મારું ઘર…-ગાયત્રી ભટ્ટ

રોજ મેળો ભરાય મારે મેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…
વળી ઉપરથી કોઈ રાગ રેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…

ક્યાંક છમછમ સૂણુંતો ક્યાંક વેણુ
હવે મીઠું લાગે છે મને મે’ણું
કોઈ ગમતીલું રમતીલું છેડે
રે સૈ ! મારું ઝાંઝર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…

કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું
મને એવું ગણતાં ન જરી ફાવ્યું
અહીં ટીપું છલકાય આપ મેળે
રે સૈ ! મારું અંતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…

મારા મેડા પર આભ ઝૂકી જાતું
મને ચાંદરણું લાગે રાતું રાતું
હાય ! રાજગરો રાતે છંછેડે
રે સૈ ! મારું ભીતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…

( ગાયત્રી ભટ્ટ )

કમાડ ઉઘાડ-મંગેશ પાડગાંવકર

કમાડ ઉઘાડ
કમાડ ઉઘાડ
ચકીરાણી કમાડ ઉઘાડ !

આમ ઘર બંધ કરીને
દુનિયા પર રિસાઈને
કેટલી વાર આંખો મીંચીને અંદર બેસી રહીશ
પોતાનું મન પોતે જ ખાતી રહીશ

પવન અંદર આવવો જોઈએ
મોકળો શ્વાસ લેવાવો જોઈએ
કમાડ ઉઘાડ કમાડ ઉઘાડ
ચકીરાણી કમાડ ઉઘાડ !

જેમ ફૂલો હોય છે
તેમ કાંટા પણ હોય છે.
જેમ સીધો મારગ હોય છે તેમ ફાંટા પણ હોય છે
ગાવાવાળી મેના હોય છે
ધવલશુભ્ર બગલા હોય છે
ક્યારેક ક્યારેક કર્કશ કાળા
કાગડા જ ફક્ત બધે હોય છે

કાગડાના દાવપેચ પાકા હશે
તેનાથી તારા માળાને ધક્કા વાગશે
તો પણ જગતમાં ફરવું પડે છે.
પોતાનું મન સાચવવું પડે છે

કમાડ ઉઘાડ
કમાડ ઉઘાડ
ચકીરાણી કમાડ ઉઘાડ !

( મંગેશ પાડગાંવકર, અનુ. શ્રીલેખા રમેશ મહેતા )

મૂળ મરાઠી કવિતા

ચાર લઘુકાવ્યો-રાધિકા પટેલ

૧.
ચાર દીવાલોએ
ઊભો કરેલો
આભ જેટલો ઊંચો અવકાશ-
હું અને મારી વચમાં.
એક જરા બારી ખૂલી,
અને ઊતરી આવ્યું
આખું’ય આભ-
કેટકેટલાં સંવાદ લઈને…!

૨.
મારી આસપાસ ઠેર-ઠેર પડેલા
નિરાશા,
નિષ્ફળતા,
અવગણનાના ઢગલાઓમાંથી
કેટલીક ઉપયોગી સામગ્રી એકઠી કરી
કૂકર ચડાવી દીધું છે-
ગેસ પર.
હવે, હું રાહ જોયા કરું છું-
સીટી વાગવાની…!

૩.
મારી આંખોમાં
ભરાઈ આવેલાં ખાબોચિયાંને-
આવીને
ઘટ-ઘટ…પી ગયું;
“તારું સ્મરણ”…!

૪.
આનાથી ઊંચે
હવે, ઊડવું’ય કેટલે ?
આવી તો ગઈ છું-
તારી આંખો સુધી…!

( રાધિકા પટેલ )

અંધારું-પ્રવીણ દરજી

અંધારું
ચોર પગલે
ઊતર્યું
પહાડ પર
ઝાડ પર
વાડ પર
અને
ગબડ્યું ખનિકામાં
પ્રસર્યું
મેદાને
નદી-નાળે
ગામ-ઘર
અને
ફળિયે
પછી
અટક્યું
સમુદ્રમાં
એકાકાર થઈ
સમુદ્રરૂપે.
અંધારું
બસ,
અંધારું જ છે !
અંધારું
એટલે
અંધારું…
એટલે…

( પ્રવીણ દરજી )

સળગવા એક ક્ષણ માગી…-જગદીશ ગુર્જર

અપેક્ષા એક ક્ષણ માગી રે મિતવા,
નિકટતા એક ક્ષણ માગી રે મિતવા.

જગત રંગીન તારા આગમનથી,
નીરખવા એક ક્ષણ માગી રે મિતવા.

ઋતુ ભીનાશની ઘરમાં જ આવી,
પલળવા એક ક્ષણ માગી રે મિતવા.

તું પડખે હોય તો એ પણ કબૂલું,
ભટકવા એક ક્ષણ માગી રે મિતવા.

નીરવતામાં હલે છે તારાં કંકણ,
રણકવા એક ક્ષણ માગી રે મિતવા.

