જીવાતો જાઉં છું-આહમદ મકરાણી

ક્યાંક કોઠે હું ગઝલ થૈ ને ગવાતો જાઉં છું,
શ્વાસ થૈ ને પાન સાથે હું ચવાતો જાઉં છું.

સાવ સામી છાતીએ હું ઘા ઝીલું તલવારના,
ક્યાંક નાના શબ્દથી ભારે ઘવાતો જાઉં છું.

હું સખત થૈ તાપ રણ શી જિંદગી જીવી ગયો,
ક્યાંક લીલી ડાળ થૈ માળે છવાતો જાઉં છું.

ક્યાંક છલકી જાઉં છું નાળાં અને નદીઓ સમુ,
ક્યાંક પ્યાસા હોઠ પર જળ થૈ પીવાતો જાઉં છું.

ગોઠવતો હોઉં છું મોંઘાં પ્રદર્શનમાં કદી
થૈ બટનમાં-હાથથી કપડે સીવાતો જાઉં છું.

હરપળે આ મોત ઊભીને હસે છે કારમું,
જિંદગીના હાથથી તોયે જીવાતો જાઉં છું.

( આહમદ મકરાણી )

દીવાઓ ઝળહળતા રહ્યા-હનીફ સાહિલ

શબ્દ સાંભળતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા
ઘેનમાં સરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

રંગબેરંગી પતંગિયા ઘેરી લઈ દીવાની શગ
નૃત્ય કંઈ કરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

કેટલા ચહેરા પ્રકાશિત જ્યોત ઊપસી ગયા
મિત્રો સાંભરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

કેટલી જગ્યા હતી બાકી કથાના ચિત્રમાં
એમાં રંગ ભરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

કેટલા પડછાયા કાળા શ્વેત દીવાલે ફરે
સ્વજનો ડરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

ઓરડો આખો ઝળાહળ થઈ ગયો સાહિલ અને
શ્વાસ આ સરતા રહ્યા, દીવાઓ ઝળહળતા રહ્યા

( હનીફ સાહિલ )

પરાજિત ડાભી

IMG-20160501-WA0009

31 ઑગસ્ટ 1954ના રોજ ભાવનગરમાં જન્મેલા પરાજિત ડાભીનું મૂળ નામ પ્રેમજીભાઇ કરમશીભાઇ ડાભી છે. તેઓ તમન્ના આઝમી નામના ઉપનામથી પણ સર્જન કરે છે. તેઓ વૅસ્ટર્ન રેલ્વેના નિવૃત્ત કર્મચારી છે. તેમની પાસેથી ‘પગરવ તમારો ઓળખું છું’ (2014) નામે ગઝલસંગ્રહ અને ‘ફરી હું મળું ના મળું’ (2015) નામે કાવ્યસંગ્રહ ગુજરાતી સાહિત્યને મળેલ છે. તેમણે ગીત સ્વરૂપમાં પણ પ્રદાન કરેલ છે. તેમના ગઝલકાર તરીકેના ઘડતરમાં ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’ અને ‘બુધસભા ભાવનગર’નો ફાળો મહત્વનો છે. તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી બી.એ ની ડિગ્રી મેળવેલ છે. ધોરણ-7 માં તેમની કવિતા (બાળકાવ્ય) સૌ પ્રથમ વાર ‘ફૂલવાડી’માં પ્રકાશિત થયેલી. ત્યારબાદ તેમના કાવ્યો વિવિધ ગુજરાતી સામાયિકોમાં, જેવા કે શબ્દસૃષ્ટિ, કવિલોક, કુમાર, ગઝલવિશ્વ, પરબ, બુદ્ધિપ્રકાશ, કવિતા, છાલક, શબ્દસર, નવનીત સમર્પણ અને ધબકમાં છપાતા આવ્યા છે.

મોબાઈલ નંબર – 9824511876
ઈમેલ એડ્રેસ – parajeet.dabhi@gmail.com

સ્વભાવ છે-ગુલામ અબ્બાસ ‘નાસાદ’

દિલ પર ભલેને બોજ ને મુખ પર તનાવ છે,
લોકોને મળતાં રહેવું એ મારો સ્વભાવ છે.

મારી નજરમાં મારા પ્રણયનું મહત્વ પણ,
લોકોની દ્રષ્ટિમાં એ ફક્ત એક બનાવ છે.

કારણ વગરનું હસીયે તો પાગલ ગણાઈએ,
હસતા રહો તબીબોનો એવો સુઝાવ છે.

પહેલાં કદી ભર્યું ભર્યું મારુંય ઘર હતું,
આજે સમય છે કેવો, ન કંઈ આવજાવ છે.

