સાંજ પડ્યે
થાક્યો પાક્યો ઘેર આવું છું.
ડેલી ખોલીને જોઉં છું.
આજે તો કોઈનો પત્ર હશે જ
પણ…
લથડતા પગે બારણું ખોલવા જાઉં છું
ત્યાં જ ફળિયામાંના પીપળાનું
એક નકશીદાર પાંદડું ખરીને પડે છે.
સાવ મારા પગની પાસે જ !
( યજ્ઞેશ દવે )
સાંજ પડ્યે
થાક્યો પાક્યો ઘેર આવું છું.
ડેલી ખોલીને જોઉં છું.
આજે તો કોઈનો પત્ર હશે જ
પણ…
લથડતા પગે બારણું ખોલવા જાઉં છું
ત્યાં જ ફળિયામાંના પીપળાનું
એક નકશીદાર પાંદડું ખરીને પડે છે.
સાવ મારા પગની પાસે જ !
( યજ્ઞેશ દવે )
પાશ્ચાત્ય સંસ્ક્રુતિના અનુકરણથી આપણાં ઉત્સવોના લિસ્ટમાં થોડા વધુ ઉત્સવો ઉમેરાયા છે. ભલે એ વિદેશી સંસ્ક્રુતિનું અનુકરણ છે……છતાં મૂલ્યવાન છે. ઓગષ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે “ફેન્ડશીપ ડે”. દોસ્તોને મન દિવાળી સમાન ઉત્સવ. ખરેખર લાગણીઓની લગામને છુટ્ટો દોર આપવા આવો દિવસ મળે તો ધન્ય થઈ જવાય. અલબત્ત મોંઘી પ્રેઝન્ટ કે કાર્ડસની આપ-લેના બદલે લાગણીની-સ્નેહની-વિશ્વાસની આપ-લે થાય તે ઘણું જરૂરી છે.
પોતાની જાતને ખૂબ જ કૂનેહબાજ સમજતાં આપણે મિત્રની પણ સ્વાર્થના-ગરજના ત્રાજવે તોલતાં રહીએ છીએ. લીધું-દીધુંની ગણતરી વચ્ચે સતત મિત્રને પણ માપતા રહીએ છીએ. પણ દોસ્તો, કેટલાક સંબંધોને “માપવાના” નહીં “પામવાના” હોય છે.
મિત્રતા કરવી સહેલી છે, મિત્રતા તોડવી એનાથી પણ સહેલી છે, પણ મિત્રતા નિભાવવી ખૂબ જ કઠિન છે. મિત્રતા નિભાવવામાં ક્યારેક ઘણું ગમતું-અણગમતું છોડવું પડતું હોય છે. અનેક તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધૈર્ય ધારણ કરવું આવશ્યક છે. તમારો શ્રધ્ધારૂપી સઢ જો મજબૂત હશે અને તમારી પાસે સ્નેહરૂપી હલેસું હશે તો ગમેતેવી વિપત્તિને તમે પાર કરી જ જશો. તમારા મજબૂત મનોબળ સમક્ષ શંકા,સ્વાર્થ, નફરત …..કંઈ જ ટકી નહીં શકે. અને એક સમજણભરી-સ્વસ્થ મિત્રતાને નિભાવવામાં-ટકાવવામાં-કાયમ કરવામાં તમે સફળ નિવડશો.
મૈત્રી એ પવિત્ર મંદિર છે. તેમાં પવિત્ર વિચારો મૂકો અને તેમાંથી પવિત્ર વિચારો મેળવો. આજના દિવસે વધુ કંઈ જ ન થઈ શકે તો…શાંત, એકાંત ઓરડામાં બેસી મિત્ર સાથેના સંસ્મરણોની સહેલગાહ માણો. આ પણ એક પ્રકારનું ધ્યાન જ છે.
તમામ મિત્રોને “ફેન્ડશીપ ડે” નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ…
હિના પારેખ “મનમૌજી”
( “પારિજાત” – ઓગષ્ટ ૧૯૯૯ના અંકમાં પ્રકાશિત )
Copyright©HeenaParekh
તું વ્રુક્ષનો છાંયો છે, નદીનું જળ છે
ઊઘડતા આકાશનો ઉજાસ છે;
તું મૈત્રી છે.
તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે સહવાસ છે:
તું મૈત્રી છે.
તું એકની એક વાત છે, દિવસને રાત છે
કાયમી સંગાથ છે:
તું મૈત્રી છે.
હું થાકું છું ત્યારે તારી પાસે આવું છું
હું છલકાઉં છું ત્યારે તને ગાઉં છું
હું તને ચાહું છું:
તું મૈત્રી છે.
તું બુધ્ધનું સ્મિત છે, તું મીરાંનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નીત છે
તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.
તું સ્થળમાં છે: પળમાં છે:
તું સકળમાં છે અને તું અકળ છે
તું મૈત્રી છે.
