વાત કરવા દે-સુરેન્દ્ર કડિયા

ધસી જતા આ જળમાં જળ વિશેની વાત કરવા દે
મને એકાદ પળમાં પળ વિશેની વાત કરવા દે

ઘડીક ભૂલા પડી જઈએ, ઘડીક રસ્તે ચડી જઈએ
અજાણ્યા કોઈ સ્થળમાં સ્થળ વિશેની વાત કરવા દે

તને જો રસ પડે તો સાવ હળવોફૂલ હું થઈ જઉં
ઘણા વખતે વળેલી કળ વિશેની વાત કરવા દે

નભોમંડળ, ધરાતલ ને અતલ હરદમ ઉકેલું છું
હવે બસ પાઘડીના વળ વિશેની વાત કરવા દે

મને કરતો ગયો ખાલી એ ખાલીપો નથી ખપતો
છલોછલ છેતરે એ છળ વિશેની વાત કરવા દે

( સુરેન્દ્ર કડિયા )

ફેરે-ફેરો ફળશે-દિલીપ જોશી

દર્પણમાંથી બહાર નીકળ તો
દુનિયા જોવા મળશે !
પરપટાની ટોચ ઉપર તું
ઝબકારે ઝળહળશે !….

બહાર નીકળતા મહિના-વરસો-યુગ કૈં બદલાઈ જશે !
હર વળાંક પર વળતો રસ્તો સામેથી સમજાઈ જશે !
પગલે-પગલે પરવાળાના
લોઢે-લોઢ ઊછળશે !…..

તથ્ય હોય શું નામ-રૂપમાં ક્ષણમાં એ અણસાર મળે !
માર પલાંઠી અમરાપુઅરનું ભીતર ખૂલતું દ્વાર મળે !
અંદરના અઢળક અજવાળે
ફેરે-ફેરો ફળશે !…..

સુખ ક્યાં છે જાણ થવાની સચરાચરની પાર જઈ !
જીવ ઝબોળી માણ સમયને સથવારામાં સ્વર્ગ લઈ !
વેદ-મંત્ર થઈ દિશા-દિશાઓ
ખુદને ઘેરી વળશે !…..

( દિલીપ જોશી )

એવા દિવસોનો…-ચેતન શુક્લ

તારા જ નામથી જે ફૂટી’તી કૂંપળ જો થઈ જાય ઘેઘૂરતમ ઝાડ
એવા દિવસોનો માનીશું પાડ.

માળીની જાણબહાર ઉગ્યું’તું ફૂલ
એ ફૂલને ઉગાડી ગયું કોણ ?
પાનખર છે એક અને બીજી વસંત પણ
મઘમઘતા પવનની વાદે ચઢીને પછી મખમલી દ્વાર તો ઉઘાડ.

ચૈતરના વાયરાએ લીલાછમ પાંદડાને
જીવનનો સમજાવ્યો સાર,
ટહુકાને સરનામે લખ્યા સંદેશ એ
પહોંચવામાં લાગી છે વાર.
સોનેરી છાંયડાઓ સમયના આંગણામાં સર્જે છે કાયમ તિરાડ.

( ચેતન શુક્લ )

ફેસબુકિયા ફ્રેન્ડ-આશા પુરોહિત

રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ,
લંગોટિયા યાર અને નિશાળિયો દોસ્ત ભૂલી,
અપનાવ્યો આધુનિક ટ્રેન્ડ,
રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ,

ટાઈમ નહીં, તોય કેવા પોતાની ટાઈમલાઈન પર,
જાતજાતનું કરવાનું પોસ્ટ,
રિકવેસ્ટ જો આવે તો થોડુંક ચકાસીને,
થઈ જાતા કાયમના દોસ્ત,
ફોટાને ક્લીક કરી, વીડિયો રેકોર્ડ કરી,
પળભરમાં કરવાનું સેન્ડ,
રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ,