મારી જ સાથે થાય છે ઘટનાઓ અવનવી,
દરિયો દીસે છે શાંત ને મુશ્કિલમાં નાવ છે.

મા’ની દુઆઓ શું છે પરિચય ન માગ તું,
આ તો વિશેષ લાગણીનો રખરખાવ છે.

શ્વાસોની આ સફરમાં રહે પ્યાસી આત્મા,
રસ્તામાં ના તો કૂવા છે ના કોઈ વાવ છે.

મંઝિલ ગણીને સ્થાપી ગણતરીઓ ના મૂકો,
‘નાસાદ’ જિંદગી અહીં કેવળ પડાવ છે.

( ગુલામ અબ્બાસ ‘નાસાદ’ )

તરંગો હોય ના-રશીદ મીર

તરંગો હોય ના નહિતર સપાટી પર,
વ્યથા છે ડૂબનારાઓની પાણી પર.

બળીને પણ ન છોડ્યો સિંદરીએ વળ,
હતું સર્વસ્વ એનું એજ આંટી પર.

તમારી આંગળી મેળામાં જ્યાં છૂટી,
રહ્યો વિશ્વાસ ના જાહોજલાલી પર.

ગમે તે રીતે ક્ષણ અવઢવની આ વીતે,
અમે છોડી દીધો ઉત્તર સવાલી પર.

ઉકેલી ના શક્યા એક નામ જીવનભર,
લખ્યું’તું સૌપ્રથમ જે પેમ-પાટી પર.

કિનારે પહોંચીને પણ ના મળી મંઝિલ,
હતો તરવાનો બીજો દરિયો છાતી પર.

ગઝલ ખ્વાનીએ પતને ‘મીર’ રાખી છે,
છે એનો દબદબો ગુજરાતી વાણી પર.

( રશીદ મીર )

મળીશ હું-સાહિલ

છું પ્રતીક જડનું તો શું થયું – નિરંતર ગતિમાં મળીશ હું
ભલે હોઉં દાખલો પૂર્ણનો – છતાં હર ક્ષતિમાં મળીશ હું

ન મળે જગતના કોઈ ખૂણે નખ જેટલાયે સગડ છતાં
મને શ્રદ્ધા એટલી છે સદા તમારી સ્મૃતિમાં મળીશ હું

બધાયે નિયમ મહીં હોય છે અપવાદ એક-બે એ રીતે
છું નગણ્યમાંયે નગણ્ય પણ તમને અતિમાં મળીશ હું

હવે હુંય ખુદ કોઈ માર્ગ ભૂલ્યો પ્રવાસી માની રહ્યો મને
છતાં રાહબર થવા ઈચ્છતી બધીયે મતિમાં મળીશ હું

આ જગત ભલે મને મોભી માનતું ક્ષણજીવીની જમાતનો
તને કાળ સામે ટકી રહેલી કલાકૃતિમાં મળીશ હું

વીખરાવું મારું થયું છે ‘સાહિલ’ લાભદાયક કેટલું
હતો કાલ એકલો સાવ પણ હવે બહુમતીમાં મળીશ હું

( સાહિલ )

એ જે અફવા હતી-રશીદ મીર

એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.

દૂર ઊડતો ગુબાર જોઉં છું,
કાફલો છે કે ના દિશા છે હવે.

તું હતી તો ખુદા હતો મારો,
ના ઈબાદત, ના આસ્થા છે હવે.

એક મારા જ પ્રાણ રૂંધાયા,
નહિ તો ચારે તરફ હવા છે હવે.

રંગ ગેરુઓ હોય કે લીલો,
જે પતાકા હતી, ધજા છે હવે.

સાતસો છ્યાસીથી શરૂ થઈને,
આ ગઝલ પોતે શ્રીસવા છે હવે.

‘મીર’ ઘરના ખૂણામાં બેઠો છું,
મારે આઠે પ્રહર મજા છે હવે.

