Archives

પ્રકૃતિના જીવોનાં-સાહિલ

પ્રકૃતિના જીવોનાં સાવ મન સરળ આપ્યાં,
માત્ર માણસોનાં મન કેમ તેં અકળ આપ્યાં.

ઉમ્રભર રહ્યાં તરતાં-તોય તળ નથી પહોંચ્યાં,
પોપચાંનાં ઉંદાણો કેટલાં અતળ આપ્યાં.

આપણા હિસાબો લ્યો સાવ થઈ ગયા સરભર,
તેં મને વમળ આપ્યા મેં તને કમળ આપ્યાં.

તારી મહેરબાનીને ઝંખીએ જનમ આખો,
એટલાં જ માટે તેં ક્યાં તરસને તળ આપ્યાં.

કાચઘરમાં લોકોને તેં ઉતારા દીધા છે,
સાથમાં પરિચય ના પામે એવાં છળ આપ્યાં.

તેં કશું નથી આપ્યું એમ ક્યાં હું કહું છું હું,
જળ જરૂર આપ્યાં પણ બંધિયાર જળ આપ્યાં.

એ જ એક વાતે તેં ઓશિયાળ કીધો છે,
શબ્દ આપી ‘સાહિલ’ને વિશ્વ તેં સકળ આપ્યાં.

( સાહિલ )

કવિતાનું પોત-ડો. નેહલ વૈદ્ય

કવિતાનું
પોત
આમેય સાવ પાતળું
‘સરી જતી રમ્ય વિભાવરી’
જેવું કંઈ નહિ.
વિચારોના તાંતણા
તૂટે
બટકે
આમતેમ
લટકે
ઓળખની
ગૂંથણીમાં
ક્યાંક સાવ ખટકે.
મનના ભાવો
શબ્દોની લગોલગ આવીને
અટકે.
હૈયું, આંખ, હથેળી
ભીંજવે
એક ઝટકે.
મન એકાંતને
ખૂણે
ઝીણું ઝીણું
એકલું
બળે
કટકે કટકે.

( ડો. નેહલ વૈદ્ય )

તરફડીને આવ્યા-તુરાબ ‘હમદમ’

આભને જાણે અડીને આવ્યા,
શોણલાં ઘોડે ચડીને આવ્યા.

એ જ છે સાચા સખા સાચા સગા,
એક બસ હાકલ પડીને આવ્યા.

હર્ષમાં પણ અશ્રુ ડોકાઈ ગયા,
દુ:ખ અહીં પણ દડદડીને આવ્યા.

આ કસોટી છે કવિતાની ખરી,
શબ્દ પણ અહીં તરફડીને આવ્યા.

કાલ જેનો ભાવ પૂછાતો નહિ,
આજ એ હીરા જડીને આવ્યા.

ના થવાનું થાય છે હમદમ અહીં,
આપણે ઘોડા ઘડીને આવ્યા.

( તુરાબ ‘હમદમ’ )

એ જ માળા-પ્રફુલ્લ પંડ્યા

એ જ માળા, એ જ મણકા, એ જ ભણવાનું હતું,
અર્થ એથી નવ સર્યો, ભલે ને ભણવાનું હતું!

દુ:ખ છે કે દાખલો ખોટો પડી ઊભો રહ્યો,
રીત એની એ જ, કારણ ભૂલ પડવાનું હતું.

એક પછી એક અવઢવે પૂરું થવા દીધું નહીં,
જે હૃદયના ભાવથી, એક મંદિર ચણવાનું હતું!

જ્યાં પ્રેમ છે ત્યાં સર્વ વાતનો સાર પણ આવી ગયો,
પ્રેમમાં હંમેશ ચઢવાનું ને પડવાનું હતું.

આ લોહીના સંબંધમાં આખર શું ખોવાનું હતું ?
હું મને પૂછતો રહયો ને દિલને બળવાનું હતું!

હું ધારતો’તો હાસ્યથી નિષ્પન્ન કશું થૈ જાય તો,
પણ સિકલ બોલી ઊઠી કે ખૂબ રડવાનું હતું!

( પ્રફુલ્લ પંડ્યા )

વેઠ્યો છે સદા-ભાવેશ ભટ્ટ

વેઠ્યો છે સદા ભાગ્યના અંધારનો બકવાસ,
સાંભળતા રહ્યા કૈં મદદગારનો બકવાસ.

