ક્યાં છે ?
કાયમી એ ખીણ ધારોધાર ચાલે ?

એ જ ડાળી, એ જ પંખી, એ જ ટહુકા,
રણ વચાળે એ જ હારોહાર ચાલે.

( તથાગત પટેલ )

લાગણીભીના ઉર ગયા ક્યાં ?-કિસન સોસા

ભાવાત્મક સંબંધના હર સ્થળ થયા નાબૂદ
આ શહેરમાં ક્યાં હવે સૂર્ય ચંદરનું વજૂદ
હીંચકે બેઠી શેરી હતી ત્યાં
ભયે ભરચક રોડ
કિડિયારામાં ગુમ થયા છે
કોમળ કિલ્લોલ કોડ
ધુમાડાના આકાશ તળે શું વદ અને શું સુદ
આ શહેરમાં ક્યાં હવે…
લાગણીભીના ઉર ગયા ક્યાં
મુખ એ ભોળા ભોળા
અથડાતા કૂટાતા દોડે
ચોગમ વિહ્વળ ટોળાં
પંખી-કલરવ-ને કસબે અવ કપિની કૂદાકૂદ
આ શહેરમાં ક્યાં હવે…

( કિસન સોસા )

કલરવભીનાં રે’વું !-દેવેન્દ્ર દવે

ગીત પ્રીતનું ગાતાં વ્હાલમ ! કલરવભીનાં રે’વું !
જાત સંગાથે વાત કરીને અચરજ માણી લેવું…

વસંતમાં વનરાવન ખીલે-
ફૂલ ફૂલમાં ફાગ,
શ્રાવણ વરસે ઝરમર ફોરાં
અંગ અંગમાં આગ !

પળ-બે-પળનો સંગ નહીં આ કાળ કોંળતો કેવું !
આવરદામાં ઊણપ ના’વે જેમ અષાઢે નેવું…

આપણ બેની રીત પ્રીતની:
હરદમ હૈયે હામ,
દલડે મારાં દોલત તારી,
રોજ જપું હું નામ !

નેહ નીતરે નેણાંમાંથી-પામી અદકું દેવું !
જન્મારાને જોગવ-ભોગવ, પાગલ પંખી જેવું…

( દેવેન્દ્ર દવે )

દૂર છું-આબિદ ભટ્ટ

એ શક્યતાથી પર સમજ, તારાથી દૂર છું,
દર્પણના શબ્દમાં કહું ? મારાથી દૂર છું !

ઓઢીને સ્થિરતા ઊભો, ઉપડે નહીં કદમ,
મંજિલ તો છે સમીપ પણ રસ્તાથી દૂર છું.

સૂરજ મને ગળી જશે, શબનમ છું પર્ણ પર,
ના બુંદ છું સમંદરી, ધારાથી દૂર છું.

માળા નહીં રચાય ને ટહુકા થશે નહીં,
ના માંડવો વસંતનો, શાખાથી દૂર છું.

વળગી નહીં શકે મને ઈચ્છાની લીલ પણ,
સંપૂર્ણ મુક્તિ માણતો, લિપ્સાથી દૂર છું.

ઝાઝું નથી હું જાણતો, મારામાં વાસ છે,
એ છે હૃદયમાં ઝંઝાથી દૂર છું.

( આબિદ ભટ્ટ )

છેલ્લી વેળાનું ગીત-વનરાજસિંહ સોલંકી

કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે મારે વળતી વેળાનું સુખ માણવું
કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું
કે મારે પૂરો થયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું

કે મારા ઉપવનમાં ચાલી છે એવી તે લ્હેર
હવે મ્હેક મ્હેક મ્હેક મ્હેક મહેકે ચોમેર
મારે છાતીમાં લેવો છે આખોયે બાગ અને મ્હેકી ગયાનું સુખ માણવું
કે મારે બાગે ભળ્યાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું

કે મારા દરવાજે રહી રહીને આપો છો હૂંફ
હવે ઉંબર ઓળંગો હો માનીતા ભૂપ
તારો તે હાથ મારા હાથમાં ઝાલીને મારે તારા થયાનું સુખ માણવું
કે મારે મારા થયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું

( વનરાજસિંહ સોલંકી )

ઊંચા ઊંચા ગિરિશિખરોથી-સ્વામી માધવપ્રિયદાસ

ઊંચા ઊંચા ગિરિશિખરોથી; ઝરઝર ઝરતાં ઝરણાં આવે
મનમલ હરણાં શીતલ કરણાં; હેમલ વરણાં ઝરણાં આવે.

