ગૂંજે છે યાદ – પરાજિત ડાભી

અડધી તે ઈચ્છાનું આખું આકાશ હવે રોજ રોજ આંખોમાં ખોળશું,

ફૂલોની જેમ હવે મઘમઘતી ફોરમમાં હૈયાને હાથ જેમ બોળશું.

 .

ઊડીને આવેલા ભમરાની જેમ હજુ ગુંજે છે યાદ આસપાસમાં,

આથમતી રાતનાં અંધારા ઓઢીને આગિયાઓ ઝબકે અજવાસમાં,

વગડાની વનરાજી વહેલી સવારે હજુ દોડે છે ઝાકળિયા ઘાસમાં,

હરણાંની જેમ ઘણું દોડ્યો છે વાયરો નદીઓની સંગે પ્રવાસમાં.

 .

વૃક્ષોની ડાળેથી ખરતાં આ પાન જોઈ લીલીછમ્મ ક્યારીમાં કોળશું,

ફૂલોની જેમ હવે મઘમઘતી ફોરમમાં હૈયાને હાથ જેમ બોળશું.

 .

આવેલાં સપનાંનાં રંગભર્યા આભલાને સૂરજની સામે દઉં મૂકી,

ઝબકારા મારેને આંખો અંજાય તો નીંદરનું ગળપણ દઉં થૂંકી,

ટેરવાને ફૂટ્યા જો લાલ ટશિયા તો પાંપણ આ લજવાતી ઝૂકી,

અધખૂલ્લા હોઠ ઘણું મૂગા રહ્યાને તોય કહેવાનું આંખો ના ચૂકી.

 .

ઉજવાતા અવસરની પાવન આ ઘડીઓને ફેરફેર ત્રાજવેથી તોળશું,

ફૂલોની જેમ હવે મઘમઘતી ફોરમમાં હૈયાને હાથ જેમ બોળશું.

.

( પરાજિત ડાભી )

માત્ર મનમાં – શીતલ જોશી

માત્ર મનમાં જ ધારવા મળશે

દ્વાર ખોલ્યાં પછી હવા મળશે

 .

કાચબા હોય છે બધ્ધે આગળ

થાવ સસલું તો ઊંઘવા મળશે

 .

ચાલવાની ભલે નથી ફાવટ

દોરડે રોજ દોડવા મળશે

 .

ફિરકી હાથમાં તમે રાખી

ને’ કહ્યું જાવ ઊડવા મળશે

 .

હોય થાપા ઘણી દીવાલો પર

ને’ ઘણી ભીંત વિધવા મળશે

 .

જોઈ વિમાનને ‘શીતલ’ થા તું

હાશ ! પાછા વતન જવા મળશે.

 .

( શીતલ જોશી )

કોઈ ક્યાં – શીતલ જોશી

કોઈ ક્યાં કોઈને નડતું હોય છે

આભ ક્યાં ધરતીને અડતું હોય છે

 .

તું કહે વરસાદ તો વરસાદ છે

આમ તો પાણી જ પડતું હોય છે

 .

એક સિક્કો આંખને આંજી ગયો

સુખ રસ્તા પરથી જડતું હોય છે

 .

રોજ પડછાયો પડે છે આપણો

રોજ પાછું કૈંક સડતું હોય છે

 .

ધૂળ છે;ની ખાતરી ખોટી પડે

આંખમાં એવું શું ઊડતું હોય છે.

 .

( શીતલ જોશી )

…વેચ્યું છે – અનિલ ચાવડા

સગપણ, સપનાં, સ્વમાન, મોભો, સર વેચ્યું છે,

કોને કહેવું કઈ હાલતમાં ઘર વેચ્યું છે.

 .

કોને ક્યારે કેમ અને ક્યાં એ ના પૂછો,

મેં જ પીઠને મારી એક ખંજર વેચ્યું છે.

 .

ખુદની માટે રડ્યો કદી તો સોદો ફોક,

યાદ નથી ? તેં આંખોનું સરવર વેચ્યું છે !

 .

