તું…!! – એષા દાદાવાળા

તું આધાર છે, એવું નહીં કહું

નહીંતર આધારિત થઈ જવાનો ભય લાગશે મને…

તું દીવાલ છે એવું પણ નહીં કહું

નહીંતર બારી કે દરવાજાની જરૂર ઊભી થશે મને…

તું આકાશ છે એવું પણ નહીં કહું

આકાશ અનંત છે અને અનંતતાથી નફરત છે મને

એક શરૂઆત અને અંત તો હોવો જ જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું.

તું છત છે એવું પણ નહીં કહું

છત આભ સાથેનો સંબંધ તોડી આપે છે અને આભ સાથે જોડાયેલા રહેવું

મારી જરૂરિયાત છે

તો પછી તને શું કહું ?

હવા ? ના, એ તો બધાની જરૂરિયાત હોય…

શ્વાસ ? ના, એ તો બંધ થઈ જાય…

પાણી ? ના, એ તો સૂકાઈ જાય…

અગ્નિ ? ના, એ તો ઓલવાઈ જાય…

તો પછી હું તને કહું શું ?

શ્વાસ-ઉચ્છવાસ વચ્ચેનો સમય…?

કદાચ હા જ…!

તને ખબર છે ?

જિંદગી જીવવા માટે

શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેનો સમય ખૂબ અગત્યનો હોય છે

એ ખોરવાઈ જાય તો

જિંદગી દાવ પર લાગી જાય છે…

એટલે મારા માટે તું શ્વાસ-ઉચ્છવાસ વચ્ચેનો એ સમય જ છે સાચે જ…!!

 .

( એષા દાદાવાળા )

તમે ક્યાં છો ? – પ્રજ્ઞા દી. વશી

વરસતી સાંજ વ્હેતી ક્ષણ હૃદય બેબશ, તમે ક્યાં છો ?

ભીતર છે આગ એવી કે બની પરવશ, તમે ક્યાં છો ?

 .

વિરહની ડાળે બેસી એક કોયલ જ્યાં ટહૂકી ત્યાં,

ગૂંજે વૈશાખનાં પગરવ બની કર્કશ, તમે ક્યાં છો ?

 .

હજી તો આગને ના સાંપડ્યો વેરી પવનનો સાથ

છતાં તણખો બને છે યાદનો આત્શ, તમે ક્યાં છો ?

.

પ્રવાસી પ્રેમની છું ને આ યાદી કૈં મુકામોની

વચાળે તમને મળવાનું કરું સાહસ, તમે ક્યાં છો ?

 .

ધીરે ધીરે, થતી ચાલી અહલ્યા રાહ જોતી હું

જીવે સંવેદના સ્પર્શો બની પારસ, તમે ક્યાં છો ?

 .

મને વરસાદ ગમતો એનો મતલબ એ થયો પ્રિયે !

જગત આખું બને છે પ્રેમરસ સારસ, તમે ક્યાં છો ?

.

( પ્રજ્ઞા દી. વશી )

સ્ત્રી – એષા દાદાવાળા

રોજ સવારે સાડીની સાથે લપેટાય છે

મારા શરીર ફરતે એક આગ

ધીમી આંચે ઉકળવા મૂકેલા દૂધની જેમ

મારામાં પણ આવે છે ઉભરો

ધીમી આંચે સળગતી હું, ઉભરાઈ જવાની અણી પર હોઉં

ત્યાં જ બર્નર ઓફ થઈ જાય

અને તપેલીમાં શમી જતા દૂધની જેમ જ મારામાં પણ શમી જાય એક ઉભરો…!

રાત્રે સાડી બદલું ત્યારે શરીર પરથી કપડાં બદલાઈ જાય

પણ આગ તો એવીને એવી જ રહે, શરીર સાથે લપેટાયેલી…!

એ સ્પર્શે ત્યારે જાણે ગરમ તવી પર પાણી છંટાયું હોય એવો અવાજ અવે ‘છમ્મ્મ્મ્મ!!’

પછી વરાળ નીકળે આખા શરીરમાંથી !

