સાચો કહું – ઈશિતા દવે

બંધ સાંકળ સ્હેજ જો ખખડાવ તો સાચો કહું,

તું હૃદયના બારણા ખોલાવ તો સાચો કહું.

 .

જઈ હિમાળે હાડ ગાળી નાખવા સ્હેલા જ છે,

જિંદગીના જંગમાં જો આવ તો સાચો કહું.

.

તું પરીક્ષા કાયમી લીધા કરે, દેતો ખરો,

દીપ પાણીમાં અહીં પ્રગટાવ તો સાચો કહું.

.

ચોપડીના ચાર પાનાઓ ભણાવે થાય નહિ,

અર્થ ટહુકાનો જરા સમજાવ તો સાચો કહું.

 .

કોઈની પણ હા હજુરી શું કર્યા કરવી ભલા,

ના ગમે તો રોકડું પરખાવ તો સાચો કહું.

 .

( ઈશિતા દવે )

…જવાનું છે – સાહિલ

તોફાન વીંધી સામા કિનારે જવાનું છે

ને એય તુંબડાના સહારે જવાનું છે.

.

ઝાલી અવરની આંગળી બે ડગલાં ચાલી લ્યો !

અંતે તો પંડના જ પનારે જવાનું છે.

 .

ઈચ્છા મુજબ જવાય છે ક્યાં કોઈ પણ સ્થળે,

જ્યાં પણ જવાનું એના ઈશારે જવાનું છે.

 .

નીચાં નિશાન રાખવાની વાત ના કરો

ધરતી ઉપરથી સીધા સિતારે જવાનું છે.

 .

તરતા રહો તો સાથ વમળનો નહીં છૂટે,

‘સાહિલ’ ડૂબ્યા પછી જ કિનારે જવાનું છે.

 .

( સાહિલ )

ગયો છું – ભગવતીકુમાર શર્મા

શોધી જો શકો, શોધજો, ખોવાઈ ગયો છું;

અંધારામાં હું જાતથી અથડાઈ ગયો છું.

.

સામેથી મને આવતો જોઈ હું હસ્યો’તો,

કિન્તુ  એ ગલીથી પછી ફંટાઈ ગયો છું.

 .

આવ્યો’તો આ દુનિયામાં લઈ લાગણી અઢળક;

અડધી જ સફરમાં ઘણો ખર્ચાઈ ગયો છું.

 .

થાવું જો પ્રગટ હોય તો આ છેલ્લી ઘડી છે;

ક્ષમતાથી વધારે હું વલોવાઈ ગયો છું.

 .

મધ્યાહ્નના સૂરજનો કશો ડર નથી મનમાં;

હું ચાંદની રાતોમાંયે અંજાઈ ગયો છું.

 .

મૃત્યુના ફરિશ્તાની જરૂરત ન કશી છે;

જઈ એને કહો કે હું સમેટાઈ ગયો છું.

 .

ઈચ્છો તો મને વચ્ચેથી ફાડી યે શકો છો;

કાગળ છું, ઘણી વાર વંચાઈ ગયો છું.

 .

( ભગવતીકુમાર શર્મા )

કદાચ હું રહીશ – સુચિતા કપૂર

કાલે હું નહીં હોઉં

તારી આંખેથી એક આંસુ બની વહી જઈશ.

અને કોઈ ખૂણામાં એક યાદ બની રહી જઈશ.

 .

મારા રાગ મૌન હશે,

તારા મુખેથી એક બોલ બની વહી જઈશ.

અને તારા કાનમાં એક પડઘો બની રહી જઈશ.

 .

મારી આંખો બંધ હશે,

તારી નજરોથી એક દ્રશ્ય બની સરી જઈશ.

અને કોઈ દીવાલ પર એક તસવીર બની રહી જઈશ.

 .

મારા હોઠ બીડાયેલા હશે,

તારા મનમાંથી એક સ્મિત બની સરી જઈશ.

અને કોઈ વાતમાં એક યાદ બની રહી જઈશ.

 .

કાલે હું નહીં હોઉં,

હશે તો માત્ર પડઘા,

હશે તો માત્ર યાદો,

હશે તો માત્ર તસવીર,

હશે તો માત્ર વાતો.

ત્યારે,

ત્યારેય કદાચ હું રહીશ,

રહીશ તો તારા હૃદયમાં,

રહીશ ને ?

 .

( સુચિતા કપૂર )

સંબંધ – એષા દાદાવાળા

10692

મેં પૂછ્યું, ‘હજી યે  કહેવાની જરૂર ખરી કે હું તમને પ્રેમ કરું છું ?’

‘હા… કહેવું તો પડે જ ને’ એણે જવાબ આપ્યો

હું હસી, ‘મને એમ કે તમે સમજી જશો…’

એ પછી બધી જ વાતો કહેવી પડતી…

પ્રેમ કરું છું, રિસાઈ ગઈ છું, ગુસ્સો આવ્યો છે, કશું ગમતું નથી…

આવું બધું જ કહી – કહીને થાકી ગયેલી મેં

એક દિવસ કશું જ કહેવાનું છોડી દીધું

તે એક સાંજે

ડૂબતા સૂરજ તરફ આંગળી ચીંધી એણે પૂછ્યું,

‘હજી યે કશું કહેવાની જરૂર ખરી ?’

