અધૂરું બુદ્ધત્વ – માલા કાપડિયા

દરેક પુરુષમાં છૂપાયેલો હોય છે

એક સિદ્ધાર્થ…

સંસારની જટિલતાથી

બહાર નીકળીને

ફક્ત પોતા માટે જીવવા ઈચ્છતો

સિદ્ધાર્થ !

કેટલું સહેલું છે

અર્ધરાત્રિના અંધકારની આડમાં

પોતાની કાયરતાને

મહાભિનિષ્ક્રમણ માની લેવું !

જાણે છે,

મેં પણ જોયો છે

તારી આંખોમાં

કેટલીય વાર એ સિદ્ધાર્થને !

કદાચ આથી જ

સૂઈ નથી શકતી

નિશ્ચિંત થઈ

તારા સુદ્રઢ ખભા પર

જ્યારેય પળ બે પળ

ટેકવું છું માથું

તો એ જ ક્ષણે

ભીતરથી ઊઠે છે ચીસ

નહીં યશોધરા,

અસત્ય છે આ આશ્વાસન !

તારે સજગ સચિંત રહેવાનું છે

હર પળ, હર દિન

ક્યારેય આશ્વસ્ત નથી થવાનું

આ આલિંગનની સુરક્ષા

ભ્રમ સિવાય કશું નથી

અને પછી

ખુદ કરી લઉં છું

સમજૂતી

નિયતિના ષડયંત્ર સાથે.

મારા સિદ્ધાર્થ

શું તું જાણે છે

મારી ભિક્ષા વિના

અધૂરું છે તારું બુદ્ધત્વ ?

 .

( માલા કાપડિયા )

શોધ…!! – એષા દાદાવાળા વ્યાસ

હું કવિતાની શોધમાં હતી

એટલે મેં કાગળ પર આડા ઊભા લીટા ચીતર્યા

જીંદગી જેવા..

પણ જીંદગી એટલે કવિતા નહિ

આવું તો ક્યારનું સમજાઈ ગયેલું

એટલે કાગળ પર ચીતરાયેલી જીંદગીને ડૂચો વાળી બારી બહાર ફેંકી દીધી

ફરી પાછું કોરું કાગળ લઈ કવિતા ચીતરવા બેઠી

કવિતા વિશે હું સ્પષ્ટ હતી, જીંદગીની જેમ જ..

એક પછી એક ઘણા વિષ્યો આવ્યા મનમાં

પણ કવિતા સર્જાઈ નહિ

અચાનક આંખ સામે તારો ચહેરો તરવરી ઊઠ્યો

આંખો ભીની થઈ ગઈ

તું આંખોમાંથી કાગળ પર આવી ગયો

અને મને કવિતા જડી ગઈ

પણ ત્યારથી આંખો થી ગઈ સાવ ખાલીખમ..શુષ્ક

કવિતા તો જડી ગઈ

પણ કવિતા અને જીંદગી બેઉ જુદા જુદા

અને એટલે જ હવે હું જીંદગીની શોધમાં છું…!!

 .

( એષા દાદાવાળા વ્યાસ )

આવ તું – સંદીપ ભાટિયા

રૂનાં પૂમડાંનું દીધું આયખું

અત્તર થઈને કે પાણી થઈને કે

તણખો થઈને તને આવવું હોય એમ આવ તું

.

મારે તાંતણે તાંતણે તેં સીંચી તરસ

હવે ચૈતરનો તડકો થઈને ના વરસ

.

સદીઓથી મૌન મારી ઝંખનામાં ભળ,

મને ભેટ, આમ આઘે આઘેથી ન બોલાવ તું

.

મને પીંજ, મને કાંત મને તારતર કર

મારા જીંડવાપણાનો સ્વામી સ્વીકાર કર

.

ચકલીની જેમ મને ચાંચમાં તું લે, તારા

માળામાં ગોઠવ, ન વાયરાની સંગે વહાવ તું

>

( સંદીપ ભાટિયા )

 

માંજવાનું હોય છે – તુરાબ ‘હમદમ’

જે થવાનું હોય છે એ તો થવાનું હોય છે

સંકેતમાં સમજી જવાનું હોય છે.

 .

આપણી દ્રષ્ટિની ખામી હોય છે

નામ કેવળ ઝાંઝવાનું હોય છે.

 .

અંજળ-પાણી આપણાં ખૂટી ગયાં

મોત તો કેવળ બહાનું હોય છે.

 .

સાફસૂથરું લાગશે જીવન પછી

મનને થોડું માંજવાનું હોય છે.

 .

ભેદ ઉપરથી નથી મળતો કદિ

તળિયે જઈને તાગવાનું હોય છે.

 .

દોડો, સફળતા હાથવેંતમાં હશે

જે તરફ આ રૂખ હવાનું હોય છે.

 .

‘હમદમ’ કવિતા જો કદિ રૂઠે જરા

રાત આખી જાગવાનું હોય છે.

 .