શરીરમાંથી નીકળેલી વરાળ આંખોમાં ભેગી થાય

પાણી વરસે પણ ખરું

પણ પાણીના એ દસ-બાર ટીપાં પેલી આગને ઠારવામાં નિષ્ફળ નીવડે

અને હું

આગમાં બળી મરેલી ઈચ્છાઓનો અગ્નિ સંસ્કાર કર્યા વગર

પાણીના આ દસબાર ટીપાં વચ્ચે જ એને વહાવી દઈ

બીજા દિવસે ફરી પાછી એક નવી નક્કોર સાડી વીંટાડી લઉં છું

શરીર ફરતે લાગી ગયેલી પેલી જ આગની ઉપર…!!

 .

( એષા દાદાવાળા )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

 .

અમે ઓળખી શક્યાં નહીં ‘ને મૃગજળ પાછળ દોડ્યાં;

છીપ નીરખતાં રજત ગણીને અઢળક શાને મોહ્યાં ?

તૃષ્ણા કીધી ગગનકુસુમની, કેવળ પામ્યાં છલના;

સકળ વિશ્વનું છદ્મ લઈ, શું કરી કૃષ્ણની રચના ?

 .

હશે, અમે અબળા તો મૂળથી બન્યાં કપટનો ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 .

વાંસ વધ્યાની પેર અમારો પ્રેમ ક્ષણેક્ષણ વાધ્યો;

છતાંય અંબર-ઊંચો માધવ નથી લગીરે સાધ્યો !

દેવ-દેવીઓ મથે છતાં ક્યાં ભાગ્ય શકે છે જાણી;

કહી શકે છે કોણ ? માછલી પીએ કેટલું પાણી ?

 .

હોય ઉછીનું સુખ અસ્થાયી; અલ્પ પામીએ ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

.

( વીરુ પુરોહિત ‌)

હમણાં જ આવી છું – પ્રજ્ઞા વશી

બધાં મ્હોરાં ફગાવીને હજી હમણાં જ આવી છું

ધૂણી ભીતર જલાવીને હજી હમણાં જ આવી છું

 .

નકામો બોજ સુખનો હું લઈને દોડતી’તી પણ

સમયસર એ હટાવીને હજી હમણાં જ આવી છું

 .

હૃદયથી દૂર ક્યાં એકેય પળ ? હરક્ષણ તમે ધબકો

એ ધબકારાં મપાવીને હજી હમણાં જ આવી છું

 .

તમે છો ગેરહાજર તો ય કાયમ હાજરી લાગે

હું મનને એ મનાવીને હજી હમણાં જ આવી છું

 .

બધા માને કે ‘પ્રજ્ઞા’ સુખનાં તાળાં બધાં ખોલે

હું એ ચાવી બનાવીને, હજી હમણાં જ આવી છું

 .

( પ્રજ્ઞા વશી )  

ધાર્યું હતું – કવિતા સિંહ

કેવું અદ્દભુત ધારેલું !

એક ધોધ, એક બગીચો, એક પહાડને

મારા તાબામાં રાખીશ, પાળીને રાખીશ

નળની ધારમાં, ફૂલદાનીમાં, કાગળની ગોઠવણીમાં

કંઈ વાંધો નહીં આવે, બધું સહજ બનશે

આવું જ કંઈક ધારેલું, કેવું અદ્દભુત !

 .

કેવી વાતો ધારેલી ! કંઈ કંઈ વિચારેલું !

એક પુરુષ, કોમળ દ્રષ્ટિ સભર, એક દીકરો,

આ બધાને પ્રેમની-ચાહનાની શક્તિએ બાંધીશ

પોતીકું સુખ, છાનુંછપનું સ્વર્ગ, શાંતિનું ઘર સહજ ઘડીશ.

આવું જ કંઈક ધારેલું,

કેવું કેવું ધારેલું !

 .

( કવિતા સિંહ, અનુ. નલિની માડગાંવકર )  

ગુમ છે – હનીફ સાહિલ

જિંદગીના ખયાલમાં ગુમ છે

તારા હિજ્રો-વિસાલમાં ગુમ છે

 .

કોણ વાંચે એ કિતાબી ચહેરો

વાંચનારા જમાલમાં ગુમ છે

 .

પુષ્પ ખિલ્યા છે શુષ્ક ડાળ ઉપર

ગામ આખું અકાલમાં ગુમ છે

 .

કોઈ બેઠા છે થઈ ઉદાસ અને

કોઈ તારા ખયાલમાં ગુમ છે

 .

કોઈ આપી શક્યું ન એનો જવાબ

શર્મથી સૌ સવાલમાં ગુમ છે

.

કોઈ રાખે હિસાબ જીવનનો

કોઈ ક્ષણ, માહો-સાલમાં ગુમ છે

.

