તરસની આબરૂ – ખલીલ ધનતેજવી

અજાણી કોઈ ખુશબો ક્યાંકથી રસ્તામાં ઊતરી છે,

હવે એના વિશે આખી સભા ચર્ચામાં ઊતરી છે.

 .

સમસ્યા ક્યાં હતી કૈં માનવીના આગમન પહેલાં,

બધી મુશ્કેલીઓ તો એ પછી દુનિયામાં ઊતરી છે.

.

કદાચ આ સૌ મકાનોને ઉથામો તો જડી આવે,

નથી જે શહેરમાં એવી ગલી નકશામાં ઊતરી છે.

 .

ગમે ત્યાંથી ગમે તેની બુલંદી માપવા માટે,

ઘણા ખમતીધરોની આબરૂ ખાડામાં ઊતરી છે.

 .

તમે મારા હૃદયમાં એમ આવીને પ્રવેશ્યા છો,

કે જાણે કોઈ પાગલ આગ આ તણખામાં ઊતરી છે.

.

હવે દીવાઓ પણ ભડકે ચડી પડદાઓ સૂંઘે છે,

હવા પણ વાળ છુટ્ટા વીંઝતી રસ્તામાં ઊતરી છે.

 .

ખલીલ આજે તરસની આબરૂ સચવાય તો સારું,

બિચારી એકલી પાણી પીવા કૂવામાં ઊતરી છે.

 .

( ખલીલ ધનતેજવી )

બળવત્તર છે – અંકિત ત્રિવેદી

ઈચ્છાઓ પણ બળવત્તર છે, પીડાઓ પણ બળવત્તર છે

લોહી નિચોવીને જીવ્યો છું, અફવાઓ પણ બળવત્તર છે

 .

રણ જેવું તોરણ બાંધે છે, ડમરીઓ રેતી રાંધે છે-

સાંજે આંખોમાં ઘેરાતા તડકાઓ પણ બળવત્તર છે

 .

ડાઉનલોડના સંબંધોમાં ભળીભાખળી ભાળ મળે છે,

જાત ઉછીની ઓળખ આપે રસ્તાઓ પણ બળવત્તર છે

 .

શું પૂછું ને જવાબ આપે, એવા દિવસો કોને માપે ?

કયા અંતને સાચો ગણવો ? ઘટનાઓ પણ બળવત્તર છે

 .

હું બોલું ને તમે સાંભળો વાત જુદી છે સમયસમય પર

સૌને સૌની રીતે ભજવે તખ્તાઓ પણ બળવત્તર છે

 .

( અંકિત ત્રિવેદી )

નિર્લેપ દ્રષ્ટિથી – ખલીલ ધનતેજવી

તમારા ઘરનાં દીવા રાતે રસ્તામાં હતા કે શું ?

પવન ફંટાઈ જાશે, એ ભરોસામાં હતા કે શું ?

 .

ઘરે પહોંચ્યોં તો દરવાજાએ પૂછ્યું ક્યાંથી આવો છો ?

સુગંધ આ શેની છે, સાંજે બગીચામાં હતા કે શું ?

 .

તમારા દિલના ધબકારા અજાણ્યા કેમ લાગે છે !

તમે પણ કાલે તરણેતરના મેળામાં હતા કે શું ?

 .

ઘણી વાતો, ઘણાં વર્ષો પછી કાલે કહી નાખી,

હવે એ પણ કહો, ગઈ રાતે સ્વપ્નામાં હતા કે શું ?

 .

તમે ચુપચાપ સાંભળતા રહ્યા, નિર્લેપ દ્રષ્ટિથી,

કે મારી રૂબરૂ બીજી જ દુનિયામાં હતા કે શું ?

 .

દિવસ રઘવાટમાં કાઢ્યો ને રાતે પણ નથી સૂતા,

તમારા પણ વહાણો કાલે દરિયામાં હતા કે શું ?

 .

ફરી બેચાર પથ્થર એ તરફથી આ તરફ આવ્યા,

તમે પાછા ખલીલ એના જ ફળિયામાં હતા કે શું ?

 .

