મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?
નવલકથાની કથાવસ્તુ આમ તો વર્ષા અડાલજા જાતે જ પસંદ કરતાં હોય છે. પણ આ નવલકથા તેમણે એક સમયના સુગરકીંગ અને સોમૈયા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના પ્રણેતા શ્રી કરમશીભાઈ સોમૈયા વિશે તેમના એક સ્નેહીના આગ્રહથી લખી છે. પ્રથમ તબક્કે તો વર્ષાબેને શ્રી કરમશીભાઈ વિશે લખવા સ્પષ્ટ “ના” જ કહી હતી. પણ જેમ જેમ તેઓ કરમશીભાઈની મરાઠી પત્રકાર રાજા મંગળવેઢેકર સાથેની મુલાકાત વાંચતા ગયા તેમ તેમ તેમને આ પુરુષાર્થકથા લખવાની પ્રેરણા મળી. સાવ ઓછું ભણતર અને સાવ ખાલી હાથ. તો પણ હાર્યા વગર અનેક ધંધાઓ શ્રી કરમશીભાઈએ કરી જોયા. અનેક વખત નિષ્ફળતા મળી. પરંતુ પાછા પડ્યા વિના હિંમતથી આગળ વધતા જ રહ્યા. કઠોર પરિશ્રમનું બીજું નામ સફળતા-એ વાત તેમણે સિદ્ધ કરી. ધંધાના કામ માટે પગપાળા અનેક ગામડાઓની રઝળપાટ કરનાર કરમશીભાઈ સફળતા મેળવીને જ જંપ્યા. તેમણે સોમૈયા સામ્રાજ્યની સ્થાપના કરી અને સુગરકિંગનું બિરુદ મેળવ્યું. ૨૬૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી આ નવલકથામાં શ્રી કરમશીભાઈના જીવનના અનેક રસપ્રદ અને પ્રેરણાદાયક પ્રસંગોનું આલેખન થયું છે. અમુક પ્રસંગો ખૂબ જ હ્રદયસ્પર્શી છે પણ તેનો ઉલ્લેખ ટાળું છું. વર્ષાબેનની સશક્ત કલમે આ આખી નવલકથા વાંચવી જ વધુ યોગ્ય રહેશે.
પરથમ પગલું માંડીયું-વર્ષા અડાલજા
પ્રકાશક: સોમૈયા પબ્લિકેશન્સ પ્રા. લિ.,વતી નવભારત સાહિત્ય મંદિર
કિંમત: રૂ. ૨૦૦.૦૦