Category Archives: કવિતા-સમગ્ર

ત્રણ કૃષ્ણ કાવ્યો-યોગેશ જોષી

(Devansh Raval, Valsad as Kanha)

.

દૂરથી

વહી આવતા

વાંસળીના સૂરનો

હળવોક

સ્પર્શ થતાં જ

વાંસવનમાં

વાંસ વાંસને

ફૂટ્યા ફૂલ !

*

પહાડ આ ઊઠાવવાને પ્રેમનો;

આંગળી મેં કૃષ્ણની માગી હતી.

*

મારગ

.

નથી મારા માથે ટોપલો.

નથી ટોપલામાં નવજાત કાનુડો.

નદીમાં ઊમટેલાં

ગાંડાતૂર પૂર જોઈને જ

ઝંપલાવ્યું’ તું આ…મ…

ને તોય

કેમ આ પાણી

બે ભાગમાં વહેંચાઈ જઈને

કરી આપે છે મારગ ?!

ક્યાં લઈ જવા ?!

.

( યોગેશ જોષી )

 

કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?-કૃષ્ણ દવે

.
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
ધૂળમાં એક-બે જોઈ પગલી જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને !
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈ ને ?
.
ખેલતું, કૂદતું, શોધતું ગોદને, હૂંફનું બારણું જ્યાં સ્વયમ્ ખુલતું,
પાંપણોમાં પ્રવેશી જતું હોય શું ? આંખ મીંચી જતું ઝૂલતું ઝૂલતું,
કંઠ કોનો હશે ? ગીત કોના હશે ? કોણ પોઢાડતું હોય છે ગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
.
લ્હેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છશાં પર્ણમાં,
કોણ ગવડાવતું ગીત આ મર્મરી ? કૂંપળોના સ્વરો ગુંજતા કર્ણમાં,
કોણ આવે અને જાય પળમાં વળી, વ્હાલ કરતું રહે આમ લહેરાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
.
માત્ર હુંકારથી ગર્જનોથી ભર્યું જે નહીં સંભવે સિંધુના ક્હેણથી,
સ્હેજ ભીનાશથી, સ્હેજ મીઠાશથી, એ બધું સંભવે બિંદુ ના વેણથી,
કોણ મ્હેકી જતું હોય છે શ્વાસમાં ! કોણ ઉઘડી જતું હોય રંગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
.
( કૃષ્ણ દવે )

જ્યારે બજરંગબલી જાગશે !-કૃષ્ણ દવે

જ્યારે બજરંગબલી જાગશે !

લંકામાં આગ ફરી લાગશે, જ્યારે બજરંગબલી જાગશે !
એક ગદામાં જુઠ્ઠાણું ભાંગશે, જ્યારે બજરંગબલી જાગશે !

સેવા હનુમાન કરે એવું ઈચ્છો છો તો પહેલા તો લઈ આવો રામ
ભાગેલી નહીં એ તો જાગેલી જીન્દગીના દોડી દોડીને કરે કામ

ચરણરજ એની એ માથે ચડાવશે ને બેસવાનું સામેથી માંગશે

જ્યારે બજરંગબલી જાગશે !

આ તો છે આખ્ખી’યે દુનીયાના દાદા ને દાદાને સળીયું ના હોય
વિકૃતિ જન્મે જ્યાં એવા દિમાગની તો સાફ સૂફી કરો ધોઈ ધોઈ

મંદિરને બદલે શોકેશ બની જાશે ત્યાં જેને હનુમંતપણું ત્યાગશે

જ્યારે બજરંગબલી જાગશે !

(કૃષ્ણ દવે)

ફરી શકતો નથી-કુમાર જૈમિની શાસ્ત્રી

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે,
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી.

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું,
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે-
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર,
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે,
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.

( કુમાર જૈમિની શાસ્ત્રી )

માધવને પ્રશ્ન-દિનેશ ડોંગરે

ગોકુળમાં ઝૂરતી રાધા ને
મીરાં થઈ છે દીવાની મેવાડમાં,
મથુરામાં માધવને પૂછો કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

રાધાનાં શમણાં થઈ જાયે સાકાર
પછી મીરાંની ભક્તિનું શું ?
મીરાં ધારોકે કરે વૈતરણી પાર
તો રાણાની આસક્તિનું શું ?

ક્યારેક આંગળીએ ઊંચકો ગોવર્ધન
ક્યારેક જઈ બેસો છો પહાડમાં
મથુરામાં માધવને પૂછે કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

ગોધૂલી ટાણે ઝાલર બજે ને
પછી વાંસળીના સૂર રેલાય,
ગોકુળ, મથુરા, વૃન્દાવન, દ્વારકા
બધે તારી જ ફોરમ ફેલાય.

