તું – રાજેન્દ્ર પટેલ

.

(૩)

જેને જણસ સમજી જાળવ્યો’તો

જિગર સમીપે

એક દિવસ ખબર પડી

હતો એ કોલસો.

 .

પછી જણસની જગ્યા

તેં લીધી ને

તું જણસ, હું કોલસો.

 .

મને જ અજવાળતો

તાપણું થઈ ગયો.

.

.

(૪)

બારી તો ખુલ્લી જ હતી

આખા જન્મારાથી

અને બારણાંય ખુલ્લાં ફટાંક.

 .

તને બોલાવવાનું ન મને સૂજ્યું

ન તને આવવાનું.

ઘર આખું શું કામનું ?

અતિથિ વગર ?

બારી શું કામની

પંખી વગર ?

બારણું શું કામનું

તારા પગરવ વગર ?

 .

હું નથી છતાં છું

તારી રાહ જોતો

બારી જેવો.

 .

( રાજેન્દ્ર પટેલ )

નહીં જો મળે – શોભિત દેસાઈ

જઈશું શોધવા એને, સનમ નહીં જો મળે,

અહીં જ આવીશું પાછા-પરમ નહીં જો મળે.

,

સ્મરણમાં આપના હું જ્યારે જાઉં છું ત્યારે,

સતત રહે છે મને ભીતિ-ભરમ નહીં જો મળે !

 ,

ભવિષ્ય આખું તમે તો મુલતવી રાખ્યું છે,

બગડશે બેય, ફરીથી જનમ નહીં જો મળે

 ,

ટકોરા મારે છે એ ખૂબ આપતાં પહેલાં,

શું મેળવીશું, ફૂટેલાં કરમ નહીં જો મળે

 ,

દુકાનદારી સજાવી છે સ્થાનકોએ અહીં,

ન નાસીપાસ થતાં, ત્યાં ધરમ નહીં જો મળે !

 .

( શોભિત દેસાઈ )

પાંચ લઘુકાવ્યો

(૧)

સજા

 .

હે કવિ !

વાસ્તવિક થા.

જનમટીપની સજા

ફરમાવતા કાગળની પાછળ

કવિતા લખવાથી

સજામાં

ઘટાડો નહીં થાય.

 .

(મદનકુમાર અંજારિયા “ખ્વાબ”)

 .

(૨)

અંતિમયાત્રા

 .

ડાઘુભાઈ,

જરા ધીમેથી

ચાલજો… !

મેં બહુ ‘ઠોકરો’

ખાધી છે

જિંદગીમાં….

 .

(અનિરુદ્ધ આર. પટેલ)

 .

(૩)

મૌનની ઘેરી ઉદાસી તોડ મા,

શબ્દની સંગાથ નાતો જોડ મા;

જિંદગાનીને ગઝલમાં રણ કહી,

ઝાંઝવા પાછળ દીવાના દોડ મા.

 .

(પુષ્કરરાય જોષી)

.

(૪)

છાંયડામાં….

 .

વૃક્ષને કાપવું

જો અનિવાર્ય

થઈ પડે

તો…

ઉનાળામાં કાપજો,

કદાચ,

વિચાર

બદલાઈ જશે….

 .

(અનિરુદ્ધ આર. પટેલ)

 .

(૫)

હરીફાઈ

 .

મહાભિનિષ્ક્રમણ માટે

શ્વાસ ભલેને

ટટમટ તૈયાર થઈને બેઠા હોય.

પણ

ઠઠરો કરીને બેઠેલી જિજીવિષાની

હરીફાઈ એમને કરવાની છે.

અને

ઈતિહાસ જિજીવિષાની પડખે છે…

 .

(ચંદ્રેશ ઠાકોર)

તું – રાજેન્દ્ર પટેલ

.

(૧)

મૂઠી ખૂલતાં

ઊઘડતા મસમોટાં બારણાં.

 .

એ બંધ હતી ત્યાં સુધી તો

હતું અંધારાનું શાસન.

 .

ખુલ્લી થઈ

થયું અજવાળું.

 .

પણ ખૂલતાં ખૂલતાં

ખૂટી ગયા રે દિવસો.

 .

(૨)

રાતમાં તો

કાયમ અંધારું.

 .

ને રાતનો પડછાયો

આંખોમાં સદા છવાયેલો.

 .

પડદો ખોલી જોયું

ન પડછાયો, ન અંધારું.

 .

છે કેવળ આંખ તારી

અજવાળું છલકાવતી.

 .

( રાજેન્દ્ર પટેલ )

હવાનો વાંક નથી – શોભિત દેસાઈ

.

હવાનો વાંક નથી કૈં, પ્રહાર ના કરતા !

અમસ્તો એમાં તમે ગોળીબાર ના કરતા !

 .

ઊડી રહ્યાં છે વિહગ એક નવો દિવસ લઈને,

જૂના જખમથી પ્રદૂષિત સવાર ના કરતા !

 .

રહેમદિલી એ ધરે છે બહુ જ ઓછાને,

હો આપવાનું તો સહેજે વિચાર ના કરતા !

 .

જમાવીને જ અમુક વાતો માંડવાની હોય,

દખલ નકામી કરી ટૂંક સાર ના કરતા !

 .

સરળ સ્વભાવ સફળ જિંદગીની ચાવી છે,

બનીને મીંઢા વધુ માથે ભાર ના કરતા !

 .

ઝીણું વણ્યું છે બધું એણે લાયકાત મુજબ,

ઉમેરી મરજી જીવન તાર તાર ના કરતા !

