બળવત્તર છે – અંકિત ત્રિવેદી

ઈચ્છાઓ પણ બળવત્તર છે, પીડાઓ પણ બળવત્તર છે

લોહી નિચોવીને જીવ્યો છું, અફવાઓ પણ બળવત્તર છે

 .

રણ જેવું તોરણ બાંધે છે, ડમરીઓ રેતી રાંધે છે-

સાંજે આંખોમાં ઘેરાતા તડકાઓ પણ બળવત્તર છે

 .

ડાઉનલોડના સંબંધોમાં ભળીભાખળી ભાળ મળે છે,

જાત ઉછીની ઓળખ આપે રસ્તાઓ પણ બળવત્તર છે

 .

શું પૂછું ને જવાબ આપે, એવા દિવસો કોને માપે ?

કયા અંતને સાચો ગણવો ? ઘટનાઓ પણ બળવત્તર છે

 .

હું બોલું ને તમે સાંભળો વાત જુદી છે સમયસમય પર

સૌને સૌની રીતે ભજવે તખ્તાઓ પણ બળવત્તર છે

 .

( અંકિત ત્રિવેદી )

નિર્લેપ દ્રષ્ટિથી – ખલીલ ધનતેજવી

તમારા ઘરનાં દીવા રાતે રસ્તામાં હતા કે શું ?

પવન ફંટાઈ જાશે, એ ભરોસામાં હતા કે શું ?

 .

ઘરે પહોંચ્યોં તો દરવાજાએ પૂછ્યું ક્યાંથી આવો છો ?

સુગંધ આ શેની છે, સાંજે બગીચામાં હતા કે શું ?

 .

તમારા દિલના ધબકારા અજાણ્યા કેમ લાગે છે !

તમે પણ કાલે તરણેતરના મેળામાં હતા કે શું ?

 .

ઘણી વાતો, ઘણાં વર્ષો પછી કાલે કહી નાખી,

હવે એ પણ કહો, ગઈ રાતે સ્વપ્નામાં હતા કે શું ?

 .

તમે ચુપચાપ સાંભળતા રહ્યા, નિર્લેપ દ્રષ્ટિથી,

કે મારી રૂબરૂ બીજી જ દુનિયામાં હતા કે શું ?

 .

દિવસ રઘવાટમાં કાઢ્યો ને રાતે પણ નથી સૂતા,

તમારા પણ વહાણો કાલે દરિયામાં હતા કે શું ?

 .

ફરી બેચાર પથ્થર એ તરફથી આ તરફ આવ્યા,

તમે પાછા ખલીલ એના જ ફળિયામાં હતા કે શું ?

 .

( ખલીલ ધનતેજવી )

વાણી કબીરની – હરકિસન જોષી

દેખાય નહીં ઘાવ, કળા તારા તીરની !

સૌરભ ન પારખી શકી લીલા સમીરની !

 .

પીડા તરસની લઈને ભટકતા’તા વાટમાં

પનઘટ ઉપર લઈ ગઈ વાણી કબીરની !

 .

માણસને જોવો જોઈએ માણસ રૂપે બધે

એ ઝૂંપડું હો કે હો હવેલી અમીરની

.

ધારું તો હાથ ઝાલી લઉં હું સૌના દેખતા

મર્યાદા નડે તેં સનમ ખેંચી લકીરની !

 .

આંખોમાં રહી એકલા આકાશની ઝલક

બહેતર દશા છે આજ તો તારા ફકીરની !

 .

( હરકિસન જોષી )

ત્યાં સુધીમાં – મુકેશ જોષી

ચાલ પિંકુ, તને એકથી અનંત ગણતાં શીખવાડું

મમ્મી, એ કેવી રીતે ?