બેઉ તરફથી બેઉ હાથને થયો ફાયદો,

જેણે લીધું ને જેણે અત્તર વેચ્યું છે.

 .

સાવ છીછરી તાળીઓની દાદ ખરીદવા,

ઘણા કવિઓએ કાવ્યોનું સ્તર વેચ્યું છે.

 .

( અનિલ ચાવડા )

તું અને તારું એકાન્ત – માલા કાપડિયા

તારી અને તારા એકાન્તને વચ્ચે

ઝગમગે છે દિવાળીના દીપની જેમ

મારી હજારો ઈચ્છાઓ

જિંદગીની ભાગમદોડથી પરે

એ ખીલે છે ફાલ્ગુની ગુલમહોર બની

તો વળી ક્યારેક

બૂંદ બૂંદ વરસે છે.

કમોસમના વરસાદની જેમ

ક્યારેક

તારા આશ્લેષમાં સમાઈ જાય છે

ઈચ્છાઓનો સમુંદર

અફાટ રણને વીંધીને

જાણે વહી જાય બન્ને કિનારા

જન્માંતરોના…

તારી અને તારી એકાન્તની વચ્ચે

કયરેક હોય છે

એક કાલરાત્રિ પણ

જે છીનવી લે છે

તમામ ઈચ્છાઓનો જીવવાનો હક

અને દોરાય છે એક અગ્નિરેખા

જેની પેલે પાર

તડપ તરસતી રહે છે !

મૃત્યુયોગના અંધકારમાં

ખોવાઈ જાય છે ઈચ્છાઓના દીપ !

પ્રિયકર

તારી અને તારા એકાન્તની વચ્ચે

( તું અને તારું એકાન્ત )

ત્રિશંકુ હું

ન જીવી શકું છું

ન વિલીન થઈ શકું છું

તારી અનિચ્છા છતાં

બસ મારા જ રક્તથી

લખું છું આ કવિતા

જે રણમાં ખીલવે છે ગુલઝાર

જેને તું તારી ઉદાસી અને સન્નાટાથી ઉજાડી ન શકે !!!

 .

( માલા કાપડિયા )

એકલતાથી ભરેલો – ભાવિન ગોપાની

એકલતાથી ભરેલો જ્યાં પણ મુકામ આવે,

ત્યાં યાદ આપને પણ મારી સલામ આવે.

 .

કોરી કિતાબ ખોલી, આપે લખ્યો હતો જે,

મારો તે ફોન નંબર ક્યારેક કામ આવે.

 .

મારીય જેમ તું પણ ચોંકી ઊઠે છે હેં ને !

બસ વાત વાતમાં પણ જો મારું નામ આવે.

 .

એ ઇન્તઝારમાં મેં, તોડી નથી તરસ ને,

મારા સુધી તમારી, નજરો ના જામ આવે.

 .

પથ્થર રૂપી જીવનથી તેં મુક્ત તો કર્યો તો,

તો ના નજર મને શું ? તારામાં રામ આવે.

 .

તે સાથ, તે સફર ને ઇચ્છા મુજબના શ્વાસો,

આવે ફરી જો પાછા, પાછા તમામ આવે.

 .

ઇશ્વર તરફનો રસ્તો, મરજી મુજબ હું રાખીશ,

આવે ભલે પૂજારી, ચાહે ઈમામ આવે.

 .

( ભાવિન ગોપાની )

સ્વપ્ન તારું – સિકંદર મુલતાની

સ્વપ્ન તારું હું મનોહર જોઉં છું,

ને હકીકતની ધરોહર જોઉં છું !

 .

તું કમળ પેઠે જ ઊગી જાય છે,

જ્યારે જ્યારે હું સરોવર જોઉં છું !

 .

કાં ન હુક્કો ગડગડાવું હું, પ્રિયે !

તુજમાં લ્હેરાતું ચરોતર જોઉં છું !

 .

તું બરોબરમાં નિહાળે છે ઊણપ,

હું ઊણપમાં પણ બરોબર જોઉં છું !

 .

