Tag Archives: કવિતા-અન્ય ભાષા

નિર્બલ – માર્જોરી પાઈઝર

હું વિનાશથી નિર્બલ થઈ જાઉં ત્યારે

મને સમુદ્ર પાસે જવા દો.

અતાગ સમુદ્રને કાંઠે મને બેસવા દો.

રાતદિવસ સતત પછડાતાંને ઊછળતાં રહેતાં

મોજાંઓ મને નિહાળવા દો.

મને સમુદ્રકાંઠે બેસવા દો

અને કાતિલ સમુદ્રી પવનોને

પોતાના ઠંડાગાર ભીના હાથ વડે મારા ગાલ પર

થપાટો મારવા દો

હું ફરી પાછી સ્વસ્થ થાઉં ત્યાં સુધી

રાતે મને આકાશ નિહાળવા દો

અને તારાઓને વાત કરવા દો

અસીમ ક્ષિતિજો અને અજાણ્યાં વિશ્વોની,

હું ફરી પાછી શાંત ને સબળ થાઉં ત્યાં સુધી.

   .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

પીછેહઠ – માર્જોરી પાઈઝર

મારો આત્મા કેમ વારંવાર

ધકેલે છે પોતાને હતાશાની ઊંડી ગર્તામાં ?

પછી મારી દુ:ખી અવસ્થા બદલ

હું ફક્ત રડી શકું છું અને

એકલી રહેવા ઇચ્છું છું.

પછી મારા કોચલામાં ભરાઈ જાઉં છું

અને મારે કાંઈ કહેવાનું નથી.

અને છતાં બહાર બધું સહીસલામત,

સૂર્ય પ્રકાશે છે, બાળકો રમે છે,

અને હું એકલી જ બેતાલ.

આવ, આવ, મારા હૃદય, હિંમત રાખ,

વ્યથાનો સામનો જલદી કર

અને ફરી પાછું જીવન પાસે જા.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

ઊંડાણોમાં – માર્જોરી પાઈઝર

ગયે અઠવાડિયે

મારા જીવનને હું જૂના બૂટની જેમ

ફગાવી દઈ શકી હોત-

મારા મુકામનો અંત આણી શકી હોત.

હતાશાના સાગરો મારા આત્માને કેવા ખેંચી ગયા છે,

તે હું કહી શકતી નથી.

મૃત્યુની મારી ઇચ્છા

હું દર્શાવી શકતી નથી.

ગોકળગાય પોતાના છીપલામાં ખેંચાઈ જાય એમ,

અંતની ઇચ્છા રાખતી હું

મારામાં ખેંચાઈ ગઈ છું.

જેમને હું ચાહું છું એમની પાસેથી

મને પાછી ખેંચી લઉં છું.

હવે એમની કોઈ ફિકરચિંતા નથી મને.

મારા એકદમ ભીતરના આત્મામાં પાયમાલી હતી

અને ભયાનક એકલતા,

અને અગાધ ગહનતાનાં ઊંડાણોમાં

મને પછાડવામાં આવી છે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

છૂટા પડવા માટે કાવ્ય – માર્જોરી પાઈઝર

હું તારી સામે જોઉં છું

તું ન હોય ત્યારે

તારો ચહેરો મને યાદ રહે માટે.

 .

હું તને સાંભળું છું

તું ન હોય ત્યારે

તારો અવાજ મને યાદ રહે માટે.

 .

હું તારા વિશે વાકેફ રહું છું,

તું ન હોય ત્યારે

તારી લાગણીઓ યાદ રહે માટે.

 .

મને ડર છે કે તારા ગયાને

બહુ લાંબો સમય થઈ જશે પછી,

હું તારો ચહેરો કદાચ ભૂલી જાઉં,

એટલે મારા મનમાં

તને સમગ્રપણે જાળવી રાખવામાં હું વ્યસ્ત છું.

  .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

શોક – માર્જોરી પાઈઝર

જીવનમાં ગુમાવેલા પ્રિયજનો, હું શોક કરું છું,

મૈત્રી નિષ્ફળ ગઈ,

મૈત્રીનો અંત આવ્યો,

પિતા અને ભાઈઓ અને માતા,

પહોંચ બહારના, અસ્પૃષ્ટ.

હું મારા પ્રિયતમના મૃત્યુનો શોક કરું છું,

ઇચ્છ્યો નહોતો એવો અંત,

ક્ષણવારમાં તો માણસ સ્મૃતિ બની જાય.