( રશીદ મીર )

લિબાસમાં-સાહિલ

નથી જોયો જેને કોઈએ હજી આદમીના લિબાસમાં
પૂરી શક્યતા છે એ શખ્શ જોવા મળે નબીના લિબાસમાં

હુંય જાણું છું છે ભરમ નર્યા-છતાં ક્યાં ટૂટ્યો છે ભરમ હજી
મને રણની રેત મળ્યા કરે છે સદા નદીના લિબાસમાં

મને માફ કર ખુદા શું કરું સ્વીકારી તમારી રહેમતો
મને સ્વર્ગ સાતેય સાંપડ્યાં-ગમતી ગલીના લિબાસમાં

કરે બાહ્ય-રૂપની જગ સ્તુતિ અને જગનો અંશ છું એટલે
હુંયે ગટગટાવી ગયો ગરલ જો મળ્યું અમીના લિબાસમાં

નથી ડૂબવાના ડરે ગયા કદી સ્વપ્નમાં દરિયા તરફ
અહીં એ જ લોકને જોઉં છું દરિયા-દિલીના લિબાસમાં

બધા યત્ન સાજા થવાના બસ હવે સ્વપ્ન થઈને રહી જશે
મળ્યા જગમાં ચારે-તરફ જખમ મને લાગણીના લિબાસમાં

ભલે જન્મી ફારસીના ઘરે-અને ખોળે ઉર્દૂના ઊછરી
મેં ગઝલને ‘સાહિલ’ પૂજી છે, ગિરા ગુર્જરીના લિબાસમાં

( સાહિલ )

વિચ્છેદ-જગદીપ ઉપાધ્યાય

સાવ આમ ?
ભવભવની વાત પૂરી પળમાં તમામ ?!

આપણે આપણને, બીજાને, ફૂલોને કરતા’તા વહાલ
આપણો વ્યવહાર હતો સઘળો તહેવાર અને ઊડતો’તો મનમાં ગુલાલ,
ચાલ્યાં બસ ચાલ્યાં બસ ચાલ્યાં પણ ? પહોંચવું જ નહોતું તો ચાલ્યાં શું કામ ?!

થનગનતી પાંખ હતી, સહિયારી આંખ હતી, હૈયામાં હામ હતી; ઓછું પડ્યું શું આકાશ ?
હમણાં તો પગ વચ્ચે ઊછળીને ફીણ ફીણ લહેરાતાં નીર હતાં દરિયાનાં, એટલામાં ક્યાં ગઈ ભીનાશ,
ડાયરી ખોવાઈ જાય, પાનાંઓ ફાટી જાય, સ્યાહી પણ ઊડી જાય, કહો મને ! કોતરેલા હૈયે ભૂંસાઈ જાય નામ ?!

( જગદીપ ઉપાધ્યાય )

કેવળ-પન્ના નાયક

Panna-Naik

ના, ના, ના
મારે નથી થવું મીરાં
મારે નથી થવું રાધા
નથી થવું વિશાખા કે ચંદ્રલેખા
કે
લોપા કે ગોપા
કે
કોઈ પણ રોપા.
મારે તો રહેવું છે
કેવળ પન્ના.
કેવળ
આ હવાની જેમ.
મારા નામની આસપાસ કશું જ નહીં-
નહીં પિયર
નહીં સાસરવાસ
ન કોઈ સહવાસ.
આસપાસ કેવળ
અવકાશ અવકાશ.
હું
નહીં પન્ના મોદી
કે
નહીં પન્ના નાયક.
મેં સ્મૃતિને
ઉતરડી નાંખી છે કાયમને માટે.
એ વૃંદાવન હોય તો ભલે હોય
એની લીલીછમ્મ સ્મૃતિમાં મહાલવું નથી.
એ રણની રેતી હોય તો ભલે હોય,
મારે એની રેતીમાં આળોટવું નથી.
એ સમુદ્ર પરનો ચંદ્ર હોય
કે
ધીખતા રણનો સૂર્ય હોય-
મારે તો બધા જ દીવાઓ
ઓલવી નાખવા છે.
ભૂતકાળ નહીં એટલે નહીં
અને અહીં
ભવિષ્યની પણ કોને તમા છે ?
ક્યાં કોઈ ગમા
કે
અણગમા છે ?
આવતી કાલની નથી કોઈ ચિંતા
નથી કોઈ સલામતી.
આવતી કાલને આવવું હોય તો આવે
અને ન આવવું હોય તો
થોભી જઈને થીજી જાય
પણ
હું તો
સતત જીવ્યા કરીશ
આ ક્ષણમાં.
બે કાંઠા વચ્ચે
નદી થઈને વહેવું નથી.
નદીનો પ્રવાહ ખરો
પણ મને કુંઠિત કરે એવો
કોઈ કાંઠો નહીં.
હું કેવળ પન્ના, પન્ના અને પન્ના.
એમાં કોઈની હા નહીં
કે કોઈની ના નહીં.
હા-ના-ની સરહદોને ઓળંગીને
અનહદમાં વિચરતી વિહરતી
કોઈ પણ પ્રકારની
તમન્ના વિનાની
હું
માત્ર
પન્ના…

( પન્ના નાયક )