જિંદગીમાં બેઉ હોવા જોઈએ,

સુખ અને દુ:ખ હું સહોદર જોઉં છું !

 .

શું ‘સિકંદર’..આભ, હાઉંકલો કરે ?

બારીએ તુજ, રોજ સ્ટોપર જોઉં છું !

 .

( સિકંદર મુલતાની )

મારી નજરુંના – ઉષા ઉપાધ્યાય

મારી નજરુંના નાજુક આ પંખીના સમ

એનું આખ્ખું આકાશ તારી આંખમાં

 .

અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં

પથ્થરિયા પોપટ શાં રહીએ,

થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી

ખળખળતાં ઝરણાં સાં વહીએ,

ટોળાબંધ ઊડતાં આ સાંભરણનાં સમ

એનું આખ્ખું આકાશ તારી આંખમાં

 .

સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું

મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં,

હળવે આવીને ત્યારે કહેતું આ કોણ

મને બાંધી લે અધરોનાં ફૂલમાં,

ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ

એનું આખ્ખું આકાશ તારી આંખમાં.

 .

( ઉષા ઉપાધ્યાય )

ઉદ્ધવ ગીત (૨) – વીરુ પુરોહિત

ઘણું ભોગવ્યું તમે, કૃષ્ણના સાન્નિધ્યે, સદ્દભાગ્ય !

પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સોભાગ્ય !

 .

સૂતી હોય સિંહણ તો, ઉદ્ધવ ! ઘણી મનોહર લાગે;

પણ જો ત્રાડે, વૃક્ષો સઘળાં થથરી પર્ણો ત્યાગે !

શાંત સરિતા ખળખળ વહેતી સંગીત મધુર સુણાવે;

વીફરે તો વચ્ચે આવેલા પહાડોને ય તણાવે !

 .

કરગરીએ, વીનવીએ તો શું માનો છો નિર્માલ્ય ? !

પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સૌભાગ્ય !

 .

ધીરજ અમારી ખૂટી તો મથુરાને દઈશું રોળી;

ચપટીમાં જ્યમ કોઈ તૃણ ઝકડીને નાખે ચોળી !

પાપ તમારાં શિરે, લાગશે ભાલે કાળી ટીલી;

કહો, જીવીએ ક્યાં લગ નિજનાં આંસુ ઝીલી ઝીલી ?

 .

શ્યામ વિના જે કૈં છે જગમાં, અમને શિવનિર્માલ્ય !

ઘણું ભોગવ્યું તમે, કૃષ્ણના સાન્નિધ્યે, સદ્દભાગ્ય !

પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સોભાગ્ય !

 .

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત (૧) – વીરુ પુરોહિત

અમે ગોપીઓ એકબીજાનું ભૂલી ગયાં રે નામ !

શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી !

તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ !

 .

‘નથી જવું જલ જમુના’ કરતાં, સૂરજ આવે માથે;

તરફડતાં, તરસ્યાં પક્ષીગણ ચકરાવ્યાં છે સાથે !

દંતકથાની શાપિત પૂતળી જેમ જડાયાં દ્વારે;

કૃષ્ણ નથી, તો કોણ મંત્રપૂત જલ છાંતીને તારે ?

કાલીંદીનો તટ બન્યો છે નાગણિયુંનું ધામ !

શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી !

તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ !

 .

ના ઘોળાવ્યાં વસંતના મઘમઘતાં ફૂલ નાવણમાં;

કોરાંકટ રહી ગયાં અમે તો ફાટફાટ ફાગણમાં !

મોર-બપૈયા-ચાતક પણ ચોમાસે મૂંગાં ઊભે;

ભીની કળી ચંબેલીની ગાલે કંટક શી ચૂભે !

સ્તબ્ધ જીવ, નિશ્વાસો, ખુલ્લી પાંપણ આઠે યામ !

અમે ગોપીઓ એકબીજાનું ભૂલી ગયાં રે નામ !

શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી !

તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ !

 .

( વીરુ પુરોહિત )