બપોર-પ્રીતમ લખલાણી

૧.
હોલા સાથે
પીલુડીને છાંયડે,
બપોર
આવનારી સાંજનું
સંગીત રચે.


ભેંસની પીઠે ચઢી
બપોર ગામના
તળાવમાં
ધૂબકા મારે

૩.
ધણને સીમમાં
ચરાવતાં
પસીને લદબદ થયેલ
બપોર,
વડલાની વડવાઈએ
હીંચકા ખાય !

૪.
ટાઢા પહોરની રાહમાં
બપોર
માથે ફાળિયું ઓઢી,
ફળિયે કેવી
ઘસઘસાટ ઊંઘતી પડી હોય છે !

( પ્રીતમ લખલાણી )

અજવાળું-પ્રીતમ લખલાણી

૧.
પાટીપેન,
લખોટી અને ગરિયા વચ્ચે
શૈશવ બેઠું છે
લઈ સ્મરણનું અજવાળું.

૨.
દીવાના અજવાળે
તુલસી ક્યારાને
મહેંકતો જોઈ
રોજ સવારે આંગણું ઝળહળી
ઊઠે !

૩.
ગોખે-ચપટીક અજવાળે
દેવ બેઠા છે ખુશ !

૪.
ઝળહળતા મોંઘેરા દીપ
પ્રગટાવ્યા બાદ પણ
રાજમહેલ ક્યાં પામી શકે છે
ઝૂંપડીએ ટમટમતા દીવાના
અજવાળાની ખુશી !

( પ્રીતમ લખલાણી )

હરદ્વાર ગોસ્વામી

Hardwar Goswami

ગઝલકાર હરદ્વાર ગોસ્વામીનો જન્મ નરસિંહ મહેતાની ભૂમી તળાજામાં 18 જુલાઈ 1976 ના રોજ થયો હતો. (પિતા: મનરૂપગીરી ગોસ્વામી, માતા: ચારુલતાબેન ગોસ્વામી). તેમણે પ્રાથમિક શિક્ષણ તળાજા પ્રાથમિક શાળામાંથી 1992માં પૂર્ણ કર્યું. ધોરણ 10 અને 12નો અભ્યાસ એમ. જે દોશી હાઈસ્કૂલ, તળાજામાંથી 1995માં પૂર્ણ કર્યો. 1998માં તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી B.A ની ડિગ્રી જ્યારે 2000માં ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટીમાંથી M.A ની ડિગ્રી મેળવી. ત્યારબાદ 2002માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતેથી M. Phil ની ડિગ્રી મેળવી. (સંશોધન ગ્રંથ: ત્રણ ગઝલકારો-એક અધ્યયન). 2000ની સાલથી તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના વિઝિટીંગ લૅક્ચરર તરીકે જોડાયા. એ પછી એમ.પી આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજ (અમદાવાદ) અને એસ. એલ. યુ કૉલેજ (અમદાવાદ)માં લેક્ચરર તરીકે સેવાઓ આપી. 2013થી તેઓ ફુલ-ટાઈમ કવિ, સંચાલક, ગીતકાર અને નાટ્યકાર તરીકે વ્યસ્ત છે. તેમણે કાવ્યસર્જનનો પ્રારંભ તેમના શાળાજીવન દરમિયાન કર્યો હતો. ધોરણ-11માં તેમની કવિતા ગુજરાતી કવિતાના રુતુપત્ર ‘કવિલોક’માં પ્રકાશિત થયેલી. ત્યારબાદ તેમની કવિતાઓ અન્ય ગુજરાતી સામાયિકોમાં સ્થાન પામી. 2007માં તેમની ગઝલો ‘વીસ પંચા’ નામના સંપાદનમાં (અન્ય ચાર યુવા કવિઓ અનિલ ચાવડા, અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ અને ચંદ્રેશ મકવાણા સાથે) સ્થાન પામી. 2005માં તેમનો ગઝલસંગ્રહ ‘હવાને કિનારે’ પ્રકાશિત થયો. ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્ધારા દર વર્ષે એક યુવા સાહિત્યકારને અપાતો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ 2009ના વર્ષ માટે તેમને પ્રાપ્ત થયેલ છે. તેમણે નાટકો ‘ડો. અયન કાચવાલા’ ને 1995ંનુ જ્યારે ‘નાટકનું નાટક’ ને 1996ંનુ બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. ડૉ. ધીરુ પરીખ હરદ્વાર ગોસ્વામીની કવિતા વિશે કવિલોક મે-જૂન (2015) માં નોંધે છે: “હરદ્વારના સર્જનની અતિ મહત્વની વાત એ છે કે અતિ હ્રદયસ્પર્શી સંવેદન તેઓ ખુબ જ ઓછા શબ્દોમાં અસરકારક રીતે મુકી આપે છે. આમ કરવા જતાં તેઓ કવિતાતત્વને હાનિ ન પહોંચે તેની ખાસ કાળજી રાખે છે”.

