વ્યથા સમો-સાહિલ

સરેઆમ સત્ય મરી ગયું-હું રહી ગયો છું પ્રથા સમો,
અને બાણશય્યા પર શ્વસુ છું અજર-અમરશી વ્યથા સમો.

હું બળેલા ખેતરે ઊભો છું હજી ચાડિયાના લિબાસમાં,
ભલે હોઉં ઠામડું ખાલીખમ છતાં હું સફરમાં ભથા સમો.

નથી અંશ મારા વિચારનો મળ્યો કોઈનાયે વિચારથી,
હું ઉતારી મુખવટા ઊભો છું-આ નગરના ચોકે તથા સમો.

સહુની હથેળીમાં એકલપણાના જ શ્રાપ લખાયા છે,
અહીં શૂન્યતામાં સરી રહેલો હરેક જણ છે જથા સમો.

મને ખુદને પણ હજી ઓળખી શક્યો અંશભારેય ક્યાં કદી,
મળ્યા લાખ લાખ જનમ છતાં-છે હરેક અધૂરી કથા સમો.

છે ચરણ ઘૂંટીડૂબ ધૂળમાં-અને દ્રષ્ટિ આભની પાર છે,
હું પરાસ્ત હોઉં તો શું થયું-હું નથી નમેલા મથા સમો.

ગઈ કાલ ‘સાહિલ’જે હતો-છું એ જ સાહિલ આજ પણ,
આ સમય રહ્યો છે વિખેરતો-છતાંયે રહ્યો છું યથા સમો.

( સાહિલ )

એમાં શું ?-ઉષા ઉપાધ્યાય

એક ‘દિ પેલાં ઝાડને જોઈ
એમ થયું કે લાવને હું યે
ઘેનઘેઘુરી ઝાડવું બની જઉં…

મનમાં મારાં એમ કે એમાં શું ?
મૂળ નાખીને ડાળ ફેલાવી,
પાંદડે-પાંદડું ફરકાવીને
એ..યને હળવે સૂર રેલાવી,
તડકો ઝીલતું નીલ-સોનેરી પંખી બની જઉં,
આભ આવીને રાતવાસો રહે એવડી છાયા દઉં.
પણ જરા જ્યાં મૂળ નાખ્યાં ત્યાં
સહેજ હવા નહીં, કંકર-પથ્થર,
ધરતી અરે આટલી કઠણ !
ટગલી ડાળે સિંચવાનું જળ આટલું અદ્ધર ઝટ દેતાં લઉં પગ ખેંચી, થૈ કામ
આ મારું, જાય ઊડી એ પહેલાં અસલ અંચળો ઓઢી લઉં.

( ઉષા ઉપાધ્યાય )

જે સરનામું છે-અદી મિર્ઝા

એના હાથોમાં જે સરનામું છે,
એ ઠેકાણું તો મારા ઘરનું છે !

એક સુરાલય છે આપણું મિત્રો,
બાકી આખું જગત તો એનું છે !

તારે શું કહેવું છે હું જાણું છું,
તને મારે પણ એ જ કહેવું છે !

એનું મળવું ન મળવા જેવું હતું,
એનું જોવુંય જોવા જેવું છે !

પહેલા આ વાતનો ખુલાસો કર,
તારે દિલ દેવું છે કે લેવું છે ?

એ ખુદા છે તો એના ઘરનો હશે,
એને ક્યાં મારા ઘરમાં રહેવું છે !

તું સહજ મનની આંખ ખોલ ને જો,
તારી સામે જ કોઈ બેઠું છે !

આ ગઝલ તો તમારી છે, ‘ઓ અદી’
એમાં જે દર્દ છે એ કોનું છે ?

( અદી મિર્ઝા )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

નથી કશો પણ ભય, માધવને પ્રેમ ફરી કરવાથી !
ડરી જાય શું ઉદ્ધવ,મત્સ્યો પાણીમાં તરવાથી ?!

અમે પ્રેમને પંથ પડ્યા,તો હતા જાણતા અંત;
ઊભાં છીએ દ્રઢ, પ્રભુ પામવા જેમ ઊભે છે સંત !
આપોઆપ જ લાભ અમોને થયો, શ્યામ જો ગયા;
વિરહ-ઉત્સવો ઊજવવાની કલા જાણતા થયા !

મોર લગીરે નથી પામ્તો દુ:ખ, પીંછું ખરવાથી !
જે જે ગોકુળ નથી વસ્યાં, એ અમને ભાસે શૂન્ય !
માધવનાં પદરવ સાંભળતાં, બારી-બારણાં ખૂલે;
મઘમઘતુંઘર આખ્ખું, એમાં કોઈ અ-ગોચર ઝૂલે !

થાય છલોછલ ઘડો, શ્યામનું મોહક સ્મિત ભરવાથી !
નથી કશો પણ ભય, માધવને પ્રેમ ફરી કરવાથી !
ડરી જાય શું ઉદ્ધવ,મત્સ્યો પાણીમાં તરવાથી ?!

( વીરુ પુરોહિત )

ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

જાવ સખી, ઝટ જઈ પૂજાની શણગારી લ્યો થાળી;
પછી, પલક માર્યા વીણ જોતાં રહી જાશું વનમાળી !
રાસ રમ્યાં તે વસ્ત્રાભૂષણ કહાનાને બહુ છાજે;
વૃંદા, તું માધવને મનગમતું પેલું ગીત ગાજે !