( સુરેશ દલાલ )
Happy Friendship Day
દરિયાના પાણીની છાલક લાગેને પછી દરિયો ભરાય મારી આંખમાં,
દરિયા જેવો હું પછી દરિયો થઈ જાઉં અને મોજાંઓ ઉછળે છે હાથમાં.
લીલ્લેરાં સપનાંઓ છીપલાં બનીને
મારી આંખોની જાળ મહીં આવે,
ઊછળતાં મોજાંનાં ફીણ મારી કાયાને
હળવેરા હાથે પસવારે,
ભાળે નહીં કોઈ એમ હલ્લેસાં સઘળાંયે ભીડી દઉં છું મારી બાથમાં.
ઘૂઘવતા સાગરના પાણીનો સંગ
અને ઘૂઘવતા સાગરની માયા,
કાંઠાની સોનેરી રેતીનો રંગ
અને સોનેરી રેતીની કાયા,
મારામાં ઊછળતો દરિયો વેરાય પછી ઊંબર-ફળીને આખા ગામમાં.
( અરૂણ દેશાણી )
મારો સમય તમારી પ્રતીક્ષા બની ગયો
હું તો હજી ઊભો જ છું રસ્તો વહી ગયો
એથી તો મારા લોહીમાં લીલી વ્યથા વહે
ગુલમ્હોરને હું આંસુની સાથે જ પી ગયો
તારા સ્મરણની એક ક્ષણ ટહુકી ઊઠી અને-
ઘરની સફેદ ભીંત પર થાપો પડી ગયો
મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ
એક ખાલી નાવ સોંપીને, પાછો ફરી ગયો
અગ્નિપરીક્ષામાંથી તો થઈ ગઈ પસાર પણ
આ મારી લાગણીને ધુમાડો નડી ગયો.
( હર્ષદ ત્રિવેદી )
तारों की झिलमिल से
कोई बिछुडा दिल यदि मिलता है तो मिल लेने दो.
तुम ने था जो दीप जलाया
साँझ हुई तो वह घबराया
तम-किरणों की घुल-मिल में
नव-दीपक कोई जलता है तो जल लेने दो.
तुम ने था जो फूल खिलाया
वह तो पतझर में मुरझाया
मन सावन की रिमझिम से
यदि नया सुमन कोई खिलता है, खिल लेने दो.
नभ से जो सरिता है आयी
उस से प्यास नहीं बुझ पायी
आँसू की निर्मल कल-कल से
कोई गंगा ढलती है तो ढल लेने दो.
अब तक जो हैं गीत सुनाये
वे मेरे थे या कि पराये
उन गीतों की सरगम से
यदि कोई पीडा हँसती है तो हँस लेने दो.
( मुनि रूपचन्द्र )
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે
મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયા છે.
આગ અને ભીનાશ છૂટા પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.
સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય
હું મરજીવો નથી
હું કવિ છું
જે છે તે છે કેવળ મારી આંખોમાં.
( સિતાંશુ યશચંદ્ર )
અમે મળીએ છીએ ત્યારે
માત્ર વરસાદની મોસમ હોય છે
અને અમે મન મૂકીને પલળીએ છીએ
ગ્રહો બહુ જ નબળા થઈ જશે ત્યારે
કે બિલાડી આડી ઊતરશે ત્યારે
કે ડાબી આંખ ફરકશે ત્યારે
વીજળી અમારા પર ત્રાટકશે જ
પણ એથી પલળવાનું થોડું જ ગુમાવાય છે !
( ઉત્પલ ભાયાણી )
તરવાના થાકનો
માછલીને
વિચાર જ ક્યાંથી હોય?
પંખીને તે વળી
ઊડવાનો કંટાળો?
મને તો એ જ ડર છે
કે પૂછ્યા વગર,
વિચાર્યા વગર,
શ્વાસ લેવાનો ભાર લાગતો હશે
એમ માનીને
કોઈ
મને અટકાવી દે તો?
( પ્રીતિ સેનગુપ્તા )
મારી આંખોમાંથી
બહાર ધસી આવતાં આંસુઓ
ત્યાં જ અટકો.
પાછા આંખોની બખોલમાં લપાઈ જાઓ.
તમે ક્યાં અષાઢનાં મેઘબિન્દુ છો?
અહીં કોઈ ચાતક તમને આવકારશે નહીં
તમે ક્યાં સ્વાતિ નક્ષત્રનું જળબિન્દુ છો?
અહીં કોઈ છીપલાં મોતી બનાવશે નહીં
તમે ક્યાં હળધરની આંખનો વિસામો છો?
કોઈ રોપાઓને તમારી જરૂર નથી.
એટલે જ કહું છું:
મારી આંખનાં આંસુઓ
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.
( કપિલા મહેતા )