રાધા ને મીરાં તો જીભે ચઢી
સોળ-સહસ્ત્ર ધબકે છે નાડમાં…
મથુરામાં માધવને પૂછે કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

( દિનેશ ડોંગરે )

સુવાસ લૈ-મનીષ પરમાર

શબ્દ આવ્યા હોય તારા શ્વાસ લૈ,
આ હવા તારી ફરે સુવાસ લૈ.

પાંપણો ખૂલી રહી અંધારમાં,
ક્યાં ગયા છો આંસુનો અજવાસ લૈ ?

થોડુંક નીચે નમ્યું’તું ડાળ પર,
પંખી તો ઊડી ગયું આકાશ લૈ.

તોય હું મૃગજળ સુધી પહોંચ્યો નહીં-
કેટલા જનમોની જૂની પ્યાસ લૈ.

દાટવાને ક્યાંય મળતી ક્યાં જગા ?
ક્યારનો ઊભો હતો હું લાશ લૈ.

( મનીષ પરમાર )

શીરીં નથી-ચીનુ મોદી

શીરીં નથી ને ક્યાંય તે ફેરફાર પણ નથી,
સાકી નથી, સુરા નથી, ‘ઈર્શાદ’ પણ નથી.

પંખીની આંખો ખૂલી, આકાશ ના દીઠું,
પાંખોને તે વાતની ફરિયાદ પણ નથી.

આંસુનાં પૂર આવતાં એ નદી નથી,
કોણે કહ્યું કે દેશમાં વરસાદ પણ નથી.

મારા ઘરેથી તારા ઘરે આવતા લગી,
નડતર હતાં કે ન હતાં, યાદ પણ નથી.

હાથે પગે બેડી છે ને શ્વાસ પર સાંકળ,
ફાંસીની સજા છે અને જલ્લાદ પણ નથી.

( ચીનુ મોદી )

પ્રશ્ન સાચો છે-એસ. એસ. રાહી

સૂરજ ઊગ્યા પછી શાને ઢળે છે ? પ્રશ્ન સાચો છે,
ને શાને ચાંદને કેવળ મળે છે ? પ્રશ્ન સાચો છે.

તું બારીમાં ચણાવે ભીંત તો લોકો મને પૂછે,
‘કયા હેતુથી તમને સાંકળે છે ?’ પ્રશ્ન સાચો છે.

હૃદયના શંખનાદો તું નથી જો સાંભળી શકતી,
તો મારું મૌન ક્યાંથી સાંભળે છે ? પ્રશ્ન સાચો છે.

સરોવરની સપાટી પર નીરવતા ગાય છે ગીતો,
ને તળિયું છીછરું કાં ખળભળે છે ? પ્રશ્ન સાચો છે.

દીવાઓ પણ નથી બળતા ને અજવાળું થયું છે ગુમ,
ને આખી રાત કાં માચીસ બળે છે ? પ્રશ્ન સાચો છે.

( એસ. એસ. રાહી )

તો પછી શું કરો તમે ?-એસ. એસ. રાહી

ભીંતો જ ખળભળે તો પછી શું કરો તમે ?
બારીને કળ વળે તો પછી શું કરો તમે ?

અધમણ લઈને બાજરો બેઠા છો તમે પણ,
ઘંટીના પડ ગળે તો પછી શું કરો તમે ?

ચહેરો છુપાવવાના કરો યત્ન તમે પણ,
પરદાઓ ટળવળે તો પછી શું કરો તમે ?

શઢનો ને હલેસાનો ભરોસો કરો વધુ,
જો નાવ ઊછળે તો પછી શું કરો તમે ?

મંઝિલ નજીક હોય ને પહોંચાય તરત પણ,
રસ્તો જ ખુદ વળે તો પછી શું કરો તમે ?

( એસ. એસ. રાહી )

અંતિમ શ્વાસ-કૃષ્ણ દવે

ઘાયલોની મુલાકાતે અતિ ઉત્સાહભેર દોડી આવેલ તેઓશ્રીને
લેવાઈ રહેલા એક અંતિમ શ્વાસે કહ્યું, આપ થોડાક મોડા પધાર્યા હોત તો !!

મારે અંતિમ વખત ચૂમી લેવી હતી નાની નાની હથેળીઓને,
મારે છેલ્લી વખત જોઈ લેવો હતો સિંદુરના રંગમાં ઓગળી જતો એક ચહેરો,
મારે છેલ્લી વખત સ્પર્શી લેવી હતી ભાંગી પડેલી એ લાકડીને,
મારે મારો અંતિમ શ્વાસ લેવોહતો એ જ હુંફાળા ખોળામાં.

અફસોસ ! મારા અંતિમ સમયે જ મારા પરિવારના
ડૂસકાં ધકેલાઈ ગયા ખાખી દીવાલોની પેલે પાર !!

હું સમજી શકું છું મારા મૃત્યુ કરતાં આપશ્રીની સુરક્ષા વધારે કીમતી છે.

પરંતુ આપ થોડાક મોડા પધાર્યા હોત તો !!

( કૃષ્ણ દવે )