યાદ આવે છે – સુરેશ દલાલ

કોઈકની મને યાદ આવે છે,

જળનો ઝીણો સાદ આવે છે.

 .

દરિયા-કાંઠે ફરતો રહું

મોજાં ઊછળે, શમે.

સાંજને સમે તારા વિના

કઈ રીતે મને ગમે ?

હવા નહીં, વિષાદ આવે છે.

જળનો ઝીણો સાદ આવે છે.

 .

હલેસાં વિના એકલી હોડી

કોણે મારા જળમાં છોડી ?

રાતની ઘૂઘવે શાંતિ, મને

કોણ ગયું તરછોડી ?

ખારો ખારો સ્વાદ આવે છે.

જળનો ઝીણો સાદ આવે છે.

 .

( સુરેશ દલાલ )

છું કે નહિ ? – લાભશંકર ઠાકર

અંધકારમાં

દીપ પેટાવું છું છતાં

મને કેમ દેખાતો નથી ?

કોણ ?

હું.

તું નથી ?

મારે એ જ જાણવું છે કે-

હું

છું કે નહિ ?

આ કોણે આપ્યો જવાબ ?

મેં.

તેં ?

હા, તારા નિત્ય નકારે.

તો મારો હકાર ક્યાં છે ?

તે નથી.

એટલે ?

તું નથી.

તો આ ભીતરની ભીતરમાં

છું-છું-છું-છું એવો…

એવો…અવાજ કરે છે કોણ ?

ઈચ્છના પિચ્છ ફફડાવતું

કલ્પાયન તારું.

 .

( લાભશંકર ઠાકર )

વિખેરાતા ટહુકાઓની વચ્ચેથી… – પ્રફુલ્લ પંડ્યા

હું તો પંખી બનીને રોજ ટહુક્યાં કરું છું;

ભલે ઓછાં થઈ જાય મારા ટહુકા !

ટહુકાને કોઈ મારા સાંભળી જો લે તો,

મને લાગે છે વાગ્યા મારા ડંકા !

 .

એક પંખી બનીને ગીત ગાવાની વાત;

મારી પાસેથી છીનવાતી જાય છે !

કૈં કેટલાંયે ઝાડ ઉપર બાંધેલા માળાની,

વારતાઓ પીંખાતી જાય છે !

ધીરે ધીરે એકલતાનો કાગળ મળે છે :

કહે મારામાં આવ અને ટંકા !

 .

કૈંકવાર સપનાંની વચ્ચે હોવું ને પછી

સપનાંઓ છોડીને ચાલવું…

કૈંક ઝળહળતા દિવસોનો લાંબો પ્રવાસ ;

એને ભૂંસીને મનને મઠારવુ !

 .

હું તો જાતને ભૂંસીને રોજ ગ્હેક્યાં કરું છું;

મારી અંદર સળગે છે કૈંક લંકા !

 .

( પ્રફુલ્લ પંડ્યા )

આ હોવાનું તે શું છે ? – પ્રબોધ પરીખ

આ હોવાનું તે શું છે ?

જોવા જેવું.

ઘર વિના પણ ચારેબાજુ

રહેવા જેવું.

 .

આ જોવાનું તે શું છે ?

કહેવા જેવું.

ભીતરના બે ચાર સમયમાં

વહેવા જેવું.

 .

આ કહેવાનું તે શું છે ?

સાંભળવા જેવું.

છેક સુધીના રૂપરંગને

ઝીલવા જેવું.

 ,

આ સાંભળવું તે શું છે ?

હોવા જેવું.

એકમેકને સથવારે

જીરવવા જેવું.

 .

આ હોવાનું તે શું છે ?

હોવા જેવું.

 .

( પ્રબોધ પરીખ )

તંબૂર મારો તાર-તૂટલો – ચંદ્રકાંત શેઠ

તંબૂર મારો તાર-તૂટલો  એ લઈને ક્યાં ફરું ?

અંદર ઊઠી રણઝણ એને સુણાવવા શું કરું ?

.