મૃત્યુ પામેલાંઓ અને ગુમાવેલાંઓ માટે

મારું હૃદય કેવું વ્યથિત થાય છે

અને મારી નિકટ છે એમનામાં સમાવા માટે

મારું હૃદય કેવું બહાર ઝૂકે છે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

સમગ્ર વિશ્વનાં આંસુ – માર્જોરી પાઈઝર

કેમ હું આટલી બધી શોકગ્રસ્ત, આંસુઓથી ભરેલી છું ?

આ છેલ્લાં થોડાં વર્ષોમાં મને ઉદાસી જ ઉદાસી પ્રાપ્ત થઈ

હવે ચોક્કસ એ પૂરું થયું છે ને ભૂતકાળ બની ચૂક્યું છે.

પણ મારી ભીતર શોકનો દરિયો છે.

મારી સ્મૃતિ નીચેના ખૂબ ઊંડાણેથી ઊભરાતા

સદીઓથી ભેગાં થયેલાં આંસુઓના ભારથી મને દબાવી દેતા

શોકને પહોંચી વળવું મારે માટે મુશ્કેલ છે.

મદદ વગર

હું સમગ્ર વિશ્વનાં આંસુઓમાં તણાઈ જઈશ.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

વિનાશ વેરતા કડાકાભડાકામાંથી

વાવાઝોડાના વિનાશ વેરતા, કડાકાભડાકામાંથી,

કેન્દ્રમાં રહેલા ઝંઝાવાત મારા આત્મા પર આઘાત કરે છે,

પછડાટની ભેખડ અને હું પડી ગઈ છું, ભયત્રસ્ત, પૂરેપૂરી,

આશ્વાસન આપનાર, ક્યાં છે તારું આશ્વાસન ?

ઓ, હું કોણ છું, આગ ને આંસુઓમાંથી,

ભયાનક આકાશ અને મોતમાંથી

મારા પ્રેમના ઝંઝાવતમાંથી માર્ગ કાઢતી ?

હું કોણ છું, કે મને અત્યંત દુ:ખ અને મૃત્યુ-ખોટથી

નરમ પાડવામાં આવે છે

અને મારા ગરીબડા હૃદયને દિલાસો આપવા

હું કવિતા લખું છું ?

.

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

અંત અને આરંભ – માર્જોરી પાઈઝર

.

ઘણાં વર્ષો પહેલાં જેની શરૂઆત થઈ હતી

એનો અંત આણીને,

તમે પાછા ફર્યા છો,

જ્યાંથી, આપણે બધાં આવ્યાં છીએ એ અનંત આરંભમાં,

તમે કોઈક ન શોધાયેલી આકાશગંગામાં તારો બન્યા છો,

કે તમે શ્વાસ છો કે પવનલહરી છો

વિશ્વના શ્વાસ અને ઉચ્છ્શ્વાસમાં ?

.

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

પ્રેમનું અસ્તિત્વ – માર્જોરી પાઈઝર

મને લાગતું હતું કે તમારું મૃત્યુ હતું

દુર્વ્યય અને વિનાશ,

સહન ન થઈ શકે એવી શોકની વ્યથા.

મેં હજી સમજવાની શરૂઆત કરી છે

કે તમારું જીવન એક ભેટ હતું અને વિકસતું

અને ચાહતું મારી સાથે બચ્યું છે.

મૃત્યુની હતાશા પ્રેમના અસ્તિત્વનો વિનાશ કરે છે,

પણ મૃત્યુની હકીકત

જે અપાયું છે એનો વિનાશ કરી શકતી નથી.

તમારા મૃત્યુ અને તમારી જુદાઈને બદલે

તમારા જીવનને ફરીથી જોવાનું હું શીખી રહી છું.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

મહત્વ – માર્જોરી પાઈઝર

જીવનની બધી બાબતો કેવી મહત્વની છે,

મિત્રો અને માલિકીની વસ્તુઓ, રાજકીય સંઘર્ષો

અને માનવજાતનું ભવિષ્ય,

જાતીયતા અને રમતગમત અને કોણે કોને માટે શું કહ્યું,

અને કામધંધો અને ખરીદી,

અને થાકી જવું અને સુખી થવું

અને યુવાન થવું અને વૃદ્ધ થવું,

મૃત્યુ નજીક આવે છે

અને આપણી આસપાસની બધી રોજિંદી વસ્તુઓને હડસેલી દે છે,

ત્યાં સુધી રોજેરોજની બધી વસ્તુઓ કેવી મહત્વની છે

જ્યાંથી આપણે આવ્યાં

અને આખરે જ્યાં જવાનાં છીએ

એ મહારહસ્ય સમક્ષ

પછી આ બધી મહત્વની વસ્તુઓ

તુચ્છ બની જાય છે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )