
.

.

.

.
.

.

.


.

વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.
દરિયા વિશે પૂછ, નાવડાનું રહેવા દે.
.
પૂછ અગર પૂછવું હોય તો ભીંનાશ વિશે.
આપણાં વિશે પૂછ, તાપણાનું રહેવા દે.
વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.
મૌસમ નથી અને જે વરસી પડ્યાં છે.
બાવરા વિશે પૂછ, સાગઠાનું રહેવા દે.
વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.
.
નથી ખબર કે અળખામણું આગમન છે!
બાથ વિશે પૂછ, બાવડાનું રહેવા દે.
વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.
જળ ભર્યા છે ઝબોળી ‘દેવ’ બેડલા.
કુવા વિશે પૂછ, પાવઠાનું રહેવા દે.
વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.
.
( દેવાયત ભમ્મર )

ના રહ્યો વર્ષો જૂનો અંધાર પ્રગટી જ્યોત જ્યાં,
થઈ ગયું ઘર તેજનો અંબાર પ્રગટી જ્યોત જ્યાં.
.
એક સરખો છે બધે ધબકાર પ્રગટી જ્યોત જ્યાં,
દેહમાં હું દેહનીયે બ્હાર પ્રગટી જ્યોત જ્યાં.
.
તેલની માફક પુરાતું જાય છે કેવળ સ્મરણ,
માત્ર અજવાળું જ અપરંપાર પ્રગટી જ્યોત જ્યાં.
.
અણસમજમાં કેટલા આભાસ અંધારે રચ્યા,
ના કશું આ પાર કે ઓ પાર પ્રગટી જ્યોત જ્યાં.
.
વસ્ત્ર જુદાં લાગતાં’તાં સ્પર્શની સીમા થકી,
તેં વણેલા જોઉં સઘળા તાર પ્રગટી જ્યોત જ્યાં.
.
તું ઝલકતી સર્વ રૂપે, છે સ્વયમ સૃષ્ટિ જ તું,
શોધવો ક્યાં જઈ હવે સંસાર પ્રગટી જ્યોત જ્યાં.
.
પૂર કેવાં ઊમટ્યાં સઘળું તણાયાની મઝા,
ક્યાં હવે એ ગ્રંથ કે એ સાર પ્રગટી જ્યોત જ્યાં.
.
કોઈ મારાથી અલગ ના, હું અલગ ના કોઈથી,
થઈ ગયું કંઈ એમ એકાકાર પ્રગટી જ્યોત જ્યાં.
.
( રાજેશ વ્યાસ “મિસ્કીન” )