કોણ ઓટલો, કોણ રોટલો

મને આપવા આવે ?

કોણ પાઈ જલ શીળાં મીઠાં

મારી તરસ બુઝાવે ?

ખાલી ખોબે કેમ કરી હું સૌના ખોળા ભરું ?

.

ભીતર જેવાં ફૂલ ફૂટતાં

તુરત બધાં કરમાતાં;

મૂળિયાં મારાં ઊંડે ઊંડે

ખારા જળે ખવાતાં ?

ઠૂંઠો વડા હું, કેમ છાયડાં સૌના માથે ધરું ?

.

ધાન વિનાની ઘંટી ઘૂમે,

એમ જ હું પણ ઘૂમું;

ઉજ્જડ ચહેરે કેમ કરીને

લીલુંછમ હું ચૂમું ?

તરડાયેલું તળિયું લઈને કયા તળાવે તરું ?

.

( ચંદ્રકાંત શેઠ )

વાંસળી હો કે વાંસ સળી – ગાયત્રી ભટ્ટ

.

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો

કોઈને વાગી ફાંસ કોઈને કેફ નાદનો ચડ્યો…

.

વાંસળી મતલબ વડલા પાછળ વાગ્યા કરતી ધૂન

વગર વગાડ્યે વાગ્યા કરતું ગીત કહે : લે, સુન…

બોલ વગરની બંદિશ ગાતાં મનને મારગ જડ્યો

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

.

ખબર પડી ના કેમ કરીને પ્હોંચી ગઈ હું વગડે

કેમ કરી સમજાવું મનને લોચનથી ના ઝગડે

સૂરની માયા એવી વગડો વૃંદાવન થઈ ફળ્યો…!

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

 .

ફૂંક ફરે ને ફરે ટેરવાં હોઠમાં જાદુ છાયો

આરપાર અવકાશો ભેદી સૂર ઘણો છલકાયો

મઘમઘતો કોઈ મેઘધનુષી ભાવ ભીતરે ભળ્યો…!

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

કોઈને વાગી ઠેસ કોઈને કેફ નાદનો ચઢ્યો…

 .

( ગાયત્રી ભટ્ટ )

કાં પૂરો વિસ્તાર કરવો – રિષભ મહેતા

કાં પૂરો વિસ્તાર કરવો; કાં સમેટાઈ જવું

કાં રહો અકબંધ કાં કણકણમાં વેરાઈ જવું

 .

સૌ હયાતીના પુરાવા માગશે તારી કને

ક્યાંક તારે પણ પ્રભુ; ક્યારેક દેખાઈ જવું !

 ,

હે ગઝલ ! તું સ્હેજ  પણ દુર્બોધ ના બનતી કદી

આપણે જાતે તરત શ્રોતાને સમજાઈ જવું.

 ,

એ જ તો મારા ચહેરાની ખૂબી છે દોસ્તો

સ્હેજમાં કોઈ અભણ-જણનેય વંચાઈ જવું !

 ,

આ સમય પણ સ્તબ્ધ છે; એનેય સમજાતું નથી

દોસ્ત ! એકાએક તારું આમ બદલાઈ જવું !

 ,

ફૂલ હું ને તું મહેક મારી હતી; ઊડી ગઈ-

એમ પણ ક્યારે તને ગમતું’તું બંધાઈ જવું !

 ,

શક્યછે કે ખૂબ હું તેથી વગોવાઈ ગયો

જે ઉચિત માન્યું હતું બધ્ધામાં વહેંચાઈ જવું…!

 ,

( રિષભ મહેતા )

વર્ષો થયાં – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

બે કદમ છેટું હતું પણ ત્યાં જતાં વર્ષો થયાં,

મનથી, શ્રદ્ધાથી ખરેખર ઝૂકતાં વર્ષો થયાં.

 .

મ્હેં મને મળવા કે ભળવા કે પલળવા ના દીધો,

કોચલું તોડી લીલુંછમ ઊગતાં વર્ષો થયાં.

 .

