જુલાહે – હરીશ મીનાશ્રુ

મુઝકો ભી તરકીબ સીખા દે યાર જુલાહે

(સ્મરણ્પુણ્ય : ગુલઝાર)

.

બિચ બજરિયા બેઠા બારોબાર જુલાહે

વણવું ને ગણગણવું તે વેપાર જુલાહે

 .

વાણે વાણે શીદ વણવા વહેવાર જુલાહે

તાણે તાણે તીજ અને તહેવાર, જુલાહે

 .

રૂને બ્હાને રહ રહ પીંજો કાંતો રૂહને

લખચોરાશી કપાસના અવતાર, જુલાહે

 .

કસબ જૂઠ ને જૂઠો કારોબાર, જુલાહે

ભીતરમાં દેખું તો નિત ઈતવાર, જુલાહે

 .

કહે ચદરિયા, રહના તુમ હુંશિયાર, જુલાહે

રંગરેજનો રંગ બડો ખૂંખાર જુલાહે

 .

અષાઢ શ્રાવણ વણશે અનરાધાર અંતરે

શાળ ઉપર તું છેડ મિયાં મલ્હાર, જુલાહે

 .

રોજ તાંતણો તૂટે ને ગંઠાય ઘડીમાં

શીદ મરવાં ને ધરવાં નિત અવતાર જુલાહે

 .

ભોર ભયી રે, રંગ રૂપેરી દડી ઊખડી

વીંટી લે બોબિન પર બારેક તાર જુલાહે

 .

સૂઈ-ધાગે જો નિંદ સે જાગે, કરે પુકારા

જલ્દી કર, તું શીદ લગાડે વાર, જુલાહે

 .

આ ચાદરના ઘરાગ ? તો કહે, વરણ અઢારે

એ બ્હાને ઓઢે અઢળક એંકાર, જુલાહે

 .

કયા કપાસે સરજ્યું સૂતર કોણ સાળવી

ચિડિયા ચુગ ગઈ સુપનેકા સંસાર જુલાહે

 .

કક્કાને તેં સાવ સમેટ્યો અઢી અક્ષરમાં

મુઝકો ભી તરકીબ સીખા દે યાર જુલાહે

.

પંખીનો એ ધરમ : ગમ્યું તે ગુંજી લેવું

હમકો નાહીં પતા કૌન ગુલઝાર, જુલાહે

 .

( હરીશ મીનાશ્રુ )

ભલું દેખાડ્યું તેં – રાજેન્દ્ર શુક્લ

વીજ કડક્કા વદ્દળ કાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

વસમી વાટ ને વંકા ગાળા, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

.

ઘર જાહલ ને ઝાઝાં જાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

દી ઊગ્યો કે ભર્ય ઉચાળા, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

 .

ક્યાંય કૂંચી નંઈ એવાં તાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

કૂવા ગાળ્યા તોય કોરાં થાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

.

અડવાણે પગ ને પગપાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

ક્યાં લગણ આ ચાવવાં લાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

 .

( રાજેન્દ્ર શુક્લ )  

….દીવા માન્યા પાંચ – લલિત ત્રિવેદી

આપ સાચવે સાચ એટલે દીવા માન્યા પાંચ

પરપોટા જ્યાં પાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

ઘરમાંથી ગ્યા મંદિરિયે ને મંદિરિયેથી ઘરમાં

ક્યાંય અડીના આંચ એટલે દીવા માન્યા પાંચ

 .

મ્હેતાજીએ મૂકી હોય તો ચશ્માંથી વંચાય

નરસૈંયાની ટાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

કોઈએ સાંધ્યા કાચ કોઈએ મન મોતી ને કાચ

આ તો સાંધી વાચ એટલે દીવા માન્યા પાંચ

 .