ગુલાલ છાંટી, મારગ પર પ્રગટાવી દ્યો દીપમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

પણે જઈ માખણ-મિસરીના શત શત કુંડ ભરાવો;
તમે બેઉં, રાધાને આલંબન આપી લઈ આવો !
નંદ-જશોદાને કહેજો કે જાય નહીં એ ક્યાંયે;
લઈ આવશું કહાનો; જોતાં-રમતાં બહું ધરાયે !

આજ ફરીથી શુષ્ક અમારા ઓષ્ઠ થશે પરવાળાં !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા !
શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?!

( વીરુ પુરોહિત )

બાકી છે-હર્ષદ ચંદારાણા

વળોટ્યા છે સમંદર પાંચ, બે આસાન બાકી છે
રમત છે, બાવડામાં જોર દે… જુવાન બાકી છે

વદન પર ઝુલ્ફની લટ જેમ શોભે છે, તું ઝરણાંથી
તું પર વારી ગયો ઓ ટેકરી ! બસ…જાન બાકી છે

તળે ડૂબાડતા ધસમસ પ્રવાહો, છટકવા ના દે
ઉગારે કોણ ? એવો આવવો બળવાન બાકી છે

વિચારોનો સમંદર ખૂબ ઊંડો, હર-વખત મોતી
તું લૂંટ્યે રાખ, તળને ખોટ ના, ધનવાન બાકી છે

તટે તું દૂર ઊભેલી, મને લાગી દીવાદાંડી
તરત ત્યાં વ્હાણ ફંટાવ્યું, થવી પીછાન બાકી છે

તટે મસ્તીથી રેતીમાં સૂતેલું વ્હાણ શું જાણે ?
વમળ છે રાહ જોતાં, મધ્યમાં તોફાન બાકી છે

( હર્ષદ ચંદારાણા )

પ્રેમ માટે ભય-કાબેરી રાય

તમે કહો,
તમને ફૂલ બહુ ગમે
પણ જ્યારે ફૂલ ખીલે છે
તમે ફૂલ તોડી નાખો છો.

તમે કહો,
તમને વરસાદ બહુ ગમે-
દિવસને અંતે જ્યારે વરસાદ પડે
તમે એનાથી જાત બચાવો છો.

તમે કહો,
દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે
પણ જ્યારે મોટી ડમરી ચઢે
બારી એકદમ બંધ રાખો છો.

હું ભય પામી જાઉં છું ત્યારે
જ્યારે તમે કહો છો,
તમે મને ચાહો છો.

( કાબેરી રાય )

ઘટના-રશીદ મીર

હવાની પીઠ પર ખુશ્બુ સવાર થઈ ગઈ છે
ન જાણે રાત પણ ક્યારે પસાર થઈ ગઈ છે

તમામ રાત તિખારા સમી હતી ઘટના
અને એ વહેલી સવારે તુષાર થઈ ગઈ છે

અમેય દર્દની મર્યાદા જાળવી છે, મગર
પડી ના ચીસ તો એની પુકાર થઈ ગઈ છે

બધાય ઝખ્મ અમે એમ દૂઝતા રાખ્યા
ખબર પડી જ નહીં સારવાર થઈ ગઈ છે

મળે તો ‘મીર’ મળે ક્યાંથી કાફલાના સગડ
ચરણની છાપ હવામાં ગુબાર થઈ ગઈ છે

( રશીદ મીર )

ખબર જ છે-ભાવેશ ભટ્ટ

મળવાની છે ચોમેરથી નફરત ખબર જ છે
શ્વાસોય મળે છે મને ઉદ્ધત, ખબર જ છે

અફસોસ નથી, થાય જો અપમાન અહિંયા
મારી હતી ત્યાં કેટલી ઈજ્જત ખબર જ છે !

એ રોજ કહે છે કે ‘હું સિદ્ધાંત ન તોડું’
ને રોજ કરાવે છે મરમ્મત, ખબર જ છે !

નાદાન હશે એનાથી અંજાઈ જવાના
આપણને તો અજવાશની આદત ખબર જ છે !

કોઈએ જગત નામે કરેલી છે મજાક આ
આ તો ફક્ત બે ઘડી ગમ્મત, ખબર જ છે !

( ભાવેશ ભટ્ટ )

સમજીને-આબિદ ભટ્ટ

સ્મિત વેર્યું ટહેલ સમજીને,
છે તમારી પહેલ સમજીને!

શ્વાસથી રોજ ભીંતને લીંપું,
ઝૂંપડીને મહેલ સમજીને !

ક્ષોભ, સંકોચ વિણ હૃદય ખોલ્યું,
આપ જણ છો ઠરેલ સમજીને !

વિસ્તર્યો હું ને હાથ ફેલાવ્યો,
શ્વાસ શાશ્વત ટકેલ સમજીને !

પ્રશ્ન જંજાળ, મોહ મુક્તિનો,
હોય તો દે ઉકેલ સમજીને !

શબ્દને એટલે મળ્યો ટેકો,
ભીતરેથી ઉઠેલ સમજીને !

( આબિદ ભટ્ટ )