http://heenaparekh.com/2011/03/26/shamna-ne-futi-chhe-pankho/

શમણાને ફૂટી છે પાંખો
લઈને નસીબ આજ આવ્યું જીવનમાં અણિયાળી નમણી એ આંખો
.
વર્ષોથી સૂના આ આંગણમાં આજે શૈશવના પગરવ થયા
સંકોરી જાતને બેઠેલાં સ્પંદન અચરજથી ઊભાં થયાં
ઉજ્જડ વેરાન સાવ સુક્કી ક્ષિતિજે
ઘેરો અંધાર થયો ઝાંખો
.
ચહેરા પર વીખરાતી વ્હાલપની ભાષાને શોધવાની બોલવાની કેવી મજા
રેશમિયા ગાલો પર તરવરતી લજ્જાને છેડવાની તેડવાની કેવી મજા
પોતાની જાત કદી ઓર વ્હાલી લાગે
આયનામાં ઝીણવટથી ઝાંકો
.
રોમરોમ ઊગતી સવારોના ક્યારામાં સ્પર્શ એક મનગમતો ફૂટે
કૂંપળની સાથ પ્રેમ એવો વધે કે વૃક્ષોનાં વળગણ પણ ચૂટે
આંખોને સોંસરવી બંધ કરી ચેહેરાને
નાજુક હથેળીથી ઢાંકો
.
( હિતેન આનંદપરા )



2 Comments
“રોમ રોમ ઉગતી સવારો ના ક્યારામા સ્પર્શ એક મનગમતો ફુટે,
કુંપળ ની સાથે એવો પ્રેમ વધે કે વ્રુક્ષો નુ વળગણ પણ છુટે…
વાહ…..
…………..