ગગન ગભીરા અનરાધારા; સાત સમંદર કો છલકાવે
અભિષેક શાં અમરતવારિ; વસુંધરા શિર પર વરસાવે.

સપ્ત સૂરોના ભૈરવ રાગે; પોઢેલા પાતાળ જગાવે
સત્યં મધુરં શિવં સુંદરમ; સકલ ચરાચર જગ સરજાવે.

જાદુગર શા અગમ અગોચર; કામણગારા કર પરસાવે
રોમ રોમ ખીલે વનારજી; પાનખરે કૂંપળ પ્રગટાવે.

ભાતીગળ ભાતોથી ભરીયા; વિશ્વતણાં ઉપવન સરસાવે
રંગો નોખા સત્ય એક છે; વેદતણાં એ ઘોષ સુણાવે.

ઊંચે આકાશેથી ઊતરી; સ્વર્ગ ધરા પર રમવા આવે
માધવ મા ધરતીનો ખોળો; ચૌદભુવનથી સરસો કાવે.

( સ્વામી માધવપ્રિયદાસ )

પવન આવતાં…-મનસુખ લશ્કરી

લાંબી થઈ પથરાઈ પડેલી હવા સફાળી ઊભી થઈ હરફરવા માંડે,
પાંદા સોતી વેલ વૃક્ષને ફડફડ કરતી જગવી છાનું કૈંક કાનમાં કહેવા માંડે.

નત-મસ્તક સંકોચસભર ઊભી-ઊભી લજવઈ ધજા
હવે આનાકાની મૂકીને તડ ફડ-ફડ ફરફરવા માંડે.

ઊડતું-ઊડતું પંખી જોડું કો’ક અચાનક ડાળે બેસી
ડાબે-જમણે ડોક મરડતાં…શું છે ? શું છે ? પૂછવા માંડે.

ગંધ શોધતાં આડા-ઊભા આંટા દઈ-દઈ પતંગિયાં તો
ભમતાં રમતાં-રમતાં જાણે રંગ-રંગની જાજમ ગૂંથવા માંડે.

જાનડિયું જાણે મઘમઘ ખેપ ઊતરતી હોય બગીચે એવા વાવડ દેવા
અધીર માંડવે સમીર ધોડતો આવી ઊભે અને હાંફવા માંડે.

( મનસુખ લશ્કરી )

વરસાદ-માધવ રામાનુજ

આખો ઉનાળો આ ઓરડાએ બળબળતા
તડકાનાં ઝીલ્યાં છે પૂર
પહેલા વરસાદનાં ફૉરામાં નળિયાનાં આ
વર્ષાનાં સાંભરે નૂપુર…

ટપ ટપ ને છમછમના એટલે ઊઠે છે એ
પહેલા વરસાદમાં જ તાલ,
આપણને એમ થાય છાનું છાનું આ કોણ
છાપરે ચડીને કરે વ્હાલ !
નળિયાં ને છાંટાના એવા સંવાદ પછી
નેવામાં છલકાતાં પૂર…

નેવાં ને ફળિયું ને શેરી ને ચોક પછી
ધરતી ને આભ એકાકાર,
આખુંયે ગામ જાણે મધદરિયે વ્હાણ હોય,
એવું ભીંજાય ધોધમાર !
ઘરમાં કે બહાર ક્યાંય કોરા રહેવાય નહીં
ભીતર ભીંજાય ભરપૂર…

આખો ઉનાળોઆ ખોરડાએ ખાળ્યાં છે
બળબળતા તડકાનાં પૂર
પછી પહેલા વરસાદના છાંટામાં નળિયાં જે
વર્ષાનાં સાંભળે નૂપુર…

( માધવ રામાનુજ )