શૈર કહે છે કમાલના સાહિલ

એટલે એ કમાલમાં ગુમ છે

.

( હનીફ સાહિલ )

ટેવ પાડો – દિનેશ કાનાણી

વાત સાચી જાણવાની ટેવ પાડો

થોડી ધીરજ રાખવાની ટેવ પાડો

 .

આ ઉદાસી દૂર કરવી છે તમારે ?

સૌની સાથે ચાલવાની ટેવ પાડો

 .

સાવ સાચું હું કહું છું, ખૂબ મળશે

થોડું થોડું આપવાની ટેવ પાડો

 .

કેટલું લઈ લીધું એ તમને ખબર છે ?

આ સમયને વાંચવાની ટેવ પાડો

 .

છે હકીકત વાંસળીના છીદ્ર જેવી

ફૂંક એમાં મારવાની ટેવ પાડો

 .

કોણ કોનું છે, ખરેખર જાણવું છે ?

દૂર અમને રાખવાની ટેવ પાડો.

 .

હું કહું છું, એ ગલત છે એ ગલત છે

તોય શાને માગવાની ટેવ પાડો ?!!

 .

( દિનેશ કાનાણી )

તે દિવસે અમે બન્ને – મન્દાક્રાન્તા સેન

હમણાં જ ઊંઘમાંથી ઊઠી,

કામિની વૃક્ષની આડશે, શરમાળ આંખે મુંઝાયેલા ચહેરે

ઈશ્વર આવીને ઊભા,

ઈશ્વર ! હા ઈશ્વર, એમને કઈ રીતે ઓળખ્યા,

એ નથી જાણતી.

ત્યારે હજુ સૂરજ પણ ઊગ્યો નહોતો,

મારા આંગણામાં તડકો ઊતર્યો નહોતો,

અજવાળું નહોતું થયું પણ અજવાળું આવું, આવું કરતું હતું

પરોઢિયાનો દેહ લજ્જાભર્યો,

એવે સમયે ઈશ્વર એકલા જ આવ્યા

મારે દરવાજે

વેરવિખેર વાળ, ચોળાયેલાં કપડાં

કેટલાંય વર્ષોનો થાક, પથરાયેલો આંખો નીચે

જોકે આવી આંખો જોઈને અચાનક

એવું લાગ્યું કે એ દેખાવડા છે

આટલું રૂપ મેં ક્યારેય જોયું નથી.

મારો આવો મુગ્ધભાવ જોઈ

એમણે ચહેરો ઝુકાવી અસ્વસ્થ થઈ,

ઉધરસ ખાવા માંડી,

ઉધરસ ખાતાં ખાતાં જ એ દરવાજા પાસે

નીચે પગથિયાં લગોલગ હળવેકથી બેસી ગયા

ત્યારે પણ સવારનું ધુમ્મસ પૂરેપૂરું વિખરાયું નહોતું

ભીંત લગોલગ ઈશ્વર અને મારી વચ્ચે

વાતચીત શરૂ થઈ

 .

એ વાતો ખૂબ ખૂબ ગમતી, મધુર, છતાં ગુપ્ત હતી,

એ બધી વાતો મેં કવિતામાં લખી નથી,

જો લખીશ તો એ મને દગાબાજ માનશે…

 .

( મન્દાક્રાન્તા સેન, અનુ. નલિની માડગાંવકર )

મૂંઝવણ – નલિની માડગાંવકર

લખતાં લખતાં અચાનક,

મારા અક્ષરોને… શબ્દોને… અર્થોને…

ઓળખવાનો પ્રયત્ન કરું છું

પણ એ તો બધા ધુમ્મસિયા બની

હાથને ઈશારે મને બોલાવતા ભાગતા જાય છે

બે આંગળીઓ વચ્ચેની ફાંકમાંથી ટપકતું જળ…

કેમ કરી સાચવું!

અમૃત સંજીવનીનું દમયંતીની હથેળીનું વરદાન

દરેક અક્ષરને વરેલું છે આ સત્ય

પચાવવું કેટલું અઘરું છે !

ખોબે ખોબે વિરામચિહ્નોને પાથરું છું,

 .

થોડા અલ્પવિરામો થોડાં આશ્ચર્યચિહ્નો

વચ્ચે ડોકાતાં પ્રશ્નાર્થો

પણ પૂર્ણવિરામ ક્યાં ?

 .

( નલિની માડગાંવકર )