તેં શણગારી છે રાતો જાગરણથી,
સળગવા એક ક્ષણ માગી રે મિતવા.

છે તારા સ્પર્શનો દરિયો તરંગિત…
ઊછળવા એક ક્ષણ માગી રે મિતવા.

( જગદીશ ગુર્જર )

ક્ષણનો ઉદ્દગાર-જગદીશ ગુર્જર

હું આદિ-અનાદિનો વ્યાપાર છું,
પરમ ચેતનાનો, હું આકાર છું.

તમે જોઈ લ્યો, અન્યથી પર નથી,
નિરાકાર છું, શુદ્ધ સાકાર છું.

આ વ્યક્તિત્વનું હું સ્વયમ કેન્દ્ર છું,
ચિદાકાશનો સહજ સત્કાર છું.

આ વળગણ છે શેનાં…ને જંજાળ શી,
અહમથી અલગ એક ચિત્કાર છું.

આ કોલાહલોમાં તને શોધતો,
હું અસ્તિત્વનો એક ચમત્કાર છું.

મેં દરિયો અલખનો ઉલેચી લીધો,
અતિ ધન્ય ક્ષણનો હું ઉદ્દગાર છું.

( જગદીશ ગુર્જર )

એ તું જ છે-નીતિન વડગામા

હાથમાં કાગળ ધરે એ તું જ છે,
અક્ષરો થઈ અવતરે એ તું જ છે.

સાવ ભૂંસે છે ભુલાવી દઈ બધું,
એ પછીથી સાંભરે એ તું જ છે.

સાતમા પાતાળનું તળ તાગવા,
છેક ઊંડે ઊતરે એ તું જ છે.

સાવ સૂના હાડમાં આઠે પ્રહર,
શ્વાસરૂપે સંચરે એ તું જ છે.

ડૂબતાંને તારવા મઝધારમાં,
એક તરણું થઈ તરે એ તું જ છે.

લોક ઊભા છે ઉગામી પથ્થરો,
માત્ર ફૂલો પાથરે એ તું જ છે.

બાથ આખા વિશ્વને ભરવા સતત,
વ્હાલ થઈને વિસ્તરે એ તું જ છે.

( નીતિન વડગામા )

સાંજ-પ્રીતમ લખલાણી

૧.
બાવળને છાંયડે
ખરે બપોરે
બેઠો હોય છે તડકો રાહમાં
સાંજ ક્યારે
આવશે ?

૨.
સાંજનો
નમણો નાજુક
ચહેરો જોતાં જ
પંખી તો શું
સૂરજને પણ
યાદ આવે છે ઘર !

૩.
પંખીને
પરીઓની વારતા કરવી
સાંજ
વૃક્ષ ડાળેથી
ક્યાં ખોવાઈ ગઈ ?

4.
સીમ ચરીને
પાછી ફરતી સાંજ
છલકાય છે
બોઘરણે !

૫.
દિવસભર
ચોવટ-ચુગલીમાં
ડૂબેલો ગામનો
ચોરો
સાંજના આગમને
કેવો થઈ ગયો
ઈશ્વરમાં લીન !

૬.
શંખ ફૂંકવા
પડાપડી કરતી,
કપ્પ્રની મઘમઘતી
સુગંધમાં
ઝૂમતી,
ઝાલરમાં રણકતી,
ઠાકોરજીને
હાથજોડ કરતી
સાંજ
ઝાંઝર રણકાવતી
પવનનો હાથ પકડી
ક્યાં ગઈ ?

( પ્રીતમ લખલાણી )

બપોર-પ્રીતમ લખલાણી

૧.
હોલા સાથે
પીલુડીને છાંયડે,
બપોર
આવનારી સાંજનું
સંગીત રચે.


ભેંસની પીઠે ચઢી
બપોર ગામના
તળાવમાં
ધૂબકા મારે

૩.
ધણને સીમમાં
ચરાવતાં
પસીને લદબદ થયેલ
બપોર,
વડલાની વડવાઈએ
હીંચકા ખાય !

૪.
ટાઢા પહોરની રાહમાં
બપોર
માથે ફાળિયું ઓઢી,
ફળિયે કેવી
ઘસઘસાટ ઊંઘતી પડી હોય છે !

( પ્રીતમ લખલાણી )

અજવાળું-પ્રીતમ લખલાણી

૧.
પાટીપેન,
લખોટી અને ગરિયા વચ્ચે
શૈશવ બેઠું છે
લઈ સ્મરણનું અજવાળું.

૨.
દીવાના અજવાળે
તુલસી ક્યારાને
મહેંકતો જોઈ
રોજ સવારે આંગણું ઝળહળી
ઊઠે !

૩.
ગોખે-ચપટીક અજવાળે
દેવ બેઠા છે ખુશ !

૪.
ઝળહળતા મોંઘેરા દીપ
પ્રગટાવ્યા બાદ પણ
રાજમહેલ ક્યાં પામી શકે છે
ઝૂંપડીએ ટમટમતા દીવાના
અજવાળાની ખુશી !

( પ્રીતમ લખલાણી )