ખમીસમાં જો હોત ક્યાંય તો બખિયા મારત પાંચ

પડી છે અંદર ખાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

જતાં જાતરા એક દિવસ પહોંચ્યા મંદિરની માંહ્ય

માંડી અઠંગ જાપ એટલે દીવા માન્યા પાંચ

 .

પતંગિયાની પાંખેથી રજ જેમ ખરે છે અખ્ખર

લલિત તું ઈ વાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

( લલિત ત્રિવેદી )

 

તારું એક નામ – પ્રીતમ લખલાણી

સપનાઓની

સાંકડી શેરીમાં

મેં સંઘરી રાખ્યા છે

આંસુઓમાં

કુંવારી સંવેદનાના બધ્ધા રંગો !

જિંદગીનું વસ્ત્ર વેતરવા

વર્ષામાં સાથે ભીંજાવાની વાતો

ને’ વસંતમાં

ઝાંઝર લયમાં કીડીની

કાલી ઘેલી મધુરતમ વાણીને

મેં સાચવી રાખી છે

કાનોમાં

પંખીના લીલા ટહુકાની જેમ.

કોઈ કાળે

હૃદય ભીંતે જતનથી મૂકેલ

તારી તસવીરની આસપાસ

લાગેલી ધૂળને ખંખેરતા

જો મારા શ્વાસમાં

એકાએક દરિયો જાગે તો !

ઉમ્રભરના બોજાતળે

તૂટેલા તરાપામાં નિરાંતે

બેસીને મારે ફૂંકવો છે

અર્જુનનો પાંચ જન્યની શંખ

અને પછી આંખ સામે

આવીને ચાલ્યા જતા

પેલા હલેસા પર દરેક જન્મે

મારે બસ ઘૂંટ્યા કરવું છે

ફક્ત તારું એક નામ !

 .

( પ્રીતમ લખલાણી )

કવિતાનો સૂર્ય – પ્રીતમ લખલાણી

છત પર

લટકતાં ઝુમ્મર વચ્ચે

એક પતંગિયું

બંધ બારીઓ જોઈ જોઈને

વિચારોના દરિયામાં ડૂબી ગયું છે.

કેમ આજ

કારણ વિના નભથી

રિસાયા છે વાદળો !

જો અચાનક મોસમ બદલાઈ તો ?

ભીંત પર જડેલા પેલા ચિત્રોમાં

ચૂપચાલ ઊભેલાં વૃક્ષોની ડાળે

એકાદ બે પાંદડાં ફરફરી ઊઠે

અને પછી તેની કોઈ ડાળે

ટહુકા વેરતું પંખી

માળો બાંધવા આવી ચઢે તો !

ઘર, ગલી અને ફળિયા વચ્ચેના

વાદળ ઘેરાયેલા આકાશમાં

કવિતાનો

સૂર્ય ઝળહળી ઊઠે !

 .

( પ્રીતમ લખલાણી )

બસ સ્હેજ – પ્રીતમ લખલાણી

પવન હિલોળે

હળવેકથી

પરોઢે

મારી બારી ખોલી

ને ઢળતી રાતથી

રાહ જોઈને બેઠેલ

ઝાકળ ભીની મોગરાની

એક ડાળ

કોડભરી કન્યાસમી

બારીએથી પ્રવેશતી

મને વળગી પડી.

એટલે મારાથી તેને પૂછાય જવાયું.

‘અરે ! રાત આખીમાં

તે’ આભના કેટલા તારા ગણી નાખ્યા ?’

અને તે,

હોઠોમાં મલકાતી બોલી,

‘જો કોઈએ,

ગઈ રાતને

બસ સ્હેજ લંબાવી દીધી હોત તો ?

મેં ક્ષિતિજમાં બધા તારાને ગણી નાખ્યા હોત !

 .

( પ્રીતમ લખલાણી )

અર્થ – પ્રીતમ લખલાણી

દોસ્તો !

