મંદી છે – હરદ્વાર ગોસ્વામી

ગણી ગણીને શ્વાસો લેજો, મંદી છે,

સપનાંને સમજાવી દેજો, મંદી છે.

 .

ટોકન સંબંધોનું આપી રાખો પણ,

કદી ન કરજો દસ્તાવેજો, મંદી છે.

 .

મોટર, કૂલર, ફ્લેટ, ફ્રિજ ને મોજમજા,

છાનાંમાનાં બેસી રહેજો, મંદી છે.

 .

દૂર દૂર છે દરિયા ને રણ રસ્તામાં,

પર્વત પર્વતમાં જ વહેજો, મંદી છે.

 .

એક ખજાનો ભર્યો-ભાદર્યો ભીતરમાં,

કોઈને ના, કદી જ કહેજો, મંદી છે.

 .

( હરદ્વાર ગોસ્વામી )

હે જી એમ કરી બોલિયાં – હરીશ મીનાશ્રુ

હે જી એમ કરી બોલિયાં રે ગંગા સતી

પળનાં પરમાણ તારી પરછાંઈ, પાનબાઈ, તું ન કશું કરતી કે કારવતી

 .

ઓરતાને ઓગાળી નાખ, તારી ભાષામાં

મતલબ એનો જ પછી આરતી

વાણી તો વસ્તર છે, – એને વિદાર

થશે આપોઆપ ઝળહળતી જાત છતી

 .

હરિને તે દેશ સદા ફરફરવું : ક્યાંય નથી વાયરા ને ફોરમની ફારગતી

હે જી એમ કરી બોલિયાં રે ગંગા સતી

 .

મૂળે તો માણસની જાત નરી ભરમાળી,

જોગી ભોગી કે પછી હોય જતિ

મરવાની જુગતિ જો આવડી જશે તો

તારે અંગ અંગ ઊગશે અમરાવતી

 .

છેવટે તો હોવાનો અર્થ એ જ નીકળશે : હુંયે ન’તી બાઈ, તુંય ન’તી

હે જી એમ કરી બોલિયાં રે ગંગા સતી

 .

( હરીશ મીનાશ્રુ )

અલખ છે અગોચર – સુધીર પટેલ

અલખ છે અગોચર, તો આ હાજરી કોની છે ?

નથી કૈં, કશું ના, સભા તો ભરી કોની છે ?

 .

પદારથ સકલ એનામાં સ્થિર છે તો પછી,

બજે વાંસળી ત્યાં નજર બહાવરી કોની છે ?

 .

નથી દ્વૈત કોઈ, ન જુદાપણું તો પછી,

વિરહ કોનો છે ? આંખ પણ ઝરમરી કોની છે ?

 .

સમયની બધી ગત-વિગત હાથમાં છે છતાં,

ઢળી સાંજ ત્યાં વાત બે સાંભરી કોની  છે ?

 .

સ્વયમ નાદ થૈ વ્યાપ્ત છે ચૌદ ભુવન ‘સુધીર’,

હરે ચૈન એનુંય એ ઝાંઝરી કોઈ છે ?

 .

( સુધીર પટેલ )

ખૂણા – આકાશ નાયક

આજે ખૂણા યાદ આવ્યા,

કેસરી, લીલાં, ભૂરાં કિરણો વચ્ચે રચાતા

દેખા, અણદેખા કરી આગળ વધતા,

સ્મૃતિપટ પર વિહરતા

કાળમીંઢ પથ્થર જેવા

 .

એ તરફ પહોંચી જોઉં તો-

ખૂણા મૃગજળ થયા

દ્રષ્ટિ એની લગોલગ છતાં દૂર

 .

આજે તો આંખથી જ સ્પર્શ કરું-

ભય હંમેશાં રોકે

ખબર નહીં ખૂણા શું દેખાડે ?

સ્મૃતિ વીખરાઈ જશે તો ?

વીણવામાં જીવન વીતી જશે તો ?

 .

વધુ પાસે પહોંચી જોયું-

એક નથી

આવા અગણિત ચારે તરફ દટાઈને પડ્યા છે ખૂણા :

આ ખૂણા મારા ?

ક્યારે ભેગા કર્યા ?

એકેનો ભાર કેમ ના લાગ્યો ?

 .

આજે ખૂણા ખોલવા છે

હાથ લંબાવું તો ખૂલે

શક્ય છે એમાં વિવિધ રંગી આકાશી તેજ હશે

પતંગિયાં ને મધુરસ હશે

ઈચ્છાઓનાં મૂળ હશે

 .

આટલો અમથો ખૂણો ને આટલું મોટું વિશ્વ ?

નિરાકાર ?

એમાંનો કયો તારશે ?

શક્તિનો સંચાર કરશે ?

વિસ્તારશે ?

 .

( આકાશ નાયક )

મારું એકાંત – પન્ના નાયક

panna_naik_pic1

.

મને ગમે છે

મારું એકાંત.

 .

ઘોંઘાટ શમી ગયો હોય છે,

ચિત્ત શાંત થયું હોય છે,

પછી

મારી મારે માટેની શોધ

આરંભાતી હોય છે,

 .

અને

કાવ્યની પ્રથમ પંક્તિ

રૂમઝૂમ કરતી આવતી હોય છે

મારી પાસે,

 .

અને

હરજી હળવે હળવે

મૂકતા હોય છે હાથ

મારે ખભે…

.

( પન્ના નાયક )

બહિષ્કાર – પન્ના નાયક

એની કવિતાએ

સ્ત્રીઓને બહેકાવી છે.