આપણે તારા ગણીએ

મમ્મી, હું તો સૂઈ જાઉં છું, ઊંઘ આવે છે

પછી એ ગણવા બેઠી

ગણતાં ગણતાં વચ્ચે વાદળ આવી ખડખડ હસી પડ્યાં ને ભૂલ પડી

ગણતાં ગણતાં ઝબક ઝબકતાં તારા ધડધડ ખરી પડ્યાં ને ભૂલ પડી

ગણતાં ગણતાં મંદ ચાલ લૈ ચાંદ-ચાંદની ફરી વળ્યાં ને ભૂલ પડી

સવારે રાતીચોળ આંખો જોઈ

પિંકુએ ધીરજ ખોઈ

મમ્મી કેટલા દિવસથી તારા ગણે છે ?

કેટલા દિવસ ગણીશ ?

એ તો આપણને છોડી ગયેલા તારા પપ્પા આવશે ને ત્યાં સુધીમાં

તો ગણાઈ જશે.

 .

( મુકેશ જોષી )

મેઘધનુષ – મુકેશ જોષી

આ તો કહેતા કહેવાઈ ગયું તમને હું ચાહું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે સૂરજના પડખામાં જિંદગી વીતાવું છું.

 .

વાયરાએ એવી તે મારી શું આંખ મૂઈ ખુશ્બુએ દાબડી ખોલી

વાણીને ગોખાવી રાખ્યું’તું મૌન તો ય આંખોને ટેવ છે તે બોલી

આ તો કહેતા કહેવાઈ ગયું ફૂલો સજાવું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે બાગમાં હું જ મારી જાતને વાવું છું

 .

અરધું આકાશ તમે જોયું છે એટલે અંદર પતંગિયાં ડરે છે

સાચું કહું તો એ ઊડે છે જ્યાં જ્યાંથી જિંદગીના રંગ ત્યાં ખરે છે

આ તો કહેતા કહેવાઈ ગયું સપના રંગાવું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે મેઘધનુષ આંખથી પાછા વળાવું છું.

.

( મુકેશ જોષી )

ડોકિયું – મુકેશ જોષી

એને સીધા બેડરૂમમાં આવવાની ટેવ

ભીના ખુલ્લા વાળ રાખીને ઊભી રહું તો

પવન થઈને ફરે સુગંધી જંગલમાં

 .

ચાંદલો કરવા કંકુ ડબી ખોલું તો

આઇનામાંથી ડોકિયું કરી મને લાલમલાલ કરી દે

 .

સાડીની પાટલી વાળતી હોઉ તો

બારીમાંથી વાદળ થઈ ડોકિયું કરે

 .

તકિયા પર તો માથું મુકાય જ નહીં

એના શરીરની સુગંધ…

એટલે

હવે તો કીચનમાં જ સમય વીતાવું

તો ય

કોફીની વરાળમાં

દાળના વઘારમાં

કૂકરની સીટીમાં

એ સીટી માર્યા કરે

મને લાગે છે

ઘણા સમયથી હું માત્ર કાંદા સમાર્યા કરું છું.

 .

( મુકેશ જોષી )

…ખોઈ બેઠો છું-એક તઝમીન – લલિત ત્રિવેદી

આજ સૂનકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

ઝીણો ઝણકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

એની ઇ ભોમકાના અણસારા… વૈખરી પાર થાતાં ઉદગારા..

જોગી ! ઇ તાર ખોઈ બેઠો છું, … એક આકાર ખોઈ બેઠો છું

 .

કોને શોધું છું, કયા વેશે છું… આ કયા દેશે અહર્નિશે છું…

ક્યારે વણજાર ખોઈ બેઠો છું… એક આકાર ખોઈ બેઠો છું

.

ક્યારે હું એકટસ ન જોઈ શક્યો…ક્યારે હું એક પગ ઊભી ન શક્યો

કે હું સ્વીકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

એક નિષ્કંપ વેળની વાટે…કોના વિનાની વાવના કાંઠે…

એક અસવાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

રેન બુઝાઈ ગઈ છે, આવી જા… પેન રણકતી નથી, આવી જા…

હું ઈંતેઝાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

તારાં પાણીડે ખેલવા માટે… તારા પાલવડે પોઢવા માટે…

હું નિરાકાર બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

( લલિત ત્રિવેદી )

…પતંગિયા કહેશે – લલિત ત્રિવેદી

કળીની સુરખિ-શો મત્લઆ પતંગિયા કહેશે

કુમાશ તારી, ને મિસરા પતંગિયા કહેશે !

 .

ઘુઘવતી માટી લગ રસ્તા પતંગિયા કહેશે !

ફૂટે ક્યાં ખુશ્બુનાં ઝરણાં, પતંગિયા કહેશે !

.

કવિ ! બગીચા સાથે તારે વાત કરવી છે !

તો શીખ ફૂલની ભાષા, પતંગિયા કહેશે !

 .

નદીમાં છે તે થનગનાટ છે પવનમાં પણ

લઈને પાંખમાં ગાણાં, પતંગિયા કહેશે !

 .

ભરી સભા હશે…ઋતુઓ ને બાગ સુણતાં હશે

ખરેલાં પર્ણની ગાથા પતંગિયા કહેશે !

.

“પદાર્થ પામવો જો હોય તારે મર્મરનો-

-લખ્યાં છે તૃણ ઉપર કક્કા”, પતંગિયા કહેશે !

 .

જઈશ ત્યારે હિસ્સો રેશમી દઈને જઈશ

ભલે ક્ષણિક છે આ કાયા, પતંગિયા કહેશે !

.

( લલિત ત્રિવેદી )

…સ્વીકાર દે કે ન દે ભલે – લલિત ત્રિવેદી

શું ફરક પડે છે પુકારને તું સ્વીકાર દે કે ન દે ભલે

ઝીણી આંખડીનું હું તેજ છું તું દીદાર દે કે ન દે ભલે.

 .

રખે માનતો કે હું ક્ષીર છું હું તો તારા નામની પીર છું

તારી બંદગીમાં બુલંદ છું તું ઉદ્ધાર દે કે ન દે ભલે.

 .

તું અદ્રશ્ય છે તો તાર છું, તું ખુદા છે તો હું ખુમાર છું

હું તલાશ છું…બેસુમાર છું…મને શું જરૂર તું વહાર દે કે ન દે ભલે.

 .

ન તો રંગ છું ન તો રૂપ છું ન હું ફૂલ છું કે ન ખુશ્બૂ છું

હું તને ચડાવેલ ધૂળ છું કોઈ પાર દે કે ન દે ભલે.

 .

હું સબરમાં છું કે સફરમાં છું..તું મૂરતમાં હો કે સતતમાં હો

છે સ્વયમ રણક એને શું તમા તાર દે કે ન દે ભલે.

 .

શું અલગ જગા કે ખુદા છે તું શું અલગ છે ઘર કે હું બંદો છું

ક્યાં રહ્યો હવે કોઈ ફાસલો એકાકાર દે કે ન દે ભલે.

 .

( લલિત ત્રિવેદી )

…દીવા જેવી – લલિત ત્રિવેદી

તો ભક્તો ! આજની શરૂઆત દીવા જેવી કરવી છે

આ તેંત્રી ક્રોડની ઠકરાત દીવા જેવી કરવી છે

.

જુદેરો જાગ છે… વિસાત દીવા જેવી કરવી છે

તરસ ને પાણીની અખિયાત દીવા જેવી કરવી છે

 .

હો ભીની ભીની રૂની વાટ ને હો રૂબરૂ લગ વાટ

સભર આ ઘરની જરૂરિયાત દીવા જેવી કરવી છે

 .

ઈ કંકુવરણા આપણા બે ઉપર ઢોળાતી અઢળક સાંજ

સખી ! ઈ સાંભરણની ભાત દીવા જેવી કરવી છે

 .

હો જરિયન નામ પેટવીએ…રણકતાં દામ પેટવીએ

શરીર જેવી રૂડી સોગાત દીવા જેવી કરવી છે

 .

જીરેજી ખેડશું પરબું ને ભરશું પ્યાલા રસબસતા

આ લેતીદેતીની રળિયાત દીવા જેવી કરવી છે

 .

સમેટાઈને તારી સામે બેસી જઈશ, પરભુડા !

કે ઝંઝાવાતની રજૂઆત દીવા જેવી કરવી છે

 .

( લલિત ત્રિવેદી )