આપણી બંધ મુઠ્ઠીમાં

ઈશ્વર નથી કે

આપણે કોશનો અર્થ

કોઈ પણ વ્યક્તિને

નિર્ભય મને

કોરા કાગળમાં સમજાવી શકીએ !

ખાલીપાનાં ખંડેરમાં

પીળું પાંદડું જ નહીં

લીલું પાંદડું પણ એકલું એકલું

એકલતામાં

ખખડતું હોય છે.

શબ્દની લિપિમાં

ભલે સોનેરી શ્વાસ મઢ્યો હોય

વાણીનો અર્થ

સાવ સીધો સરળ

પાણી સમો નિર્મળ લાગતો હોય

છતાં કોણ છે સાચું ?

ને’ કોણ છે ખોટું ?

આવી કારણ વગરની

પંચાતમાં કોણ કૂદી પડે ?

નહીંતર શબ્દકોશના જર્જરિત પાનામાં

જો વૃક્ષનો અર્થ શોધવા નીકળીએ

અને આપણને કદાચ તેનો અર્થ

પંખી મળે !

એમ પણ બને !

 

( પ્રીતમ લખલાણી )

રંગભેદ – પ્રીતમ લખલાણી

એક વહેલી સવારે

લાલ લીલા

પીળા અને ભૂરા પંખીઓને

આંગણાના

મેપલ વૃક્ષની ડાળે ડાળે

રમતાં, ભમતાં જોઈને

‘વાહ કેવા

સુંદર મજાના પંખીઓ છે ?’

ને ત્યાં જ

પવનમાં લહેરાતી

ગુલાબની એક ડાળે

મારો કાંઠલો જાલીને મને કહ્યું,

‘અરે’ કવિ,

તું આવી રૂપરંગની

જાળમાં ક્યાંથી અટવાયો !

‘પંખી,

રૂપરંગથી નહીં

ઓળખાય છે ટહુકાથી !’

 .

( પ્રીતમ લખલાણી )

મૂલ્ય મારે શ્વાસના – ફિલિપ ક્લાર્ક

મૂલ્ય મારે શ્વાસના કરવા હતા;

ને અજંપા ઊરમાં ભરવા હતા.

 .

નાવ કાગળની બનાવીને પછી;

સાગરો કૈં રેતના તરવા હતા.

 .

ને પ્રસાદી રૂપે મારે દેવને;

વેદનાના આંસુઓ ધરવા હતા.

.

ટાંકણું એકાંતનું કરવું અને;

યાદના આકારને ઘડવા હતા.

 .

અન્યની તો વાત પણ કરવી નથી;

જાત સાથે યુદ્ધ કૈં લડવા હતા.

 .

સમજ કેરા ધ્વજને ફરકાવવા;

અણસમજના શિખરો સરવા હતા.

 .

( ફિલિપ ક્લાર્ક )

કેમ કરીને – દેવેન્દ્ર દવે

કેમ કરીને તને પ્રેમનું ગીત મજાનું લખવું ?!

શબ્દો કેરા સાગરમાંથી મોતીને જ પરખવું…કેમ કરીને.

 .

બે-ચાર હજી જ્યાં અક્ષર માંડું કલમ બિચારી અટકે,

લખું પરાણે જેવું તેવું-ટાંક ઓચિંતી બટકે !

 .

તને ગમે એ વાત વિચારી લખવા કાજ વલખવું,

દિવસે-રાતે ભઠ્ઠીમાંના અંગારા-શું ધખવું !…કેમ કરીને.

 .

‘પ્રેમ’ નામની ચીજ પ્રથમ કથવી-લખવી અઘરી,

ગાવાં જાતાં ભુલાય સઘળું, બાઝે કંઠે ખખરી !

 .

નભમાં તરવું, જલમાં સરવું, છંદ-સ્પંદને ચખવું,

પળમાં પ્રગટે, છળમાં પલટે, કદીક વળી હરખવું…!…કેમ કરીને.

 .

( દેવેન્દ્ર દવે )