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

પોતાની સુષુપ્ત સંવેદનાને

ઢંઢોળવાનું કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

પગમાં પહેર્યાં છે એ ઝાંઝર નહીં

પણ સદીઓથી પહેરાવેલી બેડીઓ છે એમ મનાવી

એ બેડીઓને

ફગાવી દેવા કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

પતિના અવસાન પછી

મુરઝાયેલા ફૂલ જેમ

બાકીની જિંદગી જીવવાના આપણા રિવાજને

તિરસ્કૃત કરવા કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

છોકરીઓની સદાયે અવગણના કરતા

આપણા દંભી હિંદુ સમાજને

વખોડવા કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

“પુરુષની બુદ્ધિના પાંજરામાં

લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું

મંજૂર નથી”

એવો છડેચોક

પડકાર કરવાનું કહ્યું છે

 .

એની કવિતાએ

હિંદુ લગ્નજીવનની કઠોરતા અને વિષમતાને

કોઈ છોછ વિના

નિર્ભિક રીતે રજૂ કરી

બીજી સ્ત્રીઓને

બોલવાનું કહ્યું છે

 .

આવો,

આપણે બધા ભેગા થઈ

એની કવિતાનો બહિષ્કાર કરીએ !

 .

( પન્ના નાયક )

ચામાચીડિયું – ધીરેન્દ્ર મહેતા

રોજ રાતે

ભૂલું પડેલું

ચામાચીડિયું

મારા ઘરમાં પેસે;

ઊંધે માથે લટકવા

ગોતે જગા

ને

આમતેમ ભટકે

અહીંતહીં ભટકાય…

ઊંધમૂંધ પડ્યો હું

જોયા કરું,

ઊંધે માથે લટકવા

કેટલો પુરુષાર્થ !

 .

( ધીરેન્દ્ર મહેતા )

…હું ને કલમ બેઠા – લલિત ત્રિવેદી

 તપસ્વી તૃણ ઉપર બેઠા હો એમ હું ને કલમ બેઠા

સરસતી ! એક પગલું પાડવા હું ને જનમ બેઠા ?

 .

રૂઝવવા’તા અમુક આઘાત ઉજવવા’તા અમુક જજબાત

રૂડા બે-ત્રણ સ્મરણની જુઈમાં હું ને જખમ બેઠા ?

 .

કમળની પાંદડી છે કે તિલસ્માતી કોઈ સંધ્યા ?

સરોવર-શા મૃદુલ એકાંતમાં હું ને સ્વયમ બેઠા !

 .

ન ઘંટારવ હતા કોઈ કે ના તો ગુંજ અજાનોની

સબદના તારના અજવાસમાં હું ને સનમ બેઠા !

 .

ખુદા બેઠા’તા…હું બેઠો’તો ને લોબાન વ્હેતા’તા…

ખુદા ! આ કૈ ઈબાદતગાહમાં હું ને ભરમ બેઠા !

 .

( લલિત ત્રિવેદી )

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું;

રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!

 .

ઘેલા કેવા હતા ? વિચારી, આજે આવે હસવું;

ધૂન હતી, જ્યાં હાથ પહોંચે, શ્યામ નામ બસ લખવું !

મોરપિચ્છનાં વસન વીંટાળી, જઈ મધુવનમાં ઝૂમ્યાં;

ચંદ્રપ્રકાશે ભાળી, કહાનાનાં પદચિહ્નો ચૂમ્યાં !

થતું હતું ત્યારે, ઉદ્ધવજી ! હું તે શું નું શું છું !

રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!

 .

એક દિવસ પણ વીતે નહીં, માધવનાં મિલન વિનાનો;

અષ્ટગંધ મહેકે અંગે, જ્યાં સંગ કરું કહાનાનો !

વૈભવ સઘળો અસ્ત થયો, માધવ મથુરાએ જતાં;

નિશ્વાસી ઉચરું કેવળ : तेहिना दिवसा हता I

.

દર્પણ સઘળાં ફોડ્યાં, ઉદ્ધવ ! જોતાં વદન ડરું છું !

કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું;

રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!

 .

( વીરુ પુરોહિત )

વરસે તો – ધ્રુવ ભટ્ટ

તું જ કહે કે તારા વિના બીજું અમને કોણ કહી સમજાવે કે આ વાદળ વાદળ વરસે તો

વાટ વાતમાં ભીંજવતી આ ફરફર પાછી સાતે યુગમાં યાદ કરીને પાછળ પાછળ ફરશે તો

 .

નાનકડી આ વાત અવરને માનો કે સૂઝી ગઈ તોયે અંદર પેસી સમજે એને કેમ કરીને

સમજે તો પણ એ લોકો તો ભરી સભામાં અઘરું અઘરું કહેશે નહીં કે પ્રેમ કરીને

કહી દે નહીં તો વાદળથી વાસેલા ઘરમાં ક્યાંક આપણી ઝીણી ઝીણી જાત રણકશે તો

વાટ વાતમાં ભીંજવતી આ ફરફર પાછી સાતે યુગમાં યાદ કરીને પાછળ પાછળ ફરશે તો

 .

એ લોકોનું કહેવાનું તો એમ થાય કે વાદળ છે તે વરસે એમાં જરા જેટલું નવતર ક્યાં છે

અહીં કોઈને જાણ નથી કે રેશમ દોરે કૂવો સિંચતા ગાગર છટકી જાય તો એમાં અવસર ક્યાં છે

તું ને હું બસ બે જ જણાએ જાણ્યું છે કે જગમાં નહીં ને ક્યાંય કદીયે જળ પછવાડે જળ તરસે તો

તું જ કહે કે તારા વિના બીજું અમને કોણ કહી સમજાવે કે આ વાદળ વાદળ વરસે તો

 .

( ધ્રુવ ભટ્ટ )