પ્રેમનો મારગ-પન્ના નાયક

પ્રેમની લીલીછમ જાજમ બિછાવેલા રસ્તા પર
પગમાં છાલાં પડે ત્યાં સુધી
અટક્યા વિના
ચાલ્યા કરો છો તમે.

તમને કોણ સમજાવે
કે
આ કહેવાતા પ્રેમનો રસ્તો
ક્યાંય જતો નથી
કે
ક્યાંય લઈ જતો નથી.

તમે ઊભા હતા ત્યાં ને ત્યાં જ
ઊભા છો હજી અને ઊભા જ રહેશો ત્યાં.

છતાંય
મનમાં માનો છો
ને વંચક મનને મનાવો છો
કે
તમે જોજનના જોજન કાપ્યા છે.
હકીકતમાં તો…

( પન્ના નાયક )

ટહુકો-પ્રીતમ લખલાણી

૧.
રાત્રે આ ટમટમતા તારા
એ બીજું કાંઈ નથી.
પણ દિવસે
પંખી ચાંચે આભમાં
વેરાઈ ગયેલા
ટહુકા જ હોય છે.

૨.
કોઈ ઢળતી સાંજે
પંખી ટહુકે ત્યારે
પીંજરું પીગળીને
આભ થઈ જતું હોય છે.


ઊડી જતો
ટહુકો
એવું તે શું કહી ગયો
કે પર્ણ
લાલ-પીળાં થઈ ગયાં ?

૪.
પંખી પૂછે ડાળને
‘જોઈએ છે
ટહુકો ?
તો બોલો તે
કઈ ઢગલીમાં હશે ?’

( પ્રીતમ લખલાણી )

તો લખજે મને-પરાજિત ડાભી

આંસુઓને સારવાનું થાય તો લખજે મને.
દર્દને વિસ્તારવાનું થાય તો લખજે મને.

જિંદગી કેરો ભરોસો સોળાઆની હોય પણ,
મોતને જો મારવાનું થાય તો લખજે મને.

જે વિચારોનાં બરફને પીગળાવી ના શકે,
તાપણું એ ઠારવાનું થાય તો લખજે મને.

ધબ દઈને તેં પછાડ્યું પોટલું જે શ્વાસનું,
એ ફરી વેંઢારવાનું થાય તો લખજે મને.

હારવામાં તો હંમેશા હારવું નક્કી જ છે,
જીતમાં પણ હારવાનું થાય તો લખજે મને.

જન્મ આપીને ગુનાઓ પર ગુનાઓ લાદતા,
ઈશને લલકારવાનું થાય તો લખજે મને.

લોહી છાંટીને લખ્યું જે શ્વાસનાં કાગળ ઉપર,
કાવ્ય એ સુધારવાનું થાય તો લખજે મને.

( પરાજિત ડાભી )

એકાંતનો માળો-પન્ના નાયક

મારા ઘરમાં જ એક બગીચો છે
ફૂલોથી સભર
ને
તરબતર.
મને ફૂલોની તરસ લાગી છે
અને
સુગંધની શાંતિને
હું ગટગટાવું છું.

મારા ઘરમાં જ
અનેક પહાડો છે
આ પહાડો સૌજન્યશીલ છે
એ સૂરજને રૂંધતા નથી
કુમળાં કિરણોનું ગળું દબાવતા નથી.

મારા ઘરમાં જ
એક દરિયો પણ છે
અને એનાં અનંત મોજાં ઊછળ્યાં કરે છે
માછલીઓ નિરાંતને જીવે તર્યા કરે છે.

હું એ દરિયાનાં મોજાં પર
નાનો અમથો માળો બાંધીને
ક્યારેક એકલી એકલી
મારા એકાંતને માણ્યા કરતી હોઉં છું.

( પન્ના નાયક )

સમણાં-ઇસુભાઈ ગઢવી

તમે તો ગોરલ પાછલા પરોઢનાં સમણાં
આખા તે આયખાના અધુરા ઢોલ
ગોરલ, સમણામાં થાય રોજ બમણા.
તમે તો ગોરલ…

અકેડા પાણકામાં પાથરીને પ્રાણ અમે
પાતાળી નદીઓને પૂરી,
શ્વાસોના થોકબંધ ખડક્યા અંબાર તોયે
ભીતરની ભીંતો અધૂરી,
સૂકાભઠ આભલાના ચંદરવે ચિતર્યો
સુખોના સરનામાં નમણાં.
અમે તો ગોરલ…

લીલીછમ ઝંખનાનાં જાળાં ગૂંથીને
અમે સુગરિયા માળાઓ બાંધ્યા,
વેદનાની સોયોમાં ઓરતા પરોવીને
તૂટેલા તાંતણાઓ સાંધ્યા,
આંગણા ઊગેલી કાંટાળી વાડ પર
ફૂલો ફોરમવાની ભ્રમણા
તમે તો ગોરલ…

આવો ઉગાડીએ રણમાં ગુલાબ
ને દરિયામાં વીરડાઓ ગાળીએ,
હેમાળો આંગળીના ટેરવે ઉપાડીએ
ને ધરતીને પાંપણોથી વાળીએ,
આશરાની ઓથ ગોરલ ચપટીક આપો
ભલે પીડાનાં પૂર ડાબાં-જમણાં.
તમે તો ગોરલ, પાછલા પરોઢનાં સમણાં.

