ખૂબ સસ્તી છે-શોભિત દેસાઈ

જો વીતી ગઈ તો લાગે વેદનાઓ ખૂબ સસ્તી છે
ફરી બેઠા થવાની સૌ વ્યથાઓ ખૂબ સસ્તી છે

પુન:નો પાક લીલોછમ્મ ઊગી ચાલ્યો છે વય વધતાં
હવે તારા મિલનની શક્યતાઓ ખૂબ સસ્તી છે

ઘણા યત્નો પછી આવે છે ને ટકતું નથી લાંબુ
છે દુર્લભ સુખ સદાનું, આપદાઓ ખૂબ સસ્તી છે

ધુમાડે લઈ ગયો અગ્નિ, ધરા-પાણી-ગગનને પણ
દિલાસો છે તો કેવળ એ, હવાઓ ખૂબ સસ્તી છે

પ્રતિદિન ફાંફાં પડતાં જાય છે માણસને રહેવાનાં
પરમ છે લહેરમાં-બધી ધજાઓ ખૂબ સસ્તી છે

ભિખારીની તમે ઝોળીમાં નાખી તો જુઓ રૂપિયો
છે નિર્મમ મોંઘવારી પણ દુઆઓ ખૂબ સસ્તી છે

( શોભિત દેસાઈ )

ઓરડો-વિજય રાજ્યગુરુ

જૂના રાજમહેલના બંધિયાર ઓરડામાં
કાન કડિયાની તીણી સિસોટી
ચામાચિડિયાની પાંખનો હળવો ફડફડાટ
ઠાલાં હલળાં કરોડિયાનાં ઝાળાં
સતત ખર્યા કરતી દીવાલોની પોપડી
આ બધા વચ્ચે
ચોકીદારની નાનકડી દીકરી
જ્યારે ઘર-ઘર રમે છે
અને એકલી એકલી
ઢીંગલી સાથે વાતો કરે છે
એટલી ઘડી
બસ એટલી જ ઘડી
ઝાંખા થતા જતા વેનીશિઅન અરીસામાં
ઘેનઘેઘૂર ઓરડો
આંખો ખોલે છે અને આળસ મરડે છે !

( વિજય રાજ્યગુરુ )

પવનમાં પ્લાસ્ટિકની એક કોથળી-યજ્ઞેશ દવે

ઝાંખરામાં ભરાયેલી ફાટેલી ફરફરતી
પ્લાસ્ટિકની ધોળી એક કોથળી
વાયરાની અમથી એવી એક ફૂંકે
ઊડી,
રમણી બની રમણે ચડી
ઊંચે ને ચડે ચડી
બેલેરિનાની જેમ એક પગ હળવેથી હવામાં ફંગોળી
એક પગે સ્થિર થઈ
ગોળ ગોળ ફરી
તો વળી બીજો પગ બીજી તરફ લહેરાવી
અમથું અમથું નાચી.
ત્યાં તો
પળવારમાં થયો
કથક નૃત્યાંગનાના ચક્રધારનો આરંભ
ઘડીક આમ ફરી ઘેર રચે
તો ઘડીક તેમ
પોતાનામાં જ મસ્ત
એવી તો ચક્કર ચક્કર નાચે
કે લાગે સ્થિર.
એ બાવરી તો નાચતી રહી અદ્દભુત
તિહાઈના કોઈ સમ પર આવ્યા વગર
નાચતી જ રહી
નાચતી નાચતી જ હળવે હળવે ઊંચે ચડી
ઊડી ગઈ તેના દેશમાં-એ પરી !

( યજ્ઞેશ દવે )

અંગારની માફક-ખલીલ ધનતેજવી

રહું છું છેક ઊંડે, ભારેલા અંગારની માફક,
ઉપરછલ્લો મને વાંચીશ નહીં અખબારની માફક.

ફરીશ પાછો તો આ માથું સલામત નહીં રહે તારું,
હંમેશાં કાં મને તું વાપરે હથિયારની માફક !

એ પથ્થર છે, રડાવી દે પ્રથમ એને પછી જોજે,
ઊઘડવા માંડશે કિલ્લાનાં ધરખમ દ્વારની માફક !

ધડાકાભેર ના પાડે તો મૂંઝાવું મટે મારે,
એ હા પાડે છે તે પણ કોરાકટ ઈનકારની માફક !

અહીં આવ્યો છે તે પણ કોઈ બીજાની સિફારસથી,
ગઝલ લાવ્યો છે, પણ સંભળાવે છે બીમારની માફક !

ગઝલ છે, પ્રેમ છે, મિત્રો છે, બોલો શું નથી પાસે,
ખલીલ આરામથી જીવે છે જાગીરદારની માફક !

( ખલીલ ધનતેજવી )

વિચારી જુઓ-સુધીર પટેલ

શબ્દ વિહોણાં દિવસ ને રાત વિચારી જુઓ,
શબ્દથી પણ ખાનગી હો વાત, વિચારી જુઓ.

શબ્દ પણ ન્હોતા અને કોઈ લિપિ પણ ક્યાં હતી ?
ભાવ સૌ ભીતર હતા રળિયાત, વિચારી જુઓ !

કોઈ ના બોલી શકે એકાંતમાં એક શબ્દ તોય,
કેવી રસપ્રદ હોય મુલાકાત, વિચારી જુઓ !

શબ્દ એ હો કોઈનો પણ નાનો અમથો તોય જો,
કેટલો હૈયે કરે આઘાત, વિચારી જુઓ !

શબ્દ જ્યાં મારે છે ફાંફાં પામવાને એ ‘સુધીર’,
મૌન ઉકેલે સહજમાં જાત, વિચારી જુઓ !

( સુધીર પટેલ )

સમય હતો-હેમેન શાહ

વાતાવરણ ગુલાબી, મજાનો સમય હતો,
અફસોસ કે એ મારા જવાનો સમય હતો.

એ દેણગી કે શ્રાપ ? ખબર પડી નહીં,
જે કાવ્યનો સમય, એ વ્યથાનો સમય હતો.

ભરપૂર પ્રેમ હોય તો ઢંકાય ખામીઓ,
પથરાળ પટ તો ઓટ થવાનો સમય હતો.

આંસુ ને સ્વપ્ન આંખમાં સાથે રહે નહીં,
છે એક વર્તમાન, બીજાનો સમય હતો.

અંતિમ ક્ષણે કહ્યું મેં સિકંદરના કાનમાં,
દુનિયાનો એકમાત્ર ખજાનો, સમય હતો.

( હેમેન શાહ )

એક કાવ્ય-વિપાશા મહેતા

હું શાંતિથી રાહ જોતી ઊભીશ.
મારી આ
દવા વગર તોફાને ચઢેલી
નસો શાંત થવાની.
પણ ત્યાં તો
લોકોએ કંઈ નવું જ
ધતિંગ શરૂ કર્યું,
મગજમાં ગુસ્સો ભરાવી
શરીર ચીંથરેહાલ કરી
મોં પર તાળાં ઠોકી
કહ્યું
જો જો
તારી અંદર કેટ કેટલોક તો ગુસ્સો છે
અમે તને ફટકાવી ફટકાવી એ અંદરનો ગુસ્સો
બહાર લાવવા તારી મદદ કરીએ છીએ, તને બચાવવા.
હું
મારા શરીરનાં ચીથરાં થતાં જોઈ
ઊભી છું
શાંત
અડીખમ
મારા મગજને
બચાવતી.

( વિપાશા મહેતા )

લાગે છે-દિવ્યા સોની “દિવ્યતા”

દરિયા જેવી ખુશીઓમાં મારી આજ આવી ઓટ લાગે છે.
તું ભલે મળી ને જાય તોય તરત જ તારી ખોટ લાગે છે.

વિચારો ની ઘંટીમાં તારી યાદો થઇ પડી લોટ લાગે છે,
તું મળવામાં જો રાખે કચાસ, આ દિલને મારા ચોટ લાગે છે.

નિત માંગણીઓ એમ કરતો, જાણે પ્રેમ મારો વોટ લાગે છે,
એને માટે જે હંમેશ ઝૂરતી આ જાત મારી હવે ભોટ લાગે છે.

મન પર ચડાવી લીધો તેં પણ સમજણ નો કોટ લાગે છે,
તરછોડી જવાની મુજને, તેં પણ મૂકી ઉડતી દોટ લાગે છે.

હિસાબ કરવા દિલ ખોલ્યું, ને થયો આ ઘટ:સ્ફોટ લાગે છે,
ઉધારે મારી આખી જીંદગી, જમાના ખાને ખોટ લાગે છે.

( દિવ્યા સોની “દિવ્યતા” )

વાત કરવા દે-સુરેન્દ્ર કડિયા

ધસી જતા આ જળમાં જળ વિશેની વાત કરવા દે
મને એકાદ પળમાં પળ વિશેની વાત કરવા દે

ઘડીક ભૂલા પડી જઈએ, ઘડીક રસ્તે ચડી જઈએ
અજાણ્યા કોઈ સ્થળમાં સ્થળ વિશેની વાત કરવા દે

તને જો રસ પડે તો સાવ હળવોફૂલ હું થઈ જઉં
ઘણા વખતે વળેલી કળ વિશેની વાત કરવા દે

નભોમંડળ, ધરાતલ ને અતલ હરદમ ઉકેલું છું
હવે બસ પાઘડીના વળ વિશેની વાત કરવા દે

મને કરતો ગયો ખાલી એ ખાલીપો નથી ખપતો
છલોછલ છેતરે એ છળ વિશેની વાત કરવા દે

( સુરેન્દ્ર કડિયા )

ફેરે-ફેરો ફળશે-દિલીપ જોશી

દર્પણમાંથી બહાર નીકળ તો
દુનિયા જોવા મળશે !
પરપટાની ટોચ ઉપર તું
ઝબકારે ઝળહળશે !….

બહાર નીકળતા મહિના-વરસો-યુગ કૈં બદલાઈ જશે !
હર વળાંક પર વળતો રસ્તો સામેથી સમજાઈ જશે !
પગલે-પગલે પરવાળાના
લોઢે-લોઢ ઊછળશે !…..

તથ્ય હોય શું નામ-રૂપમાં ક્ષણમાં એ અણસાર મળે !
માર પલાંઠી અમરાપુઅરનું ભીતર ખૂલતું દ્વાર મળે !
અંદરના અઢળક અજવાળે
ફેરે-ફેરો ફળશે !…..

સુખ ક્યાં છે જાણ થવાની સચરાચરની પાર જઈ !
જીવ ઝબોળી માણ સમયને સથવારામાં સ્વર્ગ લઈ !
વેદ-મંત્ર થઈ દિશા-દિશાઓ
ખુદને ઘેરી વળશે !…..

( દિલીપ જોશી )