સમજી ન શકી છત કે શું કહેવું હતું એને,
વરસાદે કર્યો આજ ગજા બહારનો બકવાસ.

એમાંથી જીવન-મંત્ર મળી જાય છે ક્યારેક,
બેકાર ન સમજો કોઈ બેકારનો બકવાસ.

એ મંચ ઉપર હોય કે એ મંચની નીચે,
બેમાંથી હતો ક્યાંક કલાકારનો બકવાસ.

ગભરાટ હતો સહેજ મને એનાં વિશેના,
પણ એને ગમ્યો સ્પર્શના ધબકારનો બકવાસ.

( ભાવેશ ભટ્ટ )

નો’તી ખબર-સુરેશ ઝવેરી

પીઠ પાછળ ઘા થશે નો’તી ખબર,
આટલી વ્હા વ્હા થશે નો’તી ખબર.

જેમણે મારી સમસ્યાઓ ગણી,
એક બે બાવા થશે નો’તી ખબર.

એકના અડધા થયા જોયું અમે,
છેવટે પા પા થશે નો’તી ખબર.

ખાનગી રાખી શક્યા ના આપણે,
વાતના વાજા થશે નો’તી ખબર.

હુલ્લડોની વાત જેવી નીકળી,
પથ્થરો તાજા થશે નો’તી ખબર.

‘બેફિકર’ને કોઈ સમજી ના શક્યું.
ઝેરથી સાજા થશે નો’તી ખબર.

( સુરેશ ઝવેરી )

આવી જા-રશીદ મીર

સાંજ આવી છે આવ, આવી જા,
હું છું એકાકી સાવ, આવી જા.

તારકોએ રચ્યો છે ચંદરવો,
છે અજબ ધૂપ-છાંંવ, આવી જા.

તારી ખાતર છે વૈભવો સઘળા,
છે બધા રખરખાવ, આવી જા.

તું કસોટીના રઢ કરે છે શું ?
કોઈ પણ રીતે તાવ, આવી જા.

કાફલો દૂર ગયો છે નીકળી,
આ છે અ6તિમ પદાવ, આવી જા.

આમ તો મીરે-કારવાં છું મગર,
બસ છે તારો અભાવ, આવી જા.

( રશીદ મીર )

કુરિયર-ભાવેશ ભટ્ટ

દરરોજ મળે છે મને સળિયાનું કુરિયર,
મોકલ કદી પીંછાનું કે ટહુકાનું કુરિયર!

જ્યાં માંડ નવોઢાએ કર્યું સાફ ઘર આખું,
ત્યાં ક્યાંકથી આવ્યું જૂનાં ડાઘાનું કુરિયર!

એ ચીજ તમારી હતી ને મોકલી તમને!
તો કેમ તમે ફાડ્યું પ્રતીક્ષાનું કુરિયર!

ભરપાઈ નથી થઈ શકી મારાથી એ ક્ષણની,
આવી’તી જે ક્ષણ લઈ કોઈ ચહેરાનું કુરિયર!

આશ્ચર્ય પમાડી દે તું પહોંચીને અચાનક,
મોકલ ન કિનારાને ઈરાદાનું કુરિયર!

શું વાત છે દીકરીનો થયો આજ જનમ ત્યાં!
નાસ્તિકના ઘરે પહોંચ્યું છે શ્રદ્ધાનું કુરિયર!

( ભાવેશ ભટ્ટ )

ગુજરી જાય-કિરણસિંહ ચૌહાણ

સઘળા પ્રશ્નો, સઘળા ઉત્તર ગુજરી જાય,
મારી સાથે મારો ઈશ્વર ગુજરી જાય.

ધ્યાન ન આપું એની અદ્ધર વાતો પર,
એ વાતો અદ્ધર ને અદ્ધર ગુજરી જાય.

બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.

તેથી તો ઈતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.

જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.

( કિરણસિંહ ચૌહાણ )

ફરી શકતો નથી-કુમાર જૈમિની શાસ્ત્રી

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે,
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી.

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું,
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે-
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર,
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે,
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.

( કુમાર જૈમિની શાસ્ત્રી )