E-mail : hardwargoswami@gmail.com

સ્ત્રી-પ્રીતમ લખલાણી

૧.
પ્રિયતમામાંથી
પત્ની થવા
સ્ત્રી
આખું આયખું
લાગણીના કિચનમાં
અને
સંબંધોના
લિવિંગરૂમમાં
ખર્ચી નાખે છે !

૨.
બિચારી
સ્ત્રીએ
જીવનના
પ્રત્યેક તબક્કે
ઘરના ઉંબરનો
ખ્યાલ કરવો પડે છે !

૩.
ફળફૂલથી
લચી પડેલી ડાળથી,
પાંખ ફૂટતાં જ
માળેથી ઊડી ગયેલાં પંખીની,
પાનખરમાં રાહ જોતાં વૃક્ષની
પીડાને
જો આપણે સમજી શકીએ તો,
સ્ત્રીની જીવનવ્યથાને
સમજી શકીએ !

( પ્રીતમ લખલાણી )

મારે ટેરવે-આબિદ ભટ્ટ

સ્પર્શનો અભ્યાસ મારે ટેરવે,
શબ્દનો વિન્યાસ મારે ટેરવે.

સો અષાઢો સામટા વરસી જજે,
સાત રણની પ્યાસ મારે ટેરવે !

મેંશ આંજી સૂર્ય આંખે એટલે,
છે જરા કાળાશ મારે ટેરવે.

ચિત્ત ચગડોળે ચડે તો પૂછતે,
છે સકળનો ક્યાસ મારે ટેરવે !

ઝંખના તારી જ છે આઠે પ્રહર,
શ્વાસનો વિશ્વાસ મારે ટેરવે !

ભીતરે છે આગ એની જ્યોતનો,
ખૂબ છે અજવાસ મારે ટેરવે !

( આબિદ ભટ્ટ )

વાવ-પ્રીતમ લખલાણી

DSC00509
૧.
પાંખ ફફડાવતાં
પારેવડાં કાજે વાવ છે,
માળા જેવી !

૨.
પવનસ્પર્શે,
સંકોચાતા જળે,
હલબલી ઊઠે
રાત્રે
વાવની ગોદમાં પોઢેલાં
તારાઓ !

૩.
લઈ થોડોક
તડકો
વાવ,
પનિહારીને બદલામાં
આપે છે બેડું એક
જળ !

૪.
કાળાં ડિબાંગ
ખેતરને લીલુંછમ જોવા
ઊલેચાઈ ગઈ વાવ
હવે, ખુશીમાં છલકાય !

૫.
એક દિવસ મેં દરિયાને પૂછ્યું :
‘ભલા,તારું સ્વપ્ન શું છે ?’
‘જો પનિહારી કોઈ દિવસ પાણી
ભરવા
મારે કાંઠે આવી ચઢે
તો હું વાવ થઈ જાઉં !’

( પ્રીતમ લખલાણી )

એષા દાદાવાળા

Esha Dadawala

સુરતના વતની એવા કવયિત્રી એષા દાદાવાળાનો જન્મ 2 જાન્યુઆરી 1985 ના રોજ સુરતમાં થયો હતો. (પિતા: મયંક દાદાવાળા, માતા: હેતલ દાદાવાળા) તેમણે શાળાનું શિક્ષણ જીવનભારતી સ્કુલ, સુરત ખાતેથી 2002માં પૂર્ણ કર્યું. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાંથી 2005માં B.A ની ડિગ્રી મેળવી. તેમણે પોતાની પહેલી કવિતા ‘ડેથ સર્ટિફિકેટ’ ધોરણ ૧૧ (2001) માં લખેલી અને તે સુરેશ દલાલે ‘કવિતા’ (2012)માં પ્રકાશિત કરી હતી. હાલ તેઓ દિવ્યભાસ્કર ન્યુઝપેપરમાં 2012થી Dy. News Editor (સીટી ભાસ્કર) તરીકે કાર્યરત છે. આ પહેલા તેમણે ન્યુઝ રિડર, રિપોર્ટર, જર્નાલિસ્ટ અને સબ-ઍડિટર તરીકે ગુજરાત મિત્ર, MY TV, Dhabakar, સંદેશ ન્યુઝપેપર, MY FM અને ગુજરાત ગાર્ડિયનમાં સેવાઓ આપી છે. ‘વરતારો’ (2008) અને ‘જન્મારો’ (2014) તેમના કાવ્યસંગ્રહો છે જ્યારે ‘ક્યા ગઇ એ છોકરી’ (2011) ડાયરી સ્વરૂપની તેમની નવલકથા છે. સ્ત્રીજીવનના વિવિધ તબક્કાઓ, સ્ત્રીહ્રદયના વિવિધ સંવેદનો અને પીડાઓનુ આલેખન તેમના કાવ્યોનો વિશેષ છે.