( તુરાબ ‘હમદમ’ )

બે-ત્રણ ડગલાં – ધ્રુવ ભટ્ટ

.

કારણ વિના હાથ તમારો ધરી હાથમાં ભીની ભીની રેતી ઉપર બે-ત્રણ ડગલાં ચાલ્યા તે દિ

સરકાવી લઇ હથેળીઓની રેખા કાંઠે વેરી દઇને તમે અમારા આવ્યા દરિયા ખાળ્યા તે દિ

.

થઇ શકતી’તી વાત કે જેમાં સૂરજને અવઢવ જાગે કે ડૂબી જાઉં કે ઊભો રહી જઉં

પળ થોભીને જોઉં જરા કે આ બે જણમાં ક્યાંક જરી અવકાશ મળે કે હેય ઠરીને સૂતો થઈ જઉં ત્યાં

જન્મેલા સઘળા શબ્દો તમે અમારા અવકાશોમાં ફંગોળી દઇ વગર બોલતાં ચાલ્યા તે દિ

 સરકાવી લઇ હથેળીઓની રેખા કાંઠે વેરી દઇને તમે અમારા આવ્યા દરિયા ખાળ્યા તે દિ

 .

કોઈ ગ્રંથને ખબર નથી કે સામે સૂરજ અને આભની નીચે સમદર રેત આપણે બેય એટલે શું

ને એમાં તું આંખ વચાળે જરાતરા વંચાય સુધીમાં ભૂંસી નાખતી પાંપણ ઢાળી બેસ એટલે શું

બોલ હવે શીખવાડ કે એવા કેમ ચિતરવા કેમ પાડવા દરિયાના તળ જેવા આપણ પાડ્યા તે દિ

સરકાવી લઇ હથેળીઓની રેખા કાંઠે વેરી દઇને તમે અમારા આવ્યા દરિયા ખાળ્યા તે દિ

 .

( ધ્રુવ ભટ્ટ )

બેઠો છું – ચિનુ મોદી

જળની વચ્ચે હરીફરીને બેઠો છું,

કાગળ છું ને હવા તરીને બેઠો છું.

 .

સપનાંઓ સરનામાં શોધી આવી પહોંચ્યાં,

મીંચી બન્ને આંખ, ડરીને બેઠો છું.

 .

સાત અશ્વ ! રણઝણતો રથ લઈ આવી પહોંચો,

હવે ખોળિયું ખાલી કરીને બેઠો છું.

 .

ધક્કો મારી ધુમ્મસને ખેસવશું ક્યાંથી ?

હું હાથ ઉપર બસ હાથ ધરીને બેઠો છું.

 ,

ખાલીખમ ‘ઈર્શાદ’ હતું મન મારું, તે-

તારાઓની સભા ભરીને બેઠો છું.

 ,

( ચિનુ મોદી )

જવું છે – ભગવતીકુમાર શર્મા

આ પાર જવું છે કે હજી પાર જવું છે,

નક્કી જ કરી લઈએ કે મઝધાર જવું છે.

 .

છે વીજકડાકા અને ઘનઘોર ઘટાઓ,

કિન્તુ જો જવું છે તો ધૂંવાધાર જવું છે.

 .

કુર્નિશ ન બજાવી કદી સજદોય ન કીધો,

ચાદરને લઈ સાથ કો દરબાર જવું છે.

 .

આકાશના સૂરજ તને નવ ગજના નમસ્કાર,

અંધારથી આવ્યો છું ને અંધાર જવું છે.

 .

રૂંધાય છે શ્વાસો અને ભીંસાય છે છાતી,

દરવાજો ઉઘાડો ને જરા બહાર જવું છે.

 .

બીજું તો કશું મારી ન મુઠ્ઠીમાં સમાશે,

સ્વપ્નાંઓના ટુકડા લઈ બે ચાર જવું છે.

 .

વહાલાને જો મળવું છે તો લઘરા નથી રહેવું,

નખશિખ લઈ ઝળહળ થતાં શણગાર જવું છે.

 .

( ભગવતીકુમાર શર્મા )

આજ – મુકેશ જોષી

બોલ બોલ ના કર

તારા અજવાળાને બોલવા દે યાર, આમ શબ્દોને છોલ છોલ ના કર

 

વાણીને મોકલી દે તીરથની જાતરાએ

સાધવાને સાચો સંવાદ

જાતરાથી વળતામાં નક્કી લઈ આવશે

મૌન સમો મીઠો પરસાદ

શબ્દોના બીન ભલે વાગે ચોપાસ છતાં નાગ જેમ ડોલ ડોલ ના કર

બોલ બોલ ના કર

 

 

અનહદના અર્થો મેં ઓળખવા માટે

તું છોડી દે સરહદના માપ

ભીતરી ખજાનાના દર્શન કરાવવાને

આંખોને અવસર તો આપ

અંતર તો અત્તરની બાટલી છે ભાઈ, તું આખો દિ ખોલ ખોલ ના કર

બોલ બોલ ના કર

 

( મુકેશ જોષી )