બાપદાદાના સમયની એક જે મૂર્તિ હતી,

ધૂળ એની પાંપણોથી લૂછતાં વર્ષો થયાં.

 .

માણસો સીધા-સરળ મળતા હતા પણ તે છતાં,

આંખ મીંચીને ભરોસો મૂકતાં વર્ષો થયાં.

 .

બંધ રહેવાની મથામણમાં દુ:ખી-દંભી થયા,

ખૂલવું સ્હેલું હતું પણ ખૂલતાં વર્ષો થયાં.

 .

રાખવા જેવું હતું જે યાદ ન આવે કશું,

ને દુ:ખદ સઘળા પ્રસંગો ભૂલતાં વર્ષો થયાં.

 .

એક ઝટકે જાય છૂટી એ જ છે મિસ્કીન ખરું,

છોડવું કોને હતું ? તે છૂટતાં વર્ષો થયાં.

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

આબરૂ લઈ લીધી – અનિલ ચાવડા

.

તાળીઓની ગુંજની કે દાદની આબરૂ લઈ લીધી,

સ્ટેજ પર મૌન રહી, સંવાદની આબરૂ લઈ લીધી.

 .

પથ્થરો તો ઠીક છે લોઢુંય કૂંપળ થાય એ પળમાં,

તેં નહીં ભીંજાઈને વરસાદની આબરૂ લઈ લીધી.

 .

સ્તંભને અડવામાં જો દાઝી ગયો તો દોષ એ કોનો ?

કશ્યપે કે ઈશ્વરે પ્રહલાદની આબરૂ લઈ લીધી ?

 .

આયખું આખુંય જલસાથી મધુર રીતે મેં જીવીને,

જિંદગીના સાવ કડવા સ્વાદની આબરૂ લઈ લીધી.

 .

આ તમારું મૌન મારા મૌનમાં અક્ષરશ: ઓગાળી,

શબ્દના સૌ છીછરા અનુવાદની આબરૂ લઈ લીધી.

 .

( અનિલ ચાવડા )

કેન્વાસ – હેમેન શાહ

કેન્વાસ પર એક ઊભી રેખા દોરી હતી.

બાકી અવકાશ

સામે ઊભેલી વ્યક્તિ કહે,

આ તો ગાંધીજી !

આ ગાંધીજીની લાકડી

અને ગાંધીજી પડદા પાછળ.

પણ લાકડી તો બીજા પણ રાખે કદાચ.

તો એ રેખાને ચશ્માંની દાંડી તરીકે

પણ તો જોઈ શકાય.

 .

બીજો માણસ કહે,

આમાં તો પૃથ્વીનો આખો ઈતિહાસ આવી જાય.

પણ સીધી રેખા પૃથ્વી કેવી રીતે બને ?

કેમ ? રેખાને વાળો અને બે છેડા ભેગા કરો

તો પૃથ્વી ના બને ?

પછી તો પૈડું પણ આ જ

અને શૂન્ય પણ આ જ.

ઓહો ! આમાં તો

evolutionની નિર્થકતાનો પણ ભાવ છે.

 .

ત્રીજો કહે,

આ સીધી રેખામાં તો આખું કલા-જગત છે,

કલમ પણ આ જ, પીંછી પણ ને ટાંકણું પણ.

રેખાને તમે વચ્ચે વચ્ચેથી જાડી કરો

તો નૃત્ય કરવા તત્પર સ્ત્રી પણ બને.

અને ખૂબી જુઓ કે

આ એ કલમ છે જેમાંથી શબ્દ ટપક્યો નથી.

એ પીંછી જેમાંની ચિત્ર થયું નથી.

ટાંકણું પથ્થરની રાહ જુએ છે.

અને નૃત્ય પણ થવાનું બાકી છે.

 .

ચોથો કહે,

આ રેખાથી એક સીમા બંધાઈ જાય છે.

રેખા હટાવીને માત્ર કેન્વાસને જુઓ.

કેટલા અનંત વિકલ્પો છે.

 .

( હેમેન શાહ )