( ઇસુભાઈ ગઢવી )

થોભો જરા-પરાજિત ડાભી

તૂટલી આ નાવ છે, થોભો જરા.
તીવ્ર આ ઘેરાવ છે, થોભો જરા.

ફૂલનાં સ્પર્શો વડે જે છે થયા,
દૂઝતા એ ઘાવ છે, થોભો જરા.

હાથતાળી દઈ જશે અજવાશ પણ,
એક ક્ષણની છાંવ છે, થોભો જરા.

સૂર્ય ઓઢીને ફરે અંધાર એ,
ઊજળો દેખાવ છે, થોભો જરા.

જળ નથી, જળનું કપટ તો સ્પષ્ટ છે,
ચીતરેલી વાવ છે, થોભો જરા.

સત્યનું કાનસ ઘસી ઉજળી કરી,
વાત એ ઉડાવ છે, થોભો જરા.

શ્વાસની સાથે જ એ થાશે ખતમ,
જિંદગી તો દાવ છે, થોભો જરા.

( પરાજિત ડાભી )

કોયલ-પ્રીતમ લખલાણી

૧.
જો ડાળે
કોયલ
ટહુકતી ન હોત તો
ફળિયે
લહેરાતું વૃક્ષ
મારા ડ્રોઈંગરૂમમાં
ઝૂલતી ફ્રેમમાં
ઊભું હોત !

૨.
શેરીમાં
આજ
ધોધમાર ટહુકે છે
કોયલ !

૩.
એક ઢળતી સાંજે
સ્વરકિન્નરીને મેં કહ્યું,
‘તમારા કંઠના
કામણનું ઓજસ
ચારે તરફ ફેલાયેલું છે !’
બારી તરફ
આંગળી ચીંધી તે બોલી :
‘પેલી ડાળે
મન મૂકીને ટહુકતી
કોયલ
સમુંતો નહીં જ ને ?’

( પ્રીતમ લખલાણી )

હવે એક માત્ર-સાહિલ

હવે એક માત્ર વિકલ્પ છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું
અને વાત કેવી અનન્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

તમે છો અરીસાની સાવ સામે – અમે અરીસા પછીતમાં
બધાં દ્રશ્ય સરખા સુરમ્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

તમે એટલે ઉત્તર દિશા –અમે એટલે દક્ષિણ દિશા
છતાં ક્યાં મિલાપ અશક્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

નથી સ્વપ્નમાંય જોવા મળી કોઈ ધૂંધળીયે ઝલક હજી
શું કહું શુ કલ્પના ભવ્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

હો ભરમ બધાંય અકળ ભલે – અને બ્રહ્મ હોય અતળ બધાં
જે અકલ્પ્ય છે એ જ સત્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

તમે પાંચેપાંચ મહાભૂતો સદા એક સૂત્રમાં સાંકળ્યાં
અહીં ગમ્ય એ જ અગમ્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

અમે એટલે ઝુરાપો નર્યો – તમે એટલે સુગંધી હવા
અમે તારવેલું આ તથ્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું

( સાહિલ )

ઘર-પ્રીતમ લખલાણી

૧.
બાળકો
મજેથી કોઈ ખૂણે
ઘર ઘર રમતાં હોય છે,
તે ક્ષણે
ઘરનું સાચું સુખ
આપણી આસપાસમાં
ઊઘડતું હોય છે !

૨.
વાત જો ફક્ત
બંગલો જ બાંધવાની
હોય તો
રોજ બાંધી શકીએ,
પણ એક ઘર બનાવતાં
તો
કદાચ આખું આયખું
વીતી જાય !

૩.
‘ભલે પધાર્યા’નું
તોરણ નહીં
પણ ઉંબરાનું વાતાવરણ
તમને આવકારવા
ઓતપ્રોત થઈ જતું દેખાય તો
સમજજો હોટલ નહીં પણ
તમે મનગમતા ઘરે
થયા છો મહેમાન !

૪.
કોઈ ઢળતી સાંજે
કિલકિલાટ કરતાં પંખીના
એકાદ માળે જઈ ચઢશો તો
સમજાઈ જશે કે
ભલા ઘર શું છે ?

( પ્રીતમ લખલાણી )

રસ્તો-પ્રીતમ લખલાણી

૧.
અકાળે યાદ આવી જાય
બાળપણ તો
હડી કાઢતો મૂઠી વાળી
આવી ચડે રસ્તો ગામને પાદર.

૨.
મૃગજળ પાછળ દોડતો રસ્તો
ખોવાઈ ગયો રણની રેતીમાં.

૩.
ગુલમહોરની ખોજમાં
રસ્તો દિ’ આખો રઝળ્યા કરે
શહેરની ગલીઓમાં.

૪.
બુદ્ધ ક્યારેક નગરમાં પાછા ફરશે
એ આશાએ રસ્તો પૂનમની રાતે
જોતો રાહ યુગોથી.

૫.
આમ એકાએક નગર છોડી
હું ચાલ્યો નહીં જાઉં,
ક્યાં બન્યો છે ઘરથી કબર સુધી
મારા સ્વપ્નો રસ્તો !

( પ્રીતમ લખલાણી )