( ખલીલ ધનતેજવી )

સાધુ ઐસા ચાહિએ – હરકિસન જોષી

ગેરૂઆ વસ્તર નહીં, ભભૂત ભસ્મ નહીં અંગ

સાધુ ઐસા ચાહિએ એકલ ઔર નિ:સંગ

 .

ટીવી પર ચમકે નહીં આપે નહીં વ્યાખ્યાન

સાધુ ઐસા ચાહિએ માન નહીં સન્માન

 .

આશ્રમ નહીં આસન નહીં, નહીં ટ્રસ્ટ મઠ ધામ

સાધુ ઐસા ચાહિએ નહીં સ્થાન નહીં ઠામ

 .

તિલક છાપ ચંદન નહીં, છત્ર મુગટ નહીં દંડ

સાધુ ઐસા ચાહિએ, ફંદ નહીં કોઈ ફંડ

 .

નામ નહીં ઓળખ નહીં, નહીં બિરુદ ઇલ્કાબ

સાધુ ઐસા ચાહિએ નિર્મલ બહેતા આબ

 .

નહીં તસ્વીર નહીં મૂરતી, પૂજન દે નહીં પાંવ

સાધુ ઐસા ચાહિએ જૈસી તરુવર છાંવ

 .

લિંગ ભેદ વ્યાપે નહીં ઐસા ચેતન દેહ

સાધુ ઐસા ચાહિએ પવન ઉડાઈ ખેહ

 .

તન મન હરિ કો દે દિયા આપ હરિમે લીન

સાધુ ઐસા ચાહિએ જૈસી જલમે મીન.

.

( હરકિસન જોષી )

વાણી કબીરની – હરકિસન જોષી

દેખાય નહીં ઘાવ, કળા તારા તીરની !

સૌરભ ન પારખી શકી લીલા સમીરની !

 .

પીડા તરસની લઈને ભટકતા’તા વાટમાં

પનઘટ ઉપર લઈ ગઈ વાણી કબીરની !

 .

માણસને જોવો જોઈએ માણસ રૂપે બધે

એ ઝૂંપડું હો કે હો હવેલી અમીરની

.

ધારું તો હાથ ઝાલી લઉં હું સૌના દેખતા

મર્યાદા નડે તેં સનમ ખેંચી લકીરની !

 .

આંખોમાં રહી એકલા આકાશની ઝલક

બહેતર દશા છે આજ તો તારા ફકીરની !

 .

( હરકિસન જોષી )

ત્યાં સુધીમાં – મુકેશ જોષી

ચાલ પિંકુ, તને એકથી અનંત ગણતાં શીખવાડું

મમ્મી, એ કેવી રીતે ?

આપણે તારા ગણીએ

મમ્મી, હું તો સૂઈ જાઉં છું, ઊંઘ આવે છે

પછી એ ગણવા બેઠી

ગણતાં ગણતાં વચ્ચે વાદળ આવી ખડખડ હસી પડ્યાં ને ભૂલ પડી

ગણતાં ગણતાં ઝબક ઝબકતાં તારા ધડધડ ખરી પડ્યાં ને ભૂલ પડી

ગણતાં ગણતાં મંદ ચાલ લૈ ચાંદ-ચાંદની ફરી વળ્યાં ને ભૂલ પડી

સવારે રાતીચોળ આંખો જોઈ

પિંકુએ ધીરજ ખોઈ

મમ્મી કેટલા દિવસથી તારા ગણે છે ?

કેટલા દિવસ ગણીશ ?

એ તો આપણને છોડી ગયેલા તારા પપ્પા આવશે ને ત્યાં સુધીમાં

તો ગણાઈ જશે.

 .

( મુકેશ જોષી )

મેઘધનુષ – મુકેશ જોષી

આ તો કહેતા કહેવાઈ ગયું તમને હું ચાહું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે સૂરજના પડખામાં જિંદગી વીતાવું છું.

 .

વાયરાએ એવી તે મારી શું આંખ મૂઈ ખુશ્બુએ દાબડી ખોલી

વાણીને ગોખાવી રાખ્યું’તું મૌન તો ય આંખોને ટેવ છે તે બોલી

આ તો કહેતા કહેવાઈ ગયું ફૂલો સજાવું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે બાગમાં હું જ મારી જાતને વાવું છું

 .