વાહ-વાહ ! વેરી ગૂડની અમથી કમેન્ટ કરી,
કરવાનું શેર જે ગમતું,
ધડ ધડ બસ લાઈક કરી, ટેગ કરી, હાઈડ કરી,
મન જાણે એમાં જ ભમતું.
વાસ્તવિક જીવનની લાગણીની માગણીનો,
લાવી દેવાનો બસ એન્ડ,
રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ,

( આશા પુરોહિત )

એને નવું વર્ષ કહેવાય…-અંકિત ત્રિવેદી

shindyr02

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય…
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય…

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય…

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય…

( અંકિત ત્રિવેદી )

હેપ્પી દિવાળી

Diwali-1

(૧)
દીવડા પ્રજવાળવાની રાત છે.
અંધકારો બાળવાની રાત છે.

જેમના પગમાં ભરેલો થાક છે,
તેમને સંભાળવાની રાત છે.

ભગ્ન સ્વપ્નોની કરચને મોજથી,
આભમાં ઉછાળવાની રાત છે.

પ્રેમ, હિંમતને ઈરાદાના નવા,
દ્રાવણો ઉકાળવાની રાત છે.

આપણી શ્રદ્ધાનો સૂરજ ઉગશે,
એ જ આશે ગાળવાની રાત છે.

( પરાજિત ડાભી )

(૨)
કોઈને જૂઓ અને
તમારી અંદર રંગોલી પૂરાઈ જાય ત્યારે સમજવું કે
આજે દિવાળી છે
સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો
અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
વૃક્ષમાંથી લાકડું થઈને બારણું બની ગયેલા
તમારા સમયને કોઈની નજરુંનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ કડવી વખ જેવી ઉદાસી વાગોળતા વાગોળતા
તમે જૂના ડબ્બા ખોલતા હો
અને અચાનક કોઈની મીઠી યાદ sweetનું સ્વરૂપ લઈને મળી આવે
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે એવા ગાઢ અંધારમાં
તમે બેઠા હો
અને
તમારા સાવ અંદરના ઓરડે આવીને કોઈ
દીવડો જલાવી જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે…

( હેમંત ગોહિલ ‘મર્મર’)

(૩)
સબરસ બને જો આદમી, કાયમ દિવાળી,
હો જિંદગીમાં સાદગી, કાયમ દિવાળી.

પકવાન લાખો ના મળે તો ચાલશે, બસ
છે ડુંગળી ને ભાખરી, કાયમ દિવાળી.

જપ-તપ ફક્ત દેખાવ, મનમાં દાવપેચો,
દિલમાં કરી દો આરતી, કાયમ દિવાળી.

આ રંગરોગાનો કરીને ઢાંકશો શું ?
ભીતર ભરી દો ગુલછડી, કાયમ દિવાળી.

મેલું રહે છે મન, ભલે ને ઊજળું તન,
સબરસ બને જો આદમી, કાયમ દિવાળી.

( દિનેશ દેસાઈ )

મારા માથે આકાશ છે, પણ…-ચંદ્રકાંત શેઠ

મારા માથે આકાશ છે, પણ મારું આકાશ ક્યાં છે ?
સૌના મુખે ભાષા છે, પણ મારી ભાષા ક્યાં છે ?
મને શોધ છે-
મારા નામે અંકિત થાય એવા સર્જનાત્મક સમયની;
મને શોધ છે-
મારા કામને કોળાવી દે તેવા વિસ્મયની;
મારી પાસે પગલાં છે,
પણ એના માટે જાગતો-ઝૂરતો રસ્તો ક્યાં છે ?
મારો પંડનો પડછાયો છે,
પણ એની ખબર લે એવો ઓલિયો-ફિરસ્તો ક્યાં છે ?
મને શોધ છે-
મારા અવકાશને કલ્લોલાવે એવા કલરવની;
મને શોધ છે-
મને પંખાળો કરે એવા પવનના પનોતા પદરવની;
મારી પાસે દરિયો છે,
પણ તળિયાના તેજના મનમોજી મરજીવા ક્યાં છે ?
મારી પાસે દુનિયા છે,
પણ દૈવતના દેશના અમિયલ દ્રષ્ટિના દીવા ક્યાં છે ?