 .

ઢબૂરી દઈને બધાં અસ્ત્ર સાચી જગ્યાએ;

પછીથી મૌન તમે ધારદાર ના કરતા !

 .

( શોભિત દેસાઈ )

વાત કહું શ્યામ…- રમેશ પારેખ

.

તમે આવો તો વાત કહું શ્યામ…

નીત રે ઉઠીને મને ઉંબરમાં તગતગતા

સૂરજની શૂળ એમ વાગે

મારી હથેળી તારા કેશમાં ગૂંથેલ

મોરપીંછનો પડછાયો લાગે

દર્પણની દ્વારિકામાં દર્પણને તીર

હું તો પાણીને મૂલ વહું શ્યામ…

તમે આવો તો વાત કહું શ્યામ…

.

ચંદનની સૂનમૂન સૂતી હું ડાળ

મને લૂંબ્રઝૂંબ વાયરે ઝુલાવો

શેરી તો સાવ ફૂંક વિનાનો વાંસ

તમે પંચમની ફૂંક સમું આવો

ઘરના પોલાણમાંથી વાંસળીના સૂર જેમ

વગડે વેરઈ જઉ શ્યામ…

તમે આવો તો વાત કહું શ્યામ…

 .

( રમેશ પારેખ )

…જન્માષ્ટમીની શુભેચ્છાઓ… 

આવવા દે – શોભિત દેસાઈ

.

સુગરી કપોત તેતર ચકલાંને આવવા દે

પર્યાય છે પરમના ટહુકાને આવવા દે

 .

પહેલાં તો સ્તંભ પર તું દેખાડ એક કીડી

મોકલ પછી-નિરાંતે ભડકાને આવવા દે

.

ખાબોચિયું બનીને ખુદ પૂરતું ના વિચારીશ

ભીતર પ્રસાર પહોળું, દરિયાને આવવા દે

.

આક્ષેપ હોય તો છે રક્ષણ જરૂરી તારું

જો હોય એ કસોટી-પથરાને આવવા દે

 .

અંધારું એવું, કાંઈ ભાળી નથી શકાતું

પકડી શકું, દિશા હું, પડઘાને આવવા દે

 .

આવે તું સામે ત્યારે ભાષા દગો જો આપે

કિંતુ-પરંતુ-જોકે-અથવાને આવવા દે

 .

અવરોધ સૌ વટાવી સૂરજને ઝીલવો છે

વચ્ચેથી દૂર થા તું, તડકાને આવવા દે

 .

( શોભિત દેસાઈ )

અમે – નીતિન વડગામા

.

અમે સંતના ચેલા.

લોક ભલે ને અવગણતા ને ગણતા ગાંડાઘેલા !

.

શાતા આપે એ જ અમારું એક અસલ સરનામું,

રુદિયાને ના રુચે એ સઘળુંયે સાવ નકામું.

કોઈ કહે બડભાગી અમને, કોઈ કહે વંઠેલા !

અમે સંતના ચેલા.

 .

એ જ અમારી અંદર મ્હોરે વડલો થઈ ઘેઘૂર,

કેમ કરીને થાવું ખુદના પડછાયાથી દૂર ?

આંખ મળે ત્યાં આપોઆપ જ થઈ જાતાં અલબેલા !

અમે સંતના ચેલા.

 .

( નીતિન વડગામા )

અસ્તિત્વને ખોયા વિના – દિનેશ ડોંગરે ‘નાદાન’

.

અસ્તિત્વને ખોયા વિના અત્તર થવાય ના,

ચાલીને કાંખઘોડીથી પગભર થવાય ના.

.

એ મારો પિંડ છે કે હું ઉત્તર બની શકું,

તું પ્રશ્ન છે, ને પ્રશ્નથી ઉત્તર થવાય ના.

 .

પીવું અને પચાવવું એની કમાલ છે,

પીવાથી માત્ર ઝેર કંઈ શંકર થવાય ના.

 .

ઓળખ અલગ અલગ છે અહીં પ્રત્યેક જીવની,

કોઈથી પણ કોઈની બરાબર થવાય ના.

 .

આંગણ હો આપણું અને ઉત્સવ હો આપણો,

‘નાદાન’ પારકાને ત્યાં અવસર થવાય ના.

 .

( દિનેશ ડોંગરે ‘નાદાન’ )

બેઠો છું – બેજાન બહાદરપુરી

.

ન આદિ અંત જેની વાત એ માંડીને બેઠો છું,

સમયના ફીંડલાને ખૂંટીએ ટાંગીને બેઠો છું.

 .

ન ઝંઝાવાતનો છે ડર, ડરાવે શું હવે આંધી,

દીવાની વાટને બે હાથથી ઢાંકીને બેઠો છું.

.

દિશાઓને ગજવવાના થવાના ચૂર સપનાઓ,

વહી વંચા ! હું મારા ભાગ્યને વાંચીને બેઠો છું.

 .

હવે નહિ ઘૂઘવે મોજાં, હવે સંભળાય નહિ ગર્જન,

ઈલમથી સાત સાગરની નજર બાંધીને બેઠો છું.

 .

ઘૃણાઓના પડ્યા હેવા અને બંધાણ જખમોનું,

જનોઈ વાઢ કાતિલ ઘાવ હું સાંખીને બેઠો છું.

 .

રજતનો પાસ લાગ્યો કેશને ‘બેજાન’ ઉતાવળ કર,

પ્રતીક્ષા આંખમાં શબરીની જો આંજીને બેઠો છું.

 .

( બેજાન બહાદરપુરી )