અરધું આકાશ તમે જોયું છે એટલે અંદર પતંગિયાં ડરે છે

સાચું કહું તો એ ઊડે છે જ્યાં જ્યાંથી જિંદગીના રંગ ત્યાં ખરે છે

આ તો કહેતા કહેવાઈ ગયું સપના રંગાવું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે મેઘધનુષ આંખથી પાછા વળાવું છું.

.

( મુકેશ જોષી )

ડોકિયું – મુકેશ જોષી

એને સીધા બેડરૂમમાં આવવાની ટેવ

ભીના ખુલ્લા વાળ રાખીને ઊભી રહું તો

પવન થઈને ફરે સુગંધી જંગલમાં

 .

ચાંદલો કરવા કંકુ ડબી ખોલું તો

આઇનામાંથી ડોકિયું કરી મને લાલમલાલ કરી દે

 .

સાડીની પાટલી વાળતી હોઉ તો

બારીમાંથી વાદળ થઈ ડોકિયું કરે

 .

તકિયા પર તો માથું મુકાય જ નહીં

એના શરીરની સુગંધ…

એટલે

હવે તો કીચનમાં જ સમય વીતાવું

તો ય

કોફીની વરાળમાં

દાળના વઘારમાં

કૂકરની સીટીમાં

એ સીટી માર્યા કરે

મને લાગે છે

ઘણા સમયથી હું માત્ર કાંદા સમાર્યા કરું છું.

 .

( મુકેશ જોષી )

…ખોઈ બેઠો છું-એક તઝમીન – લલિત ત્રિવેદી

આજ સૂનકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

ઝીણો ઝણકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

એની ઇ ભોમકાના અણસારા… વૈખરી પાર થાતાં ઉદગારા..

જોગી ! ઇ તાર ખોઈ બેઠો છું, … એક આકાર ખોઈ બેઠો છું

 .

કોને શોધું છું, કયા વેશે છું… આ કયા દેશે અહર્નિશે છું…

ક્યારે વણજાર ખોઈ બેઠો છું… એક આકાર ખોઈ બેઠો છું

.

ક્યારે હું એકટસ ન જોઈ શક્યો…ક્યારે હું એક પગ ઊભી ન શક્યો

કે હું સ્વીકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

એક નિષ્કંપ વેળની વાટે…કોના વિનાની વાવના કાંઠે…

એક અસવાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

રેન બુઝાઈ ગઈ છે, આવી જા… પેન રણકતી નથી, આવી જા…

હું ઈંતેઝાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

તારાં પાણીડે ખેલવા માટે… તારા પાલવડે પોઢવા માટે…

હું નિરાકાર બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

( લલિત ત્રિવેદી )

…પતંગિયા કહેશે – લલિત ત્રિવેદી

કળીની સુરખિ-શો મત્લઆ પતંગિયા કહેશે

કુમાશ તારી, ને મિસરા પતંગિયા કહેશે !

 .

ઘુઘવતી માટી લગ રસ્તા પતંગિયા કહેશે !

ફૂટે ક્યાં ખુશ્બુનાં ઝરણાં, પતંગિયા કહેશે !

.

કવિ ! બગીચા સાથે તારે વાત કરવી છે !

તો શીખ ફૂલની ભાષા, પતંગિયા કહેશે !

 .

નદીમાં છે તે થનગનાટ છે પવનમાં પણ

લઈને પાંખમાં ગાણાં, પતંગિયા કહેશે !

 .

ભરી સભા હશે…ઋતુઓ ને બાગ સુણતાં હશે

ખરેલાં પર્ણની ગાથા પતંગિયા કહેશે !

.

“પદાર્થ પામવો જો હોય તારે મર્મરનો-

-લખ્યાં છે તૃણ ઉપર કક્કા”, પતંગિયા કહેશે !

 .

જઈશ ત્યારે હિસ્સો રેશમી દઈને જઈશ

ભલે ક્ષણિક છે આ કાયા, પતંગિયા કહેશે !

.

( લલિત ત્રિવેદી )