મેં જોયા કર્યું એની તરફ

એ હસ્યો, કહે, ‘મને એમ કે તું સમજી જશે…’

એ દિવસથી મારી બાલ્કનીએ પેલા ડૂબતા સૂરજને હથેળીનો ટેકો આપી બેઠી છું

એની ગરમીથી બળી ગયેલા હાથ મારા શરીર પરથી ખરી પડવાની તૈયારીમાં છે

અને લાલ થઈ ગયેલું આખું આકાશ મારી સામે જોઈને ખંધુ હસ્યા કરે છે…!!

 .

( એષા દાદાવાળા)

નથી કારણ – મધુમતી મહેતા

નથી કારણ છતાંયે વાતમાં કંઈ ફર્ક આવે છે,

જરા જુદા સ્વરૂપે આજ તારું દર્દ આવે છે.

 .

બધી આશા અને ઈચ્છા લઈને બંધ હાથોમાં,

સમયની પારથી માના ઉદરમાં ગર્ભ આવે છે.

 .

તમે આ આમ ઝંઝા થઈ અને ઘેરો નહીં અમને,

ઝીણી ફૂંકે બુઝાવામાં અમારો વર્ગ આવે છે.

 .

સમેટું છું મને આંખો કરીને બંધ મારામાં,

અને નવતર સ્વરૂપે મોત તારો અર્થ આવે છે.

 .

અરે મહેતા તમે જલસા કરો શી છે ફિકર તમને,

તમે જ્યાં જાવ છો પાછળ તમારી સ્વર્ગ આવે છે.

 .

( મધુમતી મહેતા )

જનમોજનમની પ્રાર્થના – સુરેશ દલાલ

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

કાળી રાતને, વાતને, સદીઓની જમાતને

ચીરીને પ્રકટો.

ઈતિહાસનાં જુઠ્ઠાં જંગલોને બાળી નાખો.

હજીયે અમે એના એ જ વિષચક્રમાં

શાણપણની મશાલ લઈને

ભટક્યા કરીએ છીએ

પાગલોનાં પગલાં ગણતા.

 .

યુદ્ધ, હારજીત, પ્રપંચ, કાવાદાવા, છળકપટ

તીર, તલવાર, ભાલા, અશ્વ, હાથી

બંદૂક, ટેન્ક, વિમાન, તોપ…

કોઈ કેમ હજી લગી થાકતું પણ નથી ?

 .

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

( સુરેશ દલાલ )

હું માણસ – સુરેશ દલાલ

હું માણસ તરીકે જન્મ્યો ન હોત

તો કદાચ વૃક્ષ થયો હોત

કે કદાચ પંખી

કે કદાચ તારો

કે કદાચ માછલી

કૈંક તો થયો હોત.

 .

પણ,

હું માણસ ન થયો હોત તો,-

વૃક્ષની લીલાને

શબ્દશબ્દમાં આલેખતે કોણ ?

કોણ ગાતે આકાશની છટા

ને સમુદ્ર-મુદ્રા સાંભળતે કોણ ?

પણ, સારું થયું કે આપણે માણસ થયા

નહીંતર માણસની વ્યથાને જાણત કેમ ?

 .

( સુરેશ દલાલ )

મને ફાવે નહીં – મધુમતી મહેતા

છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં,

હું છું ચોમાસું, અટકવાનું મને ફાવે નહીં.

 .

ફૂલ જો રાખો બિછાવી તો વળી આવી જશું,

ઠોકરો ખાતાં સિસકવાનું મને ફાવે નહીં.

.

હું સતત પહેરું મને ગમતા ભરમનો અંચળો,

મોસમોની જેમ ફરવાનું મને ફાવે નહીં.

 .

હું જડીબુટ્ટીનો પર્વત ઊંચકી લાવી શકું,

પણ ચરણમાં પુષ્પ ધરવાનું મને ફાવે નહીં.

 .

માતૃભાષાને કરું વંદન ગઝલ ને ગીતથી,

બોલી બોલીને વિરમવાનું મને ફાવે નહીં.

 .

( મધુમતી મહેતા )

તું આવશે – અનંત રાઠોડ

તું આવશે જરૂર એ સૌ ધારણાનું ખૂન

આજે કરી દઈશ હું આ બારણાનું ખૂન

 .

પાછા વળેલ પગલાંની સાચી હશે ખબર,

કહેતા હતા કે થઈ ગયું આંગણાનું ખૂન

 .

તું જઈ અને કરી દે પ્રથમ કેદ સૂર્યને

એના પછી કરીશું એ તાપણાનું ખૂન

.

મારા સુધીય હું હવે પહોંચી શકી નહીં

અંદરથી રોજ થાય છે મારાપણાનું ખૂન

 .

( અનંત રાઠોડ )