ફોન કરજે…!-રિષભ મહેતા

સૂરજ આથમે તો તરત ફોન કરજે…!

કશું ટમટમે તો તરત ફોન કરજે…!

બધા અણગમા ને બધી ચીઢ વચ્ચે-

કશુંક પણ ગમે તો તરત ફોન કરજે…!

મને કોઈ ગમતું નથી આ જગતમાં-

તને જો ગમે તો તરત ફોન કરજે…!

કદી કોઈ સપનાની હત્યાને દેખી

હ્રદય કમકમે તો તરત ફોન કરજે…!

હું ત્રાસી ગયો છું સખત કોલાહલથી

કશું છમછમે તો તરત ફોન કરજે…!

પ્રણયની હજી તો શરૂઆત છે આ

એ ઊભરો શમે તો તરત ફોન કરજે…!

હિમાલય છે એ હું ય જાણું છું કિન્તુ-

કદી એ નમે તો તરત ફોન કરજે…!

કદી અશ્રુ પણ રક્તબિન્દુની જેમ જ-

નયનમાં ઝમે તો તરત ફોન કરજે…!

( રિષભ મહેતા )

એક પંખી-મંગળ રાઠોડ

એક પંખી

ઊડીને

જઈ બેઠું

દૂરના એક ઝાડ પર

ને સમજાઈ ગયો મને

આપણો સંબંધ!

કેટલું સ્વાભાવિક હોય છે

એક પંખીનું ઊડી જવું!

એ ન ઊડી જાય

તો જ  લાગે નવાઈ.

બસ આટલી જ વાત છે.

આટલી અમથી વાત પર

તું રડે છે?

જો ઊડીને

આવી રહ્યું છે દૂરથી

એક પંખી બીજું

તારી તરફ.

થાય છે હવે તું ખુશ.

બસ આટલી જ વાત છે.

આટલી અમથી વાત પર

હજીય ક્યાંક કોઈક રડે છે….!

( મંગળ રાઠોડ )

Happy Diwali & Prosperous New Year

સદગુણોનો…સદવિચારોનો…

આપણા દરેકમાં રહેલી સચ્ચાઈનો

ઉત્સવ એટલે દીપોત્સવ

સમૃધ્ધિ..સંસ્કૃતિ..અને સૌજન્યના

દીવાં ઘરે ઘરે પ્રગટે

એજ મારી શુભેચ્છા

સૌને દિવાળી અને નૂતન વર્ષના હાર્દિક અભિનંદન

 

પારેખ પરિવાર

જોયા કરું-જગદીશ ભટ્ટ

ઊઘડે છે દ્વાર ભીતર બહાર જોયા કરું!

તેજનો અંબાર અપરંપાર પણ જોયા કરું!

આગળા સહ ભોગળો ને સાંકળો તૂટ્યા કરે,

વા-ઝડીનો વેગ પારાવાર પણ જોયા કરું!

કોણ આવીને ટકોરે બારણાં મધરાતનાં,

ના મળે કો ચિહ્ન કે આધાર પણ જોયા કરું!

વાદળી આકાશમાં સરતી ભલે, વરસી નથી,

ભીતરે વરસાદ અનરાધાર પણ જોયા કરું!

તાલમાં બેતાલ એવા કાફલાની સાથમાં,

ના મળે સંવાદનો વેવાર પણ જોયા કરું!

થાક્યો નથી પણ થાકવાની વાતથી માહેર છું,

પંથની પાછી ફરે રફતાર પણ જોયા કરું!

તંતને તોડ્યા પછી બસ તાંતણે લટકી રહે,

જિંદગીઓ એ જ છે અણસાર પણ જોયા કરું!


( જગદીશ ભટ્ટ )

હાથની ક્ષિતિજમાં-અબ્દુલ ગફાર કાજી

હાથની ક્ષિતિજમાં

ડૂબતી જોઉં છું

સ્પર્શની સંધ્યા

સ્મૃતિની ગોધૂલી ઊડતી હોય છે

પાદરના અરીસામાં

દોસ્ત,

કેટલીક યાદો આંસુ બનીને

ટપકતી હોય છે

ટેરવાંની આંખમાંથી.


( અબ્દુલ ગફાર કાજી )