( ચંદ્રકાંત શેઠ )

ચાલ, હળવેથી લે !-વિશાલ જોષી ‘સ્નેહ’

તને ગમતીલાં સપનાની આપું હું કાલ !
ચા, હળવેથી લે !

તને લાગે કદીક સાવ સૂકેરું પાન
પણ ભીતરમાં લીલ્લીછમ વેલી
તને લાગે બહાર ક્યાંક કોરું કટ્ટાક
પણ અંતરમાં ભવ-ભવની હેલી
લાવ, લીલ્લેરું-ભીન્નેરું રોપી દઉં વ્હાલ,
ચાલ, હળવેથી લે !

તને સાચ્ચેરું કહેવાનું હોય જ
તો કહી દઉં કે જ્યારુકથી તેં મને ઝીલ્યો
ત્યારુકથી ફાંટ ફાંટ ચોમાસું ફળિયે
ફાલ ફટ્ટાક દઈ ફોરમનો ખીલ્યો
મજ્જાની મોલ્યાતું આપી અબ્બી હાલ,
ચાલ, હળવેથી લે !

( વિશાલ જોષી ‘સ્નેહ’)

માણસ હોવાની એક ભૂલ-હનિફ સાહિલ

ભાઈ ! હું તો માણસ હોવાની એક ભૂલ
સૌથી જુદાં છે મારા રસ્મો રિવાજ
અને સૌથી જુદાં છે ઉસૂલ
ભાઈ ! હું તો માણસ હોવાની એક ભૂલ

દરિયો કે સહરા કે મોજાં કે આંધીનો
સમજું છું એક જ સાર
હલ્લેસે હલ્લેસે કાપું છું રેતીને
પહોચું છું દરિયાની પાર
ઝાકળને આપું છું મૃગજળનું નામ
અને કંટકને કહું છું હું ફૂલ
ભાઈ ! હું તો માણસ હોવાની એક ભૂલ

હાથોની ઉષ્મા ઓગાળી પથ્થરને
મેં તો પીધા છે મોંઘેરાં પાણી
કાળમીંઢ ઇશ્વર ને તોડી તડાક
મેં તો વહેતી કરી છે સરવાણી
ધરતીના કણકણમાં ફાલી છે શાખાઓ
આકાશે મારા છે મૂલ
ભાઈ ! હું તો માણસ હોવાની એક ભૂલ

( હનિફ સાહિલ )

અઢી અક્ષરની વેણુ…-ગાયત્રી ભટ્ટ

ટગર ટગર ના જોશો; આ તો અઢી અક્ષરની વેણુ
વગર વગાડ્યે વાગી ઊઠે; જેવું જેનું લહેણું…

આંગળીએ જે વાત ઝૂરતી
સૂરમાં ઢળતી જાય
ફૂંક વસી જેની અંદર
અખંડ દીવો થાય

શુકનવંતા વેળા પહેરાવે અમને સૂરનું ઘરેણું
વગર વગાડ્યે વાગી ઊઠે; જેવું જેનું લહેણું…
અઢી અક્ષરની વેણુ…

આરપાર વીંધાતું કોઈ
એક તાર થઈ વાગે
ગીત હશે કંઈ એવું ગેબી
નભ પણ નાનું લાગે !

સપ્તકની યે પાર હતું એ કોઈ પરમનું કહેણું
વગર વગાડ્યે વાગી ઊઠે; જેવું જેનું લહેણું…
અઢી અક્ષરની વેણુ…

( ગાયત્રી ભટ્ટ )