તેમના લેખો ‘મૈત્રીનો સૂર્ય’, ‘મારી બા ની ઈચ્છા’, ‘ઘર એટલે ઘર’ અને ‘મારું બાળપણ’ સુરેશ દલાલના સંપાદનોમાં સ્થાન પામેલ છે. તેમની ટૂંકીવાર્તાઓ ‘ચિત્રલેખા’ અને અન્ય ગુજરાતી સામાયિકોમાં પ્રગટ થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા અપાતો યુવા ગૌરવ પુરસ્કાર (2013) મેળવનાર તે પ્રથમ મહિલા છે. આ સિવાય પણ તેમને વિવિધ ઍવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

* કવિ ગની દહિવાલા પુરસ્કાર -2000
* ગુજરાત સમાચાર અને સમન્વય દ્વારા અપાતો ‘કવિ રાવજી પટેલ ઍવોર્ડ’
* કાવ્યસંગ્રહ ‘જન્મારો’ ને ગુજરાત સાહિત્ય અકાદમીનુ શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પારિતોષીક
* Best Poet Award – 2004 (Coffee Mates, Mumbai દ્વારા)
* Best Poet Award – 2005 (કલાગુર્જરી સંસ્થા મુંબઇ દ્વારા)

E-mail Id: edadawala@gmail.com

થઈ જાએ-મરીઝ

કોઈ એ રીતે મહોબ્બતનો વિજય થઈ જાએ,
જ્યારે ચાહું તને મળવાનો સમય થઈ જાએ.

લાગણી, દર્દ, મહોબ્બત ને અધૂરી આશા,
એક જગા પર જો જમા થાય હૃદય થઈ જાએ.

આંખથી આંખ મળી ગઈ છે સભર મહેફિલમાં,
સ્મિત જો એમાં ભળી જાય, પ્રણય થઈ જાએ.

મળે આંખોથી આંખો, ને બધો સંવાદ થઈ જાએ,
‘મરીઝ’ એક જ સિતમ છે, એ પ્રસંગ અપવાદ થઈ જાએ.

હૃદયની વાત કહેવાનો મને મોકો નહીં દેજો,
મને ભય છે કશું કહેવા જતાં ફરિયાદ થઈ જાએ.

જીવન શું છે ફક્ત ચૈતન્ય છે બે ચાર દિવસનું,
મરણ શું છે કે આદમી તસવીર થઈ જાએ.

( મરીઝ )

મોરપીંછું-પ્રીતમ લખલાણી

૧.
માર્ગમાં
ક્યાંય જો તમને
મોરપીંછું નજરે ચઢી જાય
તો ?
સમજજો
હવે ગોકુળ નથી બહુ દૂર !

૨.
લ્યો, તમારે
રાધાને પત્ર લખવો છે,
તો કરો સરનામું
C/o. મોરપીંછું !

૩.
જો મોરપીંછને બદલે
માથે સોનાનો
મુગટ હોત તો ?
શું માધવ આટલી નિરાંતે
વાંસળીના સૂર
છેડી શક્યા હોત ખરા ?!

૪.
હોઠમાં તણખલું ચાવતી રાધાને
ગોપીએ પૂછ્યું :
માધવના પ્રેમમાં કવિએ રચેલ ગીત
જો
વાંસળીની ધડકન હોય તો,
અછાંદસ શું હશે ?
કાનજીના રેશમી, વાંકડિયા કેશમાં,
લહેરાતું મોરપીંછું.

( પ્રીતમ લખલાણી )

મોર-પ્રીતમ લખલાણી

૧.
રોંઢે ફળિયામાં
બે-ચાર પીંછા
ખેરવી ઊડી ગયેલ મોર.
ઢળતી સાંજે
હળવો ફૂલ-ફટાક થઈને
બેઠો હોય છે
ગામને પાદર
મહેકતો થોરની વાડે !

૨.
મોરને કળા કરતો જોવા
મારા ફળિયે
સાંજ સમયે
સુગંધ પણ ઊતરી આવે છે
રાતરાણીની ડાળથી !

૩.
સીમના સેઢે
વૈશાખની ધોમધખતી બપોરે
કુંવારી કન્યાની
ચૂંદડી લહેરાઈ જાય
સાંભળીને
મોરનો ટહુકો !

૪.
મીરાં
ઓશીકાના ખોળિયે
તેં ભરેલ
રંગીન મોર
તારી યાદમાં
રાતભર મારા
સ્વપ્નના ઝરુખે
ટહુકા કરે છે.

૫.
શ્રાવણની
ઝરમર વરસતી સાંજે
મીરાં
આજે પણ
તારી યાદમાં
થનગનતું હોય છે
મારુંમન
મોર બનીને.

( પ્રીતમ લખલાણી )